Home તાજા સમાચાર gujrati અમેરિકા: ટ્રમ્પના ટેરિફ બાદ શૅરબજારમાં વર્ષ 2020 બાદ સૌથી મોટો કડાકો- ન્યૂઝ...

અમેરિકા: ટ્રમ્પના ટેરિફ બાદ શૅરબજારમાં વર્ષ 2020 બાદ સૌથી મોટો કડાકો- ન્યૂઝ અપડેટ

6
0

Source : BBC NEWS

અમેરિકા: ટ્રમ્પના ટેરિફ બાદ શૅરબજારમાં વર્ષ 2020 બાદ સૌથી મોટો કડાકો- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

4 એપ્રિલ 2025, 07:03 IST

અપડેટેડ 9 મિનિટ પહેલા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની ઘોષણા કરી અને તેના એક દિવસ બાદ ગ્લોબલ શૅરમાર્કેટમાં મોટો કડાકો બોલી ગયો હતો. આ ઘટાડો વર્ષ 2020 બાદ આવેલો સૌથી મોટો ઘટાડો હતો.

અનુમાન છે કે ટેરિફને કારણે કિંમત વધશે અને તેની અસર અમેરિકા અને અન્ય દેશોના વિકાસ પર પડશે.

એશિયા અને પ્રશાંત ક્ષેત્રનાં શૅરબજારો પણ બીજા દિવસે તૂટ્યાં હતાં. અમેરિકાનો એસ ઍન્ડ પી 500(માર્કેટ ઇન્ડેક્સ) માટે આ દિવસ વર્ષ 2020 બાદ સૌથી ખરાબ રહ્યો.

2020માં કોવિડને કારણે વિશ્વનાં બજારો ધ્વસ્ત થઈ ગયાં હતાં.

વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પે સંવાદદાતાઓને કહ્યું કે તેમણે વૈશ્વિક આયાત પર 10 ટકા ટેરિફ લાદવાની યોજના બનાવી છે જેથી અમેરિકાની અર્થવ્યવસ્થામાં ઉછાળ આવે અને રાજસ્વ વધે.

ચીન અને અન્ય યુરોપિયન યુનિયનના દેશો ટ્રમ્પની આ ટેરિફની જવાબી કાર્યવાહી કરવાના સંકેતો આપી ચૂક્યા છે.

‘ભારતકુમાર’ તરીકે જાણીતા થયેલા દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું નિધન

અભિનેતા મનોજકુમારનું નિધન. 'ક્રાંતિ', 'ઉપકાર' જેવી દેશભક્તિની થીમ ધરાવતી ફિલ્મો માટે થયા હતા મશહૂર

ઇમેજ સ્રોત, Getty Images

બોલીવૂડથી એક દુ:ખદ ખબર સામે આવી છે. દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું નિધન થયું છે. 87 વર્ષની ઉંમરમાં તેમણે મુંબઈના કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેમણે પોતાની ફિલ્મી કૅરિયરમાં ઘણી દેશભક્તિની થીમ ધરાવતી મૂવી કરી હતી. તેમને લોકો ‘ભારતકુમાર’ તરીકે બોલાવતા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે “મહાન અભિનેતા અને ફિલ્મકાર શ્રી મનોજકુમારજીના નિધનથી દુ:ખ થયું. તેઓ ભારતીય સિનેમાના પ્રતીક હતા, જેમને ખાસ કરીને દેશભક્તિના જોશ માટે યાદ કરવામાં આવતા હતા. જે જોશ તેમની ફિલ્મોમાં પણ છલકતો હતો. મનોજજીનાં કામોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવને જાગૃત કરવાનું કામ કર્યું અને તેઓ પેઢીને પ્રેરણા આપતા રહ્યા. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”

તેમણે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, રોટી કપડા ઔર મકાન, નસીબ, મેરી આવાઝ સૂનો, નીલ કમલ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેમને નૅશનલ ઍવૉર્ડ, પદ્મ શ્રી તથા દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમનું નામ હતું હરિકૃષ્ણ ગોસ્વામી. અને તેમનો જન્મ 1937માં હાલ પાકિસ્તાન સ્થિત એબટાબાદમાં થયો હતો.

રાજ્યસભામાં ખડગે બોલ્યા કે મણિપુર હિંસા રોકવામાં સરકાર નાકામ, અમિત શાહે આપ્યો આ જવાબ

રાજ્યસભા, કૉંગ્રેસ, મણિપુર, ચર્ચા, ભાજપ, અમિત શાહ, મલ્લિકાર્જુન ખડગે, હિંસા

ઇમેજ સ્રોત, ANI

રાજ્યસભામાં ગુરુવારે રાત્રે મણિપુર પર પણ ચર્ચા થઈ. વિપક્ષ નેતા અને કૉંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સરકાર ઉકેલ લાવવામાં વિફળ ગઈ છે. ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાની વાત મૂકી.

અમિત શાહે કહ્યું, “નૉર્થ-ઇસ્ટમાં 2004થી 2014 સુધી કૉંગ્રેસની સરકાર હતી. 2014થી 2024 સુધી ભાજપની સરકાર હતી. નૉર્થ-ઇસ્ટમાં 2004થી 2014 સુધી હિંસાની 11,327 ઘટનાઓ બની, મોદીજીની સરકારમાં છેલ્લાં દસ વર્ષમાં હિંસાની 3,428 ઘટનાઓ બની.”

તેમણે કહ્યું, “પહેલી વખત મણિપુરમાં આ પ્રકારની નસ્લીય હિંસા નથી થઈ. હું એ નથી કહેતો કે તેમની સમયની સરખામણીમાં અમારા સમયમાં હિંસા ઓછી થઈ. આ સરખામણીનો સવાલ નથી. તેમના સમયમાં પણ કોઈ કારણો હશે. હું આ કારણો ગણાવું છું.”

આ પહેલા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, “મણિપુરમાં સેંકડો લોકો માર્યા ગયા છે. બળાત્કાર થયા છે. ઘણો સળગ્યાં છે. બાળકોનું ભણતર બંધ થયું છે. કૉલેજ બંધ છે. સ્કૂલ બંધ છે. ત્યાં કોઈ સુરક્ષા નથી.”

“આ સરખામણી કરવાનો સમય નથી. અહીં પ્રશ્ન ઉકેલનો છે.”

ટ્રમ્પે જે દેશો સામે ટેરિફનું ઍલાન કર્યું તેમાં રશિયા કેમ નથી?

પુતિન, ટ્રમ્પ, રશિયા, અમેરિકા, ટેરિફ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાએ બુધવારે ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફની ઘોષણા કરી. જે દેશોનું નામ જાહેર કરવામાં આવ્યું તેમાં રશિયાનું નામ નથી.

અમેરિકાના આઉટલેટ એક્સિયોસે વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ કૅરોલિન લેવિટના હવાલેથી કહ્યું કે આમ આટલા માટે છે કારણકે રશિયા પર હાલ અમેરિકાનો પ્રતિબંધ વ્યાવહારિક રીતે કોઈ પણ વ્યાપારને રોકે છે.

લેવિટે કહ્યું કે ક્યૂબા, બેલારુસ અને ઉત્તર કોરિયા પણ ટેરિફની યાદીમાં નથી.

ઉલ્લેખનીય છે કે યુક્રેન સામે યુદ્ધ બાદ અમેરિકાએ રશિયા પર કડક પ્રતિબંધો લાદ્યા છે. જોકે, ટ્રમ્પે રશિયાની સામે નરમ વલણ દાખવ્યું છે.

વકફ સંશોધન બિલ રાજ્યસભામાં પણ પસાર

રાજ્યસભામાં મોડી રાતે વકફ સંશોધન બિલ પસાર થઈ ગયું છે. તેના સમર્થનમાં 128 અને વિરોધમાં 95 વોટ પડ્યા.

ઇમેજ સ્રોત, ANI

રાજ્યસભામાં મોડી રાતે વકફ સંશોધન બિલ પસાર થઈ ગયું છે. તેના સમર્થનમાં 128 અને વિરોધમાં 95 વોટ પડ્યા.

તેના પર કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડકેએ પ્રતિક્રિયા આપી.

તેમણે કહ્યું, “અમે અમારો પક્ષ મૂક્યો છે. તેઓ તેને નથી માની રહ્યા. તેનો અર્થ એ છે કે તેઓ વકફ સંશોધન બિલ પર પહેલાથી જ નકારાત્મક વલણ લઈ રહ્યા છે. તેને તેઓ આગળ વધારી રહ્યા છે.”

વિપક્ષોએ આ બિલને અસંવૈધાનિક ગણાવ્યું હતું. જ્યારે સરકાર તરફથી તેને સકારાત્મક અને મુસ્લિમોને ફાયદાકારક ગણાવાયું હતું.

ગુરુવારે કેન્દ્રીય લઘુમતિ મામલાના મંત્રી કિરેન રિજિજૂએ રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું. તેમણે બિલ રજૂ કરતા કહ્યું હતું, “અમે બિલ લઈને આવ્યા. તે પહેલા અમારા લધુમતિ મામલાના મંત્રાલયે વ્યાપક રીતે દેશભરમાં જેટલા પક્ષકારો છે તેની સાથે વાતચીત કરીને આ બિલ તૈયાર કર્યું છે જેને અમે સંસદમાં રજૂ કર્યું.”

આ પહેલાં આ બિલ લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS