Home તાજા સમાચાર gujrati અમદાવાદમાં કૂતરાના હુમલાથી ચાર મહિનાની બાળકીના મૃત્યુનો સમગ્ર મામલો શું છે, શું...

અમદાવાદમાં કૂતરાના હુમલાથી ચાર મહિનાની બાળકીના મૃત્યુનો સમગ્ર મામલો શું છે, શું કાર્યવાહી કરવામાં આવી?

4
0

Source : BBC NEWS

ચાર માસની બાળકીનું કૂતરાના હુમલામાં મૃત્યુ થયું હતું

ઇમેજ સ્રોત, Heena Chauhan/AMC

  • લેેખક, લક્ષ્મી પટેલ
  • પદ, બીબીસી સંવાદદાતા
  • Twitter,
  • 14 મે 2025, 21:14 IST

    અપડેટેડ એક કલાક પહેલા

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાળેલા કૂતરાએ હુમલો કરતા ચાર મહિનાની બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે.

સોસાયટીમાં કૂતરો લઈને ફરવા નીકળેલાં મહિલાના હાથમાંથી છટકીને કૂતરાએ હુમલો કર્યો હતો.

કૂતરાએ અચાનક બાળકીનાં માસી પર પહેલાં હુમલો કર્યો બાદમાં બાળકી પર હુમલો કર્યા હતો. ગરમીથી અકળાઈ બાળકી રડતી હોવાથી તેનાં માસી તેને સોસાયટીમાં આંટો મરવા લઈને ગયાં હોવાની માહિતી મળી છે.

હાથીજણ વિસ્તારમાં આવેલી રાધેય રેસિડેન્સી સોસાયટીમાં સોમવારે રાત્રે લગભગ 9.15 વાગ્યાની આસાપાસ ઘટના બની હતી.

સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કૅમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી.

મૃતક બાળકીના માસી હિના ચૌહાણ. કુતરાએ હુમલો કર્યો ત્યારે બાળકી હિના ચૌહાણના હાથમાં હતી.

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL

મૃતક બાળકીના નાનાએ કૂતરાના માલિક વિરુદ્ધ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે કૂતરાના માલિક દિલીપ પટેલની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે.

કૂતરાના માલિકે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૂતરાનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું.

કૂતરાએ માનવમૃત્યુ નિપજાવ્યું હોવાથી એએમસીએ તેને જપ્ત કરીને વેલનેસ સેન્ટર પર રાખવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર બાળકી પર હુમલો કરનાર કૂતરો રૉટવાઇલર બ્રીડનો છે.

સોસાયટીના સભ્યોના આક્ષેપ છે કે આ કૂતરો સોસાયટીના લોકો પર અવારનવાર હુમલો કરે છે. તેમને આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

બાળકીની પરિવારે શું કહ્યું?

મૃતક રૂષિકાના નાના ના ઘરે સગા સંબંધીઓ મળવા આવતા

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL

કૂતરાના હુમલાથી જેનું મોત થયું તે બાળકીનું નામ રૂષિકા હતું. ગરમીથી અકળાઈને રડતી રૂષિકાને તેનાં માસી હિના ચૌહાણ આંટો મરવા લઈ ગયાં હતાં.

હિના ચૌહાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “ગરમીને કારણે મારી ભાણી રડતી હતી એટલે હું તેને આંટો મરાવા નીચે લઈ ગઈ હતી. હું મારી ભાણને લઈને બેઠી હતી અને સામે બીજાં બાળકો રમી રહ્યાં હતાં.”

“મેં જોયું કે કૂતરાને લઈને મહિલા આવી રહી છે. હું કંઈ સમજું તે પહેલાં જ અચાનક કૂતરાએ આવીને મારી પર હુમલો કર્યો હતો. કૂતરો મારા ખભા પર ચડી ગયો હતો.”

હિનાએ જણાવ્યું કે, “મારા મનમાં એક જ વિચાર હતો કે મને ભલે ગમે તે થાય મારી ભાણીને કંઈ ન થવું જોઈએ. મેં મારી ભાણીને બચાવવા માટે તેને નીચે મૂકી હું તેની પર ઝૂકી ગઈ જેથી કૂતરો તેની પર હુમલો ન કરે.”

“પરંતુ કૂતરાએ મને બચકું ભરી મને છોડીને બાદમાં મારી ભાણીને મોઢામાં લઈને નીચે પછાડી હતી. અમે લોકો તેને છોડવવાનો પ્રયત્ન કરતા હતા તેમ છતાં તે ભાણીને છોડતું જ ન હતું.”

હિનાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે, “કૂતરાના માલિક દિલીપ પટેલનાં પુત્રવધૂ કૂતરાને લઈને આંટો મરાવાં નીકળ્યા હતાં. કૂતરો તેમના કાબૂમાં રહેતો ન હતો. કૂતરાએ હુમલો કર્યો ત્યારે તેમના હાથમાં લાકડી હતી તેમ છતાં તેમણે કૂતરાને છોડાવાનો પ્રયત્ન કર્યો ન હતો.”

મૃતક રૂષિકાના પરિવારનો આક્ષેપ છે કે કૂતરાના માલિકે તેમને ધમકી આપી હતી કે જો તેઓ કોઈ કાર્યવાહી કરશે તો તે તેમને જોઈ લેશે.

મૃતક રૂષિકાનાં માતાનાં માસી નીતાબહેન ઝાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “ચાર મહિનાની બાળકીનું મોત થયા બાદ પણ કૂતરાના માલિકને અફસોસ નથી. તેઓ તેમની ભૂલ બદલ માફી માંગવાને બદલે ધમકી આપે છે. માનવતા દેખાતી નથી. સામાન્ય રીતે આવી ઘટનામાં લોકો અફસોસ વ્યક્ત કરે છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારા ઘરે પણ કૂતરો છે. કૂતરા પાળવા અંગે અમારો વિરોધ નથી. પરંતુ તમે જેને કાબૂમાં ન રાખી શકો તેવા માનવજાત માટે જોખમી હોય તેવા કૂતરા ન રાખવા જોઈએ. તેમજ કૂતરાના મોઢા પર માસ્ક પણ રાખવું જોઈએ. જેથી કોઈ ગંભીર ઘટના ન બને.”

નીતાબહેને જણાવ્યું કે, “રૂષિકાનાં માતા બે દિવસથી ખૂબ જ રડે છે તે વારંવાર એટલું જ બોલે છે કે મને મારી દિકરી આપી દો. તેમજ રૂષિકા જેના હાથમાં હતી તે હિના પણ બે દિવસથી ખાતી નથી અને કહે છે કે મારા કારણે રૂષિકા જતી રહી.”

મૃતક રૂષિકાના નાના દશરથભાઈ ચૌહાણ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “મારી દીકરી પૂજા સીમંત બાદ મારા ઘરે આવી હતી. રૂષિકા 4 મહિના અને 17 દિવસની હતી. રૂષિકા તેના પિતાના ઘરે માત્ર એક જ દિવસ ગઈ હતી. હજુ તો તેના ઘરે જાય પહેલાં જ આવું થઈ ગયું. અમારે ન્યાય જોઈએ છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે નિયમો પણ કડક બનાવવા જોઈએ જેથી કરીને અમારી બાળકીનો તો જીવ ગયો પરંતુ બીજા કોઈની સાથે આવું ન બને.”

પોલીસે કાર્યવાહી અંગે શું કહ્યું?

 પોલીસ કસ્ટડીમાં હુમલો કરનાર કુતરાના માલીક આરોપી દીલીપ પટેલ

ઇમેજ સ્રોત, UGC

વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં બાળકીના નાનાએ કૂતરાના માલિક પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી આસ્થા રાણાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે 12 મે 2025ના રોજ કૂતરાના હુમલાથી ચાર મહિનાની બાળકીનું મૃત્યુ થયું હતું. આ ડૉગના કબજેદાર દિલીપ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે.

આસ્થા રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, “પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (1) બેદરકારીભર્યા આચરણને કારણે મૃત્યુ અને 291 કોઈ માણસની જિંદગીને સંભવિત મૃત્યુ કે મહામૃત્યુ પહોંચે તે રીતે કોઈ પણ પશુના કબજેદારનું બેદરકારીભર્યું આચરણ, મુજબ ગુનો નોંધીને કૂતરાના માલિક દિલીપ પટેલની ધરપકડ કરી છે.”

કૂતરાએ હુમલો કર્યો તે સમયે એક મહિલા કૂતરાની સાથે હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે.

કૂતરાને ફરવા લઈને જનાર મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તે અંગે આસ્થા રાણાએ જણાવ્યું હતું કે, “સીસીટીવી ફૂટેજ અને ધરપકડ કરાયેલા આરોપીના નિવેદનને આધારે કૂતરું લઈને જનાર મહિલા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.”

આરોપી દિલીપ પટેલના ઘરે બીબીસી ગુજરાતીની ટીમ ગઈ હતી પરંતુ તેમના ઘરે કોઈ હાજર હતું નહીં.

સોસાયટીના સિક્યૉરિટી ગાર્ડ રામપ્રસાદ જગન્નાથ સોની સાથે વાત કરતાં તેમણે જાણવા મળ્યું હતું કે “કૂતરાના માલિક દિલીપભાઈ અને તેમના પરિવારના લોકો મંગળવારથી ઘરેથી જતા રહ્યા છે અને પરત આવ્યા નથી.”

એએમસીએ કૂતરાને કેમ જપ્ત કર્યું?

હુમલો કરનાર કુતરો એએમસીએ જપ્ત કર્યો

ઇમેજ સ્રોત, AMC

અમદાવાદ કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (સીએનસીડી) વિભાગના ડાયરેક્ટર નરેશ રાજપૂતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “પાળેલા કૂતરાઓનું રજિસ્ટ્રેશ કરાવવું ફરજિયાત છે. કૂતરાના માલિક દ્વારા આ કૂતરાનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું નથી. કૂતરાના માલિક સામે રજિસ્ટ્રેશન ન કરાવવા બદલ કાર્યવાહી કરવામાં આવશે.”

અમદાવાદ કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (સીએનસીડી) વિભાગના સુપ્રિટેન્ડન્ટ દિવ્યેશ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,”બાળકી પર હુમલો કરનાર કૂતરું રૉટવાઇલર બ્રીડનું હતું. આ બ્રીડના કૂતરા મોટી સાઇઝના હોય છે. સામાન્ય રીતે મોટી સાઇઝની બ્રીડનાં કૂતરાં થોડા જોખમી હોય છે.”

દિવ્યેશ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, “આ કૂતરાએ હુમલો કરીને માનવમૃત્યુ કર્યું હોવાથી તે જોખમી છે. આવી બીજી કોઈ ઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે કૂતરાને જપ્ત કરવામાં આવ્યું છે. કૂતરાને વેલ્ફેર સેન્ટરમાં રાખવામાં આવશે.”

નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, “કૂતરાના સૅમ્પલ લઈને નિષ્ણાતોની ટીમ દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવશે. કૂતરાને એએમસીના વેલનેસ સેન્ટરમાં જ રાખવામાં આવશે. માલિકને પરત આપવામાં નહીં આવે.”

અમદાવાદમાં કેટલાં કૂતરાંનું રજિસ્ટ્રેશન થયું? કઈ-કઈ બ્રીડનાં કૂતરાં પાળવામાં આવે છે?

નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે,”અમે 1 જાન્યુઆરી 2025થી કૂતરાંના રજિસ્ટ્રેશન શરૂ કર્યાં છે. હાલ પણ રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે. પાળેલાં કૂતરાંનું રજિસ્ટ્રેશન કરાવવું ફરિજયાત છે. જે કૂતરાના માલિકો પોતાનાં પાળેલાં કૂતરાંનું રજિસ્ટ્રેશન કરાવશે નહીં આગામી દિવસોમાં તેમને નોટિસ આપીને દંડ ફટાકરવાની કાર્યવાહી કરવામાં આવશે.”

નરેશ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું હતું કે, “એક જાન્યુઆરી 2025 12 મે 2025 સુધી 4848 કૂતરાના માલિકોએ 5520 કૂતરાઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલા કૂતરાંના ડેટા અનુસાર અમદાવાદમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ, પોમેરેનિયન, ગોલ્ડન રિટ્રિવર, પગ, ડોબરમૅન શિત્ઝુ, સાઇબેરિયન હસ્કી બ્રીડનાં કૂતરાં છે.”

ઉલ્લેખનીય છે કે12 માર્ચ 2024ના રોજ કેન્દ્ર સરકારના ફિશરીઝ ઍન્ડ એનિમલ હસબન્ડરી મંત્રાલય દ્વારા જારી કરેલા પત્ર માનવજીવન માટે જોખમી હોય તેવી કૂતરાંની 24 બ્રીડના કૂતરાંને આયાત, સંવર્ધન, પાળવા, ઘરે રાખવા કે વેચવા કે અન્ય હેતુઓ માટે પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે પ્રતિબંધ મૂકેલાં કૂતરાંની યાદીમાં રૉટવાઇલર બ્રીડ પણ છે.

જોકે સરકારે મે 2024માં આ કૂતરાંની 24 બ્રીડ પરના પ્રતિબંધ અંગના નિર્ણયને સ્થગિત કરવા અંગે પત્ર કરેલો છે. હાલ આ નિર્ણય સ્થગિત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS