Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
મધ્યપૂર્વમાં યુદ્ધને કારણે શિપિંગ રૂટ્સ પર વિક્ષેપો સર્જાવાને કારણે ભારતમાં ખાતરના પુરવઠા પર માઠી અસર થઈ છે. તેના પગલે ખેત ઉત્પાદનમાં ઘટાડા અને ખાદ્યપદાર્થોના ભાવમાં વૃદ્ધિની ચિંતા વધી રહી છે.
ભારત, ચીન પછીનો ખાતરનો બીજો સૌથી મોટો ખાતરનો વપરાશકાર દેશ છે. કાચા માલ અને તૈયાર ઉત્પાદનો બંને માટે ભારત આયાત પર ખૂબ મોટો આધાર રાખે છે. એ પૈકીનો મોટાભાગનો માલ ગલ્ફમાંથી આવે છે અને તે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. હાલ હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોનું આવાગમન ખોરવાયેલું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ખાતરના પુરવઠા પર કોઈ અસર ન થાય અને ખેડૂતોને પણ તેની કોઈ અસર ન થાય એટલા માટે તેમની સરકારે પગલાં લીધાં છે.
વિશ્લેષકોએ જણાવ્યું છે કે વર્તમાન સ્ટોક વાવણીની આગામી સિઝન માટે પૂરતો છે, પરંતુ યુદ્ધ લંબાશે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે.
ખાતરના પુરવઠામાં વિક્ષેપની વાવેતર પર અસર
ઇમેજ સ્રોત, AFP via Getty Images
ભારતમાં સૌથી વધુ વપરાતા યુરિયા જેવા નાઇટ્રોજન ખાતર ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ચોખા અને ઘઉં સહિતના ઘણા મુખ્ય પાક હવામાંથી પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન સીધા શોષી શકતા નથી.
ભારત દર વર્ષે આશરે 40 મિલિયન ટમ યુરિયાનો ઉપયોગ કરે છે. તેના માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અને પુરવઠામાં વિક્ષેપની અસર વાવેતરના નિર્ણયો પર થઈ શકે છે.
દેશના મુખ્ય અનાજ ઉત્પાદક ઉત્તરનાં રાજ્યો પંજાબ અને હરિયાણાના ખેડૂતોના કહેવા મુજબ, વાવણીની મોસમ (જૂન-જુલાઈ) નજીક આવી રહી હોવા છતાં તેમને હજુ સુધી ચિંતા નથી. તેઓ વાવણીની મોસમ માટે યુરિયા ખરીદવાનું સામાન્ય રીતે મે મહિનામાં શરૂ કરતા હોય છે.
હાલમાં ખેડૂત સહકારી મંડળીઓ તથા ઉત્પાદકો અને વિતરકોનાં ગોદામોમાં પુરવઠો ઉપલબ્ધ કરાવાની સાથે ભવિષ્યની ચિંતા પણ છે.
પંજાબ કૃષિ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ખેડૂત સમૂહના પ્રમુખ મનપ્રીતસિંહ ગરેવાલે કહ્યું હતું, “યુદ્ધ લંબાશે તો આ સ્ટૉક કેટલો ચાલશે તેની અમને ખબર નથી.”
સરકારી આંકડા અનુસાર, ભારતમાં 19 માર્ચ સુધીમાં લગભગ 62 લાખ ટન યુરિયાનો સ્ટૉક હતો.
ખાતરનો વપરાશ જૂનથી સપ્ટેમ્બરની ચોમાસાની પાક ઋતુ દરમિયાન ટોચ પર હોય છે અને વિશ્લેષકો કહે છે કે હાલનો સ્ટૉ સામાન્ય પરિસ્થિતિમાં પૂરતો થઈ રહેશે.
વિક્ષેપ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વણસવાની ચેતવણી કેટલાક નિષ્ણાતો આપી રહ્યા છે.
‘ખાતરની અછત સર્જાઈ’
ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ભૂતપૂર્વ સચિવ સિરાજ હુસૈને બીબીસીને કહ્યું હતું કે ભારતનાં ખાતર ઉત્પાદન પર વિક્ષેપની અસર “ચોક્કસ થશે. સરકારે ચોમાસું પાક માટે યુરિયા અને અન્ય ખાતરોની અછત ન સર્જાય તેની તૈયારી કરવી જોઈએ.”
તેમણે જણાવ્યું હતું કે ભારતના અનેક ભાગોમાં ખેડૂતો જરૂર કરતાં વધારે યુરિયાનો ઉપયોગ કરે છે. એટલે કે તેઓ “પાકની જરૂર કરતાં વધારે પોષકતત્ત્વો નાખે છે.”
તેમના કહેવા મુજબ, “તેનો અર્થ એવો થાય કે એવા વિસ્તારોમાં ખાતરની થોડીક અછતથી ઉત્પાદન પર ખાસ કોઈ ફરક નહીં પડે, પરંતુ જે વિસ્તારોમાં ખાતરનો ઉપયોગ ઓછો થાય છે ત્યાં પુરવઠાની પાક્કી વ્યવસ્થા કરવી પડશે, કારણ કે એ વિસ્તારોમાં પાક વધારે નાજુક હોઈ શકે છે.”
બે ખાતર ઉત્પાદક કંપનીઓના અધિકારીઓએ તેમનાં નામ જાહેર ન કરવાની શરતે બીબીસી સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે યુદ્ધ ચાલુ રહેશે તો આ મોસમ પછી ખાતરની અછત સર્જાઈ શકે છે. અલબત, એ અછત ક્યારે અને કેટલી સર્જાશે તેનો આધાર, પુરવઠામાંનો વિક્ષેપ કેટલા સમય સુધી ચાલુ રહે છે તેના પર હશે.
યુરિયા બનાવવા માટેનો મુખ્ય કાચો માલ નેચરલ ગૅસ છે અને ભારત લગભગ 85 ટકા નેચરલ ગૅસની આયાત, મોટાભાગે ગલ્ફ દેશોમાંથી કરે છે.
એસએન્ડપી ગ્લોબલ ઍનર્જીમાં ફર્ટિલાઇઝર તથા સસ્ટેનેબિલિટી ઍનાલિટિક્સના ડિરેક્ટર અલ્બર્ટો પર્સોનાએ બીબીસીને કહ્યું હતું, “ચાર સપ્તાહ સુધીના વિક્ષેપ માટે પુરવઠાની વ્યવસ્થા સ્થાનિક ઉત્પાદન કે અન્ય ક્ષેત્રોમાંથી આયાત વડે કરી શકાશે. એ પછી પરિસ્થિતિ ચિંતાજનક બનશે.”
‘ઉત્પાદકોએ ઉત્પાદન ઘટાડ્યું’
ઇમેજ સ્રોત, AFP via Getty Images
આ મહિનાની શરૂઆતમાં એક સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. તેના પગલે ભારતીય ખાતર પ્લાન્ટ્સને તેમની કુલ ગૅસ જરૂરિયાતનો લગભગ 70 ટકા હિસ્સો જ મળી રહ્યો છે. ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે તેને કારણે કેટલાક ઉત્પાદકોએ ઉત્પાદન ઓછું કરી નાખ્યું છે.
પુરવઠાની કમી માત્ર ભારત પૂરતી જ મર્યાદિત નથી એ વાત સાચી છે. તાજેતરનાં સપ્તાહોમાં વૈશ્વિક ખાતરની કિંમતમાં ઝડપી વધારો થયો છે. તેમાં યુરિયાનો સમાવેશ થાય છે. સમગ્ર એશિયામાં ગૅસના ભાવ પણ વધ્યા છે.
વધારે કિંમત અને ઓછી ઉપલબ્ધતાને કારણે કેટલાક ખેડૂતો ખાતરનો ઉપયોગ ઘટાડી શકે છે, ભલે ઉત્પાદન પર તેની તત્કાળ અસર મર્યાદિત રહેવાની શક્યતા હોય.
પર્સોનાએ કહ્યું હતું, “આગામી સિઝનના પાક ઉત્પાદન પર ખરેખર ઓછું જોખમ છે, પરંતુ આગામી સિઝન માટે આ તેજી મહત્ત્વપૂર્ણ બનતી જશે.”
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ખાદ્યસામગ્રીના ભાવમાંનો કોઈ પણ ફેરફાર, પાકના ઉત્પાદનમાં તત્કાળ ફેરફારને બદલે માર્કેટની આશા પર વધારે આધારિત રહી શકે છે.
“કિંમતની બાબતમાં અસલી સમસ્યા એ છે કે તે કાયમ માર્કેટના પાયાના સિદ્ધાંતો દ્વારા નક્કી થતી નથી. તેમાં અપેક્ષાઓ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે,” એમ પર્સોનાએ કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખાતરનાં ઘરેલુ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે અને અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવા માટે આયાતના સ્રોતોમાં વૈવિધ્ય લાવવાનાં પગલાં લેવામાં આવ્યાં છે.
કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ખાતરની પૂરતી અને કોઈ અડચણ વિનાની સપ્લાય સુનિશ્ચિત કરવા બુધવારે અધિકારીઓને જણાવ્યું હતું.
હુસૈનનું કહેવું છે કે આ સંકટમાં સરકાર પરનો સબસિડીનો બોજ પણ વધી શકે છે, કારણ કે વૈશ્વિક કિંમત વધવાથી ખેડૂતોને નિશ્ચિત દરે ખાતર પૂરું પાડવાનો ખર્ચ વધી જાય છે.
હવે યુદ્ધ કેટલું લાંબું ચાલે છે તેના પર મોટો આધાર છે. વિશ્લેષકોનું કહેવું છે કે શિપિંગનું કામકાજ પૂર્વવત થઈ જશે તો થોડાં સપ્તાહમાં સપ્લાય ચેઇન સ્થિર થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



