Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ એક કલાક પહેલા
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, ઉત્તર ગોવાના શિરગાંવમાં સ્થિત શ્રીલૈરાઈદેવી મંદિરમાં થયેલી નાસબાગમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે અને 15 ઈજાગ્રસ્ત થયા છે.
ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે માપુસામાં ઉત્તર ગોવા જિલ્લા હૉસ્પિટલની મુલાકાત લીધી અને ઈજાગ્રસ્તોની મુલાકાત કરી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના દિવસના શરૂઆતના કલાકોમાં શિરગાંવસ્થિત શ્રીલૈરાઈદેવી મંદિરમાં થઈ.
તેમણે જણાવ્યું કે ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના હજારો શ્રદ્ધાળુ આ ઉત્સવમાં સામેલ થવા મંદિર પહોંચ્યા હતા.
અધિકારીએ એવું પણ કહ્યું કે નાસભાગનાં કારણોની ખબર તપાસ બાદ જ પડશે.
ઓવૈસીએ પસમાંદા મુસ્લિમોના જાતિગત સર્વેની માગ કેમ કરી?

ઇમેજ સ્રોત, ANI
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જાતિગત વસતિગણતરી પર નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું, “અમારી પાર્ટીએ 2021થી આ વાતની માગ કરતી આવી છે કે સમગ્ર દેશમાં જાતિ સર્વેક્ષણ થવું જોઈએ. છેલ્લે જાતિ સર્વેક્ષણ 1931માં થયું હતું, જો જાતિ સર્વેક્ષણ થાય તો ખબર પડશે કે કોને કેટલો લાભ મળી રહ્યો છે અને કોને નથી મળી રહ્યો. કોની કેટલી આવક છે અને કઈ જાતિ વધુ આગળ વધી ચૂકી છે, કોણ પાછળ રહી ગયું, આ માટે આ જરૂરી છે.”
“અમે ભાજપ અને એનડીએને માત્ર એક જ વાત કહેવા માગીશું, અમને સમયમર્યાદા જણાવો કે આ પ્રક્રિયા ક્યારે શરૂ થશે, ક્યારે ખતમ થશે અને ક્યારે લાગુ થશે? આ પ્રક્રિયા 2029ની સંસદીય ચૂંટણી પહેલાં ખતમ થઈ જશે કે નહીં?”
તેમણે પસમાંદા મુસ્લિમોની સ્થિતિને જાણવા માટે પસમાંદા મુસ્લિમોના જાતિ સર્વેક્ષણની માગણી મૂકી.
ઓવૈસીએ કહ્યું, “પસમાંદા મુસ્લિમોની સ્થિતિની અસલ હકીકત બધાને ખબર પડી જશે, તેમને ખબર પડી જશે કે બિનપસમાંદા મુસ્લિમોની સ્થિતિ કેટલી ખરાબ છે, આ બધું જરૂરી છે. જેથી સુનિશ્ચિત કરી શકાય કે લાભ હાંસિયામાં ધકેલાયેલા લોકોને મળે.”
ઑસ્ટ્રેલિયામાં સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ, આ છે સૌથી મોટા મુદ્દા

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયામાં સામાન્ય ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, આ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો મોંઘવારી છે.
ચૂંટણીમાં ઑસ્ટ્રેલિયાના વર્તમાન વડા પ્રધાન એન્થની અલ્બનીઝ અને વિપક્ષના નેતા પીટર ડટન વચ્ચે ટક્કર છે.
એન્થની અલ્બનીઝ લેબર પાર્ટીથી છે અને વર્ષ 2022થી ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન છે. તેઓ લગભગ 30 વર્ષથી સાંસદ છે.
એન્થની અલ્બનીઝને સત્તામાં આવ્યા બાદ ઘણી લોકપ્રિયતા હાંસલ થઈ, પરંતુ હાલના દિવસોમાં આવાસની સમસ્યા, જનજાતીય મામલા અને યહૂદીવિરોધી તેમજ ઇસ્લામોફોબિયા જેવા મુદ્દા અંગે તેમણે દબાણનો સામનો કરવો પડ્યો છે.
તેમજ વડા પ્રધાનપદના બીજા ઉમેદવાર કન્ઝર્વેટિવ લિબરલ-નૅશનલ ગઠબંધનના નેતા પીટર ડટન છે. આ તેમની વિપક્ષના નેતા તરીકે પ્રથમ ચૂંટણી છે.
પીટર ડટન અગાઉ સંરક્ષણ અને ગૃહ મામલા જેવા મોટાં મંત્રાલયોનું કાર્યભાર સંભાળી ચૂક્યા છે. પરંતુ સામાજિક મુદ્દા પર તેમની ટિપ્પણીઓને કારણે ઘણી વાર વિવાદમાં પણ રહ્યા છે.
ઑસ્ટ્રેલિયામાં લોકો સીધે સીધા વડા પ્રધાનને નથી ચૂંટતા. તેઓ સાંસદોને મત આપે છે અને જે પાર્ટીને સૌથી વધુ બેઠક મળે છે, એ જ પાર્ટીના નેતા વડા પ્રધાન બને છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS