Home તાજા સમાચાર gujrati અબ્દાલી અને શીખો વચ્ચેનું એ યુદ્ધ જેમાં હજારો શીખોની કત્લેઆમ કરવામાં આવી

અબ્દાલી અને શીખો વચ્ચેનું એ યુદ્ધ જેમાં હજારો શીખોની કત્લેઆમ કરવામાં આવી

10
0

Source : BBC NEWS

શીખ નરસંહાર, અબ્દાલી, ઇતિહાસ, શીખોનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Charanjeev Kaushal/bbc

શીખોના ઇતિહાસમાં બે નરસંહારની ખાસ નોંધ લેવાય છે. પંજાબીમાં નરસંહાર માટે પ્રયોજાતો “ઘલ્લૂઘરા” શબ્દ મૂળ “વિનાશ” અને “વિચ્છેદન” જેવા શબ્દો પરથી પ્રેરિત છે. અંગ્રેજીમાં તેના માટે “હૉલોકોસ્ટ” શબ્દ પ્રયોજાય છે.

ઐતિહાસિક વિગતો અનુસાર, પ્રથમ ઘલ્લૂઘરા મે-જૂન, 1746માં અને બીજો ફેબ્રુઆરી, 1762માં થયો હતો. પ્રથમ નરસંહાર છોટા ઘલ્લૂઘરા અને બીજો નરસંહાર વડા (બડા) ઘલ્લૂઘરા તરીકે ઓળખાય છે. આમ, ઘલ્લૂઘરા એટલે જાન-માલનું વ્યાપકપણે થયેલું નુકસાન.

શીખોનો સ્વાતંત્ર્ય સંગ્રામ

શીખ નરસંહાર, અબ્દાલી, ઇતિહાસ, શીખોનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Charanjeev Kaushal/bbc

બંને નરસંહાર મોઘલ કાળમાં શીખો સરકાર વિરુદ્ધ સ્વાતંત્ર્ય સંગ્રામ લડી રહ્યા હતા, તે સમયે થયા હતા.

તે સમયનાં રાજ શીખોની આઝાદીની લડાઈને કચડી નાખવા માગતી હતી, જ્યારે શીખો આઝાદી મેળવવા માટે જીવ સટોસટનો જંગ લડી રહ્યા હતા.

પ્રથમ ‘ઘલ્લૂઘરા’ મોઘલ સરકારે આચર્યો હતો, જ્યારે બીજો અને વધુ ઘાતક ‘ઘલ્લૂઘરા’ સૌથી મોટા આક્રમણકારી અહમદશાહ અબ્દાલીએ આચર્યો હતો. ઇતિહાસના સૌથી મોટા ‘ઘલ્લૂઘરા’ની તારીખ નવમી ફેબ્રુઆરી, 1762 હોવાનું મનાય છે.

શીખોએ વાસ્તવમાં આઝાદી માટેનું તેમનું યુદ્ધ 1699ના વૈશાખ (બૈસાખ)માં, જ્યારે ખાલસાની રચના થઈ, ત્યારે શરૂ કર્યું હતું. ગુરૂ ગોવિંદસિંહ પછી બંદાસિંહ બહાદુરે શીખ સત્તાની ધુરા સંભાળી અને પ્રથમ શીખ રાજ્યની સ્થાપના કરી.

1748માં શીખ શક્તિને એકજૂટ કરવા માટે ‘શીખ મિશલો’ એકઠી થઈ અને એપ્રિલ, 1748માં દલ ખાલસાની રચના કરવામાં આવી. તે સમયે નવાબ કપૂરસિંહના નેતૃત્વ હેઠળ શીખો જંગ-એ-મેદાનમાં લડ્યા હતા.

‘છોટા ઘલ્લૂઘરા’

શીખ નરસંહાર, અબ્દાલી, ઇતિહાસ, શીખોનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Charanjeev Kaushal/bbc

વાસ્તવમાં, 1740ના દાયકામાં જ્યારે દિલ્હી પર મુઘલ શાસનની પકડ ઢીલી પડી હતી, તે સમયે પંજાબમાં માત્ર ઝકારિયા ખાન જ શક્તિશાળી શાસક હતા.

તેના કારણે ઝાહિયા ખાને તેમના દીવાન લખપત રાયના માધ્યમથી શીખોનો સફાયો કરવાનો પ્રયત્ન કર્યો. ઝાહિયા ખાન ઝકારિયા ખાનના પુત્ર હતા અને તે સમયે તેઓ પંજાબના સૂબેદાર હતા.

લખપત રાયને એક ભાઈ હતા – જસપત રાય. બંને ભાઈઓ ઝાહિયા ખાનના દીવાન હતા.

અમીનાબાદ (હાલ પાકિસ્તાન)માં શીખો સાથેના સંઘર્ષમાં જસપત રાય માર્યા ગયા હતા.

જ્યારે લખપત રાયને આ વિશે જાણ થઈ, ત્યારે તેઓ ઝાહિયા ખાન પાસે ગયા અને શીખોની કત્લેઆમ કરવાનો છૂટ્ટો દોર આપવા વિનંતી કરી. ઝાહિયા ખાન આ માટે સંમત થયા અને તેમણે લખપત રાયને તમામ લશ્કરી સત્તા આપી.

દલ ખાલસાની આગેવાની હેઠળની શીખ ટુકડીઓએ તે સમયે ગેરીલા યુદ્ધની રણનીતિ અપનાવી હતી. આ રણનીતિને નિષ્ફળ બનાવવા માટે લખપત રાયે કહનુવાલ છમ્ભ પ્રદેશ (ગુરદાસપુર-પઠાણકોટ)માં શીખ ટુકડીઓને ઘેરવાનો પ્રયત્ન કર્યો.

આ સમય દરમિયાન શીખોએ જંગલની અંદરથી હુમલાનો પ્રતિકાર કરવાની કોશીશ કરી અને લખપત રાયે શીખોને જંગલમાંથી બહાર નીકાળવાનો પ્રયત્ન કર્યો.

બિયાસ અને રાવી નદીની વચ્ચેના ભાગમાં થયેલી આ લડાઈમાં લખપત રાયની સેના બિયાસ નદી પાર ન કરી શકી અને સામી તરફના સૈન્યની તાકાતને કારણે શીખ ટુકડીઓ માળવા તરફનો ભાગ પાર ન કરી શકી.

15થી 20 દિવસ ચાલેલું આ યુદ્ધ ‘છોટા ઘલ્લૂઘરા’ કહેવાય છે. તે મે-જૂન, 1746માં થયો હતો.

વાર્તાકારો તથા કવિઓ કહાણીઓ કહેતી વખતે તેને વધુ રસપ્રદ બનાવે છે અને તેઓ 40,000 શીખોને મારવામાં આવ્યા હોવાની વાત કરે છે. પરંતુ, ઇતિહાસકારોનું માનવું છે કે, તે શક્ય ન હતું. તે સમયે શીખો પાસે પણ સંગઠનાત્મક તાકાત હતી અને તેઓ સશસ્ત્ર યુદ્ધો લડતા હતા.

આથી, ‘છોટા ઘલ્લૂઘરા’ દરમિયાન 10-12 હજાર શીખો મરાયા હોવા જોઈએ અને મોઘલ શાસન દરમિયાન તેટલી જ સંખ્યામાં લોકો માર્યા ગયા હોવા જોઈએ. તે લડાઈ બાદ શીખો તે વનપ્રદેશમાંથી ભાગી નીકળવામાં સફળ રહ્યા હતા.

1748થી 1761 સુધી શીખોનું ગેરિલા યુદ્ધ

શીખ નરસંહાર, અબ્દાલી, ઇતિહાસ, શીખોનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Charanjeev Kaushal/bbc

વાસ્તવમાં, દલ ખાલસાના નેજા હેઠળ શીખ મિશલો 1748થી 1762 સુધી સતત લડી હતી. 1761 સુધી શીખો કેવળ ગેરિલા યુદ્ધ લડ્યા હતા અને અહમદશાહ અબ્દાલી સાથે તેમની સીધી અથડામણ નહોતી થઈ.

પરંતુ, 1762માં શીખ સ્વતંત્રતા સંગ્રામ એવા તબક્કે પહોંચ્યો કે, અબ્દાલી સાથે તેમનું સીધું ઘર્ષણ થયું અને મોટાપાયે કત્લેઆમ થઈ. તે સમયે જનરલ સરદાર જસ્સાસિંહ અહલુવાલિયા દલ ખાલસાના વડા હતા.

વ્યાપક લૂંટફાટ

એપ્રિલ, 1761માં અહમદશાહ અબ્દાલીએ પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓને પરાજિત કર્યા. તે સમયે અબ્દાલીનો આતંક અને શક્તિ તેની ચરમસીમાએ હતાં. સમગ્ર અફઘાનિસ્તાન તથા ભારત પર તેનું વર્ચસ્વ હતું.

પરંતુ જ્યારે તેઓ યુદ્ધ જીતીને પંજાબના માર્ગે અફઘાનિસ્તાન પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની પાસે લૂંટનો વિશાળ ખજાનો હતો. આ ખજાનામાં સોનું અને ચાંદી ઉપરાંત ભારતીય સ્ત્રીઓનો સમાવેશ થતો હતો અને તેમાં હાથી-ઘોડા પણ હતા.

પંજાબમાં દલ ખાલસાના ગેરિલા દરેક નદીના કાંઠે ઠેક-ઠેકાણે છુપાયા હતા. તેમણે ઘગ્ગરથી સિંધુ સુધીની નદીઓ પાર કરતી વખતે અબ્દાલીની હુમલાખોર સેના પાસેથી લૂંટનો માલ મોટાપાયે કબજે કરી લીધો હતો.

આ દરમિયાન સેંકડો-હજ્જારો મહિલાઓને અબ્દાલીના સકંજામાંથી બચાવી લેવાઈ હતી. સંપત્તિની સાથે હાથી-ઘોડા પણ પરત મેળવી લેવાયા હતા.

શીખ ગેરિલાઓએ મચાવેલી આ લૂંટફાટથી ધૂંઆપૂંઆ થયેલા અબ્દાલીએ માત્ર શીખોને શિક્ષા કરવાના ઈરાદે જ આગામી હુમલો કરવાનું નક્કી કર્યું. આ વખતે છટકી જવાનો અને શીખોએ લૂંટી લીધેલો માલ પરત મેળવવાનો આશય સેવતા હતા.

આથી, તેમણે કાબુલ પર હુમલો કરવાની અને પછી શીખોને તાબે કરવાની યોજનાઓ ઘડવા માંડી.

1761માં લડાયેલું પાણીપતનું ત્રીજું યુદ્ધ અબ્દાલી દ્વારા કરવામાં આવેલો પાંચમો હુમલો હતો. ‘ઘલ્લૂઘરા’માં શીખો પરનો હુમલો છઠ્ઠું આક્રમણ હતું. આ છઠ્ઠો હુમલો 1762ના પ્રારંભિક ભાગમાં કરવામાં આવ્યો હતો.

અગાઉના હુમલામાં જે રીતે દલ ખાલસાએ ઘણા લોકોના જીવ અને મિલકતો બચાવ્યાં હતાં, તે પરથી દલ ખાલસાના આગેવાનોને એવો વિશ્વાસ હતો કે, અબ્દાલી જરૂર વેર વાળશે.

આથી જ, દલ ખાલસાની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલુ હતી, જેથી આગામી હુમલા દરમિયાન તેઓ અબ્દાલીનો સીધો પ્રતિકાર કરી શકે.

દલ ખાલસાએ તેમના પરિવારોને માઝા-દોઆબાથી એકઠા કર્યા અને તેમને લુધિયાણા અને સંગરૂર જિલ્લાઓમાં લઈ જવાયા. તે જંગલો, વગડા અને રેતીના ઢૂવાઓનો પ્રદેશ હતો.

દલ ખાલસાએ વિચાર્યું કે, અબ્દાલીની પકડમાંથી છટકી નીકળવાનો એક રસ્તો હતો. આથી, તેમના પરિવારોને સલામત સ્થળોએ છોડીને દલ ખાલસાની યુદ્ધ ટુકડીઓએ સતલુજ નદી પાર કરવાના માર્ગોને અવરોધવા માટે આડા અંતરાયો ગોઠવી દીધા.

આ પાછળની વ્યૂહરચના એ હતી કે, જ્યારે અબ્દાલી આક્રમણ કરવા આવે, ત્યારે તેને જાત-ભાતની અફવાઓ સાંભળવા મળે.

શીખો અબ્દાલીના સીધા નિશાના પર હતા. દલ ખાલસા પણ યુદ્ધનીતિમાં પરિપક્વ હતું, તેમ છતાં અબ્દાલી તેના સમયના એક મહાન યોદ્ધા, વિજેતા અને યુદ્ધમાં કુશળતા ધરાવતા આગેવાન હતા.

અબ્દાલીની વ્યૂહરચના અને દલ ખાલસાની નીતિ

શીખો આઝાદી માટેના તેમના યુદ્ધમાં પ્રથમ વખત અબ્દાલીનો સીધો સામનો કરવાના હતા. આથી, આ હુમલાના સમયે અબ્દાલી અને દલ ખાલસા, બંને પક્ષોએ તેમની સંબંધિત યુદ્ધ રણનીતિ અનુસાર તૈયારી કરી હતી.

પરંતુ, યુદ્ધ પ્રયુક્તિઓ ઘડવામાં કાબેલ અબ્દાલી એક કદમ આગળ હતા. શીખોએ તેમના પરિવારોને માળવાનાં જંગલોમાં છુપાવ્યા હોવાની અને દલ ખાલસાએ સતલુજ નદીનો પ્રવાહ આંતર્યો હોવાની બાતમી તેમને મળી ચૂકી હતી.

આથી, અબ્દાલીએ નદી પાર કરતાં પહેલાં જંગલોમાં છુપાયેલાં શીખ કુટુંબો પર હુમલો કરાવ્યો.

આ હુમલાઓ મલેરકોટલા, રાયકોટ અને સરહિંદના નવાબો દ્વારા કરવામાં આવ્યા હતા. સતલુજ નદીના કિલ્લાઓમાં બેઠેલા દલ ખાલસાને આ હુમલાઓ વિશે જાણ થતાં ભારે આંચકો લાગ્યો.

કુપ-રહીદાનાં ગામોમાં શીખ પરિવારોનો નરસંહાર કરવામાં આવ્યો. બીજી તરફ, અબ્દાલીએ સતલુજ પાર કરીને દલ ખાલસા પર હુમલો કર્યો. હવે, દલ ખાલસા અબ્દાલીનો પ્રતિકાર કરે કે કુપ-રહીદા પહોંચીને પોતાના પરિવારોને બચાવે? આ કટોકટીની ઘડી હતી.

દલ ખાલસાઃ બે મોરચે લડાઈ

શીખ નરસંહાર, અબ્દાલી, ઇતિહાસ, શીખોનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Charanjeev Kaushal/bbc

અબ્દાલીના હુમલાને અટકાવતાં દલ ખાલસાએ માલેર કોટલા તરફ પીછેહઠ શરૂ કરી. કુપ-રહીદા (માલેર કોટલા નજીક)નાં ગામોની આસપાસ ભીષણ યુદ્ધ છેડાયું.

દલ ખાલસાએ પોતાના પરિવારોને ઘેરી લઈને અને અબ્દાલીથી તેમનું રક્ષણ કરીને તેમને માળવાના અંદરના વિસ્તારોમાં લઈ જવા માટે કુતબ બહમની ગામ તરફ પ્રસ્થાન કર્યું.

કુપ-રહીદા (માલેર કોટલા)થી કુતબ બહમની ગામો સુધીના 30-35 કિલોમીટરના પટ્ટામાં દલ ખાલસા તથા અબ્દાલી વચ્ચે ભયંકર જંગ ખેલાયો.

આ 30-35 કિલોમીટરના સમગ્ર વિસ્તારમાં ઠેર-ઠેર મૃતદેહો પડ્યા હતા. બાળકો, મહિલાઓ, સૈનિકો, ઘોડા મોટી સંખ્યામાં માર્યાં ગયાં હતાં. દિવસ જાણે ધીમી ગતિએ પસાર થઈ રહ્યો હતો.

વળી, માળવાથી શીખોનાં નવાં જૂથો પુરા જોશ સાથે આવી પહોંચ્યાં હતાં. સૂર્યાસ્ત થઈ ગયો હોવાથી અને અંધારૂં ઘેરાતાં અબ્દાલી ત્યાં અટકી ગયા. આ તરફ દલ ખાલસા તેમના પરિવારજનો સાથે બરનાલા પ્રદેશમાં આવેલા ઠિકરીવાલા ગામમાં પહોંચી ચૂક્યું હતું.

જાન-માલની મોટાપાયે થયેલી પાયમાલી

શીખ નરસંહાર, અબ્દાલી, ઇતિહાસ, શીખોનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Charanjeev Kaushal/bbc

આ યુદ્ધમાં બંને પક્ષોને ઘણું નુકસાન થયું હતું. તેમાં શીખ પરિવારો મોટી સંખ્યામાં મોતને ભેટ્યા હતા. આથી જ, તેને ભયાનક શીખ નરસંહાર કહેવામાં આવે છે.

તે એક જ દિવસમાં ખેલાયેલો લોહિયાળ જંગ હતો. તે શીખોના સ્વાતંત્ર્ય સંગ્રામની પરાકાષ્ઠા હતી. વળી, આ યુદ્ધમાં શીખો અને અબ્દાલી પ્રથમ વખત આમને-સામને આવ્યા હતા.

‘ઘલ્લૂઘરા’ના નરસંહારમાં કેટલા શીખોનો ભોગ લેવાયો, તેને લઈને વિવિધ દાવાઓ થયા છે. જોકે, ઐતિહાસિક સંદર્ભો સંમતિ પૂરાવે છે કે, મોતને ભેટનારા શીખોમાં મોટા ભાગે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો હતાં.

પરંતુ, અબ્દાલી સામે લડનારા શીખો ઓછા પ્રમાણમાં માર્યા ગયા હતા. તેમાં 10થી 15 હજાર શીખો મૃત્યુ પામ્યા હતા. અબ્દાલીના સૈન્યને કેટલું નુકસાન થયું, તે વિશે ખાસ ઉલ્લેખ મળતો નથી.

આ યુદ્ધ ઘણા મોટા સ્તર પર લડાયું હતું, જેમાં શીખોના 10થી 15 હજાર પુરુષો મોતને ભેટ્યા હતા. આથી જ, તે ‘ધ ગ્રેટ ઘલ્લૂઘરા’ તરીકે ઓળખાય છે.

કોની જીત થઈ?

શીખ નરસંહાર, અબ્દાલી, ઇતિહાસ, શીખોનો ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Charanjeev Kaushal/bbc

તેઓ જ્યારે કુતબ બહમાની ગામમાં પહોંચ્યા, ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. ત્યાં પાણીની એક ટાંકી હતી.

બંને બાજુની સેના થાકી ચૂકી હતી, ઘોડા તરસ્યા થયા હતા. જસ્સાસિંહ અહલુવાલિયાને ગંભીર ઈજા થઈ હતી અને તેમનો ઘોડો મૃત્યુ પામ્યો હતો.

પાણીની ટાંકી જોઈને બંને સેનાના સૈનિકો અને ઘોડાઓ પાણીની ટાંકી તરફ ગયા. ત્યાં સુધીમાં રાત પડી ગઈ હતી.

તેનાથી આગળ જતાં શીખનાં વધુ ગામો આવતાં હતાં અને શીખો તેમના પરિવારોને ત્યાંથી આગળ માળવા તરફ લઈ ગયા. આ બાજુ અબ્દાલી પણ ત્યાંથી સરહિંદ તરફ પરત ફર્યા.

તે પછી, ઑક્ટોબર, 1762માં દલ ખાલસાએ દીવાળી નિમિત્તે અકાલ તખ્ત સાહિબ ખાતે સભાનું આયોજન કર્યું અને અબ્દાલીએ આચરેલા વ્યાપક નરસંહારને કારણે શીખોને થયેલા વ્યાપક નુકસાનનો બદલો વાળવાનો ઠરાવ પસાર કર્યો.

તે સમયે અબ્દાલી લાહોરમાં હાજર હતા. શીખો તેમના પર હુમલો કરી શકે, તે પહેલાં અબ્દાલી અમૃતસર પરત ફરી ગયા. ફરી એક વખત અબ્દાલી અને શીખ સમુદાય વચ્ચે ભીષણ ઘર્ષણ થયું અને ત્યાંથી અબ્દાલી પરત ફરી ગયા.

શીખો આ સંહારથી ભારે ક્રોધે ભરાયા હતા. એક દિવસના આ જંગ પછી અહમદશાહ અબ્દાલી ઊચાળા ભરી ગયા.

(ડૉ. સુખદયાળસિંહ પટિયાલા સ્થિત પંજાબી યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર તથા ઇતિહાસકાર છે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS