Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
“મારાં સ્તન બહુ મોટાં છે અને તે ન દેખાય એ માટે હું હંમેશાં ખભા ઝુકાવીને ચાલતી હતી. મને આજે પણ આ યાદ છે, કારણ કે તેનાથી મને બહુ શરમ અનુભવાતી.”
2010માં આર્જેન્ટિનાની એક યુનિવર્સિટીનાં પ્રોફેસર, રાક્વેલે બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવવાનો નિર્ણય લીધો.
હવે 52 વર્ષીય રાક્વેલ કહે છે કે આ સર્જરીનાં પરિણામોએ તેમને એવી “સ્વતંત્રતાનો અનુભવ કરાવ્યો” જેવો તેમણે અગાઉ ક્યારેય અનુભવ્યો ન હતો.
દુનિયાના ઘણા ભાગોમાં મોટાં સ્તનને આકર્ષક માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં તે મહિલાઓના સ્વાસ્થ્ય અને સારી રીતે જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
મોટાં સ્તનોને ઘણી પ્રકારની મુશ્કેલીઓ સાથે જોડવામાં આવ્યાં છે — જેમ કે સતત પીઠનો દુખાવો, માથાનો દુખાવો, ખરાબ પોઇશ્ચર, સુન્નપણું, ઊંઘમાં મુશ્કેલીઓ અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ.
મોટાં સ્તનોની રમતગમત અને કસરત પર અસર
ઇમેજ સ્રોત, Raquel
ઇન્ટરનૅશનલ સોસાયટી ઑફ ઍસ્ટેટિક પ્લાસ્ટિક સર્જરીના તાજેતરના આંકડા મુજબ, 2024માં વિશ્વભરમાં 6,52,676 બ્રેસ્ટ રિડક્શન સર્જરી થઈ હતી. તેમાં સૌથી વધુ (1,15,647) બ્રાઝિલમાં થઈ, પછી અમેરિકા (67,478), ફ્રાંસ (38,780), જર્મની (32,068), તુર્કી (25,334) અને ભારત (22,400)માં થઈ હતી.
રાક્વેલ કહે છે કે કિશોરાવસ્થાથી જ તેમનાં મોટાં સ્તન સતત પીઠના દુખાવાનું કારણ બન્યાં.
તેમના કહેવા મુજબ, આર્જેન્ટિનામાં મોટાં સ્તનને સામાન્ય રીતે એક પ્રકારનું વરદાન માનવામાં આવે છે.
તેઓ કહે છે, “બહુમતી લોકો, ખાસ કરીને મહિલાઓ કહે કે તમે બહુ લકી છો.”
રાક્વેલ કહે છે, “હું લકી નહોતી. મેં બહુ તકલીફો સહન કરી. મેં કિશોરી તરીકે દુઃખ સહન કર્યું, સ્ત્રી તરીકે પણ અને માતા તરીકે પણ.”
તેમનું કહેવું છે કે પોતાનું શરીર છુપાવવા માટે જે રીતે તેઓ ચાલતાં હતાં, તેના કારણે આજે પણ પીઠમાં દુખાવો થાય છે.
રાક્વેલ યોગ, પિલાટીઝ અને જિમ જેવી પ્રવૃત્તિઓ પસંદ હતી, પરંતુ મોટાં સ્તનોના ભારને કારણે તેમણે આ બધી પ્રવૃત્તિઓ બંધ કરવી પડી.
બ્રિટિશ ઍસોસિયેશન ઑફ ઍસ્ટેટિક પ્લાસ્ટિક સર્જન્સનાં અધ્યક્ષ ડૉ. નોરા ન્યૂજેન્ટ કહે છે, “બ્રેસ્ટ રિડક્શન કરવા આવતી મહિલાઓને ચાલવામાં અને કસરતમાં મુશ્કેલી પડે છે.”
તેઓ ઉમેરે છે, “વ્યાવહારિક રીતે મોટાં સ્તન ભારે હોય છે, તેથી તે શરીરને આગળ ખેંચે છે, જેનાથી પીઠ અને ગળા પર દબાણ વધે છે.”
“યોગ્ય ફિટિંગ અને સપોર્ટ આપતી બ્રા શોધવી પણ મુશ્કેલ થઈ જાય છે.”
રાક્વેલ કહે છે કે તેમને છાતી સંભાળવા માટે એક સાથે બે–ત્રણ બ્રા પહેરવી પડતી હતી અને તેમના સાઇઝની બ્રા મેળવવી ખૂબ મુશ્કેલ અને મોંઘી પણ પડતી.
‘મેં સ્વતંત્રતા અનુભવી’
ન્યૂજેન્ટ કહે છે કે તેમની પાસે આવતી મહિલાઓનાં દરેક સ્તનમાંથી 500થી 800 ગ્રામ વજન ઘટાડવામાં આવે છે.
તેમના જણાવ્યા અનુસાર, “શરીરના કુલ વજનની સામે આ બહુ વધારે ન લાગે, પરંતુ શરીરના નાના ભાગ માટે આ બહુ મોટી માત્રા છે.”
રાક્વેલના કેસમાં ડૉક્ટરોએ કુલ 2.5 કિલો વજન તેમનાં સ્તનોમાંથી ઘટાડ્યું.
રાક્વેલ કહે છે, “મને યાદ છે, સર્જરી બાદ જ્યારે મેં જમીન પરથી કંઈ ઉઠાવ્યું… અને મને લાગ્યું કે ‘વાહ! આ તો એકદમ અલગ શરીર છે.’ મને ખરેખર બહુ મોટી સ્વતંત્રતા અનુભવાઈ.”
સારી બ્રાની કેવી અસર પડે?
ઇમેજ સ્રોત, Raquel
પ્રોફેસર જોઆના વેકફિલ્ડ સ્કર જ્યારે પોતાના સતત થઈ રહેલા બ્રેસ્ટ પેઇન વિશે ડૉક્ટર પાસે ગયાં, ત્યારે તેમને સલાહ આપવામાં આવી કે યોગ્ય ફિટ થાય તેવી બ્રાની જરૂર છે.
બાયૉમેકેનિક્સનાં નિષ્ણાત તરીકે તેમણે નક્કી કર્યું કે, “એક સારી બ્રા છે શું? અને કેવી રીતે કામ કરે છે?”
તેઓ કહે છે, “મને સમજાયું કે આપણને બ્રાની જરૂર કેમ છે, બ્રાના ફાયદા શું છે અને બ્રા કેવી રીતે કામ કરે છે તે વિશે આપણે ખરેખર બહુ ઓછું જાણીએ છીએ.”
“તેના બદલે બ્રાને મોટે ભાગે ફૅશન આઇટમ તરીકે જોવામાં આવે છે, એવી વસ્તુ તરીકે નહીં જે કામની હોય, જેનો કોઈ હેતુ હોય અને સ્વાસ્થ્ય સંબંધિત લાભો કરાવે. મને આ ખરેખર નિરાશાજનક લાગ્યું.”
આથી 2005માં તેમણે બ્રિટનની યુનિવર્સિટી ઑફ પૉર્ટ્સમાઉથમાં બ્રેસ્ટ હેલ્થ રિસર્ચ ગ્રૂપ શરૂ કર્યું.
ટીમે ખોટી ફિટિંગ બ્રાની ચાર મોટી નકારાત્મક અસરો શોધી:
- દુખાવો, ત્વચાનું ખેંચાવું
- ટિસ્યૂને નુકસાન
- શ્વાસ લેવામાં ફેરફાર, હાર્ટ રિધમમાં બદલાવ
- શારીરિક પ્રવૃત્તિઓમાં અવરોધ
તેઓ કહે છે, “જો તમારાં સ્તન ભારે હોય અને તે ઉપર-નીચે ઉછળતાં હોય, તો તે ખરેખર તમારા શ્વાસ લેવાની રીતને બદલી શકે છે. જમીન પર તમે કેટલું બળ લગાવો છો તે પણ બદલી નાખે છે, એટલે કે તેની તમારા આખા શરીરની કામગીરી પર અસર પડે છે.”
તેમને સમજાયું કે “બ્રેસ્ટ પેઇન ઘટાડવાનો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે સ્તનની હિલચાલ કેટલી ધીમી થઈ શકે.”
આ ટીમે હવે ઇંગ્લૅન્ડની મહિલા ફૂટબૉલ ટીમ ‘લાયનેસિસ’ અને વિશ્વના ટોચના ગોલ્ફરો માટે ખાસ બ્રા ડિઝાઇન કરવાનું કામ કરી ચૂકી છે.
વેકફિલ્ડ સ્કર કહે છે, “અમે એ જોઈએ છીએ કે એફએ અને વર્લ્ડ રગ્બી જેવી સંસ્થાઓને મહિલા રમતવીરોના કલ્યાણ સંબંધિત પહેલમાં રોકાણ કરી રહી છે અને આ પરિવર્તન છેલ્લાં પાંચ વર્ષમાં જ ખરેખર દેખાયું છે.”
“આ બધું નવું છે, પરંતુ તે ખૂબ જ સારી વાત છે કે આ પરિવર્તન હવે દેખાય છે.”
‘દર્દીઓ સારી જિંદગી જીવવા માગે છે’
ઇમેજ સ્રોત, UEFA/UEFA via Getty Images
મોટાં સ્તનનો બોજ કેવો હોય એ રાક્વેલ સારી રીતે સમજે છે.
રાક્વેલ કહે છે કે બ્રેસ્ટ રિડક્શનના નિર્ણય પછી તેમને લોકોની ભેદભાવપૂર્ણ ટિપ્પણીઓ સાંભળવી પડી. તેમજ તેમના આ નિર્ણય મુદ્દે એક સામાન્ય ખોટી ધારણા પણ હતી.
કેટલાક લોકો તેને માત્ર “સુંદરતા” માટેનો નિર્ણય માનતા.
એક મહિલા તેમની પાસે આવી અને કહ્યું, “હવે તું લિપોસક્શન કરાવીને પેટની ચરબી પણ કઢાવી નાખ.”
પરંતુ રાક્વેલ કહે છે, “મને કોઈ અફસોસ નથી. આજે જ્યારે હું મેનોપોઝમાં છું, ત્યારે વિચારી પણ નથી શકતી કે મોટાં સ્તનો સાથે કેવી રીતે જીવી શકી હોત.”
ડૉ. ન્યૂજેન્ટ કહે છે, “બ્રેસ્ટ રિડક્શન કરાવતી મહિલાઓની વસ્તી વધતી રહે છે, કારણ કે લોકો હવે સેલ્ફ કેર તરફ વધુ ધ્યાન આપે છે.”
તેઓ કહે છે કે “કારણ કે દર્દીઓ હવે સારી જિંદગી જીવવા માગે છે.”
“આ પરફેક્શનનો નહીં, પરંતુ આરોગ્ય અને વેલનેસનો પ્રશ્ન છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



