Home તાજા સમાચાર gujrati અમેરિકામાં 80 ફૂટ જમીનની અંદર અન્ય દેશો કેમ સોનું સાચવી રાખે છે...

અમેરિકામાં 80 ફૂટ જમીનની અંદર અન્ય દેશો કેમ સોનું સાચવી રાખે છે અને હવે કેમ પાછું માગે છે?

15
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ફેડ ગોલ્ડ રિઝર્વ યુરોપ સોનાનો જથ્થો ગોલ્ડ વોલ્ટ

ઇમેજ સ્રોત, Photos: New York Fed / Editing: Caroline Souza

દુનિયાભરમાં અત્યારે ઈરાન યુદ્ધ અને સોનાના ભાવની ચર્ચા ચાલે છે ત્યારે એક જગ્યા એવી છે જ્યાં કેટલાય દેશોના હજારો ટન સોનાનો સંગ્રહ કરાયો છે.

અમેરિકન ફેડરલ રિઝર્વે ન્યૂ યૉર્કના લીબર્ટી સ્ટ્રીટ નીચે 25 મીટરની ઊંડાઈએ પોતાના હેડક્વાર્ટરના બેઝમેન્ટમાં લગભગ પાંચ લાખથી વધારે ગોલ્ડ બારનો સંગ્રહ કર્યો છે. તેમાં દુનિયાભરની સેન્ટ્રલ બૅન્કો, સરકારો અને સંસ્થાઓનું સોનું સાચવવામાં આવ્યું છે.

આ વોલ્ટના રક્ષણ માટે 90 ટન વજનનો સ્ટીલનો દરવાજો છે. એક વખત આ વિશાળકાય લૉક બંધ થઈ જાય, ત્યાર પછી બીજા દિવસે જ ખોલી શકાય છે.

આ યુએસ ફેડનું ગોલ્ડ વોલ્ટ છે, જે દુનિયામાં સૌથી વિશાળ ગોલ્ડ ડિપૉઝિટ છે. અહીં 6300 ટન ગોલ્ડ ઇંગોટને સંગ્રહ કરવામાં આવ્યા છે, જેની હાલની બજારકિંમત એક ટ્રિલિયન ડૉલર (એક લાખ કરોડ ડૉલર) કરતાં વધારે થાય છે. તેનું મૂલ્ય અમેરિકાના જીડીપીના લગભગ ચાર ટકા છે.

વૈશ્વિક નાણાકીય સિસ્ટમને સ્થિરતા આપવામાં આ વોલ્ટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઘણા દેશો પોતાની કરન્સીને ટેકો આપવા અને કોઈ પણ તાકીદની સ્થિતિને પહોંચી વળવા માટે સેફ હેવન ઍસેટ ગણાતા સોનાનો અહીં સંગ્રહ કરે છે.

નાણાકીય અસ્થિરતા અથવા જિયોપૉલિટિકલ તણાવની સ્થિતિમાં સોનાને સૌથી સુરક્ષિત મિલકત માનવામાં આવે છે. તે ફુગાવા સામે પણ રક્ષણ આપે છે તેથી દુનિયાભરની બૅન્કો, ખાસ કરીને યુરોપિયન દેશોની સેન્ટ્રલ બૅન્કોના રિઝર્વમાં સોનું એ મહત્ત્વની ધાતુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર ભરોસો નથી

બીબીસી ગુજરાતી અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ફેડ ગોલ્ડ રિઝર્વ યુરોપ સોનાનો જથ્થો ગોલ્ડ વોલ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

યુનિવર્સિટી ઑફ બર્કલી ખાતે ઇન્ટરનૅશનલ મૉનિટરી સિસ્ટમના નિષ્ણાત બેરી આઇચનગ્રીને બીબીસી મુંડોને કહ્યું કે “આ તેમની સૌથી મહત્ત્વની ઍસેટ પૈકી એક છે, કારણ કે ભૂરાજકીય ઘટનાઓ વખતે બૅન્કો અને કંપનીઓ માટે તે છેલ્લો ઉપાય છે અને તેનાથી વિદેશી ઍક્સ્ચેન્જ માર્કેટમાં દરમિયાનગીરી કરી શકાય છે.”

કેટલાય દાયકાથી અમેરિકા અને યુએસ ફેડને આવી મહત્ત્વની કિંમતી મિલકતના સૌથી વિશ્વાસપાત્ર કસ્ટોડિયન તરીકે ગણવામાં આવતા હતા. ખાસ કરીને સોવિયેત યુનિયનથી ડરથી યુરોપિયન દેશોએ અહીં મોટા પ્રમાણમાં સોનું જમા કરાવ્યું હતું.

જોકે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી યુરોપિયન રાજકારણીઓ અને નિષ્ણાતો પોતાનું સોનું સ્વદેશ પાછું લાવવાની વાતો કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય વચનોને આદર નથી આપતા. ટેરિફ તથા ગ્રીનલૅન્ડ પર ડેનમાર્કના સાર્વભૌમત્વ સહિતના મુદ્દે યુરોપિયન સહયોગીઓ સાથે અમેરિકાના મતભેદો છે. તાજેતરમાં ઈરાન સામે યુદ્ધ મામલે પણ મતભેદ છે. તેના કારણે ફેડની કસ્ટડીમાં રહેલા યુરોપિયન સોનાની સુરક્ષા અંગે ચિંતા પેદા થઈ છે.

યુરોપનું સોનું અમેરિકા કેવી રીતે પહોંચ્યું?

બીબીસી ગુજરાતી અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ફેડ ગોલ્ડ રિઝર્વ યુરોપ સોનાનો જથ્થો ગોલ્ડ વોલ્ટ

ઇમેજ સ્રોત, Harry Benson / Getty

રશિયાની સેન્ટ્રલ બૅન્કો પોતાના સોનાનો ભંડાર પોતાની હદમાં જ રાખે છે, જેથી પશ્ચિમના સંભવિત પ્રતિબંધો સામે રક્ષણ મળે. તેનાથી વિપરીત યુરોપિયન દેશો પોતાનું સોનું વિદેશમાં રાખી શકે છે, તેમાંથી ઘણા દેશો ન્યૂ યૉર્કના ગોલ્ડ વોલ્ટમાં સોનું સાચવે છે.

1950ના દાયકા પછી યુરોપિયન સોનું અહીં એકત્ર થવા લાગ્યું હતું.

આઇચનગ્રીનના કહેવા મુજબ જર્મની અને અન્ય યુરોપિયન દેશો, જેમનાં અર્થતંત્રો રિકવરી કરી રહ્યાં હતાં, તે અમેરિકામાં નિકાસ વધારતા જતા હતા અને ગોલ્ડ તથા ડૉલરમાં પેમેન્ટ મેળવતા હતા.

આઇચનગ્રીને કહ્યું કે, “જહાજ કે વિમાનમાં સોનું ભરીને શિપમેન્ટના રક્ષણ માટે વીમો ઉતરાવવામાં ખર્ચ આવે છે. તેથી તેમને લાગ્યું કે ફેડરલ રિઝર્વ વોલ્ટમાં સોનાનો સંગ્રહ કરવો એ સારી યોજના છે, જે સોનું સુરક્ષિત રાખવા માટે ચાર્જ પણ નથી લેતું.”

1944માં બ્રેટોન વૂડ્સ ખાતે આ સિસ્ટમને ઘડવામાં આવી હતી. તેમાં સોનાના આધારે ડૉલરનો એક નિશ્ચિત વિનિમય દર નક્કી કરવામાં આવ્યો હતો. તેથી સોનું અને ડૉલર એ સૌથી વધુ વિશ્વસનીય ઍસેટ બન્યાં.

બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપિયન દેશો નબળા પડ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે કોઈ પણ ખર્ચ વગર અમેરિકન ફેડરલ રિઝર્વની કસ્ટડીમાં સોનું સંગ્રહ કરી રાખવું એ ફાયદાનો સોદો છે.

અમેરિકામાં કેટલા હજાર ટન સોનાનો સંગ્રહ કરાયો છે?

બીબીસી ગુજરાતી અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ફેડ ગોલ્ડ રિઝર્વ યુરોપ સોનાનો જથ્થો ગોલ્ડ વોલ્ટ

ઇમેજ સ્રોત, New York Fed

બીજી તરફ સોવિયેત યુનિયનનું જોખમ હતું ત્યારે અમેરિકન કસ્ટડી એ શ્રેષ્ઠ ગૅરંટી હતી.

પરંતુ હવે યુએસએસઆરનું અસ્તિત્વ નથી અને વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર છે. તેના કારણે અમેરિકા અને યુરોપિયન સહયોગી દેશો વચ્ચે દાયકાઓથી ચાલતા સુમેળને આંચકો લાગ્યો છે.

અમેરિકા પછી જર્મની પાસે દુનિયામાં બીજા ક્રમે સૌથી વધારે સોનું રિઝર્વ છે, તેથી તેના પર સૌથી વધુ સંભવિત જોખમ છે. તેના કારણે કેટલાક ચેતવણીના સૂર પણ ઊઠ્યા છે.

બુન્ડેસ બૅન્કના ચીફ રિસર્ચર રહેલા અર્થશાસ્ત્રી ઇમેન્યુઅલ મોંકે ન્યૂ યૉર્કમાં રખાયેલું જર્મન સેન્ટ્રલ બૅન્કનું સોનું પરત લાવવાની માગણી કરી છે. જર્મન મીડિયાના અંદાજ પ્રમાણે ન્યૂ યૉર્કમાં લગભગ 1200 ટન સોનું સંગ્રહિત છે, જેનું મૂલ્ય લગભગ 200 અબજ ડૉલર થાય છે.

મોંક જણાવે છે કે “હાલની ભૂરાજકીય સ્થિતિને ધ્યાનમાં લેતા અમેરિકામાં આટલું બધું સોનું રાખવું જોખમી જણાય છે.” તેઓ માને છે કે આ સોનું રિકવર કરવામાં આવે તો તેમના દેશને ‘નોંધપાત્ર પ્રમાણમાં વ્યૂહાત્મક સ્વતંત્રતા’ મળશે.

તેવી જ રીતે જર્મન ટૅક્સપેયર ઍસોસિયેશનના પ્રમુખ માઇકલ જેગર કહે છે કે, “ટ્રમ્પ અનિશ્ચિત વ્યક્તિ છે અને આવક પેદા કરવા માટે કંઈ પણ કરી શકે છે. તેથી ફેડના વોલ્ટમાં સોનું સુરક્ષિત નથી.”

તેઓ કહે છે કે, “ગ્રીનલૅન્ડના મામલે ઉશ્કેરાટ ચાલુ રહેશે તો શું થશે?… બુન્ડેસ બૅન્ક પોતાનું સોનું પાછું મેળવી ન શકે એવું જોખમ વધી જાય છે, તેથી આપણે રિઝર્વ પાછું લાવવું જોઈએ.”

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની પાર્ટી સીડીયુના સભ્યો તથા બીજા રાજકીય પક્ષોએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.

બુન્ડેસ બૅન્કના પ્રમુખ જોચિમ નેગલે આ ભયને દૂર કરવા પ્રયાસ કર્યો છે.

ગયા ઑક્ટોબરમાં વૉશિંગ્ટન ખાતે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ (આઇએમએફ)ની એક બેઠકમાં નેગલે કહ્યું કે, “ચિંતા કરવાનું કોઈ કારણ નથી.”

ફેડ રિઝર્વ પર સરકારનું દબાણ?

બીબીસી ગુજરાતી અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ફેડ ગોલ્ડ રિઝર્વ યુરોપ સોનાનો જથ્થો ગોલ્ડ વોલ્ટ

ઇમેજ સ્રોત, Chip Somodevilla / Getty

ફેબ્રુઆરી મહિનામાં તેમણે ફરીથી એક પત્રકારપરિષદમાં આ મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું કે, “આ મુદ્દે મારી રાતની ઊંઘ હરામ નથી થઈ. મને અમેરિકન સેન્ટ્રલ બૅન્ક ખાતે આપણા સહયોગીઓ પર પૂરો ભરોસો છે.”

પરંતુ ઍટલાન્ટિક સમુદ્રને પાર ફેડરલ રિઝર્વ કે ટ્રમ્પના વહીવટીતંત્રે આવો કોઈ ભરોસો નથી આપ્યો.

ઍનાલિસ્ટ આઇચનગ્રીને કહ્યું કે, “મને ભરોસો અપાવતા કોઈ શબ્દો સાંભળવા નથી મળ્યા. મને લાગે છે કે તે યોગ્ય સમયના હશે.”

બીબીસી મુંડોએ ફેડરલ રિઝર્વનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

ફેડ રિઝર્વે એવા સમયે મૌન પાળ્યું છે, જ્યારે તેના પ્રમુખ જેરોમ પોવેલ અને અમેરિકન સરકાર વચ્ચે તણાવભર્યા સંબંધો છે.

ટ્રમ્પે વ્યાજદર ઘટાડવાનો ઇનકાર કરનાર પોવેલની વારંવાર ટીકા કરી છે અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પોવેલ સામે ફોજદારી તપાસ શરૂ કરી છે. પોવેલે વળતા જવાબમાં આને ફેડની સ્વતંત્રતા ખતમ કરવા અને “રાષ્ટ્રપતિની મરજી પ્રમાણે કામ કરવા” માટેની “ધમકી અને દબાણ” ગણાવ્યાં છે.

અન્ય દેશો પણ સોનું પાછું મગાવે છે

બીબીસી ગુજરાતી અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ફેડ ગોલ્ડ રિઝર્વ યુરોપ સોનાનો જથ્થો ગોલ્ડ વોલ્ટ

ઇમેજ સ્રોત, New York Fed

ન્યૂ યૉર્કમાં સોનું રાખ્યું હોય એવો જર્મની એ એકમાત્ર યુરોપિયન દેશ નથી.

ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડે પણ અહીં સૌથી વધારે સોનું સંગ્રહ કર્યું હોવાનું કહેવાય છે.

તેમાંથી કેટલાક દેશોએ ભૂતકાળમાં સોનું પાછું લાવવાનું શરૂ કરી દીધું છે.

નેધરલૅન્ડ્સે 2014માં શરૂઆત કરી હતી. તે વખતે યુએસ ફેડમાં તેના રિઝર્વ સોનાનું પ્રમાણ 51 ટકાથી ઘટાડીને 31 ટકા કર્યું હતું.

જર્મની પણ તે સમયે તેના કેટલાક ગોલ્ડ બાર પાછા લાવ્યું હતું, પરંતુ મોટા ભાગનું સોનું ગોલ્ડ વોલ્ટમાં જ રહ્યું હતું.

આઇચનગ્રીન કહે છે કે, “ગ્રીસના દેવાની કટોકટી અને યુરો કટોકટી વખતે આ થયું હતું. યુરોપિયનો એ બાબતની ખાતરી કરવા માગતા હતા કે તેમની કરન્સી અને બૅન્ક ડિપૉઝિટને કોઈ નક્કર મિલકતનો ટેકો હોય.”

તેનાથી ઘણાં વર્ષો અગાઉ 1960ના દાયકામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ચાર્લ્ડ ડી ગૌલે યુએસ ફેડમાં રહેલા કેટલાક ગોલ્ડ બાર સ્વદેશ લાવવાનો વિચાર કર્યો હતો એવું કેટલાક લેખકો લખે છે. તેમને ડૉલરનું મૂલ્ય અચાનક ઘટી જવાની બીક હતી, જેનું મૂલ્ય બ્રેટોન વૂડ્સ ખાતે સોનાના ભાવ સાથે સાંકળવામાં આવ્યું હતું.

તેમનો ભય સાચો ઠર્યો.

1971માં અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને ડૉલરની ગોલ્ડ સાથેની કન્વર્ટિબિલિટી ખતમ કરી. આ સાથે જ બીજા વિશ્વયુદ્ધના અંતે ઘડવામાં આવેલી આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમ નબળી પડી.

ફ્રાન્સે પોતાનું ગોલ્ડ રિઝર્વ પરત લઈ લીધું હતું તેથી તેને ફાયદો થયો. જ્યારે જે દેશોએ ન્યૂ યૉર્કમાં ગોલ્ડ બાર સંગ્રહિત રાખ્યા હતા તેમના ડૉલરની કિંમત રાતોરાત ઘટી ગઈ.

સોનાના ભંડારમાં સતત ઘટાડો

બીબીસી ગુજરાતી અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ફેડ ગોલ્ડ રિઝર્વ યુરોપ સોનાનો જથ્થો ગોલ્ડ વોલ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ગોલ્ડ વોલ્ટમાં હવે અગાઉ કરતાં ઓછું સોનું રાખવામાં આવ્યું છે.

ફેડરલ રિઝર્વના ડેટા પ્રમાણે 1973માં ન્યૂ યૉર્કસ્થિત વોલ્ટમાં આંતરરાષ્ટ્રીય સોનાનો જથ્થો 12 હજાર ટનની ટોચ પર હતો. ત્યાર પછી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

પરંતુ યુરોપિયન સોનાને ત્યાં સંગ્રહિત કરવાની ઘણા લોકો હિમાયત કરે છે.

જર્મની ખાતે આઇએફઓ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇકૉનૉમિક રિસર્ચના ક્લેમેન્સ ફ્યુસ્ટે ‘ગાર્ડિયન’ને જણાવ્યું કે, “સોનું પાછું લાવવાથી હાલની સ્થિતિમાં આગમાં ઘી હોમવા જેવું કામ થશે અને તેનાથી અણધાર્યાં પરિણામો આવી શકે છે.

કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પના વહીવટીતંત્ર પર ફેડરલ રિઝર્વની નિર્ભરતાના કારણે તે સોના અંગે એકપક્ષીય નિર્ણય લઈ શકે છે. તેઓ એમ પણ કહે છે કે આટલા કિંમતી કાર્ગોને ખસેડવામાં મોટા પાયે લૉજિસ્ટિકનો ખર્ચ આવી શકે તથા સુરક્ષાને લગતા પ્રશ્નો નડી શકે છે.

બીબીસી ગુજરાતી અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ફેડ ગોલ્ડ રિઝર્વ યુરોપ સોનાનો જથ્થો ગોલ્ડ વોલ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, યુરોપિયન સોનાની જાળવણીમાં યુએસ ફેડરલ રિઝર્વ કેટલું ભરોસાપાત્ર છે તેને લઈને પેદા થયેલી શંકાએ અત્યાર સુધી અમલમાં રહેલી વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે.

આઇચનગ્રીનના કહેવા મુજબ “તે (સોનું) ઉપાડી લેવાય તો અમેરિકા પર નોંધપાત્ર નાણાકીય અસર નહીં પડે, પરંતુ અમેરિકાએ સોનાને સુરક્ષિત રાખવાનું કામ મફતમાં કર્યું છે, જે રીતે નાટોનું સુરક્ષાછત્ર અથવા ગ્લોબલ કરન્સી તરીકે ડૉલર છે. તેની સામે અમેરિકાએ મિત્રો અને વેપાર ભાગીદારો બનાવ્યા છે.”

તેઓ કહે છે કે, “આ સરકાર નથી માનતી કે અમેરિકાએ કોઈ સેવા મફતમાં આપવી જોઈએ. અમેરિકામાં પોતાની મિલકતો અંગે સાથી દેશોને કોઈ પણ શંકા હોય તો તેનાથી અમેરિકા પ્રત્યે ગૂડવિલનું ધોવાણ થાય છે, જેની મધ્યપૂર્વમાં યુદ્ધ જેવા પ્રસંગે મદદ માટે જરૂર હોય છે.”

ટ્રમ્પ બીજી વખત શાસનમાં આવ્યા પછી કોઈ યુરોપિયન દેશે પોતાનું સોનું પાછું લાવવાનો નિર્ણય લીધો હોય તેવો કોઈ રેકૉર્ડ નથી.

પરંતુ ઇસીબીના પ્રમુખ ક્રિસ્ટિન લગાર્ડે ગયા વર્ષે જે ભાષણ આપ્યું તે કેટલાક નેતાઓના મનમાં શું ચાલે છે તે દર્શાવે છે. તેમણે કહ્યું હતું, “આંતરરાષ્ટ્રીય નાણા વ્યવસ્થાના ઇતિહાસમાં એવો સમય પણ આવ્યો છે, જ્યારે જે સ્થંભો અચળ જણાતા હતા, તે પણ ધ્રૂજવા લાગ્યા હતા.”

*ઇમેજની ડિઝાઇન કેરોલિન સુઝા, બીબીસી ન્યૂઝ મુન્ડો વિઝ્યુઅલ જર્નાલિઝમ ટીમ દ્વારા તૈયાર કરાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS