Home તાજા સમાચાર gujrati આસિમ મુનીરઃ પાકિસ્તાનની સૌથી શક્તિશાળી મનાતી આ વ્યક્તિની હવે કેવી કસોટી થવાની...

આસિમ મુનીરઃ પાકિસ્તાનની સૌથી શક્તિશાળી મનાતી આ વ્યક્તિની હવે કેવી કસોટી થવાની છે?

8
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ જનરલ આસિમ મુનીર આર્મી સેના પ્રમુખ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાની સેનાના વડા જનરલ આસિમ મુનીર વિશે કહેવાય છે કે તેમને ચર્ચામાં રહેવાનો કોઈ શોખ નથી.

પરંતુ તાજેતરમાં તેઓ ભારે ચર્ચાસ્પદ બન્યા છે.

ભારત અને પાકિસ્તાન ઉપરાંત ઘણા દેશોની રાજધાનીમાં તેમનું નામ લેવાય છે.

જનરલ આસિમ મુનીરે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલાથી થોડા દિવસો અગાઉ કાશ્મીર વિશે એક નિવેદન આપ્યું હતું.

તેમના નિવેદને પાકિસ્તાનની સૈન્ય નીતિ અને કાશ્મીર ખીણમાં તણાવ વધારવામાં પાકિસ્તાનની ભૂમિકા વિશે ચર્ચા શરૂ કરી દીધી.

જનરલ આસિમ મુનીર કોણ છે?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ જનરલ આસિમ મુનીર આર્મી સેના પ્રમુખ

ઇમેજ સ્રોત, Getty Images

આસિમ મુનીરે જે શબ્દો વાપર્યા અને જે ઢંગથી વાત કરી, તેના કારણે ઘણા વિશ્લેષકોને લાગે છે કે તેમના નેતૃત્વમાં પાકિસ્તાનની સેના ટકરાવ તરફ આગળ વધી રહી છે.

જનરલ આસિમ મુનીરને પાકિસ્તાનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે. એટલે કે એક એવા દેશની સૌથી શક્તિશાળી વ્યક્તિ જેની સેના પર રાજનીતિમાં દખલગીરી કરવાનો, સરકાર બનાવવાનો અને પાડવાનો આરોપ લાગતો રહ્યો છે.

પહલગામ પછી ફરી એક વખત તણાવ વધ્યો છે અને જનરલ આસિમ મુનીરને પરમાણુ હથિયારોથી સજ્જ પ્રદેશમાં એક કેન્દ્રીય વ્યક્તિ તરીકે જોવામાં આવે છે.

પરંતુ પાકિસ્તાનની સેનાના વડા જનરલ આસિમ મુનીર કોણ છે અને કઈ બાબતો તેમને પ્રભાવિત કરે છે?

જનરલ આસિમ મુનીરની ઉંમર લગભગ 60 વર્ષ છે. તેઓ એક સ્કૂલના પ્રિન્સિપાલ અને એક ધાર્મિક વિદ્વાનના પુત્ર છે. 1986માં તેઓ ઑફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ મંગલામાં તાલીમ પૂરી કરીને પાકિસ્તાની સેનામાં જોડાયા હતા.

તાલીમ દરમિયાન તેઓ શ્રેષ્ઠ કૅડેટ તરીકે ચૂંટાયા હતા. ટ્રેનિંગ સ્કૂલમાંથી ગ્રૅજ્યુએશન કર્યા પછી તેઓ સૌથી પહેલાં પાકિસ્તાનની 23 ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટમાં નિયુક્ત થયા હતા.

પોતાની લગભગ ચાર દાયકાની સર્વિસ દરમિયાન જનરલ આસિમ મુનીરે પાકિસ્તાનની સંવેદનશીલ ગણાતી ઉત્તર સરહદે સેનાની કમાન સંભાળી હતી.

તેમણે પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓનું નેતૃત્વ સંભાળ્યું. આ ઉપરાંત સાઉદી અરેબિયા સાથે ડિફેન્સ સંબંધો મજબૂત કરવા માટે તેમણે સાઉદી અરેબિયામાં પણ કામ કર્યું.

તેમની પાસે ઇસ્લામાબાદની નૅશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાંથી પબ્લિક પૉલિસી અને સ્ટ્રેટેજિક સિક્યોરિટી મૅનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી પણ છે. આ ઉપરાંત તેમણે જાપાન અને મલેશિયાની સૈન્ય સંસ્થાઓમાં અભ્યાસ કર્યો છે.

મેં જનરલ મુનિરને પહેલી વખત વર્ષ 2023માં ઇસ્લામાબાદમાં જોયા હતા. તેઓ મંત્રીઓ, ડિપ્લોમેટ્સ, પત્રકારો અને સૈન્ય અધિકારીઓથી ભરાયેલા એક હોટલના હૉલમાં હાજર હતા.

સાદાં કપડાં પહેરી જનરલ આસિમ મુનીર શાંત ભાવે હૉલમાં હાજર લોકો તરફ નજર નાખી, આત્મવિશ્વાસ સાથે પોડિયમ તરફ આગળ વધતા હતા.

તેમણે કુરાનની આયાતની સાથે પોતાનું ભાષણ શરૂ કર્યું. તેઓ હાફિઝ-એ-કુરાન પણ છે.

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ જનરલ આસિમ મુનીર આર્મી સેના પ્રમુખ

ઇમેજ સ્રોત, ISPR/X

પાકિસ્તાનના સૈન્ય માળખામાં બહુ ઓછા લોકો એવા છે જેમણે ઇસ્લામના પવિત્ર કુરાનને આખેઆખું કંઠસ્થ કર્યું હોય.

વ્યક્તિગત રીતે જનરલ મુનીર મૃદુભાષી અને વિનમ્ર દેખાય છે. પરંતુ મંચ પર તેઓ કઠોર હતા અને તેમની નજરોમાં એક ભૂતપૂર્વ ગુપ્તચર વડાની સતર્કતા હતી. તેઓ નજર રાખવા, સાંભળવા અને રાહ જોવા માટે તાલીમબદ્ધ હોય છે. હવે તેમના શબ્દો પાકિસ્તાનની બહાર પણ ગુંજી રહ્યા છે.

જનરલ આસિમ મુનીર વર્ષ 2022માં પાકિસ્તાનની સેનાના વડા બન્યા હતા.

તેમણે એવા સમયે દેશની સેનાની કમાન સંભાળી જ્યારે પાકિસ્તાન રાજકીય અને આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું. સરકાર અને શાસન સંબંધિત બાબતોમાં સૈન્યના કથિત હસ્તક્ષેપથી પાકિસ્તાનના લોકો હતાશ હતા.

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની વચ્ચેના જાહેર મતભેદોને કારણે મહિનાઓથી ચાલી રહેલી અટકળો બાદ તેમની નિમણૂક કરવામાં આવી.

જનરલ આસિમ મુનીર ફક્ત આઠ મહિના માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ)ના વડા હતા. તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાને તેમને પદ પરથી દૂર કર્યા હતા.

તેમને જ્યારે આઈએસઆઈના વડાના પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારે ઘણા વિશ્લેષકો માનતા હતા કે ઇમરાન ખાનનું આ પગલું વ્યક્તિગત અને રાજકીય હતું.

જોકે બંને પક્ષ તેનો ઇન્કાર કરી રહ્યા છે. ISIના વડાના પદ પરથી હટવું એ ઇમરાન ખાન અને જનરલ મુનીર વચ્ચેના સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ પડાવ સાબિત થયો.

આજે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ભ્રષ્ટાચારના આરોપોમાં જેલમાં પૂરાયેલા છે અને જનરલ મુનીર પાકિસ્તાનની સૌથી શક્તિશાળી વ્યક્તિ છે.

જનરલ કમર બાજવાથી કઈ રીતે અલગ છે?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ જનરલ આસિમ મુનીર આર્મી સેના પ્રમુખ

ઇમેજ સ્રોત, AFP

ઘણા વિશ્લેષકો માને છે કે જનરલ મુનીર પોતાની કાર્યશૈલી અને મિજાજના કારણે ભૂતપૂર્વ સેના પ્રમુખ જનરલ કમર બાજવા કરતાં અલગ છે.

જનરલ બાજવા જાહેરમાં વધુ સક્રિય દેખાતા હતા. તેઓ પડદા પાછળથી ભારત સાથે રાજદ્વારી સંબંધોને ટેકો આપતા હતા.

2019માં પુલવામા હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો ત્યારે જનરલ કમર બાજવાએ સાવધાનીથી પરિસ્થિતિ સંભાળી હતી.

બાજવાની કામ કરવાની પદ્ધતિને ‘બાજવા સિદ્ધાંત’ તરીકે ઓળખવામાં આવી. તેના હેઠળ જનરલ બાજવાએ પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક અર્થતંત્રની સાથે સાથે પરંપરાગત સુરક્ષા પ્રાથમિકતાઓ પર પણ ભાર મૂક્યો હતો.

2019માં જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા આત્મઘાતી હુમલામાં ભારતીય સૈનિકોના મોત પછી ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યાં હતાં.

જનરલ બાજવાના નેતૃત્વમાં પાકિસ્તાને પ્રતિક્રિયા આપી, પરંતુ તેમણે તણાવ વધવા ન દીધો. તેમણે ભારતીય પાઇલટ અભિનંદનની પરત સોંપણી કરી અને યુદ્ધ રોકવામાં મદદ કરી.

સિંગાપોરની આર રાજારતનમ સ્કૂલ ઑફ ઇન્ટરનૅશનલ સ્ટડીઝના અબ્દુલ બાસિત કહે છે કે, “બાજવા સ્પષ્ટ હતા.”

ભારતમાં પાકિસ્તાનના હાઈકમિશનર રહી ચૂકેલા અબ્દુલ બાસિત કહે છે કે, “જનરલ બાજવાએ ડિપ્લોમસીનો માર્ગ ખુલ્લો રાખ્યો હતો. તેઓ કાશ્મીર ઉપરાંત અફઘાનિસ્તાન અને અમેરિકન સૈનિકોની વાપસી જેવા ઘણા મોરચાને વ્યવહારુ રીતે સંભાળતા હતા.”

અબ્દુલ બાસિત કહે છે કે જનરલ આસિમ મુનીર ‘તાત્કાલિક પ્રતિક્રિયા આપવાના ભારે દબાણ હેઠળ છે.’

તેમણે બીબીસીને જણાવ્યું કે, “તેઓ એવા સમયે આવ્યા છે જ્યારે તેમણે દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિને મજબૂત બનાવવાના એજન્ડાને પૂરો કરવાનો છે. તેમની સામે વધતો જતો ઉગ્રવાદ, રાજકીય અસ્થિરતા, આર્થિક સંકટ અને પ્રાદેશિક તણાવ જેવા ગંભીર પ્રશ્નો છે. તેમણે તેના પર તાત્કાલિક કામ કરવાની જરૂર છે. તેમની પાસે જનરલ બાજવાની જેમ લાંબા ગાળાની રણનીતિ બનાવવાનો સમય નથી.”

અબ્દુલ બાસિત કહે છે કે, “તેમણે આંતરિક રીતે અને બહારના સ્તરે પણ ઝડપી, યોગ્ય સમયે અને મજબૂત નિર્ણય લેવાની જરૂર છે.”

આસિમ મુનીરે આવું શા માટે કહ્યું?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ જનરલ આસિમ મુનીર આર્મી સેના પ્રમુખ

ઇમેજ સ્રોત, YouTube/@ISPR

નિષ્ણાતોના મતે કાશ્મીર એક એવો મુદ્દો છે જેના પર કોઈ પણ પાકિસ્તાની સૈન્ય નેતૃત્વ નરમ દેખાવાનું પસંદ નહીં કરે.

રાજનૈતિક અને સંરક્ષણ બાબતોના નિષ્ણાત આમિર ઝિયા કહે છે કે “કાશ્મીર એ પાકિસ્તાન માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. અહીં દરેક બાળક શાળામાં કાશ્મીર વિશે ભણે છે. પાકિસ્તાન ભારતને કાશ્મીર મામલે કોઈ ઢીલ ન આપી શકે તે સામાન્ય મત છે.”

ગયા અઠવાડિયે પહલગામમાં પર્યટકો પર થયેલો ચરમપંથી હુમલો જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય નાગરિકો પર છેલ્લા બે દાયકામાં થયેલો સૌથી મોટો હુમલો છે.

ભારતે આ માટે પાકિસ્તાન પર આરોપ લગાવ્યા છે, જ્યારે પાકિસ્તાને આરોપો નકારી કાઢ્યા છે.

હવે ભારત આ મામલે સૈન્ય કાર્યવાહી કરશે એવી આશંકા છે.

જનરલ આસિમ મુનીરે સેનાનું વડપણ સંભાળ્યા પછી ખાસ જાહેર નિવેદનો નથી આપ્યાં. પરંતુ 17 એપ્રિલના તેમના એક ભાષણે ખાસ ધ્યાન ખેંચ્યું છે.

ઇસ્લામાબાદમાં પાકિસ્તાની પ્રવાસીઓના એક સંમેલનમાં ભાષણ આપતા જનરલ આસિમ મુનીરે કહ્યું કે, “આપણે ધર્મથી લઈને જીવનશૈલી સુધી દરેક મામલે હિંદુઓ કરતા અલગ છીએ.”

આ ભાષણમાં જનરલ આસિમ મુનીરે કહ્યું કે ‘પાકિસ્તાન ક્યારેય કાશ્મીરના લોકોને એકલા નહીં છોડે.’

પાકિસ્તાની નેતાઓ અગાઉ પણ આ પ્રકારનાં ભાષણો આપતા રહ્યા છે 22 એપ્રિલે પહલગામ હુમલો થયો ન હોત તો અને આ ભાષણને પણ એવી જ રીતે જોવામાં આવ્યું હોત.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયા મામલા પર નજર રાખતા વિશ્લેષક જોશુઆ ટી. વ્હાઇટ કહે છે કે “આ કોઈ સામાન્ય નિવેદનબાજી ન હતી. આ ભાષણની સામગ્રી પાકિસ્તાનના વૈચારિક નેરેટિવ જેવું જ છે, ખાસ કરીને હિંદુ-મુસલમાનો વચ્ચે મતભેદની સીધી વાત કરવી, વગેરે આ ભાષણને ઉશ્કેરણીજનક બનાવે છે.”

તેઓ કહે છે કે “પહલગામ હુમલાથી થોડા દિવસો અગાઉ અપાયેલા આ ભાષણમાં પાકિસ્તાનના સંયમ રાખવાના દાવા અથવા પડદા પાછળથી કૂટનીતિ કરવાના પ્રયાસોને જટિલ બનાવી દીધા છે.”

અબ્દુલ બાસિત પણ માને છે કે આ નિવેદનને જે રીતે જોવામાં આવ્યું તે નુકસાન પહોંચાડે છે.

તેઓ કહે છે, “શક્ય છે કે આસિમ મુનીર તે ક્ષણે લાગણીમાં તણાઈ ગયા હોય. તેમણે એવી વાત કરી જે કદાચ ખાનગી માહોલમાં સ્વીકાર્ય હોય, પરંતુ જાહેર મંચ પર, સેનાના પ્રમુખ તરીકે તે સ્પષ્ટપણે ટકરાવની વાત લાગતી હતી.”

અબ્દુલ બાસિત કહે છે, “કેટલાક લોકોને લાગ્યું કે આ નિવેદન શક્તિપ્રદર્શન છે. જાણે તેઓ જાહેરાત કરતા હતા કે બધું તેમના નિયંત્રણમાં છે અને પાકિસ્તાનની કમાન ફરી એક વાર સેનાના હાથમાં છે.”

જનરલ મુનીરનું ભાષણ અને પહલગામ હુમલો

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પહલગામ જનરલ આસિમ મુનીર આર્મી સેના પ્રમુખ

ઇમેજ સ્રોત, Getty Images

આ વર્ષની શરૂઆતમાં જ જનરલ આસિમ મુનીરે એક ભાષણ આપ્યું હતું. તેના આધારે કેટલાક લોકોને લાગ્યું કે જનરલ મુનીર અગાઉના સેના પ્રમુખની તુલનામાં સખત વલણ અપનાવશે.

5 ફેબ્રુઆરીએ કાશ્મીર એકજૂથતા દિવસના પ્રસંગે મુઝફ્ફરાબાદમાં બોલતા કહ્યું કે “પાકિસ્તાન કાશ્મીર માટે અગાઉ ત્રણ યુદ્ધ લડી ચૂક્યું છે અને જરૂર પડશે તો વધુ દસ યુદ્ધ લડવા માટે તૈયાર છે.”

પહલગામ હુમલા પછી ભારતીય અધિકારીઓએ હુમલા અને જનરલ આસિમ મુનીરના ભાષણ વચ્ચે કથિત સંબંધ તરફ ઇશારો કર્યો હતો. આ નિવેદનના કારણે બંને દેશો વચ્ચે અવિશ્વાસ વધી ગયો છે.

પાકિસ્તાનમાં જનરલ આસિમ મુનીરને એવી વ્યક્તિ તરીકે જોવામાં આવે છે જેઓ સમજી વિચારીને કદમ ઉઠાવે છે અને સમાધાન કરતા નથી.

9 મે, 2023ના રોજ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઇમરાન ખાનની ધરપકડ પછી દેશમાં ઉથલપાથલ થઈ હતી. તે વખતે જનરલ આસિમ મુનીરે ઇમરાન ખાનના ટેકેદારો વિરુદ્ધ સખત કાર્યવાહી શરૂ કરી હતી.

ત્યાર પછી સામાન્ય નાગરિકો સામે સૈન્ય કાયદા હેઠળ કેસ ચાલ્યા. પાકિસ્તાની સેનાના એક ટોચના જનરલને અધુરી મુદ્દતે રિટાયર કરી દેવામાં આવ્યા. આ ઉપરાંત ઇમરાન ખાનની નજીક ગણાતા આઈએસઆઈના ભૂતપૂર્વ પ્રમુખ રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદની ધરપકડ કરવામાં આવી હતી.

ટીકાકારોએ આને ઇમરાન ખાનના સમર્થકોનું દમન ગણાવ્યું. પરંતુ સમર્થકોનું કહેવું છે કે આ પગલું એવી સૈન્ય વ્યવસ્થાને બહાલ કરવાનો પ્રયાસ હતો જે જનરલ બાજવા અને જનરલ મુનીર બંને માટે જનતામાં વધતી ટીકાના કારણે પ્રભાવિત થઈ ચૂકી હતી.

જનરલ આસિમ મુનીરે પોતાનાં પાંચ વર્ષના કાર્યકાળમાંથી બે વર્ષ પૂરા કર્યા છે. પરંતુ તેમના વારસાની રૂપરેખા તૈયાર થવા લાગી છે.

ભારત સાથેનો હાલનો તણાવ ભલે સૈન્ય ટકરાવમાં રૂપાંતરિત થાય કે રાજદ્વારી માધ્યમથી ઉકેલાય, પાકિસ્તાનના તેના પાડોશી સાથેના ભાવિ સંબંધો જનરલ મુનીર તેમને કઈ દિશામાં લઈ જવા માંગે છે તેના પર નિર્ભર રહેશે.

અબ્દુલ બાસિતને લાગે છે કે આગલાં કેટલાંક અઠવાડિયા નિર્ણાયક રહેશે.

અબ્દુલ બાસિત કહે છે, “જનરલ આસિમ મુનીર આ કટોકટીનો કેવી રીતે સામનો કરે છે તેના પરથી એક સૈનિક, એક પાવર બ્રોકરના રૂપમાં તેમની ભૂમિકા અને આ ક્ષેત્રમાં પાકિસ્તાનની ભૂમિકા નક્કી થશે. હાલમાં આ નિર્ણય તેમના હાથમાં છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS