Home તાજા સમાચાર gujrati હિંમત ખાટસુરિયા : ગુજરાતના એ કવિ જેમણે ગરીબો માટે લખ્યું ને પોલીસની...

હિંમત ખાટસુરિયા : ગુજરાતના એ કવિ જેમણે ગરીબો માટે લખ્યું ને પોલીસની લાઠીઓ ખાધી

14
0

Source : BBC NEWS

હિંમત ખાટસુરિયા, ગુજરાતના કવિ, વંચિતો, ગરીબો, ગુજરાતી સાહિત્ય, ભાવનગર સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, દલિત સાહિત્ય, ભાવનગર, પ્રતિબદ્ધ સાહિત્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Nikhil khatsuriya

વેચાણવેરા વિરુદ્ધની લડતમાં લાઠીમારનો ભોગ બન્યા ત્યારે ન રાડો પાડી, ન ગાળો આપી, છાતી ખુલ્લી કરીને પોલીસને પડકાર કર્યો: ‘મારો, વધુ મારો, તો જ લોકો જાગશે.’

ગુજરાતી સામયિક નયામાર્ગમાં હિંમત ખાટસુરિયાની સ્મરણાંજલિ આપતાં આ વાત ભાવનગરના વીનુભાઈ ગો ગાંધીએ લખી છે.

સામ્યવાદી વિચારધારાને વરેલા અને નાનાં-મોટાં અનેક આંદોલનમાં ભાગ લેનાર હિંમત ખાટસુરિયાએ કવિતાને લોકઆંદોલનનું સબળ માધ્યમ ગણ્યું હતું.

‘આજુબાજુની દુનિયામાં જે મૂંઝવણો છે, મથામણો છે એને ઝીલવાનો એક નાનકડો પ્રયાસ છે, આ ‘ઝંઝા.’ મને એવું લાગે છે કે ’47 પછીના હિન્દુસ્તાનની વ્યથાકથા કહેવા માટે આપણે જે ગઝલકાર જોઈતો હતો એ મળ્યો નથી. ક્યાંક મળ્યો છે તો એ જોઈએ તેટલો પ્રાણવાન બન્યો નથી. ગઝલના રંગે રંગાયેલા કવિ પાસે એક સામાન્ય માણસ ઘણી આશાઓ રાખવાનો અધિકારી છે એવું મને લાગે છે. મારી આ રચનાઓ સામાન્ય માણસના સંઘર્ષને ક્યાંક સાંકળી શકતી હોય તો; એમાંની એકાદ રચનાય એટલી પ્રાણવાન ઠરે તો હું ખુશ થઈશ…’

‘ઝંઝા’ના પ્રકાશન સમયે હિંમત ખાટસુરિયાએ પોતાના સર્જન અંગે આ વાત લખી છે.

‘પહેલી કવિતા મને સંભળાવતા’

હિંમત ખાટસુરિયાનો પરિવાર હાલમાં અમદાવાદમાં રહે છે અને મેં હિંમતભાઈનાં પત્ની ઊર્મિલાબહેન અને તેમના પુત્ર નિખિલભાઈની મુલાકાત લીધી હતી.

ઊર્મિલાબહેનની ઉંમર અંદાજે 89 વર્ષ છે અને તેમને ઓછું સંભળાય છે, પણ જ્યારે હિંમતભાઈની વાત નીકળી ત્યારે એમના (ઊર્મિલાબહેન) ચહેરા પર ભૂતકાળ તરી આવ્યો અને હિંમતભાઈનાં સંસ્મરણો આંખ સામે તરી આવ્યાં.

મારી જ્યારે નિખિલભાઈ સાથે વાત થતી ત્યારે હિંમતભાઈનાં પત્ની ઊર્મિલાબહેન કોઈ કવિતાની પંક્તિ બોલી સંભળાવતાં. ઊર્મિલાબહેન કહે છે “જ્યારે પણ કવિતા લખતા ત્યારે સૌથી પહેલા મને સંભળાવતા.” હિંમતભાઈની ઘણી કવિતાની પંક્તિઓ ઊર્મિલાબહેનને મોઢે છે, એવું એમની વાતોમાં જણાય છે.

હિંમત ખાટસુરિયાના પુત્ર નિખિલ ખાટસુરિયા કહે છે કે “એમને (હિંમત ખાટસુરિયા) જીવનમાં કોઈ મોહ નહોતો, પણ એટલી તમન્ના હતી કે નાના માણસનો વિચાર કરે. પરિવાર તરીકે અમારી કરતાં સામાન્ય માણસની લડતને વધુ પ્રાધાન્ય આપ્યું. ગમે ત્યાં અન્યાય થતો હોય તો એ પહોંચી જાય. પોલીસનો માર ખાય, જેલમાં જાય, પણ એમનો રસ્તો ન બદલે. એટલું જ નહીં એ આજીવન એમના સિદ્ધાંતને વળગેલા રહ્યા.”

વંચિતો માટે અનેક આંદોલનમાં ભાગ લીધો, પોલીસની લાઠી ખાધી

હિંમત ખાટસુરિયા, ગુજરાતના કવિ, વંચિતો, ગરીબો, ગુજરાતી સાહિત્ય, ભાવનગર સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, દલિત સાહિત્ય, ભાવનગર, પ્રતિબદ્ધ સાહિત્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Nikhil khatsuriya

ઇન્દુકુમાર જાની અને અરુણા મહેતાના તંત્રીપદ હેઠળ ચાલતા ગુજરાતી સામયિક નયામાર્ગના પહેલી જુલાઈ, 1991ના અંકમાં હિંમત ખાટસુરિયાને શ્રદ્ધાંજલિ અપાઈ છે. હિંમત ખાટસુરિયા સાથે કામ કરનારા કર્મશીલોએ તેમને અંજલિ આપી હતી.

આ અંકમાં મહેન્દ્ર દવેએ લખ્યું છે, ‘હિંમતભાઈએ અનેક આંદોલનમાં ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર સરકાર સમયે ભાવનગરમાં વિદ્યાર્થી આંદોલન અને સેલ્સટેક્સની લડતમાં તેમણે ભાગ લીધો હતો અને ભયંકર લાઠીચાર્જનો ભોગ બન્યા હતા. તો મહાગુજરાત આંદોલનમાં ભાગ લીધો અને નવનિર્માણ આંદોલનમાં સુરેન્દ્રનગરમાં જેલવાસ ભોગવ્યો.’

નવનિર્માણ આંદોલનમાં એ સમયના વિદ્યાર્થીનેતા મનીષી જાનીએ ‘નવનિર્માણ યુવક સમિતિ’નું નેતૃત્વ કર્યું હતું.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “નવનિર્માણ વખતે અમને પકડવામાં આવ્યા ત્યારે હું સુરેન્દ્રનગર જેલમાં હતો. એ (હિંમતભાઈ) પણ અમારી સાથે હતા. જેલમાં અમારો પરિચય થયો હતો.”

“અમે કૉલેજમાં ભણતા ત્યારે અમારું ‘હું’ નામે એક ગ્રૂપ ચાલતું અને ‘હું’ નામનું સામિયક પણ. એમાં પ્રગતિશીલ સાહિત્યને સ્થાન મળતું. એમાં હિંમતભાઈ પણ રચના મોકલતા હતા.”

મણારમાં શિક્ષક તરીકે 35 વર્ષ સુધી નોકરી કરનાર રમેશભાઈ રતિલાલ વીરમગામી હિંમત ખાટસુરિયાના ભાણેજ થાય અને એમની ઉંમરે હાલમાં અંદાજે 82 વર્ષ છે.

તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે, “ભાવનગરમાં હૉસ્પિટલમાં દાખલ કરેલા એ સમયે ડૉક્ટરે કહ્યું કે એમને (હિંમત ખાટસુરિયા) માથાના ભાગે મગજમાં કોઈ મોટી ઈજા થયેલી છે, એના કારણે એમની સ્મૃતિ ઝાંખી પડી ગઈ છે. એ સમયે એવું લાગેલું કે એણે આવી અનેક લાઠીઓ ખાધી હશે.”

અન્યાય સામે અવાજ ઉઠાવતી કવિતા

હિંમત ખાટસુરિયા, ગુજરાતના કવિ, વંચિતો, ગરીબો, ગુજરાતી સાહિત્ય, ભાવનગર સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, દલિત સાહિત્ય, ભાવનગર, પ્રતિબદ્ધ સાહિત્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Nikhil khatsuriya

ગરીબી અને ભૂખમરો તેમની ચિંતાના અને કાવ્યસર્જનના વિષય રહ્યા છે. હિંમતભાઈ વર્તમાન પ્રવાહો અને ઘટનાઓથી વાકેફ રહેતા અને તેના પર કવિતા લખી નાખતા.

મહેન્દ્રભાઈ દવે નોંધે છે- ‘એક વાર (ગુજરાતમાં) કોઈ બહેને આપઘાત કર્યો હતો અને એ જ દિવસે કોઈક સ્થળે ગાય મરી જતા ગામનાં આગેવાનો, શ્રીમંતો, સાધુઓએ ગાયની સ્મશાનયાત્રા કાઢી તે પરથી હિંમતભાઈએ ‘ગાય મરી ગઈ… બાઈ મરી ગઈ… કવિતા લખી હતી.’

મનીષી જાની કહે છે, “હિંમતભાઈ લોકો વચ્ચે રહીને કામ કરતા. લોકોના સવાલો, કામદારોની સમસ્યા વગેરે તેમની રચનામાં આવતા. ‘ગાય મરી ગઈ, બાઈ મરી ગઈ…’ એ કવિતા આજના સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે.”

મનીષી જાની કહે કહે છે, “1981માં અમે દલિત કવિતાનો પ્રથમ સંચય કરેલો એમાં એમની ‘ગાય મરી ગઈ, બાઈ મરી ગઈ…’ કવિતાને સ્થાન આપ્યું હતું.”

ગુજરાતી સામયિક નયામાર્ગના 16 જુલાઈ, 1991ના અંકમાં હિંમત ખાટસુરિયાની સ્મૃતિસભાનો અહેવાલ છપાયો હતો. જેમાં મનીષી જાનીએ કહ્યું હતું કે ‘હિંમતભાઈને બધા જ મિત્રો હતા, કોઈ શત્રુ નહોતા. એ રીતે હિંમતભાઈ સાચા ભારતીય કૉમ્યુનિસ્ટ હતા. કવિ તરીકે એમનું કમિટમેન્ટ પાક્કું હતું, પણ એમાં માત્ર અમીર-ગરીબ એવું નહીં પણ દલિત કે કાસ્ટના સવાલ પર, નર્મદાના સવાલ પર જે કંઈ ગરીબ તરફી હોય તે તેમના સર્જનના વિષયો રહ્યા છે.’

એક ઝંઝા’નીલનું પોઢી જવું… શીર્ષકથી ઇન્દુકમાર જાની લખે છે, ‘જિંદગીભર ક્રાન્તિનું એક સપનું એમણે સેવેલું. એમની તમામ રચનાઓ પ્રતિબદ્ધ હતી. અનેક ક્રાન્તિકારીઓ વિશે લેખ અને કાવ્યો તેમણે લખ્યાં છે.’

ઇન્દુકુમાર જાની લખે છે, ‘સામાન્ય માનવીને પણ સમજાય એવી કવિતા લખનાર આ કવિને ગાતા સાંભળવા એક લ્હાવો હતો.’

હિંમતભાઈએ લખ્યું છે-

ફૂલોની ગંધ મુબારક તમોને ઓ પ્રિયતમ!

અમારે રોટલી શેકાય એની વાસ ખપે!

ઉલ્લેખનીય છે કે ‘કાલગીત’નું ‘લારીવાલો લહેરી’ ગીત કોઈક લારીવાળા ચાહકે મઢાવીને લારી પર લટકાવ્યું હતું.

ભાવનગરના જાણીતા કવિ, વિવેચક અને સંપાદક પથિક પરમાર લખે છે, હિંમતભાઈને હવાઈ કલ્પનામાં રસ નથી. તેઓ સાંપ્રત સમસ્યાઓનાં વાસ્તવ ચિત્રો દોરે છે, વ્યંગ કરે તો વ્યંગની ભીતર દર્દ હોય છે. હિંમતભાઈ રૂંવે રૂંવે ક્રાંતિકારી હતા. તેઓ સમર્થ ઉદ્દામવાદી વિચારક હતા. તેઓ ક્રાંતિકારી પહેલા અને પછી કવિ હતા, તેથી જ તેમનો શબ્દ લોકક્રાંતિની ચિનગારીનો શબ્દ બન્યો.’

હિંમતભાઈએ લખ્યું છે-

રોટલો સહુને મળે એ થાય કાં ના વેતરણ?

ઓટલો સહુને મળે એ થાય કાં ના વેતરણ?

શિક્ષકથી આજીવન આંદોલન સુધી

હિંમત ખાટસુરિયા, ગુજરાતના કવિ, વંચિતો, ગરીબો, ગુજરાતી સાહિત્ય, ભાવનગર સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, દલિત સાહિત્ય, ભાવનગર, પ્રતિબદ્ધ સાહિત્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Nikhil khatsuriya

હિંમત ખાટસુરિયાનો જન્મ ભાવનગરના 10-2-1933માં વરતેજ ગામે ભાવસાર કુટુંબમાં થયો હતો.

બીએ, બીએડનો અભ્યાસ કર્યા પછી તેઓ લેઉવા પાટીદાર હાઈસ્કૂલ અને શારદામંદિર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પણ રહ્યા હતા. તેમણે લૉની ડિગ્રી પણ મેળવી હતી.

તેમણે સાહિત્યસર્જનની શરૂઆત 1955 પછી કરી હતી અને 1966માં હિંમત ખાટસુરિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઈજન’ પ્રકાશિત થયો હતો.

‘ઈજન’ના આમુખમાં જાણીતા કેળવણીકાર મૂળશંકર ભટ્ટે લખ્યું હતું, ‘ભાઈ હિંમત ખાટસુરિયાના આ કાવ્યસંગ્રહમાં આ યુગના એક તપ્તચિત્ત યુવાનના દિલના ધબકારા સંભળાય છે. તેમાં તપેલા, દાઝેલા, ભાંગી પડેલા, ભીંસાયેલા એવા માનવીની આહ પણ સંભળાય છે. અન્યાયની સામે રોષ પણ દેખાય છે.’

તેમજ હિન્દોસ્તાં હમારા, ઝંઝા, અભિયાન, રક્તકણ, કાવ્યગુર્જરી અને કાલગીત તેમનાં કાવ્યસંગ્રહો છે. તેમણે દિશાંતર નામનો વાર્તાસંગ્રહ પણ પ્રકાશિત કર્યો હતો.

હિંમતભાઈ 1958માં ‘ઑટોરિક્ષા-ટૅક્સી ન્યૂઝ’ના સ્થાપક અને તંત્રી પણ હતા.

ભગતસિંહનું નાનકડું જીવનચરિત્ર છપાવીને માત્ર 25 પૈસાની કિંમતે હજારોની સંખ્યામાં વહેંચ્યું હતું.

મનીષી જાની કહે છે, “ભગતસિંહના જીવન અંગેની ચોપડી તેમણે શાળાશાળાએ ફરીને વેચી હતી. એમને હતું કે ભગતસિંહના વિચારો બાળકો સુધી પહોંચવા જોઈએ. તેઓ બાળકોને ભગતસિંહની વાતો કહેતા. અંદાજે 50 હજાર ચોપડી તેમણે વેચી હતી.”

રમેશભાઈ રતિલાલ વીરમગામી કહે છે, “એક તો એમનું ઘર નાનું હતું અને ઘરમાં એટલાં બધાં પુસ્તકો હતાં કે બેસવાની જગ્યા જ ન હોય. મોટા ભાગે અંગ્રેજીનાં, કાર્લ માર્ક્સ અને સામ્યવાદનાં પુસ્તકો પડેલાં હોય.”

‘રંગ અને જંગ’ના ક્રાંતિકારી કવિ

હિંમત ખાટસુરિયા, ગુજરાતના કવિ, વંચિતો, ગરીબો, ગુજરાતી સાહિત્ય, ભાવનગર સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, દલિત સાહિત્ય, ભાવનગર, પ્રતિબદ્ધ સાહિત્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Nikhil khatsuriya

દિલીપ રાણપુરાએ લખ્યું હતું, ‘મારે એમની સાથે 20 વરસનો સંબંધ હતો. જે સિદ્ધાંતોમાં એ માનતા એ માટે તેઓ લડતા. કોઈ પણ વાદમાં માનનારી વ્યક્તિ સાથે એમને મૈત્રી હોય. કોઈના પ્રત્યે દ્વેષ નહીં. માણસ માત્ર સાથે એમને મૈત્રી હતી. એમની દુશ્મનાવટ તો શોષણની પદ્ધતિ સામે હતી. હિંમતભાઈ અલગારી માણસ હતા. મણાર, ગોપનાથ, ઘોઘા કે ડાંગનાં જંગલોમાં ઘૂમવું ગમતું. જે કામ હાથમાં લે તે કામમાં એવા લીન થઈ જાય કે કુટુંબ ભુલાઈ જાય અથવા તો એમનું કુટુંબ બદલાઈ જાય. 40 વરસ સુધી એમને માત્ર ગરીબો માટે જ લખ્યું છે. એને કારણે ઘણું સહન કરવું પડ્યું. છાપાંઓ, સામયિકો, સમૂહ માધ્યમો બધાએ એમની ઉપેક્ષા કરી છે.’

મનીષી જાની પણ કહે છે કે “ભાવનગરમાં રહેતા હોવાથી તેઓ ખાસ લોકપ્રિય નહોતા. આથી એમને જેટલું મળવું જોઈએ એટલું સન્માન મળ્યું નથી.”

પથિક પરમાર લખે છે, ‘આ કવિનો શબ્દ ક્રાંતિના બ્યૂગલ જેવો છે. કચડાયેલા સમાજની યાતનાઓનું નિરૂપણ કરતી તેમની કવિતાઓ લાલ રંગે રંગાયેલી છે. તેમાં ભીંસાયેલા અને ભાંગી પડેલા યુવાહૈયાનો વિષાદ આક્રોશ સાથે વ્યક્ત થાય છે. હિંમતભાઈ હિંમતવાળા કવિ છે. એમની કવિતા એ ‘પોચટ આંસુ સારતી’ કવિતા નથી, તેમાં ક્યાંય લાગણીવેડા, રોતલપણું કે પ્રેમની વેવલી વાતો નથી. એમની કવિતા એક પરિપક્વ ઉદ્દામવાદી માનસની ફલશ્રુતિ છે, તેમાં પરિવર્તનશીલ સમાજની ઝંખના છે.’

હિંમત ખાટસુરિયા લખે છે-

આ લોહી વહે જે સડકો પર એ લોહી કહેશો કોનું છે?

હિંદુનું હશે કે મુસ્લિમનું સૂંઘીને કહેશો કોનું છે?

છે લોહી ઈસાઈ-શીખોનું કે પારસીઓની ત્યાં રંગત

બંધુનું છે કે બહેનીનું પરખીને કહેશો કોનું છે?

અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ

હિંમત ખાટસુરિયા આજીવન લોકો માટે લડતા રહ્યા. ઊર્મિલાબહેન કહે છે કે “લોકો માટે તેઓ દિવસો સુધી લડતા રહે, અમારું શું થશે એની પણ એમને ચિંતા ન હોય. લોકોનું સારું થવું જોઈએ બસ. આ એમની ચિંતા રહેતી.”

યશંવત મહેતા નયામાર્ગમાં લખે છે, ‘આ માણસને શું કહીને ઓળખાવવો? ઓલિયો કહીશું? સાધુ કહીશું? તો તો ધાર્મિક પરિભાષામાં વાત કરી કહેવાશે અને હિંમતભાઈ તો સામ્યવાદી હતા. સાચા સમર્પિત સામ્યવાદી. સામ્યવાદને એમણે અણુએ અણુમાં આત્મસાત્ કરેલો.’

ઇન્દુકમાર જાની લખે છે, ‘અનેક આંદોલનમાં ભાગ લેનારા હિંમત ખાટસુરિયાની ખાવાપીવામાં અનિયમિતતા હતી. એમનું શરીર વધી ગયેલું હતું. આથી વલ્લભવિદ્યાનગરમાં કુદરતી ઉપચાર દ્વારા પંદર કિલો વજન ઉતાર્યું હતું. એક દિવસે બપોરે કસરત દરમિયાન તેઓ પડી ગયા અને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. તેમને મુંબઈ ઑપરેશન માટે લઈ ગયેલા અને ત્યાં સફળ ઑપરેશન કરાવ્યું હતું. ભાવનગર આવ્યા પછી એમની તબિયત બગડી અને અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા હતા.’

હિંમત ખાટસુરિયાએ 20મી જૂન, 1991માં અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં વહેલી સવારે 3.30 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.

ઇન્દુકમાર જાની લખે છે, ‘રક્તકણ’ના રચનાકાર લોહીની ઓછપથી પીડાતા હતા… નિર્દોષોના વહેતા લોહીની ચિંતા કરતા આ કવિને લોહી પહોંચતું નહોતું… કેવી કરુણતા?

હિંમત ખાટસુરિયાએ એમના કાવ્યસંગ્રહ ‘રક્તકણ’માં એમના મોત વિશે આ લખ્યું છે…

હું મરી જાઉં ત્યારે

છાપામાં આઠ કૉલમની હેડલાઇનમાં

મારા મૃત્યુના સમાચાર

ન છપાય તો કંઈ વાંધો નહિ…

પણ હું મરી જાઉં ત્યારે

જમાનાએ જેમની જિંદગીમાં

ઝેર જ ભર્યાં છે એવા બે ચાર અજાણ્યાં માણસો

મારા માટે એકાદ આંસુય ટપકાવશે

તો બસ… બસ થઈ જશે!

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS