Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Arshad Muhammad
“હું પણ ભારત આવવા માગું છું. આઈપીએલ જોવા માગું છું. વિરાટ કોહલી, રોહિત શર્મા સાથે સેલ્ફી લેવા માગું છું. શું મેં પાકિસ્તાનમાં જન્મ લીધો એ મારી ભૂલ છે? કેમ હું ભારત આવીને મૅચ ન જોઈ શકું? મારી પણ ઇચ્છા છે કે હું એક દિવસ ભારતમાં આવીને ભારત-પાકિસ્તાનની મૅચ જોઉં.”
આ શબ્દો અરશદ મુહમ્મદ હનીફના છે. અમે ફોન પર તેમની સાથે વાત કરી ત્યારે તેમના અવાજમાં આ વસવસો વર્તાતો હતો.
37 વર્ષીય અરશદ મુહમ્મદ હનીફ છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વાઇરલ છે. કોલંબોમાં 15 ફેબ્રુઆરીના દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મૅચ વખતે તેમણે ભારતનું રાષ્ટ્રગીત સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાયું હતું અને તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 6.3 મિલિયન કરતાં વધુ વ્યૂ મળ્યા છે અને અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પણ આ વીડિયો અતિશય વાઇરલ થઈ રહ્યો છે.
આ વીડિયો બાદ તેમના પર લોકો સોશિયલ મીડિયા પર પ્રેમ વરસાવી રહ્યા છે અને આ ક્ષણને અતિશય સુંદર, પ્રેમાળ ગણાવી રહ્યા છે. આ પહેલાં પણ અરશદનો આવો એક વીડિયો ચૅમ્પિયન્સ ટ્રૉફી સમયે વાઇરલ થયો હતો.
જોકે, આ ભારતના રાષ્ટ્રગીતના આ વાઇરલ વીડિયો સાથે અરશદે લખ્યું હતું કે, “શા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે હૅન્ડશેક નથી થઈ રહ્યો? આપણે વિશ્વમાં પ્રેમ અને શાંતિ ફેલાવવી જોઈએ.”
આ અંગે બીબીસી ગુજરાતીએ અરશદ સાથે વાત કરી હતી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનના ચાહકો વચ્ચે કેવો માહોલ હોય છે?
અરશદ હનીફે કહ્યું, ‘ભારતીય ચાહકો તો જિગરી યાર જેવા છે’
ઇમેજ સ્રોત, Arshad Muhammad/IG
અરશદ મુહમ્મદ હનીફ દુબઈમાં જ જન્મેલા છે અને ત્યાં રહે છે. તેઓ મૂળ પાકિસ્તાનના મુલ્તાનના છે.
તેઓ ખાસ ભારત-પાકિસ્તાનની મૅચ જોવા માટે ખાસ દુબઈથી કોલંબો ગયા હતા.
તેઓ કહે છે, “અમારા મિત્રો, સંબંધીઓ, શાળાનો માહોલ, જે રીતે બાળપણથી અમારું ઘડતર થયું છે એ જોતાં ભારતનું રાષ્ટ્રગીત ‘જન,ગણ, મન…’ ગાવું તો અમારે માટે સામાન્ય છે. અમે ઘણીવાર ગાતાં હોઈએ છીએ અને મેં પહેલાં પણ આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પણ સ્ટેડિયમમાં એ ગાયું હતું.”
“મેં ભારતનું રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કર્યું એ પછી મારી સાથે અન્ય ચાહકો પણ જોડાયા હતા અને શ્રીલંકાના ફૅન્સ પણ ગાવા લાગ્યા.”
તેઓ કહે છે, “મૅચમાં ભારતની સ્થિતિ સારી હતી અને પાકિસ્તાનની સ્થિતિ ખરાબ થતી જતી હતી અને પછી અમે હારી ગયા. એ સમયે પણ મેં જોયું કે ઘણા ભારતીય ચાહકો અમને મળવા આવ્યા હતા અને અમને સાંત્વના આપી હતી.”
તેમણે પોતાનો એક અનુભવ શૅર કર્યો હતો.
અરશદ કહે છે, “હું સ્ટેડિયમ પહોંચ્યો ત્યારે મારું વૉલેટ ભૂલી ગયો હતો. પાણીની બૉટલ નહોતી અને તરસ લાગી હતી, ત્યારે ભારતીય ચાહકોએ જ મને ખરીદીને પાણી આપ્યું હતું. એવું લાગતું હતું કે ભારતીય ફૅન્સ તો અમારા જિગરી યાર હોય. એવા લોકો હતા જેમને અમે પહેલાં ક્યારેય મળ્યા નહોતા, પહેલી વાર મળ્યા હતા પરંતુ એવું લાગ્યું કે જાણે વર્ષોથી ઓળખીએ છીએ. પાકિસ્તાનના ચાહકોને તેઓ આશ્વાસન આપતા હતા અને કહેતા હતા કે તમે અફસોસ ન કરો, ખુશ રહો.”
તેમનું કહેવું છે કે આ મૅચથી શ્રીલંકામાં પણ ચારેકોર આનંદની લાગણી હતી.
“હું કહેવા માગું છું કે જો આ મૅચ બૉયકોટ થઈ હોત તો શું થાત? કોલંબોમાં લોકોના ચહેરા પર કેટલી ખુશી હતી, લોકો પાગલ હતા, આ ખુશીનો, આનંદનો મોકો ન મળી શક્યો હોત. શ્રીલંકામાં પણ લોકો આ મૅચથી કેટલા ખુશ હતા, રિક્ષાવાળા લોકો અમારી પાસે પૈસા નહોતા લેતા, કંઈક ખરીદવા જઈએ તો પૈસા લેવાની ના પાડતા હતા. કોલંબોમાં ચારેકોર આનંદ હતો.”
ભારતીય ચાહકોએ પણ જણાવ્યો ‘ખાસ’ અનુભવ
ઇમેજ સ્રોત, Mohit Jain
દિલ્હીના મોહિત જૈન પણ મૅચ જોવા માટે કોલંબો ગયા હતા. ત્યાં તેમની મુલાકાત પણ અરશદ સહિત અન્ય પાકિસ્તાની ફૅન્સ સાથે થઈ હતી.
મોહિત જૈન કહે છે, “હું પહેલી વાર ભારત-પાકિસ્તાનની મૅચ જોવા માટે ગયો હતો. જે રીતે આપણા મગજમાં પાકિસ્તાન અને તેના લોકોની ઇમેજ છે એ જોઈને પહેલાં મેં કોલંબોમાં પાકિસ્તાની ફૅન્સને જોયા તો મને ખચકાટ થતો હતો. આપણે કાયમ તેમને નફરતની નજરથી જોયા છે. પહેલાં હું તેમની સાથે વાત નહોતો કરતો.”
તેઓ કહે છે, “પછી સ્ટેડિયમમાં એ બધાં સાથે વાતચીત થઈ. અમે તેમને ટ્રૉલ પણ કર્યા હતા. પરંતુ અંતે તો પછી એકબીજાનાં જીવનની વાતો થઈ, બંને દેશ વિશે વાતચીત થઈ. મને ખૂબ સારું લાગ્યું. મને જાણીને નવાઈ લાગી કે તેઓ માત્ર કોહલી, રોહિતના જ ફૅન્સ નથી, પણ ભારતીય મહિલા ક્રિકેટર્સને પણ સારી રીતે જાણે છે.”
મોહિત કહે છે, “પહેલાં મારા મનમાં પણ તેમના વિશે ખોટી સમજ હતી, પણ મને લાગ્યું કે તેઓ કોઈ અલગ ગ્રહથી તો નથી જ. અરશદે મને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું. અન્ય લોકો સાથે પણ અમને મજા આવી.”
ભારતના રાષ્ટ્રગીત સાથેના અરશદના વાઇરલ થયેલા વીડિયો પર સોશિયલ મીડિયા પર પણ અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે.
ઍક્સ પર એક શમ્સી નામના યુઝરે લખ્યું હતું કે, “જુઓ પાકિસ્તાનના ફૅન્સ પણ આપણું રાષ્ટ્રગીત ગાઈ રહ્યા છે. શું તમે આનાથી ઊલટું વિચારી શકો? રમત એ રમત છે. બંને બાજુએથી સરખું સન્માન મળવું જોઈએ. નફરત કરતાં રમત કાયમ આગળ રહે તેવી ઇચ્છા રાખીએ. “
ભારત-પાકિસ્તાન વચ્ચેના હૅન્ડશેક વિવાદ પર તેમણે શું કહ્યું?
ઇમેજ સ્રોત, Arshad Muhammad
ભારત અને પાકિસ્તાનની ટીમોના ખેલાડીઓ છેલ્લી બે મૅચથી એકબીજા સાથે હાથ મિલાવતા નથી.
આ મુદ્દે પાકિસ્તાનના ચાહક અરશદે કહ્યું હતું કે, “આ ખરેખર દુ:ખદ છે. તમે જુઓ તો મૅચ પહેલાં રોહિત શર્મા અને વસીમ અકરમ ગળે મળ્યા હતા. કટુતા તેમની વચ્ચે નથી, ચાહકો વચ્ચે નથી, ત્યાં બધું સામાન્ય છે, તો બધું ઑન-કૅમેરા આપણે કેમ આવું રાખીએ છીએ? ભારતમાં પણ જે સાચા ક્રિકેટપ્રેમીઓ છે એ એવું માને છે કે આ જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી.”
“મારો નવ વર્ષનો છોકરો કહે છે કે પપ્પા, આ લોકો હાથ કેમ મેળવતા નથી? ચાલો આપણે AIથી હાથ મેળવતા હોય તેવો વીડિયો બનાવીએ. બાળકો આ બધું જોઈ રહ્યાં છે. આપણે તેને શું સંદેશ આપી રહ્યા છીએ?”
અરશદ કહે છે, “હું ઇચ્છું છું કે આવા બધા વિવાદો જલદી ખતમ થાય. આપણે એક તરફ ક્રિકેટને ઑલિમ્પિક્સમાં લઈ જવાની કોશિશ કરી રહ્યા છીએ. જો ત્યાં આવું થાય તો વિશ્વમાં શું મૅસેજ જશે? લોકો એવું વિચારશે કે ક્રિકેટની રમતમાં જ આવી સમસ્યા છે, ભારત-પાકિસ્તાનમાં નહીં.”
અહીં ઉલ્લેખનીય છે કે ભારતના ખેલાડીઓ પાકિસ્તાન સાથે હાથ ન મેળવી રહ્યા હોવા અંગે કૉમેન્ટેટર સંજય માંજરેકરે પણ કહ્યું હતું કે, “ભારતે ‘હાથ ન મિલાવવાનું’ આ ગાંડપણ શરૂ કર્યું છે. આ આપણા જેવા દેશ માટે અણછાજતી વાત છે. રમવું હોય તો સંપૂર્ણ ખેલદિલી સાથે રમો અથવા રમશો જ નહીં.”
મૅચ પહેલાં પણ હર્ષા ભોગલેએ કહ્યું હતું કે, “હવે ભારત-પાકિસ્તાનની મૅચમાં પહેલા જેવી મજા રહી નથી, કારણ કે બધું બિઝનેસ અને રાજકારણે કબજે કરી લીધું હોય તેવું લાગે છે.”
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી થાય તેવી ચાહકોની ઇચ્છા
ઇમેજ સ્રોત, Arshad Muhammad
પાકિસ્તાનના ચાહક અરશદે કહ્યું હતું કે, “આજના સમયમાં બંને દેશો વચ્ચે જેટલું નૅગેટિવ દેખાય છે એ જોઈને દુ:ખ થાય છે. આપણે જેટલો બને તેટલો પ્રેમ વહેંચવો જોઈએ.”
“હું માનું છું કે ભારત અમારો એ ભાઈ છે જેની સાથે ઘણું ખરાબ થાય છે. પણ આ એવું સ્ટેજ છે કે મને લાગે છે કે હવે બહુ થયું. બધું સામાન્ય થઈ જાય. અમુક ખરાબ લોકોને કારણે કરોડો સારા લોકોને કેટલું ભોગવવું પડે છે. ક્રિકેટ એક એવી જગ્યા બચી છે કે જ્યાં ભારત—પાકિસ્તાનના લોકો સાથે મળીને ખુશ થાય છે, પ્રેમભાવના દેખાય છે. હું ઇચ્છું છું કે માત્ર હૅન્ડશેક નહીં, ખેલાડીઓએ તો ગળે મળવું જોઈએ. આપણે યુવાપેઢીને શું સંદેશ આપીશું?”
ભારતના ચાહક મોહિત જૈન કહે છે, “મને લાગે છે કે ક્રિકેટ એકમાત્ર વસ્તુ છે જે આપણને એક કરે છે. ક્રિકેટ શરૂ રહેવું જોઈએ. લોકો એકબીજાને મળશે તો સારું લાગશે. હું પણ ખરેખર ઇચ્છું છું કે ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી થાય.”
અરશદ કહે છે, “હું નાનો હતો ત્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી થઈ હતી. મને યાદ છે કે અમારી સ્થિતિ ત્યારે સારી નહોતી, પરિવારના લોકોએ પૈસા ઉઘરાવીને ડિશ ટીવીની વ્યવસ્થા કરી હતી. હું ઈચ્છું છું કે ભારત-પાકિસ્તાન વચ્ચે ફરીથી દ્વિપક્ષીય શ્રેણી થાય.”
તેમણે અંતે એક જ વાત કહી હતી કે, “જીવન આજે છે, કાલે નથી. શાહરૂખખાનના શબ્દોમાં કહું તો, હસો, ગાઓ, મુસ્કુરાઓ, કલ હો ના હો. શા માટે આપણે નકારાત્મકતામાં જીવીએ? આવો બંને દેશો સાથે મળીને પ્રેમ વહેંચીએ, આનંદ કરીએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



