Source : BBC NEWS

અપડેટેડ 4 કલાક પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા પછી પાકિસ્તાનના કરાચીમાં અમેરિકન દૂતાવાસમાં હિંસા થઈ છે, જેમાં નવ લોકો મૃત્યુ પામ્યા છે.
કરાચીમાં બંદર નજીક અમેરિકાનું વાણિજ્ય દૂતાવાસ આવેલું છે. સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક લોકો વાણિજ્ય દૂતાવાસનો દરવાજો તોડીને અંદર પ્રવેશે છે અને પછી રિસૅપ્શન તથા સુરક્ષા કક્ષની બારીઓ તોડી નાખે છે.
મજલિસ-એ-વહાદત મુસ્લિમીનના એક પ્રવક્તા મુજબ આ એક જાહેર વિરોધપ્રદર્શન હતું. તેમાં સામાન્ય લોકોએ એક ધાર્મિક વ્યક્તિની હત્યાના વિરોધમાં અમેરિકાના વાણિજ્ય દૂતાવાસ બહાર પ્રદર્શન કર્યાં હતાં. તેમના પર અંદરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારી ડૉક્ટર સમી સૈયદે પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં છ લોકો માર્યા ગયા અને આઠને ઈજા થઈ છે.
બીજી તરફ પ્રાંતના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લાંજરે અમેરિકન દૂતાવાસ બહાર થયેલાં વિરોધપ્રદર્શનો અંગે કરાચીના ઍડિશનલ આઈજી પાસેથી વિસ્તૃત અહેવાલ માંગ્યો છે.
એક નિવેદનમાં તેમણે કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાની મંજૂરી આપવામાં નહીં આવે. કાયદો અને વ્યવસ્થા બગાડનારા લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.
તેમણે પોલીસને સંવેદનશીલ ઇમારતોની સુરક્ષા વધારવા માટે નિર્દેશ આપ્યા હતા.
સમાચાર એજન્સી એએફપીના પત્રકારે જોયું કે રવિવારે ઈરાનના સમર્થક એવા સેંકડો પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના કરાચી શહેરમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુવાનોનું ટોળું મેઇન ગેટ પર ચઢી ગયું અને દૂતાવાસના બિલ્ડિંગ પરિસરમાં ઘૂસી ગયું હતું. તેના કારણે કેટલીક બારીઓ તૂટી ગઈ. એએફપીના પત્રકાર મુજબ પોલીસે પ્રદર્શનકારીઓ પર ટિયર ગૅસના શેલ છોડ્યા હતા, જેથી તેઓ વિખેરાઈ જાય.
પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરમાં વિરોધપ્રદર્શન
ઇમેજ સ્રોત, AFP via Getty Images
આયતુલ્લાહ અલી ખામેનેઈનાં મૃત્યુ સંદર્ભે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના ગિલગિત-બલ્તિસ્તાનમાં પણ ઉગ્ર વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે.
પત્રકાર મુહમ્મદ ઝુબૈર ખાને બીબીસી ઉર્દૂને જણાવ્યું કે ગિલગિત બલ્તિસ્તાનના સ્કાર્દૂ વિસ્તારમાં હિંસક પ્રદર્શન ચાલી થઈ રહ્યાં છે. અહીં સંયુક્ત રાષ્ટ્ર સંઘની કચેરી સળગાવી દેવામાં આવી હતી.
ગિલગિત તથા સ્કાર્દૂમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ. જેમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. સ્કાર્દૂમાં એસપી હાઉસ, સૉફ્ટવેર ટૅક્નૉલૉજી પાર્ક તથા યુએનની કચેરીમાં તોડફોડ થઈ અને આગચંપી કરવામાં આવી હતી.
બીબીસીની ઉર્દૂ સેવાના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનના અલગ-અલગ ભાગોમાં ઉગ્ર દેખાવો અને વિરોધપ્રદર્શન ફાટી નીકળ્યાં છે.
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નક્વીએ લોકોને કાયદો હાથમાં નહીં લેવા અપીલ કરી છે અને શાંતિપૂર્વક રીતે વિરોધ નોંધાવવા આહ્વાન કર્યું છે.
મોહસિન નક્વીએ કહ્યું, “આયાતુલ્લાહ અલી ખામેનેઈની શહીદીથી ઈરાનના લોકો જે રીતે દુઃખમાં ડૂબેલા છે, એવી જ રીતે પાકિસ્તાનનો દરેક નાગરિક શોકગ્રસ્ત છે.”
અમેરિકન દૂતાવાસે ઍડવાઇઝરી જારી કરી
ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પર શૅર કરાયેલા વીડિયોમાં યુવાનો દૂતાવાસની મુખ્ય ઇમારતની બારીઓ તોડી રહ્યા હતા, જ્યારે કાંટાળા તારથી ઘેરાયેલા કમ્પાઉન્ડ પર અમેરિકન ધ્વજ લહેરાતો જોઈ શકાય છે.
શનિવારે ઈરાન પર યુએસ-ઇઝરાયલના સંયુક્ત હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનાઈનું મોત થયું હતું, ઈરાનના સરકારી ટીવીએ રવિવારે સવારે આની પુષ્ટિ કરી હતી.
શનિવારે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલા બાદ કરાચીસ્થિત યુએસ દૂતાવાસ તેના નાગરિકો માટે એક ઍડવાઇઝરી જારી કરી હતી.
તેમાં કહેવામાં આવ્યું હતું કે, “આ ક્ષેત્રમાં હાલના તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીના ભાગ રૂપે કરાચીમાં યુએસ દૂતાવાસ સોમવાર, 2 માર્ચ, 2026 ના રોજ સ્થાનિક સમય મુજબ સાંજે 5:00 વાગ્યા સુધી યુએસ સરકારી કર્મચારીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકી રહ્યું છે.”
“અમે અમેરિકાના નાગરિકોને વ્યક્તિગત સુરક્ષાનાં ઉચ્ચ ધોરણોનું પાલન કરવાનું જણાવીએ છીએ, જેમાં તમારી આસપાસના વાતાવરણથી વાકેફ રહેવું, મોટી ભીડમાં જવાનું ટાળવું અને તમારી STEP નોંધણી અપ-ટુ-ડેટ રાખવાનો સમાવેશ થાય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



