Source : BBC NEWS

અપડેટેડ 49 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 4 મિનિટ
ઉનામાં દલિત યુવાનો સાથે મારઝૂડ મામલે સોમવારે વેરાવળની સ્થાનિક કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં પાંચ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે અન્ય 35નો નિર્દોષ છુટકારો થયો છે.
સ્થાનિક અદાલત દ્વારા આ કેસમાં સજાની જાહેરાત મોકૂફ રાખવામાં આવી છે અને મંગળવારે ચુકાદો સંભળાવશે.
વર્ષ 2016માં ઉનામાં સમઢિયાળા ખાતે કથિત ગૌરક્ષકોએ મૃત ગાય લઈ જઈ રહેલા દલિત યુવકો સાથે મારઝૂડ કરી હતી, જેનો વીડિયો મીડિયા તથા સોશિયલ મીડિયા ઉપર વ્યાપક રીતે વાઇરલ થયો હતો.
માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ આ ઘટનાના પડઘા સંભળાયા હતા અને ગુજરાત તથા ભારતમાં દલિતોની સ્થિતિ વિશે ચર્ચા થઈ હતી.
એ પછી ગુજરાત સરકારે આ કેસની તપાસ સીઆઈડી-ક્રાઇમને સોંપી હતી અને સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યુટરની નિમણૂક કરી હતી.
સ્થાનિક અદાલતે શું ચુકાદો આપ્યો?
ઇમેજ સ્રોત, Social Media
બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયા જણાવે છે, “આ કેસમાં કુલ 43 આરોપી હતા, જેમાંથી બે બનાવ સમયે સગીર હતા, એટલે તેમનો કેસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં ચાલી રહ્યો છે.
બાકીના 41 આરોપીમાંથી એકનું કેસની કાર્યવાહી દરમિયાન મૃત્યુ થયું હતું, એટલે તેમની સામેનો કેસ પડતો મૂકાયો હતો. અદાલતે પાંચ આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા, જ્યારે અન્ય 35 આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયેલો છે.”
ગીર-સોમનાથના જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું, ‘વેરાવળના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે. જે. પંડ્યાની અદાલતમાં કેસ ચાલ્યો હતો. જેમાં આરોપી રમેશ ભગવાન જાદવ, નાનજીભાઈ ડાહ્યાભાઈ, પ્રમોદગિરિ રમેશગિરિ ગોસ્વામી, બળવંતગિરિ ઉર્ફે બલિ, ધીરુ ગોસ્વામી આ બધાને તકસીરવાન ઠેરવ્યા છે.’
‘તેમની સામે ઇપીકોની (ઇન્ડિયન પીનલ કોડ) કલમ 323, 324, 342 અને 504 અન્વયેનો ગુનો સાબિત માનેલો છે. તેમજ ઍટ્રોસિટી ઍક્ટ -1989ની કલમ 3(1)(ડી), 3 (1) (ઈ), (આર), (એસ), (યુ) હેઠળ પણ તકસીરવાન ઠરતા હોવાનું કોર્ટે જાહેર કર્યું છે.’
કેતનસિંહ વાળાએ જણાવ્યું હતું કે કેસ દરમિયાન 240 જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા હતા. જેમાં પ્રત્યક્ષદર્શીઓ, મેડિકલ અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ સામેલ હતા.
બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયા સાથે વાત કરતાં સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કહ્યું કે કોર્ટે ચાર પોલીસ અધિકારીઓએ સામેનો પુરાવો ગ્રાહ્ય રાખ્યો નથી અને તેમને નિર્દોષ છોડી મૂક્યા છે.
તેમણે કહ્યું ,”પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર ફરજમાં બેદરકારી દાખવવાનો કેસ હતો. ઉના પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર નિર્મલ ઝાલા સહિત પાંચ પોલીસ કર્મચારીઓ સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ નિર્મલ ઝાલાનું અવસાન થતા તેમની સામેનો કેસ પડતો મુકવામાં આવ્યો હતો અને અન્ય કર્મચારીઓ સામેનો પુરાવો કોર્ટે ગ્રાહ્ય રાખ્યો નથી અને તેમને છોડી મૂકયા છે.”
સરકારી વકીલે એમ પણ જણાવ્યું કે હાલ બધા જ આરોપીઓ જામીન પર છે અને તેથી જેલની બહાર છે.
પીડિત બાલુભાઈ સરવૈયા અને તેનો પરિવાર મોટા સમઢીયાળામાં રહે છે જયારે તેમના સંબંધી તેવા અરજનભાઇ બાબરીયા બેડીયા ગામના વાતની છે.
જેમને સજા પડી છે તે પાંચેય વ્યક્તિ મોટા સમઢીયાળા ગામની આજુબાજુનાં ગામોના તથા ઉના શહેરના રહેવાસી છે.
મુખ્ય આરોપી રમેશ ભગવાન જાદવ સામતેર ગામના રહેવાસી છે જયારે નાગજી ડાહ્યા વાણીયા બેડીયા ગામના રહેવાસી છે. પ્રમોદગિરિ રમેશગિરિ ગૌસ્વામી સીમર ગામના રહેવાસી છે. રાકેશ રસિક જોશી અને બળવંતગિરિ ગૌસ્વામી ઉના શહેરના રહેવાસી છે.
કોર્ટ દ્વારા દોષિત જાહેરા કરાયેલ રાકેશ રસિક જોશી, પ્રોમોદગીરી રમેશગિરિ ગૌસ્વામી અને બળવંતગિરિ ગૌસ્વામીના વકીલ વી.સી. મહાવદીયાએ બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયા સાથે વાત કરતાં જણાવ્યું : “કોર્ટે આજે દોષિત ઠેરવતો ચુકાદો સંભળાવ્યો છે, પરંતુ સજા માટેની સુનાવણી મંગળવારે મુકરર કરી છે. તેથી, અંતિમ ચુકાદો કાલે (મંગળવારે) આવશે. આખરી ચુકાદો હજુ બાકી હોવાથી હાલ અમે કોઈ પ્રતિક્રિયા આપવા માંગતા નથી.”
ફરિયાદી વશરામ સરવૈયાએ મીડિયા સાથેની વાતચીતમાં આ ચુકાદાને ‘નિરાશાજનક’ ગણાવ્યો હતો અને તેને હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી હતી.
શું છે આ મામલો?

તારીખ 11 જુલાઈ 2016ના રોજ, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના મોટા સમઢીયાળા ગામમાં એક દલિત પરિવારના સાત સભ્યો મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા.
બે કારમાં આવેલા કેટલાક માણસો તેમની પાસે આવ્યા અને તેમણે ગૌરક્ષકો હોવાનો દાવો કર્યો. અને તેમના પર ગાયની હત્યા કરવાનો આરોપ લગાવ્યો.
કથિત ગૌ રક્ષકોએ દલિતોને કાર સાથે બાંધી દીધા અને લાકડીઓ, લોખંડનાં પાઇપો અને છરીથી માર માર્યો. તેમાંથી ચારને કારમાં ઉના શહેરમાં લાવવામાં આવ્યા, કપડાં ઉતારી દેવામાં આવ્યાં અને ફરીથી જાહેરમાં હુમલો કરવામાં આવ્યો.
જ્યારે પોલીસ આવી, ત્યારે હુમલાખોરો તેમની કારમાં ભાગી ગયા. આ હુમલો વીડિયોમાં રેકૉર્ડ કરવામાં આવ્યો અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થયો અને આ મામલે ચકચાર જાગી હતી.
14 જુલાઈના રોજ દલિતોને ઉનાની હૉસ્પિટલમાં અને પછી રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પીડિત યુવાનોને હૉસ્પિટલમાં ખસેડાયા બાદ મામલો વધુ ગંભીર બનતા તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ, દિલ્હીના તત્કાલીન મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને કૉંગ્રેસના તત્કાલીન ઉપાધ્યક્ષ રાહુલ ગાંઘી પણ પીડિત પરિવારની મુલાકાતે આવ્યા હતા.
પીડિત પરિવારનું શું કહેવું છે?
પીડિત દલિત પરિવારના વશરામભાઇ સરવૈયાએ કોર્ટે 35 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા તે બદલ નિરાશા વ્યક્ત કરી.
બીબીસી સાથે વાત કરતાં વશરામભાઈએ કહ્યું, “આજનો ચુકાદો ખુબ જ દુઃખદાયક છે. નામદાર કોર્ટે અત્યાચાર ગુજારનાર જે આરોપીઓને છોડી મૂક્યા છે તે ફરીવાર આતંક મચાવશે. આરોપીઓને પ્રોત્સાહન આપનાર પોલીસ તંત્રના માણસોને પણ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.”
“10 વર્ષ પહેલાં આરોપીઓએ કોઈ કારણ વગર અમારી ઉપર હુમલો કરતા અને અમને માર મારતા અમારી સાથે અન્યાય થયો હતો. ત્યાર પછીનાં 10 વર્ષ દરમિયાન પણ પીડિત પરિવાર સાથે અન્યાય જ થતો રહ્યો છે. આજે કોર્ટે ચુકાદો આપતા 40 આરોપીઓમાંથી 35 ને નિર્દોષ છોડી મૂક્તા ફરી એકવાર દલિત પરિવારને અન્યાય જ મળ્યો છે…”
“અમને મારનાર આરોપીઓએ આ રીતે ખુલ્લે આમ છૂટી જતા હોય તો તેમને કેટલું પ્રોત્સાહન મળશે! એક દાખલો બેસાડવાની જગ્યાએ દલિતો સાથે અન્યાય કરવાના પ્રયાસો સફળ થયા છે.”
વશરામભાઈએ બીબીસી સાથે વધારે વાત કરતાં ઉમેર્યું કે પીડિત પરિવારોના જીવ હવે જોખમમાં હોવાનો તેમને ભય છે.
તેમણે કહ્યું, ” અમારું જીવન હવે ફરી એક વાર જોખમમાં મૂકાયું છે. અમે વિચારીએ છીએ કે ઉના તાલુકો મૂકીને ક્યાંક હિજરત કરી જઈએ. હવે જિંદગીના રસ્તા દેખાતા નથી. નથી અમારી પાસે કમાણીનાં સાધનો કે હિમ્મત. પરંતુ અમે ન્યાય માટે લડાઈ ચાલુ રાખીશું.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



