Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
3 કલાક પહેલા
વાંચવાનો સમય: 3 મિનિટ
આજે, એટલે કે 17 ફેબ્રુઆરીએ વર્ષ 2026નું પ્રથમ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણની ખાસ વાત એ હશે કે તે સંપૂર્ણ નહીં, પરંતુ વલયાકાર ગ્રહણ હશે. તેને ‘કંકણાકૃતિ સૂર્યગ્રહણ’ પણ કહેવામાં આવે છે, જેમાં ચંદ્ર દ્વારા સૂર્યનો લગભગ 96 ટકા હિસ્સો ઢંકાઈ જશે. પરિણામે આકાશમાં એક ચમકદાર રિંગ જેવી રચના જોવા મળશે.
ચંદ્ર જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેથી પસાર થાય ત્યારે આ ગ્રહણ થતું હોય છે, પરંતુ ચંદ્રનું કદ સૂર્ય કરતાં નાનું હોવાથી તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતું નથી. આના કારણે એક છેડા પર ચમકતી રિંગ જેવી રચના થાય છે જેને ‘રિંગ ઑફ ફાયર’ પણ કહેવામાં આવે છે.
ભારતીય સમય પ્રમાણે બપોરે 3.26 વાગ્યાથી ગ્રહણ શરૂ થશે અને 7.57 વાગ્યે પૂર્ણ થશે. એટલે કે સાડા ચાર કલાક સુધી સૂર્યગ્રહણ ચાલશે.
ભારતમાં ગ્રહણ નહીં દેખાય?
17 મી ફેબ્રુઆરીનું વલયાકાર સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોઈ શકાય. પરંતુ દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકા, સાઉથ અમેરિકાના ભાગોમાં આ ગ્રહણને જોઈ શકાશે. ઝિમ્બાબ્વે, મોરેશિયસ, મોઝામ્બિક, તાન્ઝાનિયા, નામિબિયા, ચિલી, આર્જેન્ટિનાના લોકો આ સૂર્યગ્રહણ જોઈ શકશે.
હિંદ મહાસાગરના કેટલાક ભાગોમાં ગ્રહણનો આંશિક હિસ્સો જોઈ શકાશે.
આગામી દિવસોમાં 12મી ઑગસ્ટે પણ એક સૂર્યગ્રહણ આવશે એવું નાસાની વેબસાઇટ જણાવે છે.
તે સંપૂર્ણ ગ્રહણ હશે અને ગ્રીનલૅન્ડ, રશિયા, સ્પેન, આઇસલૅન્ડ, તથા પોર્ટુગલના કેટલાક ભાગોમાં જોવા મળશે. જોકે, તેનાથી પહેલા ત્રીજી માર્ચે ચંદ્રગ્રહણ આવશે જે સમગ્ર એશિયા, ઑસ્ટ્રેલિયા, પેસિફિક ટાપુઓ પર જોવા મળશે.
ગ્રહણ વિશે લોકોમાં ધારણાઓ
ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમી એશિયામાં એવી માન્યતા હતી કે ગ્રહણ દરમિયાન ડ્રૅગન સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કરે છે અને એટલે ત્યાં ડ્રૅગનને ભગાડવા માટે ઢોલ-નગારાં વગાડવામાં આવતાં.
ચીનમાં એવી માન્યતા હતી કે સૂર્યને ગળવાનો પ્રયત્ન કરનાર ખરેખર સ્વર્ગનો એક શ્વાન છે. પેરુના લોકો માનતા હતા કે આ વિશાળ પ્યૂમા હતું અને વાઇકિંગ માનતા હતા કે ગ્રહણના સમયે આસમાની વરુઓની જોડી સૂર્ય પર હુમલો કરે છે.
ખગોળશાસ્ત્રી અને વૅસ્ટર્ન કૅપ યુનિવર્સિટીના પ્રોફેસર જરિટા હૉલબ્રુક કહે છે, “ગ્રહણ વિશે વિભિન્ન સભ્યતાની માન્યતા એ વાત પર નિર્ભર કરે છે કે ત્યાં પ્રકૃતિ કેટલી હદે ઉદાર છે. જ્યાં જીવન મુશ્કેલ છે, ત્યાં દેવીદેવતાઓ પણ ક્રૂર અને બિહામણા હોવાની કલ્પના કરવામાં આવી છે, એટલે ગ્રહણથી જોડાયેલી કહાણીઓ પણ બિહામણી હોય છે.”
તેઓ કહે છે, “જ્યાં જીવન સરળ હોય છે, ભરપૂર ભોજન પાણી હોય છે ત્યાં ઈશ્વર અને પરાશક્તિઓ સાથે મનુષ્યનો સંબંધ અતિપ્રેમપૂર્ણ હોય છે અને તેમનાં મિથક પણ એવાં જ હોય છે.”
મધ્યકાલીન યુરોપમાં લોકો પ્લેગ અને યુદ્ધોથી ત્રસ્ત રહેતા હતા, એવામાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ તેમને બાઇબલમાં પ્રલયના વર્ણનની યાદ અપાવતું હતું.
પ્રોફેસર ક્રિસ ફ્રેન્ચ કહે છે, લોકો ગ્રહણને પ્રલય સાથે કેમ જોડે છે, આ સમજવું મુશ્કેલ નથી.
બાઇબલમાં ઉલ્લેખ છે કે કયામતના દિવસે સૂર્ય બિલકુલ કાળો થઈ જશે અને ચંદ્ર લાલ રંગનો.
ગ્રહણને લગતી અનેક કહાણીઓ
ઇમેજ સ્રોત, Getty Images
ગ્રહણ એ માનવી માટે હંમેશાંથી એક રહસ્યમય ઘટના રહી છે અને ઘણા લોકો તેને જોખમનું પ્રતીક માને છે. એવું માનવામાં આવે છે કે દુનિયાના ખતમ થવાની કે પછી ભયંકર ઘટનાઓની ચેતવણી ગ્રહણ દ્વારા મળે છે.
હિંદુ પૌરાણિક કથાઓમાં ગ્રહણને અમૃતમંથન અને રાહુ-કેતુ નામક દૈત્યોની કહાણી સાથે સાંકળવામાં આવે છે.
ગ્રહણ હંમેશાં મનુષ્યને જેટલી નવાઈ પમાડે એટલું જ ડરાવતું પણ રહ્યું છે.
માનવીને જ્યાં સુધી ગ્રહણનાં વૈજ્ઞાનિક કારણોની ખબર ન હતી, ત્યાં સુધી માનવીએ સૂર્યને ઘેરતી આ અંધારી છાયા મામલે કેટલીક કલ્પનાઓ કરી અને કેટલીય કહાણીઓ રચી.
આજે પણ ઘણા લોકોને ગ્રહણની કહાણીઓ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ પર વિશ્વાસ છે.
કૅલિફૉર્નિયાની ગ્રિફિથ સેન્ટરના નિદેશક ઍડવિન ક્રપ કહે છે, “17મી સદીનાં અંતિમ વર્ષો સુધી મોટા ભાગના લોકોને ખબર નહોતી કે ગ્રહણ કેવી રીતે થાય છે અથવા તારા તૂટે છે. જોકે આઠમી સદીથી જ ખગોળશાસ્ત્રીઓને તેના વૈજ્ઞાનિક કારણની જાણકારી હતી.”
ગ્રહણને જોવામાં સાવધાની જરૂરી
ઇમેજ સ્રોત, Getty Images
લોકોએ ખુલ્લી આંખે સૂર્યગ્રહણ ક્યારેય જોવું ન જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.
સૂર્યગ્રહણને થોડા સમય માટે પણ ખુલ્લી આંખે ન જોવું જોઈએ. નિષ્ણાતો કહે છે કે ચંદ્રમા સૂર્યના મોટા ભાગના હિસ્સાને ઢાંકી દે ત્યારે પણ ખુલ્લી આંખે ન જુઓ, કારણ કે તેનાથી આંખને કાયમી નુકસાન પહોંચી શકે છે, અંધાપો પણ આવી શકે છે.
સૂર્યગ્રહણ જોવું હોય તો કાળા પૉલિમર કે ટેલિસ્કૉપના માધ્યમથી સફેદ પટ્ટા પર સૂર્યના છાયાનું પ્રક્ષેપણ કરીને તેને જોઈ શકો છો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



