Home તાજા સમાચાર gujrati ‘માતૃત્વ એટલે જેમાંથી બહાર ન નીકળી શકાય, એવું છટકું’, બાળક પેદા કરીને...

‘માતૃત્વ એટલે જેમાંથી બહાર ન નીકળી શકાય, એવું છટકું’, બાળક પેદા કરીને પસ્તાઈ રહેલી મહિલાઓની કહાણી

36
0

Source : BBC NEWS

મા બનીને પસ્તાતી મહિલાઓ, બીમાર બાળક, લિંડા ફિલ્મ, મહિલા માનસિક આરોગ્ય અને સ્વાસ્થ્ય, હોલીવૂડની ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Logan White/A24

કારમેન તેમના દસ વર્ષના પુત્ર ટિયોને ઘણો પ્રેમ કરે છે, પણ તેમનું કહેવું છે કે, જો તેઓ સમયનું ચક્ર પાછું ફેરવી શકે એમ હોત, તો કદીયે માતા ન બન્યાં હોત.

તેઓ કહે છે, “માતૃત્વએ મારું આરોગ્ય, મારો સમય, મારાં નાણાં, મારી શક્તિ અને મારું શરીર છિનવી લીધાં છે. આ કિંમત ઘણી આકરી છે અને મારે તે કાયમ માટે ચૂકવવી પડશે.”

40 વર્ષનાં કારમેન વ્યવસાયે શિક્ષિકા છે અને તેઓ માતા બનીને પસ્તાઈ રહેલી મહિલાઓના છૂપા સમુદાયનો હિસ્સો છે.

આ પસ્તાવો ભાગ્યે જ ખુલીને વ્યક્ત કરવામાં આવતો હોય છે. મારો સંપર્ક સાધનારી મહિલાઓએ આલોચનાના ભયથી અને પરિવારને માલૂમ ન થાય, તે માટે તેમની ઓળખ છૂપાવવાની શરતે જ તેમની લાગણીઓ વિશે મારી સાથે વાત કરી હતી.

કારમેને થોડાં વર્ષો પહેલાં પેરન્ટિંગની એક ફોરમમાં તેમના આ અફસોસને શબ્દોમાં વ્યક્ત કરવાની કોશિશ કરી હતી અને કહ્યું હતું કે, કેટલાક લોકોએ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, પણ અમુક લોકોએ એવી પ્રતિક્રિયા આપી હતી, જાણે કે, પોતે કોઈ “રાક્ષસ” હોય.

માતૃત્વ સાથે જોડાયેલા અતિશય દબાણ અને ત્યાગનું વર્ણન ‘ઇફ આઇ હેડ લેગ્ઝ આઇ વૂડ કિક યૂ’ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ઓસ્કર માટે નામાંકિત કરવામાં આવી છે.

અભિનેત્રી રોઝ બાયર્ને પોતાની પુત્રીની જરૂરિયાતો સંતોષવાના સંઘર્ષમાં તથા પારિવારિક જીવનનો પાયો જાળવી રાખવાના પ્રયાસમાં સ્વયંને એકલી અનુભવી રહેલી માતાનું પાત્ર ભજવ્યું છે.

મા બનીને પસ્તાતી મહિલાઓ, બીમાર બાળક, લિંડા ફિલ્મ, મહિલા માનસિક આરોગ્ય અને સ્વાસ્થ્ય, હોલીવૂડની ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કારમેન ફિલ્મનો વિષય તેમના જીવનને મળતો આવતો હોવાનું માને છે.

તેમણે જણાવ્યું હતું કે, “માતૃત્વ એક અંતહીન કર્તવ્ય છે. આ કામ તમારે એવા સમયે પણ કરવું પડે છે, જ્યારે તમે તે ન કરવા ઇચ્છતાં હોવ, કારણ કે, એક નાની વ્યક્તિ તમારા પર નિર્ભર છે… એ એક એવા છટકા જેવું લાગે છે, જેમાંથી તમે બહાર નીકળી શકતાં નથી.”

મા બનવાના “આઘાતજનક” અનુભવ અંગે તેઓ એકદમ સ્પષ્ટ છે અને વિના સંકોચે તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. પરંતુ, મેં તેમને તેમના પુત્ર વિશે પૂછ્યું, તે સાથે જ તેમના અવાજમાં અનોખો રણકો આવી ગયો હતો.

કારમેને જણાવ્યું હતું કે, “ટિયોને મારા અફસોસ સાથે કશી લેવાદેવા નથી. તે અદ્ભુત, મજાનો છોકરો છે અને મને તે ખૂબ જ વ્હાલો છે.”

“હું તેના માટે મારું જીવન પણ કુરબાન કરી દઉં, તેમાં કોઈ બેમત નથી. તે ભલો, સીધો-સરળ અને તેજસ્વી વિદ્યાર્થી છે.”

મનોચિકિત્સક અન્ના માથુર કહે છે કે, “ઘણી વખત મહિલાઓ માતૃત્વ સંબંધિત પસ્તાવા વિશે વાત કરવા માટે સુરક્ષિતતા અનુભવે છે, ત્યારે જે વાત સામે આવે છે, તે પ્રેમના અભાવ વિશે નથી હોતી, પણ એકાકીપણા, થાક કે પછી ખોવાઈ ગયેલી ઓળખની લાગણી વિશે હોય છે.”

સ્વયંને પરફેક્શનિસ્ટ ગણાવનારાં કારમેન માટે, આ “એક સારા નાગરિક, એક યોગ્ય તથા સુખી વ્યક્તિ”નો ઉછેર કરવાની જવાબદારી છે, જે પોતાના શિરે લેવી તેમને ભારણરૂપ લાગે છે.

કારમેને સ્વયંને વચન આપ્યું હતું કે, તેઓ ટિયોને કદીયે એવી લાગણીઓ નહીં અનુભવવા દે, જે તેમણે બાળપણમાં અનુભવી હતી.

કારમેન સ્વયં ગરીબ અને વિચ્છિન્ન પરિવારમાંથી આવે છે. તેઓ કહે છે, “હિંસા અમારા પરિવારની પ્રાથમિક ભાષા હતી.” કારમેનને કદી પ્રેમ કે હૂંફ નથી મળ્યાં.

તેઓ કહે છે, પહેલાં તો, માતા બનવા સમયે તેમને “આનંદ”ની લાગણી થઈ હતી. ટિયો સારું એવું ઊંઘતો હતો અને મેટરનિટી લિવ દરમિયાન કારમેનને તેમના નાના પુત્રની કાળજી લેવામાં દિવસો વીતાવવાનું ગમતું હતું.

પરંતુ, તેમના પુત્રના વિકાસમાં ગંભીર વિલંબ થવાનાં કેટલાંક લક્ષણો દેખા દેતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને કારમેને જણાવ્યું હતું કે, “દરેકે-દરેક સામાન્ય ક્ષણ પણ અવલોકન અને ચિંતામાં ફેરવાઈ ગઈ.”

તેઓ કહે છે, “હું અપરાધભાવની લાગણી અનુભવતી હતી. વળી, મને ચિંતા હતી કે, મારા પુત્રનું જીવન સંઘર્ષમય બની જશે.”

છેવટે, નિદાનમાં માલૂમ પડ્યું કે, ટિયોને એ બીમારી નહોતી, જેનો કારમેનને ડર હતો.

કારમેન કહે છે કે, હવે, ટિયોની સ્થિતિ સારી છે, પણ તણાવ અને સતત ચિંતા અનુભવવાને કારણે તેઓ સ્વયં એક ઑટોઇમ્યૂન બિમારીનો શિકાર બન્યાં છે.

માતાપિતા બનવાનો પસ્તાવો અનુભવતા ઘણા લોકો હોય છે

માતા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

“રિગ્રેટિંગ મધરહૂડઃ અ સ્ટડી” નામના પુસ્તકનાં લેખિકા અને ઇઝરાયલનાં સમાજશાસ્ત્રી ઓર્ના ડોનાથના મત મુજબ, માતા બનવા બદલના પસ્તાવાને રૂક્ષ અને ઉપેક્ષાપૂર્ણ ઉછેર સાથે સાંકળવો, એ બેકાળજીભરી ધારણા છે.

ડોનાથે 23 માતાઓનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તે પૈકીની દરેક માતાએ માતૃત્વ બદલના અફસોસની તેમની લાગણી અને તેમનાં સંતાનો માટેની તેમની ભાવના વચ્ચેના અંતર પર ભાર મૂક્યો હતો.

ઘણી મહિલાઓ માતા બનવા બદલ છેતરાયાની લાગણી અનુભવતી હતી, કારણ કે, વાસ્તવિક સ્થિતિ સમાજે વર્ણવેલા આદર્શ સ્વરૂપ જેવી નહોતી.

અભ્યાસમાં સામેલ એક સહભાગી (બે ટીનેજર્સનાં માતા)એ જણાવ્યું હતું, “મને બાળકો પેદા કરવા બદલ અને માતા બનવા બદલ પસ્તાવો થાય છે, પણ હું મારાં બાળકોને પ્રેમ કરું છું… હું એવું નથી ઇચ્છતી કે તેઓ અહીં ન હોય, પણ મુખ્ય વાત એ છે કે, હું માતા નથી બનવા માગતી.”

જે પણ થોડો-ઘણો ડેટા ઉપલબ્ધ છે, તે સૂચવે છે કે, આ કોઈ અસાધારણ લાગણી નથી.

પોલૅન્ડમાં 2023માં હાથ ધરાયેલા એક અભ્યાસમાં પાંચથી 14 ટકા માતા-પિતા બાળકો પેદા કરવાના તેમના નિર્ણય બદલ પસ્તાઈ રહ્યા હોવાનો અને જો તેમને ભૂતકાળમાં પાછા જવાની તક મળે, તો તેઓ સંતાન ન લાવવાનું પસંદ કરશે, તેવો અંદાજ આંકવામાં આવ્યો હતો.

માતા-પિતા તેમને થઈ રહેલા અફસોસ વિશે ભલે ખુલીને વાત ન કરે, પણ તેમને ઑનલાઇન આવો સમુદાય મળી રહ્યો છે.

કારમેન જ્યારે “આઇ રિગ્રેટ હેવિંગ ચિલ્ડ્રન” ફેસબુક ગ્રૂપમાં જોડાયાં, ત્યારે તેમને સમજાયું કે, આવું અનુભવનારાં તેઓ એકલાં નથી. આ ફેસબુક ગ્રૂપ વિશ્વભરમાં 96,000 સભ્યો ધરાવે છે.

ઑસ્ટ્રેલિયામાં પોતાના પાંચ વર્ષના બાળક સાથે રહેતાં ગ્રૂપનાં એક માતાએ બીબીસીને જણાવ્યું હતું, “માતૃત્વ મીઠી-મધુરી ક્ષણોથી છલકાતું હોય છે, પણ તે ક્ષણો મને તેના વિના મળી શકતી હતી, એ સ્વતંત્રતાની ભરપાઈ નથી કરી શકતી.”

આગળ તેઓ કહે છે, “હું મારી દીકરીની સામે મારું માસ્ક પહેરેલું રાખું છું, પણ તે સૂઈ જાય અને મને તથા મારા પતિને સાથે મળીને સારો સમય પસાર કરવાની તક મળે, ત્યારે મારું એ માસ્ક હટી જાય છે અને મને એકલા રહેવું ગમે છે.”

બાળક હોવાનો અર્થ એ કે, નાણાંકીય સ્થિતિ તંગ થઈ ગઈ છે અને મહિલાનાં તમામ લક્ષ્યો તેમજ મહત્ત્વાકાંક્ષાઓ – પ્રવાસ ખેડવો, વ્યવસાય પ્રસ્થાપિત કરવો કે પછી ઇન્વેસ્ટમેન્ટ પૉર્ટફોલિયો ઊભો કરવો – બધું એકબાજુ હડસેલાઈ જાય છે.

તેઓ કહે છે, “આ અસ્ત-વ્યસ્ત દુનિયામાં એક સભ્ય વ્યક્તિનું ઘડતર કરવાનો પ્રયત્ન કરવા સિવાય, મેં કોઈપણ બાબત માટેની મારી તમામ પ્રેરણા ગુમાવી દીધી છે.”

બાળક પેદા કરવામાં અવઢવ અનુભવતી મહિલાઓની ચિંતા શું છે

મા બનીને પસ્તાતી મહિલાઓ, બીમાર બાળક, લિંડા ફિલ્મ, મહિલા માનસિક આરોગ્ય અને સ્વાસ્થ્ય, હોલીવૂડની ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનનાં અન્ય એક મહિલા કહે છે કે, જ્યારે લોકો એવું વિચારે છે કે, એક દુઃખી માતા પ્રસૂતિ બાદની હતાશાથી પીડાઈ રહી હશે, ત્યારે તેમને તે “અપમાનજનક” લાગે છે.

“લોકો આ સ્થિતિને આ પ્રકારનું લેબલ લગાવવાનું વધુ પસંદ કરે છે – મારાં બાળકો હવે પુખ્ત થઈ ચૂક્યાં છે અને હું હજીયે મને જે જીવવા ન મળ્યું, એ જીવન માટે શોક અનુભવી રહી છું.”

“મને હવે ભવિષ્યનાં પૌત્ર-પૌત્રીઓની કાળજી લેવાની ચિંતા સતાવી રહી છે – સંભાળ લેવાના કામનો કદી અંત જ આવતો નથી.”

“આઇ રિગ્રેટ હેવિંગ ચિલ્ડ્રન” ફેસબુક ગ્રૂપ 2007માં બન્યું હતું અને તેનું કન્ટેન્ટ સ્વયં માતા-પિતા પાસેથી, મહદ્અંશે માતાઓ પાસેથી આવતું હોય છે. તેઓ વ્યક્તિગત રીતે તેમના અનુભવો વર્ણવે છે અને પછી તેમને અજ્ઞાત રીતે પોસ્ટ કરવામાં આવે છે.

ગ્રૂપનાં મૉડરેટર જિયાનિના અમેરિકાનાં લૅબોરેટરી સાયન્ટિસ્ટ છે.

તેઓ કહે છે, “આ ગ્રૂપનો આશય કદીયે માતા-પિતાને સંકોચમાં મૂકવાનો કે ચોક્કસ લાઇફસ્ટાઇલને પ્રોત્સાહન આપવાનો નથી રહ્યો.”

તેઓ કહે છે, “આ ગ્રૂપ મુખ્ય પ્રવાહની વાતચીતમાં ઘણી વખત જેમને અવકાશ ન મળતો હોય, તેવી સાંસ્કૃતિક ઘટનાઓના દસ્તાવેજીકરણ વિશે છે.”

“આ સમુદાય વિશાળ છે અને સક્રિય છે, કારણ કે, ઘણાં લોકો એવી લાગણીઓ સામે ઝઝૂમી રહ્યાં છે, જે લાગણીઓનો અનુભવ તેમને ન થવો જોઈએ, એવું તેમને કહેવાતું આવ્યું છે.”

જિયાનિના બાળક પેદા કરવાને લઈને અવઢવમાં હતાં અને ફોરમમાં આ વિશેની વાતોએ બાળક ન લાવવાના તેમના નિર્ણયને વધુ દૃઢ બનાવી દીધો હોવાનું તેમણે કહ્યું હતું.

માતૃત્વ એક બલિદાન છે?

મા બનીને પસ્તાતી મહિલાઓ, બીમાર બાળક, લિંડા ફિલ્મ, મહિલા માનસિક આરોગ્ય અને સ્વાસ્થ્ય, હોલીવૂડની ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આયર્લૅન્ડનાં કાઉન્સેલર તથા મનોચિકિત્સક માર્ગારેટ ઓ’કોનોર લોકોને માતા-પિતા બનવું કે ન બનવું, તેનો નિર્ણય લેવામાં મદદ કરવા અંગે વિશેષજ્ઞતા ધરાવે છે.

તેઓ કહે છે કે, હાલના યુવાનો બાળકો પેદા કરવાના મુદ્દાને અગાઉની પેઢીઓ કરતાં ઘણા અલગ દૃષ્ટિકોણથી જુએ છે.

તેઓ કહે છે, “હવે લોકો સમજી રહ્યા છે કે, આ એક વિકલ્પ છે. આ કોઈ એવી બાબત નથી કે તે તમારે કરવી જ પડશે.”

“મારી પાસે 20 અને 30 વર્ષની વયનાં લોકો આવે છે, જેઓ જાણે છે કે, તેમને બાળકો જોઈએ છે, તેમ છતાં તેની સામેના પડકારોને લઈને તેઓ ચિંતિત છે અને દિશાસૂચન માટે તેમને મદદની જરૂર હોય છે.”

ઓ’કોનર ચેતવણી ઉચ્ચારે છે કે, માતાને માતૃત્વના નિર્ણય બદલ પસ્તાવો થશે, તેવો સંકેત આપનારાં સંકટોનાં નામ જણાવવાં મુશ્કેલ છે, કારણ કે, માતૃત્વનો અનુભવ વ્યક્તિએ-વ્યક્તિએ અનોખો હોય છે.

તેઓ કહે છે, “આ મહત્ત્વના નિર્ણય અંગે તમારે શક્ય તેટલા સ્થિર રહેવું જોઈએ અને બાળક પેદા કરવાનો નિર્ણય તમે સ્વતંત્રપણે લીધેલો હોવો જોઈએ… ન કે તમારા પાર્ટનર કે માતા-પિતાના દબાણને વશ થઈને.”

સાથે જ તેઓ દરેક વ્યક્તિ મદદે આવી પહોંચશે તેવી ‘ગ્રામીણ શૈલી’ની ધારણા પર બહુ ભરોસો ન રાખવાની પણ સલાહ આપે છે.

તેમના મતાનુસાર, “સામાન્યપણે આપણને જે સંદેશો મળે છે, તે આવો હોય છેઃ ‘અમે સૌ બાળકનું ધ્યાન રાખવા માટે અહીં મોજૂદ રહીશું’ – પણ ઘણી વખત લોકો એવું નથી કરતા – આ તમારું બાળક છે અને તેની સંભાળ લેવાની જવાબદારી તમારી છે.”

ઓ’કોનર કહે છે કે, માતા-પિતા તરીકે બાળ-ઉછેરની અતિ મહત્ત્વની અને પડકારરૂપ ભૂમિકાને જોતાં માતા-પિતાને પસ્તાવાની લાગણી થવી સ્વાભાવિક છે.

આ પસ્તાવાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવા માટે તેઓ થેરપિસ્ટ પાસે જવાનું અને “જ્યાં તમારી આલોચના ન કરવામાં આવે, એવા સલામત સ્થળે વાતચીત કરવાનું” સૂચન કરે છે.

માથુરે જણાવ્યું હતું કે, “માતૃત્વ ધારણ કરવા બદલ થતો પસ્તાવો હંમેશાં સંપૂર્ણપણે સુધારી શકાય, તેવો હોતો નથી.”

“મદદ, આરામ, સમય અને સંજોગો બદલાવા સાથે અમુક મહિલાઓમાં પસ્તાવાની તે લાગણીઓ હળવી થાય છે કે નોંધપાત્ર રીતે બદલાઈ જતી હોય છે.”

“પરંતુ, અન્ય લોકો માટે, તે લાગણીનાં તત્ત્વો યથાવત્ રહી શકે છે અને આપણે સંકોચ વિના તે પ્રામાણિકતા માટે અવકાશ પૂરો પાડીએ, એ જરૂરી છે.”

મા બનીને પસ્તાતી મહિલાઓ, બીમાર બાળક, લિંડા ફિલ્મ, મહિલા માનસિક આરોગ્ય અને સ્વાસ્થ્ય, હોલીવૂડની ફિલ્મો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઓર્ના ડોનાથના અભ્યાસમાં એ પણ માલૂમ પડ્યું છે કે, માતા બનવા બદલ પસ્તાઈ રહેલી અમુક મહિલાઓમાંથી તે ભાવના કદીયે જતી નથી.

તેઓ કહે છે, “મેં જે મહિલાઓ સાથે વાત કરી, તે તમામ મહિલાઓ પસ્તાવો થઈ રહ્યો હોવા છતાં તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરવાની કોશિશ કરે છે.”

“થોડાં વર્ષો પહેલાં મને એક મહિલાનો પત્ર મળ્યો, જેને માતા બનવા બદલ અફસોસ થઈ રહ્યો હતો. તેણે લખ્યું હતું કે, તેને એ આશાથી મદદ નથી મળતી કે – એક દિવસ તે અફસોસ અદૃશ્ય થઈ જશે… તે તેની સામે લડવા અને તેના વિશે વિચારીને નિરાશ થવાને બદલે એ સ્વીકારવાનું પસંદ કરે છે કે, આ ભાવના દૂર નથી થવાની.”

કારમેનના કિસ્સામાં, તેમને લાગે છે કે, આ ભાવના કાયમ છે, “કારણ કે, આ કાયમ માટેનું બલિદાન છે.”

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS