Source : BBC NEWS
ઇમેજ સ્રોત, shreesatyamyogfoundation/FB/Ahmedabad Crime Branch?X
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બુધવારે એક મોટા ઑપરેશનને પાર પાડતાં નકલી નોટો છાપવાનું એક યુનિટ ઝડપી પાડવાનો દાવો કર્યો હતો.
આ કાર્યવાહીમાં સુરતમાં યોગ આશ્રમ ધરાવતા કહેવાતા યોગગુરુ અને પ્રવચનકાર પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા ઉર્ફે ‘પ્રદીપ ગુરુજી’ સહિત સાત આરોપીની 2.10 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ધરપકડ કરાઈ હતી.
પોલીસે આપેલી માહિતી તેમને ધરપકડના દિવસે ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક લોકો વ્હાઇટ ફૉર્ચ્યુનર કારમાં 500 રૂ.ની નકલી ચલણી નોટોનાં બંડલ સુરતથી અમદાવાદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ માહિતીને પગલે પોલીસે અમદાવાદના અમરાઇવાડી ખાતે વાહનને રોકી તપાસ કરતા નકલી ચલણી નોટનાં બંડલ મળી આવ્યાં હતાં. જે બાદ પોલીસ તમામ આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે જાહેર કરેલી માહિતી પ્રમાણે આ સમગ્ર ગુનો કથિતપણે ખૂબ જ વ્યવસ્થિત અને વિગતવાર પ્લાનિંગ સાથે આચરાયો હતો.
આરોપ છે કે આ કામના આરોપીઓ ઑનલાઇન માધ્યમો વડે બહારના દેશમાંથી ખરીદી કરી અને આધુનિક મશીનો અને વ્યવસાયિક કુશળતા સાથે નકલી નોટો બનાવવાનું કામ કરી રહ્યા હતા.
જોકે, આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓની નકલી નોટો છાપવાની કથિત મોમોડસ ઑપરેન્ડીની સાથોસાથ જાણીતા યોગગુરુ ‘પ્રદીપ ગુરુજી’ની ‘સામેલગીરી’ પણ ભારે ચર્ચાનો વિષય બની છે.
‘પ્રદીપ ગુરુજી’ વિશે વિગતવાર જાણીએ એ પહેલાં જાણીએ કે આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર ઑપરેશન કેવી રીતે પાર પાડ્યું અને અત્યાર સુધી આ મામલામાં શું-શું થયું?
પોલીસે આખું ઑપરેશન કેવી રીતે પાર પાડ્યું?
ઇમેજ સ્રોત, CRIME BRANCH AHMEDABAD CITY/X
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે જાહેર કરેલી એક પ્રેસ રિલીઝમાં આ કાર્યવાહીની વિગતો અંગે વિગતવાર જણાવ્યું છે.
પોલીસની પ્રેસ રિલીઝ અનુસાર તેમને જીજે-05-આરએસ-5252 નંબર પ્લેટવાળી સફેદ ફૉર્ચ્યુનર કારમાં 500-500ની નકલી ચલણી નોટોનો જંગી જથ્થો ટ્રાન્સપૉર્ટ કરાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી.
આ જથ્થો સુરતથી અમદાવાદ પહોંચાડાઈ રહ્યો હતો , જ્યાં અમરાઈવાડી વિસ્તારમાં પોલીસની ટીમે આ વાહનને આંતરી ઊભું રાખતાં, તેમાં ચેકિંગ હાથ ધરતાં, વાહનમાંથી એક કાળી બૅગ મળી જેમાં નકલી ચલણી નોટનાં બંડલ મળી આવ્યાં હતાં. આ સિવાય વાહનમાં અન્ય જગ્યાએ સંતાડેલી બીજી ચલણી નોટોનાં બંડલ પણ મળી આવ્યાં.
એ બાદ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે તમામ આરોપીઓ કથિતપણે પાછલા ચાર મહિનાથી સુરતમાં એક રહેણાક વિસ્તારમાં નકલી ચલણી નોટો છાપવાનું ષડ્યંત્ર રચી રહ્યા હતા.
પોલીસે આપેલી માહિતી મુજબ, આ સંપૂર્ણ ઑપરેશનમાં ‘મુખ્ય ભૂમિકા’ ભજવનાર પૈકી એક મુકેશભાઈ લાખાભાઈ ઠુમ્મરે આ કથિત ગુના માટેની માળખું ગોઠવી આપ્યું હતું. તેમણે કથિતપણે પ્રિન્ટર, પેપર કટિંગ મશીન અને બીજાં મટિરિયલની વ્યવસ્થા કરી આપી હતી.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, આરોપીઓએ કથિતપણે અલીબાબા જેવાં ઑનલાઇન પ્લૅટફૉર્મો મારફતે ચાઇનીઝ સ્રોતો પાસેથી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની માર્કિંગ્સ (આરબીઆઇ અને ભારત)થી મળતાં આવતાં સિક્યૉરિટી થ્રેડ પેપર મેળવ્યાં હતાં. જેની ખરીદી તેમણે ડિજિટલ પેમેન્ટ વડે કરી હતી.
ઉપરાંત નકલી ચલણી નોટ છાપવા માટે કથિતપણે આરોપીઓએ ફોટો ઍડિટિંગ સૉફ્ટવૅર અને ચૅટ-જીપીટી જેવાં એઆઇ-આધારિત પ્લૅટફૉર્મોનો આશરો લીધો હતો. જેની મદદથી તેઓ ડિઝાઇન, લેઆઉટ અને વિઝુઅલ ફીચર્સને વધુ ચોક્કસ બનાવવા માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. જેનાથી આ નકલી ચલણી નોટો વધુ ને વધુ અસલ જેવી લાગી શકે.
પોલીસે શૅર કરેલી માહિતી મુજબ, આરોપીઓ પૈકી એક ગ્રાફ્રિક ઍડિટિંગ અને પ્રિન્ટિંગ પ્રોસેસમાં કુશળતા ધરાવે છે, તેમની આ કુશળતાનો ઉપયોગ કથિતપણે આ નકલી ચલણી નોટોની ગુણવત્તા વધારવા માટે કરાયો હતો.
અમદાવાદના ઑપરેશન બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત પહોંચીને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચલણી નોટોની મૅન્યુફૅક્ચરિંગ સાઇટ જપ્ત કરી દીધી.
પોલીસે આ મામલે મુકેશ લાખાભી ઠુમ્મર, અશોકભાઈ ધનજીબાઈ ભાલર, દિવ્યેશ ઈશ્વરભાઈ રાણા, પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા, ભરત વાલજીભાઈ કાકડિયા અને એક મહિલા આરોપીની ધરપકડ કરી હતી.
અમદાવાદ ખાતેની પોલીસની ઝડતી બાદ 500 રૂ.ની 42 હજાર નકલી ચલણી નોટો મળી આવી હતી, જે કુલ્લે 2.10 કરોડ રૂપિયા થાય.
એ ઉપરાંત પોલીસે સુરત ખાતેથી વધુ 28 લાખની ચલણી નોટો ઝડપી પાડી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે હાલ બધા આરોપીઓને અમદાવાદના ઘીકાંટા ખાતે આવેલા મૅટ્રોપોલિટન કોર્ટ કૉમ્પ્લેક્સમાં શુક્રવારે અઢી વાગ્યે કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા.
તેમણે કોર્ટ સમક્ષ રજૂ કરાયા પહેલાં ડીસીપી રાજિયને કહ્યું હતું કે પોલીસની ટીમ તમામ આરોપીઓના રિમાન્ડ માગવાની છે.
કોણ છે ‘પ્રદીપ ગુરુજી’?
ઇમેજ સ્રોત, shreesatyamyogfoundation/FB
પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર ‘પ્રદીપ ગુરુજી’ સુરતમાં ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ અને ‘શ્રી સત્યમ યોગ ધામ’ નામની સંસ્થા ચલાવે છે.
સુરત અને આસપાસના વિસ્તારમાં તે ‘યોગ ગુરુ’ ‘આધ્યાત્મિક વક્તા’ અને ‘જાતભાતની બીમારીઓના ઇલાજ કરનાર’ તરીકે જાણીતો છે.
શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના ફેસબુક પેજ પર મુકાયેલી પોસ્ટમાં તેને ‘પરમ પૂજ્ય અષ્ટાંગ યોગસિદ્ધ સદ્ગુરુ શ્રીપ્રદીપજી’ તરીકે ઓળખાવવામાં આવ્યો છે.
શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનની સોશિયલ મીડિયા પર પણ સારી એવી હાજરી જોવા મળે છે. આ ફાઉન્ડેશનના ફેસબુક પર 70 હજાર, ઇન્સ્ટાગ્રામ પર 33.5 હજાર ફૉલોઅર છે અને યૂટ્યૂબ પર 20 હજાર સબસ્ક્રાઇબર છે.
આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મોમાં ‘પ્રદીપ ગુરુ’ના જાતભાતના વિષયો પર આપેલાં આધ્યાત્મિક પ્રવચનોના સંખ્યાબંધ વીડિયો મુકાયા છે.
આ સંસ્થાના ફેસબુક પેજ પર એક નજર કરતાં સંસ્થામાં ‘જાતભાતની ગંભીર બીમારીઓના ઇલાજ કરાતા’ હોવાનો દાવો કરાતો હોવાનું માલૂમ પડે છે.
ક્યારેક કોઈ દર્દીના ‘પેટમાંથી પાણી કાઢવાના તો ક્યારેક હરસ-મસા-ભગંદરની સમસ્યાનો ઇલાજનો દાવો’ કરતાં વીડિયો, ઇમેજ પોસ્ટ મુકાય છે.
‘પ્રદીપ ગુરુજી’ પોતાના અનુયાયીઓને સાધકો તરીકે ઓળખાવતો અને જાતભાતના તહેવારોની જાહેર ઉજવણી સહિત, યોગ કાર્યક્રમો, આદ્યાત્મિક અને સાંસારિક સલાહ-સૂચનો આપતાં પ્રવચનોના મોટા કાર્યક્રમો કરતો.
આ સંસ્થા દ્વારા મુકાતી પોસ્ટ પર સારી એવી સંખ્યામાં યૂઝર્સ દ્વારા ‘જય ગુરુદેવ’ અને અન્ય સન્માનસૂચક કૉમેન્ટ કરાતી જોવા મળે છે.
‘પ્રદીપ ગુરુ’ના એક જૂના અનુયાયીએ તેના પર અગાઉ સંખ્યાબંધ આરોપો કર્યા હતા અને તેને ‘ઠગ’ ગણાવ્યો હતો.
વલ્લભભાઈ ચોથાણી નામના એક પૂર્વ અનુયાયીએ એક વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યા હતા કે, “પ્રદીપ જોટંગિયા પહેલાં રાજકોટના મનહર પ્લૉટ ખાતે સત્યમ હૅર ડ્રેસર સલૂન ચલાવતો, જે બાદ તે સુરત આવ્યો.”
તેમનો આરોપ છે કે સુરતમાં આવી યૂટ્યૂબમાંથી યોગ શીખી ‘યોગ નામે ઢોંગ’ શરૂ કર્યા. તેમજ એ મેડિકલ ડિગ્રી વગર લોકોની સારવાર પણ કરતો, લોકોના આરોગ્ય જોખમમાં મૂકવાનું કામ કરતો.
ચોથાણીએ આક્ષેપ કર્યો કે, “અમે આજથી દસ વર્ષ પહેલાં પ્રદીપ દ્વારા આયોજિત યોગ શિબિરમાં હાજરી આપી હતી. જોકે, થોડા સમય બાદ જ અમને ખબર પડી ગઈ કે આ ભોળા લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, યોગની પ્રવૃત્તિના નામે બિલકુલ ઢોંગી છે.”
“અમે દસ-12 લોકોએ તેની આ પૈસા ઉઘરાવવાની પ્રવૃત્તિ અંગે વાત તેની સાથે વાત કરી અને કહ્યું કે તારી આ પ્રવૃત્તિ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. પરંતુ એ દરમિયાન તેણે ઘણા પૈસા ઉઘરાવી લીધા હતા.”
ચોથાણી આગળ જણાવે છે કે, “તેણે સાધકો પાસેથી ઉછીનાં નાણાં લઈ, સંસ્થાના નામે જમીન લેવાના સ્થાને પોતાના નામે જમીન ખરીદી. આ અમારા બધાની સાથે આ સૌથી મોટો અને પહેલો ફ્રૉડ હતો.”
તેમણે કરેલા આક્ષેપો મુજબ, “આ વાત અમારા ધ્યાને આવતાં અમે તેને ઠપકો આપ્યો તો તેણે ‘તમને બધાને જેલભેગા કરી દઈશ’, એવું કહીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ઘણા બધા લોકોના આજેય તેમની પાસેથી પૈસા નીકળે છે, આવા અનેક લોકો છે.”
“એણે યોગના નામે માત્ર ને માત્ર ઢોંગ અને ભોળી પ્રજાને છેતરવાનું કામ કર્યું છે.”
વિવિધ રોગોની સારવાર કરવાના ‘પ્રદીપ ગુરુજી’ના દાવા સામે ચોથાણીએ આક્ષેપ કરતાં કહ્યું, “તેની પાસે આયુર્વેદ, ઍલોપથી, હોમિયોપથી કે નૅચરોપથી દવાઓનું કોઈ જ્ઞાન નથી. માત્ર ઊંટવૈદું જાણે છે અને આ તેના દ્વારા લોકોને દવાઓ આપે છે અને અન્ય સારવાર કરે છે.”
‘ગુરુજી હજુ શ્રદ્ધા, તેમને કોઈએ ફસાવ્યા હોઈ શકે’
ઇમેજ સ્રોત, Shree Satyam Yog Foundation/FB
સુરતના વેલંજાના રહેવાસી પિંટુ વોરા પાછલાં પાંચ વર્ષથી શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનમાં સત્સંગ અને યોગની પ્રવૃત્તિ સાથે જોડાયેલા સાધક છે.
તેમણે ‘પ્રદીપ ગુરુજી’ની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “આ સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો હતો, અમે તો ગુરુજીના સત્સંગમાં જતા-આવતા, મેં એ આશ્રમમાં આવું કંઈક થાતું હોય એવું જોયું જ નથી.”
તેમણે આપેલી માહિતી પ્રમાણે દર રવિવારે કામરેજ ટોલ પ્લાઝા નજીકના આશ્રમે સત્સંગ યોજાતો અને ગુરુવારે મોટા વરાછા ખાતે ગજેરા સ્કૂલમાં સત્સંગ યોજાતો.
પિંટુ વોરાએ આગળ દાવો કરતાં કહ્યું કે, “ગુરુજીની અઠવાડિક શિબિરમાં દસ હજાર જેટલા માણસો આવતા, તેમના હજારો અનુયાયી છે. જોકે, જમીન બાબતનો મુદ્દો ઊઠતાં અનુયાયીઓની સંખ્યા થોડી ઘટી હતી.”
સાધકો અને લોકો પાસેથી ઠગાઈ કરીને પૈસા ઉઘરાવવાના આરોપો અંગે તેમણે કહ્યું કે, “એ બધા આરોપો તેઓ આશ્રમમાં જોડાયા એ પહેલાંના છે, તેથી મને એ વિશે કંઈ ખ્યાલ નથી.”
પરંતુ તેમણે ગંભીર શારીરિક સમસ્યાથી પીડાતા દર્દીના ઇલાજ કરવાના દાવા અંગે કહ્યું કે, “ગુરુજી જેમાં બધી દવા નિષ્ફળ ગઈ હોય તેવા કેસમાં પણ લોકોને સાજા કરી દેતા, એના નજરે જોયેલા દાખલા છે.”
“આશ્રમમાં આવી આયુર્વેદિક સારવાર ચાલતી.”
તેઓ નકલી ચલણી નોટો છાપવા અને તેની હેરાફેરીના આરોપો અંગે આગળ કહે છે કે, “અમારા ગુરુજી ભોળા પડે છે. તેમને કોઈએ ફસાવ્યા હોય એવું બની શકે. અમારા મનમાં હજુ શ્રદ્ધા છે. અમારા ગુરુજી આવી રીતે ઘણી વખત સાધકો સાથે પ્રવાસમાં સાથે જતા, કદાચ આ કિસ્સામાં પણ આવી રીતે સાધકો સાથે માત્ર ગાડીમાં બેસી ગયા હશે, કદાચ સાધકોએ આ કૃત્યુ આચર્યું હોય અને ગાડીમાં માલ ભરેલો છે, તેની ગુરુજીને ખબર ન પણ હોય.”
“હવે તો પોલીસ રિમાન્ડ લે અને સાધકો ખુલાસો કરે કે ‘ગુરુજીને કંઈ ખબર નથી, પરંતુ અમે તેને બાજુમાં બેસાડી દીધા હતા’, તો આગળ વાત વધુ સ્પષ્ટતા થાય. અંતે તો પોલીસ તપાસમાં જે સામે આવે ત્યારે ખબર પડે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



