Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ઈરાની નાગરિકો તેને 28 મોરદાદ તરીકે જાણે છે. એ દિવસે થયેલું સત્તાપરિવર્તન તેમના દેશના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ વળાંક લાવ્યું હતું.
આ 1953ની 19 ઑગસ્ટની વાત છે. એ દિવસે અમેરિકા (સીઆઇએ) અને યુનાઇટેડ કિંગ્ડમની (એમઆઈ6) ગુપ્તચર એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા એક ઑપરેશન મારફત, લોકશાહી ઢબે ચૂંટાયેલા વડા પ્રધાન મોહમ્મદ મોસાદેગને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
અમેરિકનો અને બ્રિટિશ લોકોને સમર્થનથી થયેલા આ સત્તાપરિવર્તને ઈરાની લોકોનું નસીબ નવેસરથી કંડાર્યું હતું એટલું જ નહીં, પરંતુ તે આધુનિક મધ્ય-પૂર્વના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પૈકીનું એક સાબિત થયું. તેને પગલે ઈરાન દ્વારા “પશ્ચિમ-વિરોધી” વિદેશનીતિ અપનાવવાનો પાયો નંખાયો અને ક્ષેત્રીય ભૂરાજનીતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ.
ઇંગ્લૅન્ડની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનાં પ્રોફેસર અને ‘સોશિયલ મૂવમેન્ટ્સ ઇન ઈરાન’ જેવાં અનેક પુસ્તકોનાં લેખિકા પ્રોફેસર સિમિન ફદાઈ કહે છે, “એ સત્તાપરિવર્તનની આધુનિક ઈરાની રાજકારણ પર ઊંડી અસર થઈ. મોસાદેગને સત્તા પરથી હટાવવાની ઘટનાએ, ખાસ કરીને અમેરિકા પ્રત્યે અને સમગ્ર પશ્ચિમ પ્રત્યે, લોકોના મનમાં ગુસ્સાની એવી છાપ છોડી હતી, જે આજે પણ યથાવત્ છે.”
શીત યુદ્ધની શરૂઆત વેળાનું મિશન
ઇમેજ સ્રોત, Getty Images
1953ની 19 ઑગસ્ટે શું થયું હતું એ આપણે આજે જાણીએ છીએ. તેનું કારણ એ છે કે 2013માં, એ ઘટનાના બરાબર 60 વર્ષ પછી સીઆઇએએ પહેલીવાર સ્વીકાર્યું હતું કે મોહમ્મદ મોસાદેગને વિરુદ્ધના સત્તાપરિવર્તનમાં તેણે પણ ભૂમિકા ભજવી હતી.
અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા શ્રેણીબદ્ધ ગુપ્ત દસ્તાવેજોમાં તે ઑપરેશન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એ ઑપરેશનને સીઆઇએએ ‘ઑપરેશન એજેક્સ’ અને એમઆઇ6એ ‘ઑપરેશન બૂટ’ નામ આપ્યું હતું.
આ ગુપ્ત દસ્તાવેજો પૈકીના એકમાં જણાવવામાં આવ્યું હતું કે “(જે લશ્કરી બળવા દ્વારા) મોસાદેગ અને તેમના નૅશનલ ફ્રન્ટ પ્રધાનમંડળને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યું હતું તે ઑપરેશન સીઆઇએના નિર્દેશ અનુસાર અમેરિકાની વિદેશ નીતિના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું હતું. આ યોજના સરકારના સર્વોચ્ચ સ્તરે તૈયાર કરવામાં આવી હતી અને સર્વોચ્ચ સ્તરેથી જ તેની મંજૂરી આપવામાં આવી હતી.”
તે ઑપરેશનનું વડપણ સીઆઇએના એક ઉચ્ચ પદસ્થ અધિકારી કર્મિટ રૂઝવેલ્ટે (જે રાષ્ટ્રપ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના પૌત્ર હતા) સંભાળ્યું હતું.
‘મોસાદેગને સત્તા પરથી ઉથલાવવામાં સામેલ કારકો’ શીર્ષક ધરાવતો એક અભ્યાસ કરાવ્યા પછી રૂઝવેલ્ટે નિષ્કર્ષ કાઢ્યો હતો કે “ઈરાનમાં બળવો શક્ય છે.”
બીજા વિશ્વયુદ્ધ પછી શીત યુદ્ધ શરૂ થયું હતું અને 1950ના દાયકામાં ઈરાન પશ્ચિમના દેશો માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હતું.
પ્રથમ, ઈરાન રાજકીય રીતે વિશ્વસનીય ભૌગોલિક પ્રદેશ હતું. તેણે પર્શિયન ગલ્ફમાં સોવિયેતનો પ્રવેશ અને પ્રદેશમાં સામ્યવાદના ફેલાવાને અટકાવ્યો હતો.
બીજું, ઈરાનના કસદાર ઑઇલ ભંડાર, જે 1909માં શોધાયા હતા. તેનું નિયંત્રણ બ્રિટિશ ઍંગ્લો-ઈરાનીયન ઑઇલ કંપની (એઆઈઓસી)ના તાબામાં હતું. એ કંપની બાદમાં બ્રિટિશ પેટ્રોલિયમ અને હવે બીપી તરીકે ઓળખાય છે.
એઆઈઓસી મોટાભાગના ઈરાનમાં ઑઇલ શોધવા અને કાઢવાના કસદાર વિશિષ્ટ અધિકારો સાથેના કન્સેશન કરાર હેઠળ ઉત્પાદનનું કામકાજ સંભાળતી હતી.
જોકે, 1951માં મોહમ્મદ મોસાદેગ લોકશાહી ઢબે વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારે કંપની માટે સમસ્યા સર્જાઈ હતી.
મોહમ્મદ મોસાદેગ અને ઑઇલનું રાષ્ટ્રીયકરણ
ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનમાં બંધારણીય રાજાશાહી હતી અને શાહ રેઝા પહેલવી દેશના વડા હતા. તેમ છતાં મોસાદેહની ચૂંટણી દેશમાં લોકશાહીની ઉત્ક્રાંતિમાં એક મહત્ત્વપૂર્ણ પગલું હતી.
મોસાદેહ એક મધ્યમમાર્ગી ડાબેરી રાજકારણી હતા. સત્તામાં તેમનું સૌથી મહત્ત્વપૂર્ણ લક્ષ્ય ઈરાની ઑઇલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરવાનું હતું.
એ પગલું ઈરાનમાં ખૂબ જ લોકપ્રિય હતું, પરંતુ પશ્ચિમમાં, મુખ્યત્વે યુનાઇટેડ કિંગ્ડમમાં એ સમયે વિશ્વની સૌથી મોટી અને સૌથી નફાકારક બ્રિટિશ કંપનીના ભવિષ્ય માટે ભારે ચિંતા સર્જાઈ હતી.
સિમિન ફિદાઈ કહે છે, “યુનાઇટેડ કિંગ્ડમે તે રાષ્ટ્રીયકરણને ઉલટાવવાના પ્રયાસ કર્યા હતા, કારણ કે ખાસ કરીને ભારતીય કૉલોની (સંસ્થાન) ગુમાવ્યા પછી, રાષ્ટ્રીયકરણથી ઈરાનમાંના તેના આર્થિક તથા વ્યૂહાત્મક પ્રભાવ પર જોખમ સર્જાવાનું હતું.”
“અમેરિકાને ડર હતો કે ખાસ કરીને દેશમાં નોંધપાત્ર સામ્યવાદી તથા સમાજવાદી ચળવળની સક્રિયતાને ધ્યાનમાં રાખીને, મોસાદેગ વધુ સોવિયેત પ્રભાવ માટે દરવાજા ખોલશે.”
બ્રિટિશરોએ મોસાદેગ સાથે વાટાઘાટના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમણે ઈરાની ઑઇલ ઉદ્યોગમાં કોઈપણ વિદેશી કંપનીની સામેલગીરીને નકારી કાઢી હતી.
એ પછી મોસાદેગ સામ્યવાદ સામેની લડાઈમાં ખતરો છે, એવી દલીલ કરીને યુનાઇટેડ કિંગ્ડમે અમેરિકાની મદદ માંગી હતી.
તેથી વડા પ્રધાન મોસાદેગને સત્તા પરથી ઉથલાવવાનું કાવતરું શરૂ થયું હતું.
બ્રિટન ઈરાનના જનરલ ફઝલોલ્લાહ ઝાહેદીને લવચીક સાથી ગણતું હતું અને તેની યોજના મોસાદેગના સ્થાને ઈરાનના શાહના નિર્દેશન હેઠળ કાર્ય કરવા ફઝલોલ્લાહ ઝાહેદીને બેસાડવાની હતી. ઈરાનના શાહ પશ્ચિમી દેશો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા અને સામ્યવાદના કટ્ટર વિરોધી હતા.
જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે કર્મિટ રૂઝવેલ્ટ 1953માં ઈરાન પહોંચ્યા હતા. તેમણે તત્કાલીન ઈરાની એજન્ટો સાથે મુલાકાત કરી હતી. લશ્કરી અધિકારીઓના ટેકાની વ્યવસ્થા કરી હતી અને ઇસ્લામી મૌલવીમાંથી સાથીદારો શોધ્યા હતા.
ઇમેજ સ્રોત, ATTA KENARE / AFP via Getty Images
દેશનિકાલ પામેલા શાહ રેઝા પહેલવીનો સંપર્ક પણ રૂઝવેલ્ટે કર્યો હતો. વડા પ્રધાનના ઉથલાવવાના અગાઉનાં કાવતરાં નિષ્ફળ ગયાં બાદ શાહ રેઝા પહેલવી દેશમાંથી ભાગી ગયા હતા.
સિમિન ફદાઈના જણાવ્યા મુજબ, સીઆઇએ અને એમઆઇ6 દ્વારા આ ઑપરેશનનું “કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.”
તેઓ કહે છે, “તેમણે રાજકીય ચાલાકી, મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને શેરી રમખાણોનું સંયોજન કર્યું હતું. તેમણે વગદાર રાજકારણીઓ, લશ્કરી કર્મચારીઓ અને મૌલવીઓમાંના વિરોધી લોકો તથા જૂથોને પૈસા આપ્યા હતા, સંગઠિત કર્યા હતા તેમજ મોસાદેગ સ્થિરતા માટે ખતરો હોવાનું દર્શાવવા માટે વ્યાપક પ્રચાર ઝુંબેશ ચલાવી હતી.”
તેમણે શેરીઓમાં વિરોધપ્રદર્શનો અને રમખાણોનું આયોજન પણ કર્યું હતું. તેને કારણે અરાજકતા વધી હતી અને દેશમાં અસ્થિરતા સર્જાઈ હતી.
એ અરાજકતા વચ્ચે દેશમાં કાયદો તથા વ્યવસ્થાના પુનઃસ્થાપન માટે જનરલ ઝાહેદીએ સૈન્યને એકત્ર કર્યું હતું અને લશ્કરી બળનો ઉપયોગ કરીને સરકાર ઉથલાવી દીધી હતી તથા વડા પ્રધાનની ધરપકડ કરી હતી.
જાહેર કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે એ બળવામાં ઘણા મૌલવીઓ પણ સામેલ હતા. તેમાં અગ્રણી આયતુલ્લાહ અબોલ ગશેમ કાશાનીનો પણ સમાવેશ થાય છે. કાશાનીએ બળવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
મોસાદેગ પર રાજદ્રોહના આરોપસર કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમને ત્રણ વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા અને 1967માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેઓ નજરકેદમાં જ રહ્યા હતા.
શાહનું પુનરાગમન અને 1979ની ક્રાંતિ
ઇમેજ સ્રોત, Getty Images
રેઝા પહેલવી 1953માં ફરી ઈરાની રાજા બન્યા હતા. સંપૂર્ણ સત્તા સંભાળી હતી અને દમન તથા માનવાધિકારોના ઉલ્લંઘનનો યુગ શરૂ થયો હતો.
પ્રોફેસર સિમિન ફદાઈ કહે છે, “બળવાને કારણે દીર્ઘકાલીન સરમુખત્યારશાહીનો પાયો નંખાયો હતો. તેનું પરિણામ આપણે આજે જોઈ રહ્યાં છીએ.”
“રેઝા પહેલવીએ સીઆઇએની મદદથી કુખ્યાત ગુપ્તચર એજન્સી સઝમાન-એ-એટેલઆત વા અમ્રિયત-એ કેશ્વર (સાવાક)ની રચના કરી હતી. તમામ વિરોધી પક્ષ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઑઇલનાં રાષ્ટ્રીયકરણની તથા અન્ય ચળવળમાં સામેલ કર્મશીલોને ચૂપ કરીને, તેમની ધરપકડ કરીને દેશ પર ઝડપથી નિયંત્રણ મેળવ્યું હતું.”
શાહ રેઝા પહેલવીએ બે દાયકાથી વધુ સમય સુધી શાસન કર્યું હતું. એ સમયગાળા દરમિયાન દેશના ઝડપી વિકાસને પગલે કેટલાક ઈરાનીઓનો ભારે વિકાસ થયો અને ઈરાન વિશ્વના આર્થિક રીતે સૌથી વધુ અસમાન દેશો પૈકીનો એક દેશ બની ગયો હતો.
આમ, મોસાદેગને સત્તા પરથી ઉથલાવવામાં આવ્યા અને શાહ રેઝા પહેલવીના હાથમાં સત્તાના એકત્રીકરણથી ઈરાની રાષ્ટ્રવાદના ઉદયનો પાયો નંખાયો હતો. તેના પગલે 1979ની ક્રાંતિ થઈ હતી, જેમાં 2,500 વર્ષ જૂની રાજાશાહીને ઉથલાવી દેવામાં આવી હતી અને તેની જગ્યાએ ઇસ્લામિક રિપબ્લિકનું આગમન થયું હતું.
આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમેનીના નેતૃત્વમાં નવા ધર્મશાહી શાસને આકરા ધાર્મિક કાયદા અને સામાજિક પ્રતિબંધો લાદ્યાં. પશ્ચિમ તરફી નીતિઓને ઉલટાવી દીધી અને એક એવી વૈચારિક વિદેશ નીતિ અપનાવી, જેનાથી પ્રાદેશિક ભૂરાજનીતિમાં ધરમૂળથી ફેરફાર થયો.
સિમિન ફદાઈ સમજાવે છે, “ક્રાંતિ પછી તરત જ ઇસ્લામિક રિપબ્લિકે ઝડપભેર પોતાની ગુપ્ત પોલીસ સઝમાન-એ-એતેલાત વા અમ્રિયાત મેલી ઈરાનની (સવામા) સ્થાપના કરી હતી. તેમાં સાવક જેવી જ ક્રૂર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.”
ઈરાનમાં ક્રાંતિનું પરિણામ
ઇમેજ સ્રોત, KHOSHIRAN/Middle East Images/AFP via Getty Images
1979ની ક્રાંતિ પછી અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધમાં દુશ્મનાવટ શરૂ થઈ.
એ વર્ષે નવેમ્બરમાં વિરોધપ્રદર્શનકર્તાઓના એક જૂથે તેહરાનમાંના અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો હતો અને રાજદ્વારી કર્મચારીઓ તથા ત્યાં રહેલા અન્ય અમેરિકન નાગરિકોનું અપહરણ કર્યું હતું.
એ અપહરણ કાંડ 444 દિવસ સુધી ચાલ્યો હતો. એ સમયગાળા દરમિયાન એપ્રિલ 1980માં અમેરિકાએ ઈરાન સાથેનો રાજદ્વારી સંબંધ તોડી નાખ્યો હતો, જે આજ સુધી પૂર્વવત્ થયો નથી.
દૂતાવાસ પર હુમલા અને અમેરિકન નાગરિકોના અપહરણના જવાબમાં વૉશિંગ્ટને ઈરાન પર આકરા આર્થિક પ્રતિબંધો લાદ્યાં હતાં.
એ ઉપરાંત 1980ના દાયકામાં ઈરાનના ઇરાક સામેનાં આઠ વર્ષનાં યુદ્ધમાં અમેરિકાએ ઇરાકને ટેકો આપ્યો હતો. એ યુદ્ધમાં લાખો ઈરાનીઓના જીવ ગયા હતા અને દેશના રાજકીય તથા આર્થિક પુનર્નિર્માણના પ્રયાસોને ગંભીર ફટકો પડ્યો હતો.
અમેરિકાએ લાદેલા આર્થિક પ્રતિબંધોને કારણે ઈરાની અર્થવ્યવસ્થા પર બહુ માઠી અસર થઈ છે. તાજેતરનાં વર્ષોમાં ઈરાની અર્થવ્યવસ્થા ભારે ફુગાવા અને ચલણના અવમૂલ્યનથી પણ પ્રભાવિત થઈ છે. તેના પગલે ઘરેલુ બજેટ પર માઠો પ્રભાવ પડ્યો છે.
વર્લ્ડ બૅન્કે માર્ચ 2025માં એવો અંદાજ વ્યક્ત કર્યો હતો કે 35થી 40 ટકા ઈરાનીઓ ગરીબી રેખાની નીચે જીવે છે.
સિમિન ફદાઈના કહેવા મુજબ, દર વર્ષે 1953ના બળવાની વર્ષગાંઠ પર તેમને અને અન્ય ઘણા ઈરાનીઓને એ વાતનું આશ્ચર્ય થાય છે કે અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમે તેમના દેશમાં લોકશાહી સરકારને ઉથલાવવાનું કાવતરું ન રચ્યું હોત તો તેમના દેશનું ભાવિ કેવું હોત.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS



