Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
જો ગર્ભાવસ્થા દરમિયાન માતામાં લોહીની ઉણપ હોય, તો બાળકોમાં હૃદયને લગતી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ હાથ ધરેલા અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું હતું.

બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોને આ દિશામાં અધ્યયન કરવા માટે ફંડ આપ્યું હતું.
સંશોધકોએ 16 હજાર 500 માતાના ડેટાનો અભ્યાસ કર્યો હતો, જેમાંને ઍનીમિયા હોવા તથા બાળકમાં જન્મગત હૃદયની બીમારી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થયો હતો.
માતામાં લોહીની ઉણપ અને હ્રદયરોગ વચ્ચે કેવી રીતે સંબંધ છે? જાણીએ આ અહેવાલમાં.

અભ્યાસના તારણ મુજબ, જો માતાને ગર્ભાવસ્થાના પ્રથમ 100 દિવસ દરમિયાન ઍનીમિયા હોય, તો બાળકમાં જન્મથી હૃદયને લગતી બીમારી હોવાની શક્યતા સામાન્ય કરતાં 47 ટકા વધુ હતી.
એક અભ્યાસ મુજબ, યુકેમાં લગભગ 25 ટકા ગર્ભવતી મહિલાઓમાં લોહીની ઉણપ હોય છે. વિશ્વમાં આ સરેરાશ લગભગ 33 ટકા આસપાસ છે.
આયર્નની ઉણપને ઍનીમિયા સાથે જોડીને જોવામાં આવે છે.

એન.એચ.એસ.ના (નૅશનલ હેલ્થ સર્વિસ) જણાવ્યા પ્રમાણે, જ્યારે લોહીમાં રક્તકણોની ઊણપ હોય અથવા તો હિમૉગ્લોબિનમાં પૂરતા પ્રમાણમાં રક્તકણ ન હોય, તે સ્થિતિને ઍનીમિયા કહેવાય.
અભ્યાસના તારણ પ્રમાણે, જો ગર્ભધાનના પાછળના સમયમાં મહિલામાં ઍનીમિયા ગંભીર સ્વરૂપ ધારણ કરે, તો જન્મ સમયે બાળકનું વજન ખૂબ જ ઓછું હોય છે અથવા તો સમય કરતાં પહેલાં ડિલિવરી થવાની શક્યતા રહે છે.
ગર્ભાવસ્થાના શરૂઆતના સમયમાં ઍનીમિયાથી કેવી અસર થાય છે, તેના અંગે અત્યારસુધી ખાસ અભ્યાસ નહોતા થયા.

અભ્યાસનું નેતૃત્વ કરનારા પ્રોફેસર ડંકન સ્પેરોના કહેવા પ્રમાણે, “બાળકોમાં જન્મજાત હૃદયરોગની બીમારી શા માટે થાય છે, તેના અલગ-અલગ કારણો વિશે આપણે જાણીએ છીએ, પરંતુ આ પરિણામોની મદદથી આપણે ઍનીમિયા અને જન્મજાત હૃદયરોગની બીમારી વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. હવે આ તારણને અભ્યાસથી અમલ સુધી લઈ જવાની જરૂર છે.”
તેઓ કહે છે કે ગર્ભાવસ્થાની શરૂઆતમાં જ જો ઍનીમિયા હોય તે તે “ખૂબ જ ભયાનક” નીવડી શકે છે, અને આ અભ્યાસ “વિશ્વભરમાં પરિવર્તનકારક” બની શકે છે.
પ્રો. ડંકન કહે છે, “મોટાભાગના કૅસોમાં આયર્નની ઊણપ ઍનીમિયા માટે કારણભૂત હોય છે. મહિલાઓ ગર્ભધારણ કરવા માગતી હોય ત્યારે અને ગર્ભાવસ્થા દરમિયાન આયર્નના સપ્લીમેન્ટ્સ આપવામાં આવે તો નવજાતોમાં હૃદયને લગતી બીમારીઓ ઊભી થાય, તે પહેલાં જ તેને અટકાવી શકાય છે.”

બાળકમાં જન્મથી જ હૃદયની બીમારી એ જન્મજાત ખામી છે. યુકેમાં દરરોજ 13 નવજાતોમાં આવી ખામી સાથે જન્મે છે, જેના કારણે તેમનાં મૃત્યુ પણ થાય છે.
સંશોધકોએ ઉંદર ઉપરના પ્રયોગો દ્વારા ગર્ભાવસ્થા અને જન્મજાત હૃદયની બીમારી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો; અને માનવોમાં આ બાબતને પ્રસ્થાપિત કરવા માગતા હતા.
એવી આશા સેવાય રહી છે કે ભવિષ્યમાં ગર્ભાવસ્થા દરમિયાન આયર્ન સપ્લીમેન્ટ્સ આપીને તેના પરીક્ષણો દ્વારા જન્મજાત હૃદયની બીમારીઓને ઘટાડવાનો રસ્તો કાઢી શકાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS