Source : BBC NEWS

જંગમાં કદાચ જ કોઈ નિર્ણાયક વિજેતા હોય છે. આની સૌથી ભારે કિંમત સામાન્યપણે સામાન્ય લોકોએ ચૂકવવી પડે છે.
ઇઝરાયલ-અમેરિકા અને ઈરાનના જંગના કારણે ગ્લોબલ ઍનર્જી માર્કેટ અને સપ્લાય ચેઇનમાં ઊથલપાથલ મચેલી છે. આનાથી અનુભવાઈ રહેલા આર્થિક ફટકાનો સામનો કરવાની ઘણા દેશ તૈયારી કરી રહ્યા છે.
જોકે, અમુક દેશોને આ અવ્યવસ્થા વચ્ચે નવી વ્યૂહરચનાત્મક તક પણ મળી શકે છે.
ઇઝરાયલ-અમેરિકા અને ઈરાનનો જંગ મધ્યપૂર્વ અને આખા વિશ્વ પર નાટકીય અસર કરી રહ્યો છે. અખાતના દેશોમાં અસ્થિરતા વધી ગઈ છે અને મધ્યપૂર્વમાં લાખો લોકોએ પોતાનું ઘર છોડીને નાસી છૂટવાનો વારો આવ્યો છે.
યુદ્ધ ક્ષેત્રથી દૂરના દેશોમાં પણ આની અસર દેખાઈ રહી છે. ક્રૂડઑઇલની કિંમતોમાં ઉછાળો અને અખાતના ક્ષેત્રમાં ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની આસપાસ સમુદ્રી ટ્રાફિકમાં અવરોધ સર્જાવાને કારણે ગ્રાહકો અને ઉદ્યોગ બંનેને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્યોગો માટે ખર્ચ વધી ગયો છે.
પરંતુ આ ઊથલપાથલ વચ્ચે સવાલ એ છે કે કયા દેશોનું સૌથી વધુ નુકસાન થઈ શકે છે અને કોને આનો વધુ ફાયદો મળી શકે છે?
રશિયાને કેટલું નુકસાન અને કેટલો ફાયદો?
ઇમેજ સ્રોત, Anadolu via Getty Images
ઈરાન રશિયાનું મહત્ત્વપૂર્ણ સહયોગી અને સૈન્ય ભાગીદાર છે. પરંતુ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ રશિયા માટે એક વ્યૂહરચનાત્મક ફટકો મનાઈ રહ્યો છે.
આ પહેલાં સીરિયામાં બશર અલ-અસદને સત્તા પરથી હઠાવવા અને વેનેઝુએલાના નિકોલસ માદુરોની ધરપકડ કરીને અમેરિકા લઈ જવા પણ રશિયાને નુકસાન પહોંચાડનારી ઘટનાઓ મનાઈ રહી છે.
તેમજ છતાં મધ્યપૂર્વનો આ સંઘર્ષ રશિયાને યુક્રેનમાં ફાયદો અપાવી શકે છે. ખરેખર હાલ અમેરિકાનાં સૈન્ય સંસાધન યુક્રેન તરફ જવાના સ્થાને મધ્યપૂર્વ તરફ જઈ રહ્યાં છે.
પેરિસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉલિટિકલ સ્ટડીઝના સેન્ટર ફૉર ઇન્ટરનૅશનલ સ્ટડીઝનાં ઍસોસિયેટ પ્રોફેસર નિકોલ ગ્રાયેવ્સ્કીએ બીબીસી ન્યૂઝની રશિયન સર્વિસને કહ્યું, “પેટ્રિયટ મિસાઇલો અને ઇન્ટરસેપ્ટરોનું ઓછું થવું રશિયા માટે ફાયદાકારક છે, કારણ કે તેનાથી યુક્રેનને મળનારાં હથિયારોની સંખ્યા સીમિત થઈ જાય છે.”
જોકે, વિશેષજ્ઞોનું કહેવું છે કે ઈરાન માટે શાહેદ ડ્રોનની જરૂર વધી ગઈ છે, છતાં, તેનાથી યુક્રેન યુદ્ધમાં રશિયાની ક્ષમતા પર ખૂબ મોટી અસર પડવાની સંભાવના નતી.
અમેરિકામાં સેન્ટર ફૉર નૉનપ્રોલિફરેશન સ્ટડીઝનાં યુરેશિયા ડાયરેક્ટર હૈના નોટ્ટેએ બીબીસીને કહ્યું, “યુક્રેન યુદ્ધની શરૂઆતમાં એક ખાસ સમય હતો, જ્યારે રશિયા મિલિટરી સહયોગ માટે ઈરાન પર આધારિત હતું.”
“એ સમયે ઈરાને શાહેદ ડ્રોન આપ્યા અને તેની પ્રોડક્શન ટેકનૉલૉજી અને લાઇસન્સ પૂરાં પાડ્યાં. ખાસ કરીને 2022023માં રશિયાને ઈરાન પાસેથી આ મદદ મળી.”
તેમણે કહ્યું, “હવે યુદ્ધ એવા તબક્કામાં છે જ્યાં રશિયાને યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવા માટે ઈરાનની જરૂર નથી. રશિયા હવે શાહેદ ડ્રોન જાતે જ બનાવી શકે છે.”
ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન, ઈરાન તરફથી હોર્મુઝની સામુદ્રધુનીમાં કડકાઈને કારણે ક્રૂડઑઇલ અને ગૅસ શિપમેન્ટ પર ઘણી ખરાબ અસર પડી છે. તેનાથી ક્રૂડઑઇલ અને ગૅસની કિંમતો ઝડપથી વધી છે.
પરંતુ આનાથી યુક્રેન યુદ્ધના કારણે આર્થિક દબાણ વેઠી રહેલા રશિયાને અમુક નાણાકીય રાહત મળી શકે છે.
રશિયાના સંઘીય બજેટનો મોટો ભાગ 59 ડૉલર પ્રતિ બૅરલના ભાવે નિકાસ કરાઈ રહેલા ક્રૂડઑઇલ પર આધારિત છે. પરંતુ હાલ ક્રૂડઑઇલની કિંમતો વધીને લગભગ 100 ડૉલર પ્રતિ બૅરલ સુધી પહોંચી ગઈ છે.
આ સાથે જ અખાતના પ્રમુખ ક્રૂડઑઇલ ઉત્પાદક દેશો તરફથી ઉત્પાદન ઘટાડવાથી રશિયાને ચીન અને ભારત જેવા બજારોમાં વધુ ક્રૂડઑઇલ નિકાસ કરવાની તક મળી શકે છે.
ગ્લોબલ ઍનર્જી અને કમોડિટી માર્કેટ ઇન્ટેલિજન્સ કંપની આરગસ મીડિયાના ચીફ ઇકૉનૉમિસ્ટ ડેવિડ ફાઇફ કહે છે કે, “પહેલાં ભારતને રશિયન ક્રૂડઑઇલની ખરીદી ઘટાડવા માટે પ્રોત્સાહિત કરાયો હતો, પરંતુ હવે અમેરિકાએ તેને ફરીથી રશિયન ક્રૂડઑઇલ ખરીદવાની એક પ્રકારે અસ્થાયી છૂટ આપી દીધી છે. આ છૂટ ઓછામાં ઓછું એક મહિના માટે લાગુ છે.”
તેમણે કહ્યું, “કેટલીક સમસ્યાઓને ઘટાડવા માટે રશિયન ક્રૂડઑઇલ પર લગાવેલા અમુક પ્રતિબંધોને નરમ હળવા બનાવવા અંગે પણ વાતચીત શરૂ થઈ ચૂકી છે.”
ચીનને કેટલું નુકસાન અને કેટલો ફાયદો?
ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધની ચીન પર અત્યાર સુધી કોઈ બહુ મોટી નાટકીય અસર નથી જોવા મળી. પરંતુ તેને પણ આનું કેટલુંક દબાણ તો અનુભવાશે.
સેન્ટર ઑન ગ્લોબલ ઍનર્જી પૉલિસી પ્રમાણે ચીનની ક્રૂડઑઇલ આયાતમાં ઈરાનની ભાગીદારી માત્ર 12 ટકા છે.
એ સિવાય ચીને ઘણા મહિના માટે પૂરતો ક્રૂડઑઇલ ભંડાર પહેલાંથી સંઘરીને રાખ્યો છે.
જરૂર પડ્યે એ રશિયા પાસેથી સરળતાથી ક્રૂડઑઇલ મેળવી શકે છે.
જોકે, ડેવિડ ફાઇફનું કહેવું છે કે ચીનના નિકાસઆધારિત ઉદ્યોગો પર તેની અસર પડી શકે છે.
ચીનના અર્થતંત્રમાં નિકાસની ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. ચીનની જીડીપીમાં નિકાસની ભાગીદારી 20 ટકા છે.
ચીનમાં હાલમાં મિલકતોની કિંમતોમાં ઘટાડો નબળી ઘરેલુ માગના કારણે દેશનું અર્થતંત્ર પહેલાંથી જ દબાણમાં છે.તેથી નિકાસની ભૂમિકા તેના માટે વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
હોર્મુઝની સામુદ્રધુનીની આસપાસ સમુદ્રી ટ્રાફિક અવરોધ ચીન માટે બહુ મોટી સમસ્યા નથી. પરંતુ પશ્ચમિના દેશો સુધી ચાઇનીઝ સામાન પહોંચાડવા માટે ઍટલાન્ટિક મહાસાગર સુધી પહોંચવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
અરેબિયન દ્વીપકલ્પના બીજા છેડે સ્થિત બાબ-અલ-મંદેબ સામુદ્રધુનીમાં પણ ખતરો વધી ગયો છે.
એ એશિયા, યુરોપ અને આફ્રિકાને જોડે છે, એ વિસ્તારમાં હૂથીઓના હુમલા થયા છે. હૂથી એક હથિયારબંધ સંગઠન છે. ઈરાન તેનું સમર્થન કરે છે.
ડેવિડ ફાઇફે બીબીસી ન્યૂઝને કહ્યું, “આ સંકટથી એ વાતની ઘણી આશંકા છે કે રાતા સમુદ્રમાં જહાજોની અવરજવર ફરીથી અત્યંત ખરાબ રીતે અસરગ્રસ્ત થઈ જાય.”
“એશિયાથી ઍટલાન્ટિક ક્ષેત્ર તરફથ જતાં લાંબા અંતરના માલવાહક જહાજોને હાલ દક્ષિણ આફ્રિકા અને કેપ ઑફ ગુડ હોપના રસ્તે ફરીને જવું પડી શકે છે.”
લંડનસ્થિત થિંક-ટૅન્ક ચેટહમ હાઉસના મધ્યપૂર્વ વિશેષજ્ઞ નીલ ક્વલિયમે કહ્યું, “આની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. આનાથી યાત્રામાં લગભગ દસથી 14 દિવસ વધુ લાગે છે. માલ કયા પ્રકારનો છે, એના પર ઘણો ખરો આધાર રહે છે. આ હિસાબે જોઈએ તો સરેરાશ જહાજ માટે લગભગ 20 લાખ ડૉલરનો વધારાનો ખર્ચ આવે છે.”
જોકે, ઈરાન વિરુદ્ધ યુદ્ધ ચીન માટે કેટલીક વ્યૂહરચનાત્મક તકો પેદા કરી શકે છે.
બ્રિટનના રૉયલ યુનાઇટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાત ફિલિપ શ્લેટર જોન્સે બીબીસીને કહ્યું કે ચીન પોતાની જાતને અમેરિકાની સરખામણીમાં એક “જવાબદાર અને સંતુલન જાળવી રાખનારી તાકત” તરીકે રજૂ કરવાની કોશિશ કરી શકે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણીમાં ખુદને એક સ્થિર અને ભરોસાપાત્ર વૈશ્વિક નેતા તરીકે રજૂ કરતા રહેશે.
એ સિવાય આ સંઘર્ષ ચીન માટે એ સમજવાની પણ તક બની શકે છે કે ટ્રમ્પ અન્ય સંભવિત સંકટો પર કેવી પ્રતિક્રિયા આપી શકે છે. તેમાં તાઇવાન પણ સામેલ છે, જેના પર ચીન પોતાનો દાવો કરે છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત આ દેશો પર કેવી અસર
ઇમેજ સ્રોત, FAYEZ NURELDINE/AFP via Getty Images
મધ્યપૂર્વના ક્રૂડઑઇલ અને ગૅસ પર અત્યંત આધારિત હોવાના કારણે દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો પર આ યુદ્ધની ભારે અસર પડવાની આશંકા છે.
આર્થિક ફટકાને ઘટાડવા માટે કેટલાક દેશોએ પહેલાંથી જ બચત કરવાનાં પગલાં ઊઠવવાનું શરૂ કરી દીધું છે.
વિયેતનામમાં યુદ્ધ શરૂ થયવા બાદથી ડીઝલની કિંમત લગભગ 60 ટકા વધી ચૂકી છે. સરકાર લોકોને કહી રહી છે કે શક્ય હોય ત્યાં વર્ક ફ્રૉમ હોમ કરો.
ફિલીપિન્સ પોતાનું 95 ટકા ક્રૂડઑઇલ મધ્યપૂર્વમાંથી આયાત કરે છે. ત્યાં સરકારી કર્મચારીઓ માટે હાલ ચાર દિવસનું વર્કિંગ વીક લાગુ કરી દેવાયું છે. માત્ર ઇમર્જન્સી સર્વિસ સાથે સંકળાયેલા કર્મચારીઓ પર આ નિયમ લાગુ નથી કરાયો.
આ પ્રકારની પાબંદીઓ પાકિસ્તાનમાં પણ લાગુ કરાઈ છે.
જોકે, બૅંકોને આનાથી બહાર રખાઈ છે. શક્ય હોય ત્યાં વર્ક ફ્રૉમ હોમના આદેશ અપાયા છે અને યુનિવર્સિટીઓના વર્ગો ઓનલાઇન કરી દેવાયા છે.
ટીવી પર રાષ્ટ્રજોગ સંબોધનમાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે દેશના ઈંધણ ભંડારને સાચવીને અને સાવધાનીપૂર્વક વાપરવો અત્યંત જરૂરી છે.
બીજી તરફ બાંગ્લાદેશમાં સરકાર ગભરાટમાં કરાઈ રહેલી ખરીદીના વલણ સામે ઝઝૂમી રહી છે.
પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો લાગી રહી છે. તેથી ત્યાં રૅશનિંગ લાગુ કરી દેવાયું છે.
કારો માટે દિવસમાં દસ લિટર અને મોટરસાઇકલ માટે માત્ર બે લિટર પેટ્રોલ આપવાની મર્યાદા નક્કી કરાઈ છે.
ઇમેજ સ્રોત, Reuters
યુદ્ધની અસર માત્ર ઊર્જાસંકટ સુધી મર્યાદિત ન રહી શકે. તેની અસર ઘણી વ્યાપક હોઈ શકે છે.
ફર્ટિલાઇઝરનું ઉત્પાદન પણ આનાથી પ્રભાવિત થઈ શકે છે. જો તેના ઉત્પાદન પર ખરાબ અસર પડે તો ગ્લોબલ ફૂડ સિક્યૉરિટી ખતરામાં પડી શકે છે.
નીલ ક્વિલિયમે બીબીસી ન્યૂઝને કહ્યું કે, “દુનિયાનું લગભગ 30 ટકા યુરિયા હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. આ ફર્ટિલાઇઝર બનાવવામાં વપરાતો કાચો માલ છે.”
“યુરિયા પેટ્રોકેમિકલ્સમાંથી બને છે. પેટ્રોકેમિકલ્સ કાચા તેલના પ્રોસેસિંગથી નીકળે.”
“જો ગ્લોબલ માર્કેટથી 30 ટકા યુરિયા હટી જાય તો તેની ગ્લોબલ ફૂડ સિક્યૉરિટી પર ગંભીર અસર થઈ શકે છે.
ક્વિલિયમ અનુસાર, “છથી નવ મહિનાની અંદર તેની અસર ખાદ્ય સુરક્ષા અને મોંઘવારી પર જોઈ શકાય છે.”
“હજુ તેની સંપૂર્ણ અસર નથી દેખાઈ, પણ જો ખેડૂતોને ફર્ટિલાઇઝર મળવામાં મુશ્કેલી થશે અથવા પાક પ્રભાવિત થાય તો તેના લાંબાગાળાનાં પરિણામ મળી શકે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



