Home તાજા સમાચાર gujrati ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાથી ભારત પર કેવી અસર પડશે?

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાથી ભારત પર કેવી અસર પડશે?

13
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત અમેરિકા ઇઝરાયલ ઈરાન પર હુમલો આયાતુલ્લાહ અલી ખામેનેઈ ઑઇલ પુરવઠો અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની બે દિવસની મુલાકાતેથી પરત આવ્યા કે તરત અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કરી દીધો અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈને મારી નાખ્યા.

મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 17 સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. આ ઉપરાંત 10 ઘોષણાઓ પણ કરવામાં આવી. આ મુલાકાતના કારણે ઇઝરાયલને ભારત સંપૂર્ણ સમર્થન આપે છે તેવું સ્પષ્ટ થયું.

ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, “ભારત ઇઝરાયલની પડખે મજબૂતીથી ઊભું છે. સંપૂર્ણ વિશ્વાસ સાથે, અત્યારે પણ અને ભવિષ્યમાં પણ.”

તેમણે 7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસે કરેલા “નિર્દયી આતંકવાદી હુમલા” વિશે બોલતી વખતે આ વાત કહી હતી. આ હુમલામાં 1400 લોકો માર્યા ગયા અને 250થી વધુ લોકોને બંધક બનાવાયા હતા.

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાકચીએ વડા પ્રધાન મોદીને આગ્રહ કર્યો હતો કે તેઓ ઇઝરાયલ યાત્રા દરમિયાન પેલેસ્ટાઇનના અધિકારોનો મુદ્દો ઉઠાવે. જોકે, વડા પ્રધાન મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો ન હતો.

અરાકચીએ પોતાની અપીલ દરમિયાન ભારત અને ઈરાન વચ્ચેના મજબૂત, ઐતિહાસિક સંબંધો પર ભાર મૂક્યો અને ભારતને પોતાનું મિત્ર પણ ગણાવ્યું હતું.

જોકે, નિષ્ણાતોનું માનવું છે કે વડા પ્રધાન મોદીની ઇઝરાયલ યાત્રા પછી તરત ઈરાન પર હુમલા થયા તેનાથી ભારત માટે મુશ્કેલી વધી ગઈ છે.

ઑઇલના સપ્લાય પર કેવી અસર પડશે?

બીબીસી ગુજરાતી ભારત અમેરિકા ઇઝરાયલ ઈરાન પર હુમલો આયાતુલ્લાહ અલી ખામેનેઈ ઑઇલ પુરવઠો અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતો માને છે કે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કરવાથી ભારતના અર્થતંત્ર પર પણ અસર પડી શકે છે અને ઇઝરાયલ અને ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

જોકે, ઈરાન પર ઇઝરાયલના હુમલા બાદ ભારતે ઇઝરાયલમાં રહેતા તેના નાગરિકોને સતર્ક રહેવા, સાવચેતી રાખવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે.

તેલ અવીવસ્થિત ભારતીય દૂતાવાસે આ સંદર્ભમાં એક ઍડવાઈઝરી જારી કરી છે.

તેમાં જણાવાયું છે કે, આ ક્ષેત્રની હાલની પરિસ્થિતિને જોતાં ઇઝરાયલમાં વસતા તમામ ભારતીયોને વધુમાં વધુ સાવધાની રાખવાની અને હંમેશાં સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે.

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં નેલ્સન મંડાલા સેન્ટર ફૉર પીસ ઍન્ડ કૉન્ફ્લિક્ટ રિઝોલ્યુશનના નિષ્ણાત પ્રેમાનંદ મિશ્રાનું માનવું છે કે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાના કારણે ભારત પર અનેક રીતે અસર પડશે.

તેમણે કહ્યું કે, “ઈરાન અને ઇઝરાયલની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો અમેરિકાના લીધે બહુ પ્રભાવિત થાય છે. ભારત હંમેશાં એ દુવિધામાં રહે છે કે ઈરાન અને ઇઝરાયલ સાથે કેટલે દૂર સુધી જવું જોઈએ.”

પ્રેમાનંદનું કહેવું છે કે આ હુમલાથી ભારતમાં ઑઇલના સપ્લાયને મોટી અસર થશે.

તેમણે જણાવ્યું કે, “ભારતનો લગભગ 50 ટકા ઑઇલ પુરવઠો હોર્મુઝના અખાતમાંથી આવે છે. ભારતે હાલમાં આ માર્ગ દ્વારા ઑઇલ સપ્લાયમાં ઉલ્લેખનિય વધારો કર્યો છે.”

બીબીસી ગુજરાતી ભારત અમેરિકા ઇઝરાયલ ઈરાન પર હુમલો આયાતુલ્લાહ અલી ખામેનેઈ ઑઇલ પુરવઠો અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રેમાનંદ મિશ્રા કહે છે, “રશિયા પાસેથી ઑઇલ ખરીદવા સામે વધતા દબાણને કારણે આ માર્ગ પર ભારતની નિર્ભરતામાં વધારો થયો છે. ભારત પાસે બીજો એક ઑઇલનો માર્ગ છે રાતા સમુદ્રનો છે. ભારત તેના ઑઇલ પુરવઠા માટે ઈરાન પર નિર્ભર નથી. પરંતુ આ માર્ગ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તણાવ વધતો રહેશે, તો તેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડશે.”

આ દરમિયાન, મિડલ ઇસ્ટ ઇનસાઇટ્સ વેબસાઇટના સ્થાપક ડૉ. સુભતા ચૌધરી માને છે કે ભારતને ભવિષ્યમાં તેલના વધતા ભાવની સમસ્યાનો સામનો કરવો પડશે.

તેમણે કહ્યું કે, “ઈરાન તરફી હુથી બળવાખોરોએ ચેતવણી આપી છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ અને રાતા સમુદ્રની ઑઇલ પાઇપલાઇનને નિશાન બનાવશે. આનાથી તે પાઇપલાઇન દ્વારા ઑઇલ સપ્લાય કરતી કંપનીઓ માટે પડકારો વધશે. તેના કારણે ભવિષ્યના તેલના ભાવ પર નોંધપાત્ર અસર પડશે.”

ભારત ઈરાનથી ઑઇલની આયાત નથી કરતું, પરંતુ ઑઇલના સપ્લાય માટે અખાતના દેશો પર ઘણા અંશે નિર્ભર છે.

ભારતની છબી પર કેવી અસર પડશે?

બીબીસી ગુજરાતી ભારત અમેરિકા ઇઝરાયલ ઈરાન પર હુમલો આયાતુલ્લાહ અલી ખામેનેઈ ઑઇલ પુરવઠો અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરનાં વર્ષોમાં ભારત માટે બ્રિક્સનું મહત્ત્વ પણ ઘણું વધી ગયું છે.

આ વર્ષે ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. ઈરાન પણ 2024માં આ જૂથમાં સામેલ થયું હતું. ગયા વર્ષે બ્રિક્સે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાની ટીકા કરી હતી.

પ્રેમાનંદ મિશ્રા કહે છે, “ઈરાન એ બ્રિક્સમાં મહત્ત્વનું સભ્ય છે. પરંતુ વડા પ્રધાન મોદી ઇઝરાયલથી પરત ફર્યા છે, તેના કારણે ઈરાન પર થયેલા હુમલાએ બ્રિક્સના ભવિષ્ય સામે પણ સવાલ પેદા કર્યા છે. હાલમાં સ્પષ્ટ નથી કે ભારત અમેરિકા સાથે પોતાના સંબંધોમાં કોઈ તિરાડ પેદા કરશે.”

તેમણે કહ્યું કે, “ભારતે વિદેશનીતિના નિર્ણયો અથવા અર્થતંત્ર – બંનેમાં વધતી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.”

વડા પ્રધાન મોદીની ઇઝરાયલ યાત્રા પછી તરત હુમલો થયો તેના વિશે પ્રેમાનંદ મિશ્રાએ જણાવ્યું કે,”વડા પ્રધાન મોદીને આના વિશે માહિતી આપવી જોઈતી હતી. ભારતીય પીએમની મુલાકાત પછી તરત થયેલો હુમલો સંદિગ્ધ છે.તેનાથી ભારતની છબી પર અસર પડશે.”

સુભાથા ચૌધરી પણ માને છે કે મોદીની યાત્રા પછી તરત હુમલો થયો તેનાથી ભારતની સમસ્યા વધી છે.

તેઓ કહે છે, “ભારતની સ્થિતિ ઘણા અંશે ખતરામાં છે. ભારત બ્રિક્સની અધ્યક્ષતા કરે છે. ઈરાન અને રશિયા પણ બ્રિક્સમાં સામેલ છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ એક યુદ્ધ છે. પરંતુ વાસ્તવમાં આ સત્તા પરિવર્તનનું એક અભિયાન છે.”

તેમણે એમ પણ કહ્યું કે, “ભારતીય વડા પ્રધાન જ્યારે ઇઝરાયલ ગયા ત્યારે ત્યાં એમને એક મેડલ અપાયો. આ મેડલ ઇઝરાયલી સંસદ નેસેટ દ્વારા એનાયત કરાયો હતો. અગાઉ ક્યારેય કોઈને આ મેડલ અપાયો ન હતો. મોદીની સામે સમસ્યા એ છે કે હવે તેઓ ઇઝરાયલ જઈ ચૂક્યા છે, તો તેઓ આ હુમલાથી કેવી રીતે ઇનકાર કરી શકે?”

ભારત માટે આગળનો માર્ગ કેવો છે?

બીબીસી ગુજરાતી ભારત અમેરિકા ઇઝરાયલ ઈરાન પર હુમલો આયાતુલ્લાહ અલી ખામેનેઈ ઑઇલ પુરવઠો અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતોનું કહેવું છે કે હાલની સ્થિતિને જોતાં ભવિષ્યમાં ભારત અને ઈરાન વચ્ચે અંતર વધવાની શક્યતા છે.

પ્રેમાનંદ મિશ્રા કહે છે, “આંતરરાષ્ટ્રીય સ્તરે અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતાં કોઈ પણ એક પક્ષનો સાથ આપવો હંમેશાં કઠિન નિર્ણય હોય છે. પરંતુ ભારતના હાલના વલણથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં ભારત-ઈરાન સંબંધોમાં આ એક મોટો સવાલ પેદા કરશે.”

આ ઉપરાંત તેઓ કહે છે કે આનાથી વેપાર માર્ગને પણ મોટી અસર થશે.

શું અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના હાલના તણાવમાં ભારત કોઈ ભૂમિકા ભજવી શકે છે?

આના વિશે વાત કરતા તેઓ કહે છે, “ભારત મધ્યસ્થી નહીં કરી શકે. ભારત હાલમાં એવી સ્થિતિમાં નથી. ભારત અત્યારે પોતાના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું તેના પર ધ્યાન આપે તે વધુ મહત્ત્વનું છે.”

તેઓ કહે છે કે “આ ઉથલપાથલનો સમય છે. સમય વીતવાની સાથે સ્પષ્ટ થશે કે આ સંઘર્ષ કેટલો લાંબો ચાલે છે. જો તે લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારત પર આર્થિક અને રાજકીય અસર ચોક્કસ પડશે. પરંતુ ભારતની પ્રતિક્રિયા અનિશ્ચિત છે. ભારત આ હુમલાની ટીકા નહીં કરે તો બ્રિક્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.”

તેમણે કહ્યું કે “અત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે આ સંઘર્ષ હજુ કેટલા સમય સુધી ચાલશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS