Home તાજા સમાચાર gujrati ‘અમારો શું વાંક?’: ભારત-પાકિસ્તાન સીમા પર વિખૂટા પડતા પરિવારોની પીડા

‘અમારો શું વાંક?’: ભારત-પાકિસ્તાન સીમા પર વિખૂટા પડતા પરિવારોની પીડા

2
0

Source : BBC NEWS

ભારત પાકિસ્તાન વિઝા સમસ્યા કપલ દંપતી, પહલગામ હુમલો, યુદ્દ જેવી સ્થિતિ, 26 લોકનાં મૃત્યુ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC Punjabi

પતિના પ્રેમ માટે ભારતમાં રહેવું કે પોતાનાં ભાઈ-બહેનો પાસે પાછા પાકિસ્તાન જવું? શાહિદા તેમની સામેના વિકલ્પો વિશે વિચારતાં હતાં ત્યારે તેમના ચહેરા પર પીડાની કરચલી છવાઈ જતી હતી.

શાહિદા અદ્રીશ હવે 61 વર્ષનાં છે. મામાના દીકરા અદ્રીશ ખાન સાથે 2002માં લગ્ન કર્યાં, ત્યારે તેઓ પાકિસ્તાનથી ભારત પાછાં આવ્યાં હતાં. અદ્રીશ ખાન ભારતીય પંજાબના રહેવાસી હતા. (દક્ષિણ એશિયાના કેટલાક સમુદાયોમાં પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે લગ્નની પ્રથા છે.)

આ દંપતી શાંતિપૂર્ણ, ધારણા મુજબનું જીવન જીવતું હતું. અદ્રીશ ખાન ડ્રાઇવર તરીકે કામ કરતા હતા અને શાહિદા તેમના ઘર તથા સંતાનની સંભાળ રાખતાં હતાં.

લાંબા ગાળાના વિઝા પર ભારતમાં રહેતાં શાહિદા દર થોડાં વર્ષે ટ્રાવેલ વિઝા મેળવતાં હતાં અને તેમના પરિવારને મળવા પાકિસ્તાન જતાં હતાં.

જોકે, ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં થયેલા ક્રૂર હુમલામાં 26 લોકોનાં મોત થયાં પછી ભારતે પાકિસ્તાની નાગરિકો માટેના તમામ વિઝા સસ્પેન્ડ કર્યા ત્યારે શાહિદાનો રાબેતા મુજબનો આ ક્રમ તૂટી ગયો હતો.

આ હુમલામાં પોતાની સંડોવણીનો ઇનકાર કરતા પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હતો અને ભારતીયો માટેના મોટા ભાગના વિઝા સસ્પેન્ડ કર્યા છે.

શાહિદાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેમને સમજાયું હતું કે તેનો અર્થ શું થાય. તેમણે પાકિસ્તાનમાં રહેતાં તેમનાં ભાઈ-બહેનો અને પરિવારના અન્ય સભ્યો પાસે પાછા જવાનું હતું અથવા તો ભારતમાં જ કાયમ રહીને તેમને ફરી ક્યારેય નહીં મળવાનું જોખમ લેવાનું હતું.

તેમણે ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. પાકિસ્તાનમાં બીમાર પોતાનાં એક કાકીને મળવા જવાની યોજના તેમણે આ અઠવાડિયાના પ્રારંભે રદ્દ કરી હતી.

શાહિદા કહે છે, “હું ગઈ હોત તો ભારત પાછી આવી શકી ન હોત, પરંતુ હવે હું અહીં છું, ત્યારે મને ખબર નથી કે હું મારાં ભાઈ-બહેનોને ફરી ક્યારેય મળી શકીશ કે કેમ.”

શાહિદાના પરિવારનો સમાવેશ ભારત તથા પાકિસ્તાનમાંના એવા સેંકડો લોકોમાં થાય છે, જેમના પરિવારના સભ્યો સરહદની બંને બાજુએ રહે છે અને હવે તેઓ અલગ થવાના જોખમનો સામનો કરી રહ્યાં છે.

ભારત અને પાકિસ્તાનમાં એકમેકની રાહ જોતા પરિવારો

ભારત પાકિસ્તાન વિઝા સમસ્યા કપલ દંપતી, પહલગામ હુમલો, યુદ્દ જેવી સ્થિતિ, 26 લોકનાં મૃત્યુ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાન વચ્ચે કડવાશભર્યા સંબંધ હોવા છતાં તેમના નાગરિકો વચ્ચેની પ્રેમ કથાઓ તથા લગ્ન અસામાન્ય બાબત નથી.

તેનું કારણ એ છે કે 1947માં ધાર્મિક ધોરણે વિભાજિત થયેલા બન્ને દેશનો સાંસ્કૃતિક ઇતિહાસ એકમેકની સાથે ગાઢ રીતે ગૂંથાયેલો છે. વિભાજનને કારણે લાખો લોકોને તેમના ઘર છોડીને બીજી બાજુ સ્થળાંતરિત થવાની ફરજ પડી હતી.

રાષ્ટ્રો વચ્ચેની સરહદ ફક્ત જમીન પર જ નહીં, પરિવારો વચ્ચે પણ હોય છે. ઘણા ભારતીયોના સંબંધીઓ અને તેમનું વતન પાકિસ્તાનમાં છે. એવી જ રીતે ઘણા પાકિસ્તાનીઓના સંબંધીઓ અને વતન ભારતમાં છે.

શાહિદાના પરિવાર જેવા કેટલાકે સરહદ પારના સંબંધીઓ સાથે લગ્ન દ્વારા તેમના મૂળ સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કર્યો છે.

તાજેતરનાં વર્ષોમાં ઘણા યુગલો ઑનલાઇન મળ્યાં છે અને ઘણી વાર સાથે રહેવા માટે તેમણે અદમ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

એ પૈકીના ઘણા લાંબા ગાળાના વિઝા માટે અરજી કરે છે. એવા વિઝા સમયાંતરે રિન્યૂ કરાવવા પડે છે. અન્ય લોકો સંબંધિત દેશની નાગરિકતા માટે અરજી કરે છે. આ પ્રક્રિયામાં વર્ષો લાગી શકે છે.

આ અઠવાડિયે વિઝા પ્રતિબંધો અમલી બન્યા પછી યુવાન તથા વૃદ્ધ યુગલો, નિરાશ પુત્રો તથા પુત્રીઓ અને વૃદ્ધ માતાપિતા અધિકારીઓને મદદની વિનંતી કરતા હોય તેવાં હૃદયદ્રાવક દૃશ્યો ટેલિવિઝન સ્ક્રીન્સ અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થયા હતા.

બીબીસીએ ટિપ્પણી માટે ભારતીય વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે.

17 વર્ષના મોહમ્મદ આયાતે રડતાં-રડતાં કહ્યું હતું, “હું મારાં માતા સાથે અહીં આવ્યો હતો. હવે તેઓ અમને માતા વિના પરત જવા કહી રહ્યા છે. હું એવું કઈ રીતે કરી શકું?”

પાકિસ્તાની નાગરિક આયત તેના મોસાળ પક્ષના લોકોને મળવા માટે ગયા મહિને ભારત આવ્યા હતા. તેમનાં માતા ભારતીય નાગરિક છે, જે પાકિસ્તાનમાં વિઝા પર રહેતાં હતાં અને તે વિઝા રિન્યૂ થવાનો બાકી હતો.

બાળકો પાકિસ્તાન પાછાં ફર્યાં પરંતુ મોહમ્મદ આયતનાં માતાએ ભારતમાં જ રહી જવું પડ્યું, કારણ કે પોતાને પાકિસ્તાનમાં પ્રવેશ મળશે કે કેમ તેની ખાતરી મોહમ્મદ આયતનાં માતાને ન હતી.

આયતે એએનઆઇ સમાચાર સંસ્થાને કહ્યું હતું, “તેઓ તેમને (આતંકવાદીઓને) સજા ફટકારી શકે છે, પણ અમારો શું વાંક છે?”

‘હું પાકિસ્તાનમાં ક્યાંય જઈ શકું તેમ નથી, હું સંપૂર્ણપણે લાચાર છું’

ભારત પાકિસ્તાન વિઝા સમસ્યા કપલ દંપતી, પહલગામ હુમલો, યુદ્દ જેવી સ્થિતિ, 26 લોકનાં મૃત્યુ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

તાજેતરના તણાવને કારણે બંને દેશો છોડીને જતા લોકોની ચોક્કસ સંખ્યા સ્પષ્ટ નથી, પરંતુ એવા હજારો લોકો હશે.

અટારી-વાઘા સરહદે લઈ જતી બસમાં બેઠેલાં પરવીને પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ 41 વર્ષથી ભારતમાં રહે છે.

તેમણે કહ્યું હતું, “પાકિસ્તાનમાં મારાં માતા કે ભાઈબહેન નથી. હું પાકિસ્તાનમાં ક્યાંય જઈ શકું તેમ નથી. હું સંપૂર્ણપણે લાચાર છું.”

પરિવારો જણાવે છે કે અચાનક વિઝા સસ્પેન્શન અને તેના પરિણામે સર્જાયેલી અરાજકતાને કારણે તેઓ અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે.

ભારત દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોમાંથી શાહિદા જેવાં લોકોને મુક્તિ આપવામાં આવી છે. શાહિદા જેવા લોકો લાંબા ગાળાના વિઝા પર ભારતમાં રહે છે અને તેમણે દર થોડાં વર્ષે વિઝા રિન્યૂ કરાવવાના હોય છે.

પાંચ વર્ષ સુધી માન્ય એ વિઝા પાકિસ્તાન તથા બાંગ્લાદેશનાં એવાં મહિલા નાગરિકોને આપવામાં આવે છે, જેમણે ભારતીય નાગરિકો સાથે લગ્ન કર્યાં હોય.

ભારતીય નિયમ અનુસાર લાંબા ગાળાના વિઝા ધરાવતા તમામ લોકોને નૉ-ઓબ્જેક્શન ટુ રીટર્ન ટુ ઇન્ડિયા (NORI) વિઝા નામની બીજી પરમિટ મેળવ્યા પછી તેમના વતન જવાની છૂટ હોય છે.

જમ્મુ-કાશ્મીરમાંના ક્રૂર હુમલા પછીના દિવસોમાં NORI વિઝાધારકોને ભારતમાં સરહદ પાર કરતા અટકાવવામાં આવ્યા હોવાના અહેવાલો છે. તેનું કારણ એ હતું કે અધિકારીઓ સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોતા હતા.

પરિવારથી અલગ કરીને પાકિસ્તાન મોકલી દેવાનો ભય

ભારત પાકિસ્તાન વિઝા સમસ્યા કપલ દંપતી, પહલગામ હુમલો, યુદ્દ જેવી સ્થિતિ, 26 લોકનાં મૃત્યુ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

શાહિદાના કહેવા મુજબ, ભારતીય અધિકારીઓએ તેમને ખાતરી આપી છે કે NORI વિઝાધારકોને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવશે.

તેમ છતાં તેઓ ભારત છોડવાનું જોખમ લેવા તૈયાર નથી.

શાહિદા વિચારે છે કે તેમને ભારતીય નાગરિકત્વ મળ્યું હોત તો પરિસ્થિતિ વધુ સારી હોત કે કેમ?

તેમણે કહ્યું હતું, “મેં 2009માં ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી હતી, પરંતુ મારી ફાઇલ ક્યારેય આગળ વધી નહીં. મને ક્યારેય જવાબ મળ્યો નહીં.”

તાહિરા અહેમદ માટે તો ભારતીય નાગરિક બનવું એ પણ તેમની ચિંતા દૂર કરવા માટે પૂરતું નથી. પાકિસ્તાનમાં જન્મેલાં તાહિરાએ 2003માં મકબૂલ અહમદ નામના ભારતીય સાથે લગ્ન કર્યાં હતાં અને ભારતીય પંજાબમાં રહેવાં આવ્યાં હતાં. તાહિરાને તેમનાં લગ્નનાં 13 વર્ષ પછી 2016માં ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું હતું.

તાહિરા આજે પણ એવી સંભાવનાથી ડરે છે કે તેમને તેમના પરિવારથી અલગ કરીને પાકિસ્તાન મોકલી આપવામાં આવશે.

તાહિરાએ કહ્યું હતું, “બન્ને દેશો વચ્ચે જ્યારે-જ્યારે તણાવ વધે છે, ત્યારે વચ્ચે અમારી જિંદગી ફસાઈ જાય છે. 2001માં ભારતીય સંસદ પર હુમલો કરવામાં આવ્યો પછી સરહદ બંધ કરી દેવામાં આવી હતી. એ વખતે મારાં લગ્ન બે વર્ષ મુલતવી રાખવામાં આવ્યાં હતાં.”

તેઓ જવાબની રાહ જોઈ રહ્યાં હતાં ત્યારે કેટલાક યુગલો નિરાશ હતા.

આ અઠવાડિયાની શરૂઆતમાં બીબીસી પંજાબીની મુલાકાત મારિયા મસીહ સાથે થઈ હતી. મારિયા એક પાકિસ્તાની નાગરિક છે અને તેમના પ્રેમી સોનુ સાથે લગ્ન કરવા માટે 2024માં તેઓ ભારત આવ્યાં હતાં.

બંને સોશિયલ મીડિયા મારફત મળ્યાં હતાં. લગ્નનો નિર્ણય લીધા પહેલાં વર્ષોથી તેઓ એકમેકને જાણતાં હતાં. સોનુના જણાવ્યા મુજબ, તેમણે લગ્ન પછી તરત જ મારિયા માટે લાંબા ગાળાના વિઝાની અરજી કરી હતી, પરંતુ તેમની અરજીની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે મારિયા સાત મહિનાથી ગર્ભવતી છે.

નિરાશ મારિયાએ આ અઠવાડિયાની શરૂઆતમાં પત્રકારોને કહ્યું હતું, “હું ભારતમાં જ રહેવા ઇચ્છું છું. મારે પાકિસ્તાન પાછું નથી જવું. કૃપા કરીને મને વિઝા આપો અને અહીં જ રહેવા દો.”

એ પછી સોનુ તથા મારિયા ફરાર છે અને તપાસ ચાલી રહી છે.

અનેક કિલોમીટર દૂર રહેતા તાહિરા અહમદ વિચારે છે કે ભાગવાના પ્રયાસ બદલ તેમને કે અન્ય કોઈને ખરેખર દોષી ઠેરવી શકાય?

તેમણે સવાલ કર્યો હતો, “તેમનો શું વાંક છે? તેઓ અહીં પ્રેમ માટે આવ્યાં હતાં.”

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS