Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Reuters
2 કલાક પહેલા
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પકડવાની વિરુદ્ધ લૉસ એન્જલસમાં હિંસક પ્રદર્શનો થયાં છે, જેમાં કેટલાંક વાહનો સળગાવી દેવાયાં છે.
બીબીસીના અહેવાલ પ્રમાણે શહેરમાં સ્થાનિક પોલીસ અને નૅશનલ ગાર્ડ્સના જવાનો સાથે કેટલાક પ્રદર્શનકારીઓની અથડામણ થઈ છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નૅશનલ ગાર્ડ્સના યુનિટ્સ ગોઠવ્યા છે. તેમણે પ્રદર્શનકારીઓને અંકુશમાં રાખવા માટે ટિયર ગૅસનો ઉપયોગ પણ કર્યો છે.
લૉસ એન્જલસમાં એક મહત્ત્વના રસ્તા પર પ્રદર્શનકારીઓએ ટ્રાફિક સાવ અટકાવી દીધો હતો, જેને હવે ખોલવામાં આવ્યો છે. કેલિફૉર્નિયા હાઈવે પટ્રોલે જણાવ્યું કે તેમણે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.
લૉસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટે ડાઉનટાઉન લૉસ એન્જલસમાં લોકોને વિખેરાઈ જવા અને જગ્યા ખાલી કરવા જણાવ્યું છે.
એલએપીડીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે કેટલાક પ્રદર્શનકારીઓ ખુરશી, કચરા પેટીઓ અને બીજી ચીજોનો ઉપયોગ કરીને રસ્તા રોકી રહ્યા છે.
દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકારોએ આ વિશે સવાલ કર્યા ત્યારે તેમણે કહ્યું, “કાયદો અને વ્યવસ્થા મામલે અમે અત્યંત સખતાઈ દાખવવાના છીએ.”
ગાઝામાં સહાય સામગ્રી લઈ જતી બોટ અટકાવાઈ, સિનવારનો મૃતદેહ ઓળખાયો

ઇમેજ સ્રોત, Freedom Flotilla Coalition
ગાઝામાં સહાય સામગ્રી લઈને આવેલી એક બોટને ઇઝરાયલે ઇજિપ્ત પાસે અટકાવી છે અને ઇઝરાયલી સૈનિકો તેની ઉપર ચઢી ગયા.
કાર્યકરોનું કહેવું છે કે ગાઝા પટ્ટીમાં માનવીય સહાય પહોંચાડવાના પ્રયાસમાં એક નૌકા લાવવામાં આવી હતી જેને ઇઝરાયલે અટકાવી દીધી છે.
ફ્રીડમ ફ્લોટિલા કોએલિશન (એફએફસી) નામનું જૂથ નૌકા લાવવા પ્રયત્નશીલ હતું આ બોટ પર આંતરરાષ્ટ્રીય પર્યાવરણ કાર્યકર્તા ગ્રૅટા થનબર્ગ પણ સવાર હતાં.
એફએફસીએ જણાવ્યું હતું કે મદલીન નામની યૉટ સાથેનો તેમનો સંપર્ક તૂટી ગયો છે. સાથે જ એક તસવીરમાં કેટલાક લોકોને હાથ ઊંચા હોય તેવી મુદ્રામાં જોઈ શકાય છે. જોકે, આ તસવીરની સ્વતંત્ર સ્રોત મારફત પુષ્ટિ નથી થઈ.
ઇઝરાયલે ગાઝામાં પ્રવેશવા પર પ્રતિબંધો લગાવ્યા છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું, “નૌકા સુરક્ષિત રીતે ઇઝરાયલના સમુદ્રકિનારે પહોંચી છે અને તેમાં સવાર બધા લોકો પોતાના દેશ પાછા જાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.”
આ સાથે જ તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં બોટ ઉપર સવાર તમામ મુસાફર સલામત હોવાની માહિતી આપવામાં આવી છે.
ગાઝામાં હમાસના મિલિટન્ટ્સ સુધી હથિયારો ન પહોંચે તે માટે બ્લોકેડ જરૂરી હોવાનું ઇઝરાયલનું કહેવું છે.
દરમિયાન ઇઝરાયલી મિલિટરીએ દાવો કર્યો છે કે તેમણે ગાઝામાં હમાસના વડા મોહમ્મદ સિનવારનો મૃતદેહ શોધીને તેને ઓળખી કાઢ્યો છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ)એ જણાવ્યું કે સિનવારનો મૃતદેહ ખાન યુનિસ ખાતે એક હૉસ્પિટલ નીચે ટનલમાંથી મળી આવ્યો હતો. તેમણે ડીએનએ ચકાસણી કરીને ઓળખની પુષ્ટિ કરી છે. જોકે, હમાસે સત્તાવાર રીતે સિનવારના મોતની પુષ્ટિ નથી કરી.
49 વર્ષના સિનવારનું 13 મેના રોજ ઇઝરાયલની ઍર સ્ટ્રાઇકમાં મૃત્યુ થયું હતું. આ હુમલામાં 28 લોકોના પણ મોત થયાં હતાં તેમ હમાસની સિવિલ ડિફેન્સ એજન્સીનું કહેવું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS