Home તાજા સમાચાર gujrati અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું જોઈએ કે પછી ભાવ ઘટે તેની રાહ...

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું જોઈએ કે પછી ભાવ ઘટે તેની રાહ જોવી જોઈએ?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સોનું ગોલ્ડ અક્ષય તૃતીયા અમદાવાદ ગુજરાત ડોનાલ્ડ ટ્રમ્પ કેરેટ બુલિયન જ્વેલરી

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, અજિત ગઢવી
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 30 એપ્રિલ 2025, 07:06 IST

    અપડેટેડ એક કલાક પહેલા

ભારતમાં અક્ષય તૃતીયાને સોનાની ખરીદી માટે ‘શુભ દિવસ’ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ માન્યતાને માનનારા લોકો આ દિવસે સોનું ખરીદતા હોય છે.

વૈશ્વિક પરિબળો અને ભૂરાજકીય અનિશ્ચિતતાના કારણે ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ એક લાખની સપાટી નજીક છે ત્યારે આ ભાવે લોકો આ વર્ષે કેટલું સોનું ખરીદશે તે મોટો સવાલ છે.

છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે અને 22 એપ્રિલે એક લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પાર કર્યા પછી સોનું સહેજ ઘટ્યું છે. છતાં એક લાખ રૂપિયાની સપાટીથી બહુ દૂર નથી.

ગયા વર્ષની સાથે સોનાના ભાવની તુલના કરવામાં આવે તો ગયા વર્ષે 10 મે, 2024ના રોજ અક્ષય તૃતીયા હતી અને તે દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 75,000ના સ્તરે હતો.

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે છેલ્લા એક વર્ષમાં સોનામાં એવી તેજી આવી કે આંતરરાષ્ટ્રીય બજારમાં એક ઔંસ સોનાનો ભાવ 3500 ડૉલર સુધી પહોંચી ગયો અને ભારતમાં એક લાખ રૂપિયાની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી.

આ વખતે કેવી ખરીદી જોવા મળશે?

બીબીસી ગુજરાતી સોનું ગોલ્ડ અક્ષય તૃતીયા અમદાવાદ ગુજરાત ડોનાલ્ડ ટ્રમ્પ કેરેટ બુલિયન જ્વેલરી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીયોનો સોનાની ખરીદીનો લગાવ જાણીતો છે અને તેથી તેમની માગને જોતાં સોનાની આયાત ઘટાડવા માટે સરકારે ઘણાં પગલાં લીધાં હોવાં છતાં ભારત દર વર્ષે લગભગ 700થી 800 ટન સોનાની આયાત કરે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પ્રમાણે 2024માં ભારતે 712 ટન સોનાની આયાત કરી હતી. માર્ચ મહિનામાં સરકારે રાજ્ય સભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારતે 2023-24માં કુલ 48 દેશોમાંથી સોનું ઇમ્પૉર્ટ કર્યું હતું.

હાલમાં સોનાનો ભાવ જે ઊંચા સ્તરે છે તેના કારણે અક્ષય તૃતીયા પર ખરીદીને અસર થવાની શક્યતા છે.

ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન (આઈબીજેએ)ના ડાયરેક્ટર હરેશ આચાર્યએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે “આ વખતે સોનાના ભાવ રેકૉર્ડ લેવલ પર હોવાના કારણે માંગ પહેલેથી ધીમી પડી છે. અક્ષય તૃતિયાના દિવસે ઘરાકી પર અસર જોવા મળી શકે છે.”

તેઓ માને છે કે પશ્ચિમ ભારત કરતા દક્ષિણ ભારતમાં કદાચ વધારે સારી ખરીદી જોવા મળી શકે છે.

બીબીસી ગુજરાતી સોનું ગોલ્ડ અક્ષય તૃતીયા અમદાવાદ ગુજરાત ડોનાલ્ડ ટ્રમ્પ કેરેટ બુલિયન જ્વેલરી

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે કહ્યું કે, “અક્ષય તૃતીયા નિમિતે ગુજરાતમાં એક દિવસમાં લગભગ 300 કિલો સોનાનું વેચાણ થતું હોય છે. પરંતુ આ વખતે તેમાં 50 ટકા સુધી ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.”

બે વર્ષ અગાઉ 2023માં ગુજરાતમાં અક્ષય તૃતિયા પર 450 કિલો સોનું વેચાયું હતું અને તે વખતે 10 ગ્રામ સોનાનો ભાવ 62 હજાર રૂપિયા હતો.

ત્યાર પછી 10 મે 2024ના અક્ષય તૃતીયાના દિવસે સોનું 75,000 રૂપિયાના લેવલ પર હતું અને તેના કારણે ગુજરાતમાં ગોલ્ડનું વેચાણ 66 ટકા જેટલું ઘટીને સીધું 150 કિલો પર આવી ગયું હતું.

આ વખતે અક્ષય તૃતીયાના આગલા દિવસે અમદાવાદમાં 99.9 શુદ્ધતાના 10 ગ્રામ સોનાનો ભાવ 95,900 રૂપિયા ચાલતો હતો. તેમાં જીએસટી ઉમેરવામાં આવે તો 10 ગ્રામનો ભાવ લગભગ 98,800 રૂપિયા થાય છે

હરેશ આચાર્યએ જણાવ્યું કે લગ્નની સિઝનમાં ખરીદીમાં કદાચ મોટો ઘટાડો જોવા નહીં મળે કારણ કે આ ભાવે પણ લોકો લગ્ન માટે સોનું ખરીદશે.

લોકો ઓછા કૅરેટનું સોનું ખરીદશે?

બીબીસી ગુજરાતી સોનું ગોલ્ડ અક્ષય તૃતીયા અમદાવાદ ગુજરાત ડોનાલ્ડ ટ્રમ્પ કેરેટ બુલિયન જ્વેલરી

ઇમેજ સ્રોત, Getty Images

આઈબીજેએના ડાયરેક્ટર હરેશ આચાર્ય માને છે કે સોનું વિક્રમજનક સપાટી પર હોવાથી જે લોકો 22 કૅરેટ શુદ્ધતાનું ગોલ્ડ ખરીદતા હતા તેઓ કદાચ 18 કૅરેટ પર આવી જશે. જેઓ 18 કૅરેટ ખરીદવાનો વિચાર કરતા હતા તેઓ કદાચ 14 કૅરેટ શુદ્ધતાનું સોનું ખરીદી શકે. એકંદરે જોવામાં આવે તો 22 કૅરેટથી 18 કૅરેટ શુદ્ધતાના સોનાની માંગ સારી જોવા મળે છે.

બીજી તરફ જ્વેલર્સ ઍસોસિયેશન ઑફ અમદાવાદના પ્રેસિડન્ટ જિગર સોનીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે અક્ષય તૃતીયા પર સોનાની ખરીદી સામાન્ય રહેવાની શક્યતા છે, ભલે પછી ભાવ ઊંચો હોય.

તેમણે કહ્યું કે “આખા ભારતમાં શુકન માટે સોનું ખરીદવાનો જે ટ્રેન્ડ છે તેને વાંધો નહીં આવે. અત્યારે 14 કૅરેટથી લઈને 18 કૅરેટની જ્વેલરી વધારે ખરીદાય છે.”

જોકે, તેઓ માને છે કે “સોનાનો ભાવ એક લાખથી ઉપર ગયા પછી થોડો ઘટ્યો છે, પરંતુ આ ઘટાડો બહુ નજીવો છે.”

જિગર સોનીએ કહ્યું કે “અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટેરિફ પૉલિસી 90 દિવસ માટે મુલતવી રાખી છે પણ સોનાના ભાવમાં કોઈ રાહત નથી. આગામી દિવસોમાં તેની પૉલિસી યથાવત્ રહે તો સોનામાં હજુ પણ ભાવ વધારો જોવા મળી શકે છે.”

સોનાના રેકૉર્ડ ભાવથી ટ્રેડિંગને અસર

બીબીસી ગુજરાતી સોનું ગોલ્ડ અક્ષય તૃતીયા અમદાવાદ ગુજરાત ડોનાલ્ડ ટ્રમ્પ કેરેટ બુલિયન જ્વેલરી

ઇમેજ સ્રોત, Getty Images

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની તાજેતરની એક નોટ પ્રમાણે ભારતીય ગ્રાહકોને સોનાના દરેક સ્વરૂપમાં ખરીદીમાં રસ છે. તેમાં જ્વેલરીથી લઈને ગોલ્ડ ઈટીએફ, સિક્કા, બાર, ડિજિટલ ગોલ્ડ સામેલ છે.

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા ત્યારથી તેમની આર્થિક નીતિઓના કારણે સોનાના ભાવ પર વધારે અસર પડી છે.

દરમિયાન રૉયટર્સના એક અહેવાલ પ્રમાણે સોનાનો ભાવ નાણાકીય વર્ષ 2026ના બીજા ક્વાર્ટર સુધીમાં વધીને 4000 ડૉલર પ્રતિ ઔંસ થઈ શકે છે. અમેરિકાના ઊંચા ટેરિફ અને યુએસ-ચીન વચ્ચેના ટ્રેડ-વૉરના કારણે સોનું હજુ વધશે તેવું જે. પી. મૉર્ગન માને છે.

ભારતમાં શૅરબજારમાં છેલ્લા છ મહિનામાં રોકાણકારોને નુકસાન ગયું છે ત્યારે સોનું સારું વળતર આપનાર કોમોડિટી છે. 2021થી અત્યાર સુધીમાં સોનાએ વાર્ષિક 20 ટકાના દરે વળતર આપ્યું છે.

એક અહેવાલ પ્રમાણે 2014થી 2018 વચ્ચે સોનાએ વાર્ષિક ધોરણે માત્ર બે ટકાના દરે વળતર આપ્યું હતું. આ ગાળામાં ગોલ્ડે 4.8 ટકાના ફુગાવાના દર કરતા પણ ઓછું રિટર્ન આપ્યું હતું. પરંતુ ત્યાર પછી સોનું સૌથી સારું વળતર આપનાર સાધન સાબિત થયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS