Source : BBC NEWS


ઇમેજ સ્રોત, Getty Images
શું ભારત સિંધુ અને તેની બે સહાયક નદીઓને પાકિસ્તાનમાં વહેવાથી રોકી શકે છે?
ભારતે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ છ નદીઓના જળ વિભાજન સાથે સંબંધિત સિંધુ જળ સંધિને મોકૂફ કરી દીધી છે. એ બાદથી આ પ્રશ્ન ઘણા લોકોનાં મનમાં છે.
1960માં થયેલી સિંધુ જળ સંધિ બે યુદ્ધ બાદ પણ યથાવત્ રહી. તેને સીમાપાર જળ પ્રબંધનના એક ઉદાહરણ તરીકે જોવામાં આવે છે.
આ જળ સંધિની મોકૂફી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઉઠાવેલાં ઘણાં પગલાં પૈકીની એક છે. ભારતે પાકિસ્તાન પર ‘આતંકવાદને સમર્થન’ આપવાનો આરોપ લગાવતાં આ પગલું ઉઠાવ્યું છે. જોકે, પાકિસ્તાને આવા આરોપોનું સ્પષ્ટપણે ખંડન કર્યું છે.
પાકિસ્તાને ભારત વિરુદ્ધ ‘જવાબી કાર્યવાહી’ પણ કરી છે. પાકિસ્તાને કહ્યું છે કે પાણી રોકવાને ‘યુદ્ધની કાર્યવાહી’ સ્વરૂપે જોવામાં આવશે.
આ સંધિ અંતર્ગત સિંધુ બેસિનની ત્રણ પૂર્વી નદીઓ રાવી, વ્યાસ અને સતલજનું પાણી ભારતને આપવામાં આવ્યું. તેમજ ત્રણેય પશ્ચિમી નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબના 80 ટકા ભાગની પાકિસ્તાનને વહેંચણી કરાઈ.
વિવાદ અગાઉ પણ થયા છે. પાકિસ્તાન ભારતના હાઇડ્રોપાવર અને વૉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર આપત્તિ વ્યક્ત કરી ચૂક્યું છે. તેણે તર્ક આપ્યો હતો કે આનાથી નદીના પ્રવાહને અસર થશે અને આ વાત સંધિનું ઉલ્લંઘન હશે. (પાકિસ્તાનની 80 ટકા કરતાં વધુ ખેતી અને લગભગ એક તૃતિયાંશ હાઇડ્રોપાવર સિંધુ બેસિનના પાણી પર આધારિત છે.)
ભારત જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાને જોતાં સિંચાઈ અને પીવાના પાણીથી માંડીને હાઇડ્રોપાવર સુધી… બદલાતી જરૂરિયાતોનો હવાલો આપીને સંધિની સમીક્ષા અને સંશોધન પર ભાર મૂકતું રહ્યું છે.
પ્રથમ વખત થઈ આવી જાહેરાત

ઇમેજ સ્રોત, EPA
પાછલાં ઘણાં વર્ષોથી ભારત અને પાકિસ્તાન વિશ્વ બૅન્કની મધ્યસ્થીમાં કરાયેલી આ સંધિ અંતર્ગત કાયદાકીય રસ્તા અપનાવતાં રહ્યાં છે.
પરંતુ પહેલી વાર કોઈ દેશે તેની મોકૂફીની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે એ દેશ ભારત છે, જેને ભૌગોલિક લાભ હાંસલ છે.
જોકે, મોકૂફીનો અસલી અર્થ શું છે? શું ભારત સિંધુ નદીના પાણીને રોકી શકે છે કે તેનું વહેણ વાળી શકે છે, જેનાથી પાકિસ્તાનને તેની લાઇફલાઇનથી વંચિત થવું પડી શકે? સવાલ એ પણ છે કે શું ભારત આવું કરવામાં સક્ષમ છે ખરું?
શું ભારત પાણી રોકી શકશે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

નિષ્ણાતોનું માનવું છે કે ભારત માટે પશ્ચિમી નદીઓના પાણીના પ્રવાહને રોકવો લગભગ અસંભવ છે. કારણ કે આના માટે મોટી સ્ટોરેજ અને આટલા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વાળવા માટે જેટલી નહેરોની જરૂરિયાત છે, એટલીનો હાલ ભારત પાસે અભાવ છે.
સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ, રિવર્સ અને પીપલ્સના રિજનલ વૉટર રિસોર્સ એક્સપર્ટ હિમાંશુ ઠક્કર કહે છે કે “ભારતમાં જે આંતરમાળખાકીય સુવિધાઓ છે, એ મોટા ભાગે નદી પર ચાલતા હાઇડ્રોપાવર પ્લાન્ટ્સની છે, જેને મોટી સ્ટોરેજ ક્ષમતાની જરૂર નથી.”
આવા હાઇડ્રોપાવર પ્લાન્ટ્સ ભારે પ્રમાણમાં પાણી નથી રોકતા અને વહેતા પાણીના ફોર્સનો ઉપયોગ કરીને ટર્બાઇનો ફેરવીને વીજળી પેદા કરે છે.
ભારતીય નિષ્ણાતોનું કહેવું છે કે આંતરમાળખાકીય સુવિધાઓની કમીને કારણે ભારત સંધિ અંતર્ગત મળતા જેલમ, ચિનાબ અને સિંધુ નદીના 20 ટકા ભાગનો પણ ઉપયોગ નથી કરી શકી રહ્યું.
આના કારણે જ સ્ટોરેજના નિર્માણની વકીલાત કરાતી રહી છે. પરંતુ પાકિસ્તાન સંધિની જોગવાઈઓનો હવાલો આપીને તેનો વિરોધ કરતું રહ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે ભારત હવે પાકિસ્તાનને સૂચિત કર્યા વિના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બદલાવ કરી શકે છે, કે પછી નવી આંતરમાળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી શકે છે. આવું કરવાથી વધુ પાણીને રોકી શકાય છે અથવા તેનો રસ્તો બદલી શકાય છે.
ઠક્કર કહે છે કે, “ભૂતકાળથી ઊલટું હવે ભારતને પાકિસ્તાન સાથે પોતાના પ્રોજેક્ટના દસ્તાવેજ શૅર કરવાની જરૂર નહીં રહે.”
શું પાણીને ‘હથિયાર’ બનાવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ વિસ્તારની મુશ્કેલીઓ અને ભારતની અંદજ કેટલાક પ્રોજેક્ટો અંગે વિરોધ જેવા પડકારોને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ઝડપથી નહીં થઈ શકે.
2016માં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલા ચરમપંથી હુમલા બાદ ભારતીય જળ સંસાધન મંત્રાલયના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ સિંધુ બેસિનમાં ઘણા બંધો અને વૉટર સ્ટોરેજ પ્રોજેક્ટોના નિર્માણમાં ઝડપ લાવશે.
આ પ્રોજેક્ટોની હાલની સ્થિતિ પર કોઈ આધિકારિક જાણકારી નથી. પરંતુ સ્રોતો પાસેથી મળેલી જાણકારી અનુસાર આ મામલામાં મર્યાદિત પ્રગતિ થઈ શકી છે.
નિષ્ણાતોનું માનવું છે કે જો ભારત હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પાણીના વહેણ પર કંટ્રોલ કરે તો પાકિસ્તાનમાં ગરમીની મોસમ દરમિયાન તેની અસર જોવા મળી શકે છે. ગરમીની મોસમમાં પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો પણ હોય છે.
ટફ્ટ્સ યુનિવર્સિટીમાં અર્બન એન્વાયરમેન્ટ પૉલિસી અને એન્વાયરમેન્ટલ સ્ટડીના આસિસ્ટન્ટ પ્રોફેસર હસન એફ. ખાને ડૉન ન્યૂઝપેપરમાં લખ્યું, “ગરમીની મોસમમાં શું થશે એ ચિંતાનો વિષય છે. એ સમયે પાણીનું વહેણ ઓછું હોય છે અને સ્ટોરેજ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ટાઇમિંગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.”
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

“એ દરમિયાન સંધિ સંબંધી બંધનકર્તા જોગવાઈઓની ગેરહાજરીને વધુ મહેસૂસ કરી શકાશે.”
સંધિ અંતર્ગત ભારત માટે પાકિસ્તાન સાથે હાઇડ્રોલૉજિકલ ડેટા શૅર કરવો જરૂરી છે. આ ડેટા પૂરનાં પૂર્વાનુમાન, સિંચાઈ, હાઇડ્રોપાવર અને પીવાના પાણી સાથે સંકળાયેલી યોજનાઓ બનાવવા માટે મહત્ત્વનો છે.
આ ક્ષેત્રમાં વરસાદની ઋતુમાં પૂર આવે છે. જે જૂનમાં શરૂ થઈને સપ્ટેમ્બર સુધી ચાલે છે. પરંતુ પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે ભારત પહેલાં કરતાં ખૂબ ઓછો હાઇડ્રોલૉજિકલ ડેટા શૅર કરી રહ્યું છે.
ઇન્ડસ વૉટર ટ્રીટીના પૂર્વ પાકિસ્તાન ઍડિશનલ કમિશનર સિહરાજ મેમણે બીબીસી ઉર્દૂને કહ્યું, “આ જાહેરાત પહેલાં પણ ભારત માત્ર 40 ટકા ડેટા જ શૅર કરી રહ્યું હતું.”
વધુ એક મુદ્દો જે દર વખત તણાવ વધ્ ત્યારે ઊઠે છે એ એ છે કે શું ઉપર આવેલો દેશ નીચે આવેલા દેશ વિરુદ્ધ પાણીને ‘હથિયાર’ બનાવી શકે છે.
આને ઘણી વાર ‘વૉટર બૉમ્બ’ કહેવામાં આવે છે. જેમાં ઉપરનો દેશ અસ્થાયીપણે પાણી રોકી શકે છે અને એ બાદ કોઈ પણ ચેતવણી વગર અચાનક છોડી શકે છે. જેના કારણે નીચલા ભાગમાં ભારે નુકસાન થઈ શકે છે.
શું ભારત પાકિસ્તાન પર ‘વૉટર બૉમ્બ’નો ઉપયોગ કરી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોનું કહેવું છે કે ભારત સામે સૌથી પહેલા તો પોતાના ક્ષેત્રમાં જ પૂરનો ખતરો હશે, કારણ કે તેના બંધ પાકિસ્તાનની સીમાથી ઘણા દૂર છે.
પરંતુ હવે ભારત કોઈ પણ જાતની પૂર્વ ચેતવણી વગર જળાશયોમાંથી કાંપ વહાવી શકે છે, જેનાથી પાકિસ્તાનના ભાગ તરફ નુકસાન થશે.
સિંધુ જેવી હિમાલયન નદીઓમાં કાંપનું સ્તર ખૂબ વધુ હોય છે. એ બંધ અને બૅરેજોમાં ખૂબ ઝડપથી જમા થઈ જાય છે. આ કાંપ અચાનક વહી જવાથી નીચેની તરફ ઘણું નુકસાન થઈ શકે છે.
વધુ એક મોટી તસવીર પણ છે. ભારત બ્રહ્મપુત્ર બેસિનમાં ચીનની નીચેની તરફ છે અને સિંધુ નદી તિબ્બતથી નીકળે છે.
વર્ષ 2016માં જમ્મુ-કાશ્મીરમાં થયેલા ચરમપંથી હુમલા બાદ ભારતે ચેતવણી આપી હતી કે ‘લોહી અને પાણી એક સાથે ન વહી શકે.’ ભારતે આ હુમલા માટે ‘પાકિસ્તાનને જવાબદાર’ ઠેરવ્યું હતું.
એ દરમિયાન ચીને યારલુંગ ત્સાંગપોની એક સહાયક નદીને રોકી દીધી હતી, જે પૂર્વોત્તરમાં બ્રહ્મપુત્ર બની જાય છે.
પાકિસ્તાન ચીનનો સહયોગી દેશ મનાય છે. ચીને કહ્યું હતું કે આવું એટલા માટે કરાયું છે, કારણ કે આવું કરવું બૉર્ડર પાસે બનાવાઈ રહેલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટે જરૂરી હતું. પરંતુ આ પગલાને એવી રીતે જોવામાં આવ્યું કે ચીન પાકિસ્તાનની મદદ માટે આગળ આવ્યું છે.
તિબ્બતમાં ઘણા હાઇડ્રોપાવર પ્લાન્ટ બન્યા બાદ ચીને યારલુંગ ત્સાંગપોના નીચલા ભાગમાં વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવા માટે પરવાનગી આપી દીધી છે.
ચીનનો દાવો છે કે આનાથી પર્યાવરણ પર ઝાઝી કંઈ અસર નહીં થાય. પરંતુ ભારતને બીક છે કે ચીન આનાથી નદીના વહેણ પર મહત્ત્વપૂર્ણ નિયંત્રણ હાંસલ કરી લેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS