Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
“મુસાફરોને સલામત રીતે પહોંચાડવા અમારી જવાબદારી છે, પણ અમારી ખુદની સલામતીનું શું? અમે રોજ અનેક સમસ્યાઓનો સામનો કરીએ છીએ અને પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે.”
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવીઝનમાં કામ કરનારા 72 મેઇલ લૉકો પાઇલટ્સમાં અમોલ (નામ બદલ્યું છે)નો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરી હતી.
શારીરિક તથા માનસિક તણાવ, અનિયમિત ડ્યૂટી અને વહીવટી દબાણને કારણે પાઇલટ્સે સંયુક્તપણે ડિવીઝનલ રેલવે મૅનેજરોને પત્ર લખ્યો છે.
રેલવે વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, સમસ્યાઓના નિવારણ માટે ઉચિત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને લૉકો પાઇલટ્સની ફરિયાદોનો ઉકેલ ટૂંક સમયમાં મળી આવશે.
‘મેં મારું જીવન રેલવેને સમર્પિત કરી દીધું, પણ હવે…’
ઇમેજ સ્રોત, NOAH SEELAM/GETTY IMAGES
51 વર્ષના અમોલ (નામ બદલ્યું છે) સવાલ કરે છે, “ટ્રેન સમયસર અને સલામત રીતે પહોંચે, તે સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે. પણ અમે પોતે કેટલા સલામત છીએ?”
તેઓ સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવીઝન પર મેઇલ અને ઍક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરતા લૉકો પાઇલટ છે. તેમના સહિત 72 પાઇલટોએ સ્વૈચ્છિક નિવૃત્તિની માગણી કરી છે.
ત્રણ દાયકાની સેવા પછી પણ અનિયમિત શિફ્ટોમાં કામ કરવાના, સતત આવતા રહેલા કૉલ અને કલાકોનો પરિશ્રમ માગી લેતાં કામનો તણાવ ઓછો થયો નથી. તેઓ કહે છે કે, ડ્યૂટી પૂરી થયા પછી પણ તણાવનો અંત નથી આવતો.
વીઆરએસ માટે અરજી કરનારા લૉકો પાઇલટોનું કહેવું છે, “વિભાગમાં ઘણી ખાલી જગ્યાઓ રહેલી હોવાથી વધારાનું કામ કરવું પડે છે. જો સિગ્નલને લઈને કોઈ ભૂલ થાય, તો અમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પગાર કાપી લેવામાં આવશે કે અન્ય કોઈ પગલાં ભરવામાં આવશે, એવો ભય અમને સતત સતાવે છે.”
તેઓ નોંધે છે કે, રનિંગ રૂમમાં અપૂરતી સુવિધાઓ, સ્વચ્છતાના અભાવ તથા ભોજનની ગુણવત્તા વિશેની ફરિયાદોને કારણે તેમને આવશ્યક આરામ મળી શકતો નથી.
તેઓ કહે છે, “અમે કોઈ વૈભવી સુવિધાઓ નથી માગી રહ્યા, આ સલામતી માટેની જરૂરિયાત છે. સતત તણાવની અમારા આરોગ્ય પર તેમજ કૌટુંબિક જીવન પર અવળી અસર પડી રહી છે.”
સ્વૈચ્છિક નિવૃત્તિનો નિર્ણય લેવો સરળ નહોતો, એ સ્પષ્ટ કરતાં અમોલ કહે છે, “મેં રેલવેને મારું જીવન સમર્પિત કરી દીધું, પણ હવે મારે મારા આરોગ્ય અને પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે. મને અપેક્ષા છે કે, એંજિન ક્રૂની સમસ્યાઓ તથા સુખાકારી પર પણ ગંભીરતાથી ધ્યાન આપવામાં આવશે, જેથી દેશની જીવાદોરી ગણાતી ટ્રેનો સલામત રીતે દોડી શકે.”
કુલ 72 લૉકો પાઇલટ્સે નિવૃત્તિની માગણી કરી
તમામ લૉકો પાઇલટ્સ વહીવટી દબાણ અને પજવણીને કારણે તણાવ હેઠળ કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું છે કે, અનિયમિત ડ્યૂટી અને વહીવટી અસંવેદનશીલતાને કારણે તેમનો શારીરિક તેમજ માનસિક તણાવ વધી રહ્યો છે અને તે આરોગ્ય માટે હાનિકારક બની રહ્યો છે. પરિણામે, લૉકો પાઇલટ્સ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે એકજૂટ થાય છે.
સ્વૈચ્છિક નિવૃત્તિની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, લૉકો પાઇલટ્સને પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તા પણ તદ્દન નબળી હોય છે અને સુવિધાઓનો પણ સદંતર અભાવ છે.
લૉકો પાઇલટ્સે પત્રમાં શું જણાવ્યું?
ઇમેજ સ્રોત, NARINDERNANU/GETTY IMAGES
16મી ફેબ્રુઆરી, 2026ના રોજ ડિવીઝનલ રેલવે મૅનેજર, સેન્ટ્રલ રેલવે, મુંબઈ ડિવીઝન, સીએસએમટીને સુપરત કરવામાં આવેલી સંયુક્ત અરજીમાં લોકો પાઇલટ (મેઇલ) કર્મચારીઓએ વર્તમાન રેલવે નિયમો અનુસાર સ્વૈચ્છિક સેવા નિવૃત્તિની વિનંતી કરી છે.
તેમણે નોંધ્યું હતું કે, વર્ષો સુધી પ્રામાણિકતાપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે સમર્પણ સાથે સેવા બજાવી હોવા છતાં કેટલીક સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નહોતો, જેની તેમના આરોગ્ય, સલામતી, ગૌરવ અને સર્વાંગી સુખાકારી પર ગંભીર અસર પડી હતી.
આ સમસ્યાઓ વિશે સંબંધિત અધિકારીઓ સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કર્યા છતાં કોઈ અસરકારક કે લાંબા ગાળાના ઉકેલો હાથ ધરાયા નહોતા.
પરિણામે, આ સ્થિતિમાં સેવા ચાલુ રાખવી શારીરિક રીતે થકવી નાખનારી, માનસિક રીતે તણાવયુક્ત અને વ્યાવસાયિક રીતે અસ્થિર છે, એમ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.
પત્રમાં નોંધ્યા પ્રમાણે, ફરજ દરમિયાન અને રનિંગ રૂમમાં (વિશ્રાંતિ ગૃહ) પીરસવામાં આવતું ભોજન હલ્કી ગુણવત્તાનું, બિનઆરોગ્યપ્રદ હોય છે તથા ખાવા લાયક નથી હોતું, જેના કારણે સુરક્ષાની શ્રેણીની ફરજો માટેની આવશ્યક તંદુરસ્તી પ્રભાવિત થાય છે.
રનિંગ રૂમ તેમજ આરામ માટેની સુવિધાઓમાં પાયાની સ્વચ્છતા, યોગ્ય જાળવણી તથા જરૂરી સુવિધાઓનો અભાવ વર્તાય છે. પરિણામે, લાંબી અને તણાવયુક્ત ડ્યૂટી બજાવ્યા પછી પણ પૂરતો આરામ મળતો નથી.
એવું પણ નોંધવામાં આવ્યું હતું કે, લૉબી, ટ્રિપ શૅડ અને રનિંગ રૂમ સુધી સલામત માર્ગો, પ્રકાશ અને સુરક્ષિત પહોંચનો અભાવ ખાસ કરીને રાતના સમયે અને પ્રતિકૂળ હવામાનની સ્થિતિમાં સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું કરે છે.
રેલવેમાં ઘણી જગ્યાઓ ખાલી પડી છે

સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં લગભગ 240 મેઇલ લૉકો પાઇલટ્સ કામ કરે છે, જ્યારે 230 જેટલા હોદ્દા ખાલી છે. આ ખાલી જગ્યાઓને કારણે તેમણે ડ્યૂટી પર વધુ કામ કરવું પડે છે.
સેન્ટ્રલ રેલવે પર મુંબઈથી રોજની 200 કરતાં વધુ મેઇલ ઍક્સપ્રેસ ટ્રેનો દોડે છે. જ્યારે બીજી તરફ, મુંબઈ લોકલમાં લગભગ 950 લૉકો પાઇલટ્સ છે.
કેટલીક વખત મેઇલ ટ્રેન દોડાવતી વખતે સિગ્નલના નિયમોનો અજાણતાં ભંગ થઈ જતો હોય છે. સિગ્નલના ભંગ બદલ રેલવે વહીવટી તંત્ર દ્વારા કમ્પલ્સરી રિટાયરમેન્ટ ઑફ સર્વિસની (સીઆરએસ) કાર્યવાહી કરવામાં આવે છે.
તો, અમુક વખત પગાર કાપી લેવાય છે અથવા તો હોદ્દો ઘટાડી દેવાય છે. તેના કારણે નિવૃત્તિના સમયે નાણાંકીય ખોટ ખાવી પડે છે, આથી વર્તમાન લૉકો પાઇલટ્સ નિવૃત્તિની માગણી કરી રહ્યા છે.
50 વર્ષ કરતાં વધુ વયના કેટલાક લૉકો પાઇલટ્સ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માગતા હોવાનું 72 પૈકીના એક લૉકો પાઇલટે બીબીસી મરાઠીને જણાવ્યું હતું.
લૉકો પાઇલટ્સની માગણીઓ પર ધ્યાન આપવું જોઈએ
ઇમેજ સ્રોત, Getty Images
સેન્ટ્રલ રેલવે મઝદૂર કોંગ્રેસ યુનિયનના પ્રમુખ ડૉક્ટર પ્રવીણ બાજપેયીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બાજપેયીએ સ્ટાફ, લોકો પાઇલટ્સ, ગાર્ડ્ઝ તથા રેલવેના અન્ય કર્મચારીઓની અછતનો મુદ્દો ઊઠાવ્યો હતો.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં પ્રવીણ બાજપેયીએ કહ્યું હતું, “લોકો પાઇલટ્સની આ સમસ્યાઓ ઘણાં વર્ષોથી ચાલી રહી છે. વહીવટી તંત્ર તેના પર પૂરતું ધ્યાન આપતું નથી. અમારા કર્મચારીઓ માનસિક તથા અન્ય તણાવ હેઠળ કામ કરી રહ્યા છે. લૉકો પાઇલટ્સે ખાલી જગ્યાઓ ભરવા સહિતની જે પણ માગણી કરી છે, તે તમામને વહીવટી તંત્ર તાકીદે ધ્યાન પર લે, એવી અમારી માગણી છે.
બીબીસી મરાઠીએ લોકો પાઇલટ્સની સમસ્યાઓ અને તેમની માગણીઓ વિશે રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસરનો સંપર્ક સાધ્યો હતો.
બીબીસી મરાઠી સાથે વાત કરતાં સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું, “રેલવે વહીવટીતંત્ર લૉકો પાઇલટ્સની માગણીઓને લઈને યોગ્ય કાર્યવાહી કરી રહ્યું છે.”
તેમણે કહ્યું કે, “વહીવટી તંત્ર આ સમસ્યા પર સકારાત્મક રીતે વિચારણા કરી રહ્યું છે અને કેટલાક પાઇલટ્સે નિવૃત્તિ ન લેવા અંગેનો પત્ર લખ્યો છે. લૉકો પાઇલટ્સની સમસ્યાઓ તથા વ્યવસ્થાઓને ટૂંક સમયમાં જ નિવારવામાં આવશે.”
બીજી બાજુ, ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, રેલવે બોર્ડે લૉકો પાઇલટ્સ પાસે સળંગ ચાર દિવસ જ નાઇટ ડ્યૂટી કરાવવાના નિયમનું કડકાઈપૂર્વક પાલન કરવા તમામ 17 ઝોનને કહ્યું છે. તેમાં પણ ચોથી નાઇટ હૅડક્વાર્ટર તરફની આપવામાં આવે, એમ પણ જણાવવામાં આવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



