Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
‘એક દિવસમાં ચશ્મા મુક્ત થાઓ.’
લેસિક (LASIK) સર્જરી વિશેનો આવો દાવો તમે સાંભળ્યો હશે, પરંતુ લેસિક સર્જરી દરેક વ્યક્તિ માટે ખરેખર સલામત અને યોગ્ય ઉકેલ છે?
તમે આંખોની રચના, કોર્નિયાની જાડાઈ અને દૃષ્ટિની સ્થિરતાને અવગણશો તો પછીથી સમસ્યા સર્જાઈ શકે છે.
જાહેરાતો પાછળની તબીબી વાસ્તવિકતા બાબતે નેત્ર નિષ્ણાતો શું કહે છે?
લેસિક સર્જરી કરાવવાનો નિર્ણય લેતાં પહેલાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓને સમજવા જરૂરી છે.
ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સ પહેરવા એ ઘણા લોકો માટે માથાનો દુખાવો હોય છે. ચશ્મા રોજિંદી મુસાફરી, ઓફિસના કામ, રમતગમત, સ્વિમિંગ અથવા તો સરળ સામાજિક પ્રસંગોમાં પણ સમસ્યાઓનું કારણ બનતા હોય છે. તેથી લેસિક સર્જરી કરાવવા માટેનો લોકોનો ઉત્સાહ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઝડપથી વધ્યો છે.
‘એક દિવસમાં ચશ્મા મુક્ત થાઓ’નો દાવો કરતી જાહેરાતો, સોશિયલ મીડિયા પર જોવા મળતા અનુભવો અને પરિચિતોના સકારાત્મક કિસ્સાઓ ઘણા લોકોમાં એવી ધારણા ઉભી કરે છે કે LASIK એક સરળ અને વિશ્વસનીય પ્રક્રિયા છે.
જોકે, તબીબી વાસ્તવિકતા આ છબી કરતાં વધુ જટિલ છે. LASIK એક અત્યાધુનિક અને અસરકારક સર્જરી હોવા છતાં, તે દરેક માટે યોગ્ય નથી.
ખોટા સમયે, પૂરતી તપાસ વિના અથવા દર્દીની આંખની રચનાનો યોગ્ય વિચાર કર્યા વિના કરવામાં આવેલી LASIK સર્જરી ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી વિશ્વભરના નેત્ર ચિકિત્સકો ‘કોણે LASIK સર્જરી કરાવવી જોઈએ અને કોણે ટાળવી જોઈએ’ તે અંગે મક્કમ વલણ અપનાવી રહ્યા છે.
લેસિક સર્જરી કરાવતી વખતે, તેને પરિણામે ચશ્માથી છૂટકારો મળશે કે નહીં તેનો જ સવાલ હોતો નથી. આ નિર્ણય દૃષ્ટિના ભવિષ્ય માટે યોગ્ય છે કે નહીં એ વાસ્તવિક મુદ્દો છે.
લેસિક શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
માયોપિયા, હાયપરઓપિયા અને એસ્ટિગ્મેટિઝમ જેવા મુખ્ય દૃષ્ટિદોષ સુધારવામાં આવે છે, પરંતુ લેસિક વાસ્તવમાં ‘બધા માટે બંધબેસતી’ પ્રક્રિયા નથી.
ભલે તે આજે ઉપલબ્ધ ફેમટોસેકન્ડ લેસર, ટોપોગ્રાફી-ગાઈડેડ પદ્ધતિ હોય કે પછી SMILE અને SILK જેવી ફ્લૅપલેસ સર્જરીઓ હોય. આ બધાથી દર્દીની પસંદ અને ચુસ્ત તપાસ કરવામાં આવે ત્યારે જ ફાયદો થાય છે.
તેથી આ સર્જરી વિશેના આઠ મહત્વપૂર્ણ મુદ્દાઓના જવાબ આપણે નિષ્ણાત પાસેથી મેળવીશું.

તબીબી દૃષ્ટિએ કોણે લેસિક સર્જરી કરાવવી જોઈએ?
કોઈ વ્યક્તિ માટે લેસિક સર્જરી લેસિક સર્જરી યોગ્ય છે કે નહીં તેનો નિર્ણય “તેને નંબર છે કે નહીં” તેના આધારે જ થતો નથી. તેમાં દર્દીની વય, છેલ્લા એક વર્ષથી તેની દૃષ્ટિ સ્થિર છે કે નહીં, કોર્નિયાની જાડાઈ અને મજબૂતી તેમજ કોર્નિયલ ટોપોગ્રાફીમાં કોઈ શંકાસ્પદ ફેરફાર થયો છે કે કેમ એવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, તેની તપાસ કરવામાં આવે છે.
લેસિક એ સંપૂર્ણપણે તકનીકી પ્રક્રિયા નથી, પરંતુ તે આંખોના લાંબા ગાળાના સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોવાથી દર્દીનું યોગ્ય નિદાન સૌથી મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
વય અને ચશ્માના નંબર વ્યક્તિ માટે યોગ્ય હોય તો પણ કોર્નિયાની રચના લેસિક માટે સલામત ન હોય તો શસ્ત્રક્રિયા ટાળવામાં આવે છે.
તેથી “મારી પરિચિત વ્યક્તિએ કરાવ્યું છે એટલે હું પણ કરાવી શકું” એવો માપદંડ તબીબી નિર્ણય માટે પૂરતો નથી.
ડૉ. હેમંત કાંબળે પુણેના શિવાજીનગરમાં એએસજી આઈ હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. તેમણે આ બાબતે વિગતવાર માહિતી આપી હતી.
ડૉ. કાંબળે કહે છે, “લેસિક સર્જરી માટે કોઈ વ્યક્તિ યોગ્ય છે કે તેનો નિર્ણય કોઈ એક મુદ્દાને આધારે કરી શકાય નહીં.”
“તે અનેક તબીબી પરિબળોનું સંયોજન હોય છે. અહીં ઉંમર મહત્વપૂર્ણ હોય છે, પરંતુ વધુ મહત્વની બાબત આંખોની જૈવિક સ્થિરતા હોય છે.”
“દર્દીના ચશ્માના નંબર છેલ્લા એક વર્ષથી સંપૂર્ણપણે સ્થિર છે કે કેમ તેની તપાસ અમે સૌથી પહેલાં કરીએ છીએ. પછી કોર્નિયાની જાડાઈ, તેની વક્રતા અને ટોપોગ્રાફીમાં ક્યાંય કેરાટોકોનસના પ્રાથમિક ચિહ્નો છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે.”
ડૉ. કાંબળેએ તેમના અત્યાર સુધીના અનુભવ પર આધારિત માહિતી આપતાં કહે છે, “ઘણી વખત દર્દીને કોઈ ફરિયાદ હોતી નથી. દૃષ્ટિ સારી હોય છે, પરંતુ પરીક્ષણમાં જોવા મળતા સુક્ષ્મ ફેરફારો ભવિષ્યમાં મોટો ખતરો બની શકે છે.”
“તેથી જ લેસિક સર્જરીનો નિર્ણય લેતી વખતે, આજે ચશ્મા નીકળી જશે કે કેમ, એ પ્રશ્ન ગૌણ બની જાય છે.”
“અમારા માટે વાસ્તવિક પ્રશ્ન એ હોય છે કે આગામી 15-20 વર્ષ સુધી આંખો સુરક્ષિત રહેશે કે નહીં?”
“લેસિક માત્ર તત્કાળ સુવિધા ન હોવાથી દૃષ્ટિ સ્વાસ્થ્ય સંબંધી લાંબા ગાળાનો નિર્ણય છે. તેથી તે ગંભીરતાથી લેવો પડે છે.”
પુણે નજીકના પિંપરી ચિંચવડમાં ડૉ. અગ્રવાલ્સ આઈ હૉસ્પિટલમાં કાર્યરત ડૉ. સોનલ એરોળે કહે છે, “ચશ્માના નંબર હોવાનો અર્થ એ નથી કે તે વ્યક્તિ લેસિક સર્જરી કરાવવા યોગ્ય છે. વ્યક્તિની આંખની રચના અને આંખની તપાસનાં એકંદર તારણો, તે લેસિક સર્જરી માટે સલામત છે એવું સૂચવતા હોય એ જ વ્યક્તિની સર્જરી કરવામાં આવે છે. દર્દીની અપેક્ષા વાસ્તવિક હોવી પણ મહત્ત્વપૂર્ણ છે.”

કઈ પરિસ્થિતિમાં લેસિક સર્જરી અયોગ્ય?
કેટલાક તબીબી કારણોસર લેસિક સર્જરી જોખમી બની શકે છે. પાતળા કોર્નિયા, કેરાટોકોનસ, અનિયંત્રિત ડાયાબિટીસ, ઑટોઇમ્યુન રોગો અને આંખમાં અત્યંત ડ્રાય અથવા સક્રિય ચેપના કિસ્સાઓમાં લેસિક સર્જરી ટાળવામાં આવે છે.
ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન હોર્મોનલ ફેરફારો થતા હોવાને કારણે પણ લેસિક સર્જરી ન કરાવવાની સલાહ આપવામાં આવે છે.
મહારાષ્ટ્રના થાણેની કેઆઈએમએસ હોસ્પિટલમાં કાર્યરત કન્સલ્ટન્ટ નેત્ર ચિકિત્સક ડૉ. રશ્મિ બર્વેએ આ વિશે વધુ માહિતી આપી હતી.
ડૉ. બર્વે કહે છે, “લેસિક સર્જરી પૂર્વેની તપાસમાં ઘણીવાર એવાં જોખમો જોવા મળે છે, જેના વિશે દર્દી અજાણ હોય છે.”
“લેસિક સર્જરી પછી પાતળા કોર્નિયા અથવા છૂપાયેલા વિકારો ગંભીર સ્વરૂપ લઈ શકે છે. તેથી ક્યારેક લેસિક સર્જરી ન કરાવવી એ સૌથી સલામત અને તબીબી રીતે યોગ્ય નિર્ણય હોય છે.”

સર્જરી પહેલાં વય અને દૃષ્ટિ સ્થિરતા આટલી મહત્વની કેમ?
લેસિક સર્જરી આંખના વર્તમાન દૃષ્ટિ દોષ પર આધારિત હોય છે. એટલે કે લેસર ચશ્માની વર્તમાન શક્તિ અનુસાર કોર્નિયાના આકારમાં ફેરફાર કરે છે.
કોઈ દર્દીના આંખના નંબર બદલાતા રહેતા હોય તો લેસિક સર્જરી પછી પણ દૃષ્ટિ દોષ ફરી વધવાની શક્યતા રહે છે. તેથી મોટાભાગના નેત્ર ચિકિત્સકો ઓછામાં ઓછા એક વર્ષ સુધી પાવરને સ્થિર રાખવો જરૂરી માને છે.
એ ઉપરાંત પ્રેસ્બાયોપિયા (40 વર્ષની વય પછી નજીકની વસ્તુઓ જોવા માટે પડતી તકલીફની કુદરતી પ્રક્રિયા) લેસિક સર્જરી દ્વારા રોકી શકાતી નથી. તેથી લેસિક સર્જરી પછી પણ વાંચન માટે ચશ્માની જરૂર પડી શકે છે, એવું દર્દીઓને પહેલાં જ જણાવી દેવામાં આવે છે.
ડૉ. સોનલ એરોળે કહે છે, “લેસિક સર્જરી પહેલાં દૃષ્ટિ સ્થિર હોવી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે લેસિક લેસર વર્તમાન નંબર અનુસાર કાર્ય કરે છે.”
“નંબર બદલાતા રહેતા હોય તો લેસિક સર્જરી પછી પણ તે વધી શકે છે અને દર્દી હતાશ થઈ શકે છે. એવી જ રીતે 40 વર્ષની વય પછી દૃષ્ટિમાં ઘટાડો થવો એ એક કુદરતી પ્રક્રિયા છે.”
“લેસિક સર્જરી કરાવતી વખતે જ દર્દીને ફેરફારોનો સ્પષ્ટ ખ્યાલ આપવામાં આવે તો અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચે કોઈ અંતર રહેતું નથી.”
“યોગ્ય વયે અને યોગ્ય સમયે કરાવવામાં આવેલી લેસિક સર્જરી લાંબા ગાળાનો સંતોષ આપી શકે છે.”

લેસિક સર્જરી માટેની પાત્રતા વિશે દર્દીઓમાં કેવી ગેરસમજ હોય છે?
લેસિક સર્જરી વિશે ઘણી ગેરસમજ હજુ પણ પ્રવર્તે છે. ‘LASIK એટલે 20/20 દ્રષ્ટિની ગેરંટી’, ‘એકવાર LASIK સર્જરી કરાવી લો તો જીવનભર ચશ્માની જરૂર નથી’, અથવા ‘ચોક્કસ ઉંમર પછી LASIK સર્જરી કરાવી શકાતી નથી’ વગેરે જેવી માન્યતાઓને કારણે ઘણા દર્દીઓ ખોટી અપેક્ષા સાથે ડોક્ટર પાસે જાય છે.
આવી ગેરમાન્યતાઓમાં સોશિયલ મીડિયા, જાહેરાતો અને અફવાઓ વધારો કરે છે. વાસ્તવમાં લેસિક સર્જરી એક તબીબી પ્રક્રિયા છે અને તે વ્યક્તિગત આંખની તપાસ પર આધારિત હોય છે. તેની મર્યાદા દરેક દર્દીએ શરૂઆતથી જ સમજવી જોઈએ.
આવી ગેરમાન્યતાઓ વિશે ડો. હેમંત કાંબળે કહે છે, “લેસિક સર્જરી વિશેની સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે તે સંપૂર્ણ દૃષ્ટિની ગેરંટી છે. વાસ્તવમાં લેસિક સર્જરી એક એવી પ્રક્રિયા છે, જે દૃષ્ટિની વર્તમાન ક્ષતિને દુરસ્ત કરે છે.”
“તે વય સાથે સંકળાયેલા કુદરતી ફેરફારોને રોકતી નથી. દાખલા તરીકે, લેસિક સર્જરીથી પ્રેસ્બાયોપિયાને રોકી શકાતો નથી.”
“તેથી 40 વર્ષની વય પછી દર્દીને વાંચન માટે ચશ્માની જરૂર પડી શકે છે.”
ડૉ. કાંબળે ઉમેરે છે કે “એસ્ટિગ્મેટિઝમ કે વધારે નંબર હોય તેવા દર્દીઓ લેસિક સર્જરી માટે અપાત્ર હોય છે, તેવી પણ એક ગેરમાન્યતા છે.”
“આધુનિક ટેકનૉલૉજી વડે આ ખામીઓ ઘણીવાર સુધારી શકાય છે, પરંતુ તે બધાનો આધાર તબીબી તપાસ પર હોય છે.”
“ઉપરાંત, કેટલાક દર્દીઓ ગર્ભાવસ્થા દરમિયાન લેસિક સર્જરી કરાવવાનું વિચારે છે, કારણ કે તેમની પાસે સમયની મોકળાશ હોય છે, પરંતુ એ સમયગાળા દરમિયાન હોર્મોનલ ફેરફારોને કારણે કોર્નિયાનો આકાર બદલાઈ શકે છે.”
“તેથી લેસિક સર્જરી કરાવવાનો નિર્ણય જાહેરાતો પર નહીં, પરંતુ તબીબી સલાહ પર જ આધારિત હોવો જોઈએ.”

પ્રી-લેસિક ટેસ્ટ શું છે અને તે શા માટે જરૂરી છે?
પ્રી-લેસિક ટેસ્ટને સમગ્ર પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.
તેમાં કોર્નિયલ ટોપોગ્રાફી દ્વારા કોર્નિયાનો આકાર અને મજબૂતી તપાસવામાં આવે છે.
જાડાઈ માપવામાં આવે છે, ડ્રાય આઈઝ સંબંધી તપાસ કરવામાં આવે છે અને ડાયલેટેડ રીફ્રેક્શન દ્વારા ચોક્કસ નંબર માપવામાં આવે છે.
એ ઉપરાંત રેટિનાની સંપૂર્ણ તપાસ, તેમાં કોઈ નબળાઈ છે કે કેમ તેના માટે કરવામાં આવે છે. આ ટેસ્ટ ખાસ કરીને માયોપિયાના દર્દીઓ માટે વિશેષ મહત્વની હોય છે.
આ વિશે વધુ માહિતી આપતાં ડૉ. હેમંત કાંબળે કહે છે, “પ્રી-લેસિક ટેસ્ટ માત્ર દર્દીની યોગ્યતા નક્કી કરવા માટે જ નથી. તેનો મુખ્ય હેતુ ભવિષ્યના જોખમોને ઓળખવાનો અને ટાળવાનો પણ છે.”
“કોર્નિયલ ટોપોગ્રાફી દ્વારા કોર્નિયાના ચોક્કસ આકાર, વક્રતા અને બાયોકેમિકલ સ્ટ્રેંગ્થનો તાગ મેળવવામાં આવે છે.”
“ઘણી વખત કેરાટોકોનસના પ્રારંભિક સંકેતો માત્ર આ પરીક્ષણમાં જ જોવા મળે છે.”
ડૉ. રશ્મિ બર્વે કહે છે, “દર્દીઓ આ પરીક્ષણોને ઘણીવાર લાંબો સમય માંગી લેતી પ્રક્રિયા ગણતા હોય છે.”
“વાસ્તવમાં આ પરીક્ષણો સંભવિત ગૂંચવણને વહેલી ઓળખવામાં મદદ કરે છે. ભવિષ્યમાં દૃષ્ટિની સમસ્યાઓ અટકાવવા માટે આ પરીક્ષણો જરૂરી છે.”

લેસિક સર્જરી માટે યોગ્ય ન હોય તેવા દર્દીઓ માટે ક્યા વિકલ્પો ઉપલબ્ધ છે?
લેસિક સર્જરીને પાત્ર ન હોવાનો અર્થ એ નથી કે દર્દી પાસે દૃષ્ટિ સુધારણા માટેના બધા જ વિકલ્પો ખતમ થઈ ગયા છે.
કેટલાક દર્દીઓ માટે પીઆરકે અથવા સરફેસ એબ્લેશન સલામત વિકલ્પ હોઈ શકે છે.
નંબર્સ ખૂબ વધારે હોય તો ફેકિક ઇન્ટ્રાઑક્યુલર લેન્સ (આઈસીએલ) એક અસરકારક વિકલ્પ છે. કેટલાક કિસ્સામાં રીફ્રેક્ટિવ લેન્સ એક્સચેન્જ લાંબા ગાળાનો યોગ્ય ઉકેલ હોય છે.
ડૉ. સોનલ એરોળે કહે છે, “લેસિક સર્જરી માટેની પાત્રતા ન હોય તો પણ દર્દીએ નિરાશ ન થવું જોઈએ.”
“આજે ઉપલબ્ધ વૈકલ્પિક સારવા સલામત અને વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલા છે. દર્દીની જરૂરિયાતને આધારે નિર્ણય લેવો જોઈએ.”
ડૉ. હેમંત કાંબળે કહે છે, “લેસિક સર્જરી માટે અપાત્ર હોય તેવા દર્દી બધી જ સારવાર માટે અયોગ્ય હોતા નથી. દરેક દર્દી માટે અલગ-અલગ પ્રક્રિયા હોય છે.”
“કોર્નિયા પાતળો હોય તો પીઆરકે વધુ સુરક્ષિત છે, કારણ કે તેમાં ફ્લેપ બનાવવામાં આવતો નથી. નંબર ખૂબ જ વધારે હોય તો ફેકિક ઇન્ટ્રાઑક્યુલર લેન્સ એક ઉત્તમ વિકલ્પ છે, કારણ કે તે કોર્નિયાને માઠી અસર કરતા નથી.”
“વય, ભવિષ્યની જરૂરિયાતો અને નંબર્સને ધ્યાનમાં રાખીને કેટલાક દર્દીઓ માટે રીફ્રેક્ટિવ લેન્સ ઍક્સચેન્જ વધારે વ્યવહારુ વિકલ્પ છે.”
“તેમાં કુદરતી લેન્સને દૂર કરવામાં આવે છે અને કૃત્રિમ લેન્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે તેમજ ભવિષ્યમાં મોતિયાની સમસ્યાને પણ ટાળી શકાય છે. ‘એક દર્દી, એક પ્રક્રિયા’ એવું વિચારવાને બદલે ‘યોગ્ય દર્દી માટે યોગ્ય પ્રક્રિયા’ એવો અભિગમ હોવો જોઈએ.”

લેસિક સર્જરીના જોખમો અને સંભવિત કૉમ્પ્લિકેશન્શ શું છે?
લેસિક પ્રમાણમાં સલામત સર્જરી છે, પરંતુ સદંતર જોખમવિહીન નથી. લેસિક સર્જરી પછી થોડા સમય માટે ડ્રાઈ આઈઝ, પ્રકાશની આસપાસ પ્રભામંડળ અથવા પ્રકાશ પ્રત્યે વધેલી સંવેદનશીલતાનો અનુભવ થઈ શકે છે.
ફ્લેપ સંબંધિત સમસ્યાઓ અથવા નંબર્સમાં ભાગ્યે જ વધારો થાય છે. યોગ્ય તપાસ અને કાળજી વડે મોટાભાગનું જોખમ ટાળી શકાય છે.
આ સંદર્ભે ડૉ. રશ્મિ બર્વે સ્પષ્ટ કહે છે, “દર્દી તેની બધી સમસ્યાઓ વિશે ડોક્ટરને સ્પષ્ટ રીતે જણાવે તો સંભવિત જોખમ ઘણી હદ સુધી ટાળી શકાય છે.”
ડૉ. હેમંત કાંબળે કહે છે, “આજે લેસર ટેક્નોલોજી અદ્યતન છે, પણ આખરે તો તે સર્જરી જ છે. આ વાત દર્દીઓએ સમજવી જોઈએ.”
“ડ્રાય આઈ સૌથી સામાન્ય સમસ્યા છે, પરંતુ તે મોટા ભાગે કામચલાઉ હોય છે. ફ્લેપ સંબંધી કૉમ્પ્લિકેશન્શ અથવા રીગ્રેશન કવચિત જોવા મળે છે.”
“મુખ્ય મુદ્દો દર્દીની યોગ્યતા છે. અયોગ્ય દર્દી માટે શ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ કરો તો પણ જોખમ વધે છે.”
“અનુભવી સર્જન, સચોટ તપાસ અને સર્જરી પછીની સૂચનાઓનું કડક પાલન કરવાથી ગંભીર કોમ્પ્લિકેશન્શ સર્જાવાની શક્યતા બહુ ઓછી હોય છે.”

લેસિક ટેકનૉલૉજીમાં તાજેતરમાં ક્યા ફેરફારો થયા છે?
લેસિક ટેકનૉલૉજીમાં છેલ્લા દાયકામાં મોટા ફેરફારો થયા છે. ફેમટોસેકન્ડ લેસરને લીધે ફ્લેપ્સ વધારે ચોક્કસ બન્યાં છે.
ટોપોગ્રાફી-ગાઈડેડ લેસિક સર્જરી વડે કોર્નિયાના માઈક્રોસ્કોપિક આકાર અનુસાર ઉપચાર કરી શકાય છે.
SMILE અને SILK જેવી ફ્લૅપલેસ પદ્ધતિઓ કોર્નિયલ મજબૂતી જળવાઈ રહે છે. તેનાથી ડ્રાય આઈઝનું પ્રમાણ ઘટ્યું છે.
“આધુનિક લેસિકમાં સૌથી મોટો ફેરફાર ચોકસાઈ છે,” એમ કહેતાં ડૉ. હેમંત કાંબળે ઉમેરે છે, “ફેમ્ટો લેસિકને લીધે માનવીય ભૂલો લગભગ નહીંવત થઈ ગઈ છે.
ટોપોગ્રાફી-ગાઇડેડ સિસ્ટમથી દરેક આંખની કસ્ટમાઇઝ્ડ સારવાર કરી શકાય છે.
SMILE જેવી ફ્લેપલેસ તકનીકોથી કોર્નિયલ નર્વઝને ઓછું નુકસાન થાય છે. તેથી ડ્રાય આઈઝનું પ્રમાણ ઘટે છે અને રિકવરી જલદી થાય છે.”
“એ ઉપરાંત આય ટ્રેકિંગ સિસ્ટમથી લેસર આંખની સુક્ષ્મ ગતિવિધિઓ સાથે સમાયોજિત થાય છે.”
“તેથી લેસિક આજે માત્ર ઝડપી સર્જરી નથી, પરંતુ યોગ્ય દર્દી માટેની અત્યંત ચોકસાઈ આધારિત તબીબી પ્રક્રિયા બની ગઈ છે.”
બદલાતી ટેકનૉલૉજીની મદદ લેતી વખતે દર્દીની યોગ્ય તપાસના મહત્વ પર ભાર મૂકતાં ડૉ. રશ્મિ બર્વે કહે છે, “ટેકનૉલૉજીમાં ભલે પ્રગતિ થઈ, પરંતુ લેસિક સર્જરી કરાવવાનો નિર્ણય આજે પણ તબીબી પરીક્ષણ અને સલાહ પર જ આધારિત હોવો જોઈએ.”
તમે તમારી જીવનશૈલીમાં આહારમાં ફેરફાર, શારીરિક વ્યાયામ અથવા દવા લેવા જેવા કોઈ નોંધપાત્ર ફેરફાર કરવા ઇચ્છતા હો તો ડૉક્ટરની સલાહ અને લાયક ટ્રેનરની મદદ લેવી મહત્ત્વપૂર્ણ છે.
ડૉક્ટર પાસે તમારા શરીર તથા લક્ષણોની યોગ્ય રીતે તપાસ કરાવવી અને તેમની સલાહ અનુસાર જ જીવનશૈલીમાં ફેરફાર કરવો યોગ્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



