Home તાજા સમાચાર gujrati ભારત પાસે કેટલો સમય સુધી ચાલી શકે તેટલો એલપીજીનો સ્ટૉક છે, શું...

ભારત પાસે કેટલો સમય સુધી ચાલી શકે તેટલો એલપીજીનો સ્ટૉક છે, શું દેશમાં ગૅસની અછત છે?

7
0

Source : BBC NEWS

એલપીજી સંકટ તંગી અછત, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ, મધ્યપૂર્વ એશિયા સંકટ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઇન્ટરનેશનલ ન્યૂ

ઇમેજ સ્રોત, RAJAT GUPTA/EPA/Shutterstock

અમેરિકા અને ઇઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ યથાવત્ છે. જેમ-જેમ સંઘર્ષ વધી રહ્યો છે, તેમ-તેમ, દિવસે ને દિવસે તેની અસર યુદ્ધ સાથે નહીં જોડાયેલા વિશ્વના અન્ય દેશો ઉપર પણ જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ભારતનાં અનેક શહેરોમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી) માટે લાંબી-લાંબી લાઇનો જોવા મળી રહી છે. કેટલાંક સ્થળોએ જાતે ભોજન બનાવતા વિદ્યાર્થીઓ ચિંતિત છે. કેટલાંક સ્થળોએ વિદ્યાર્થીઓની વીશીની સુવિધા બંધ થઈ ગઈ છે.

એલપીજીનો પુરવઠો ખોરવાઈ જવાને કારણે ભારતનાં અનેક શહેરોમાં રેસ્ટોરાં તથા હોટલો બંધ થઈ રહી હોવાના અહેવાલ છે. કેટલાંક સ્થાનોએ જમવાનું મૅન્યુ બદલી ગયું છે અને જમવા માટે ગરમ ભોજન પીરસવામાં નથી આવતું.

તો કેટલાંક સ્થળોએ બળતણનાં લાકડાં વાપરીને ભોજન રાંધવામાં આવી રહ્યું હોવાના અહેવાલ છે.

બીબીસીના અગાઉના અહેવાલો પ્રમાણે ખાતર અને સિરામિક ઉત્પાદનમાં વિક્ષેપ ઊભો થયો છે તથા આમ ને આમ ચાલતું રહ્યું, તો ઉત્પાદન બંધ કરવું પડી શકે છે, એવી ચિંતા સેવાઈ રહી છે.

એલપીજી સંકટ તંગી અછત, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ, મધ્યપૂર્વ એશિયા સંકટ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, ANI

આ બધાની વચ્ચે ગુરૂવારે મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ પાર્ટીના સંસદસભ્યોએ સંસદ પરિસરમાં વિરોધપ્રદર્શન કર્યાં હતાં. ઇન્ડિયા બ્લૉકના નેતાની માંગ છે કે એલપીજી મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ.

ગુરૂવારે સંસદને સંબોધિત કરતી વેળાએ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઍર ટર્બાઇન ફ્યૂઅલ કે અન્ય ઈંધણની કોઈ તંગી નથી.

હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે દેશમાં કુદરતી ગૅસનો પુરવઠો સ્થિર છે. તેમણે કહ્યું હતું કે જ્યાર સુધી એલપીજીની વાત છે, તો “ઘરેલુ પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે.”

તેમણે કહ્યું હતું, “આપૂર્તિની તંગીને કારણે નહીં, પરંતુ ગ્રાહકની અસુરક્ષાને કારણે રિટેલ તથા ડિસ્ટ્રિબ્યૂટર સ્તરે પૅનિક-બુકિંગ તથા સંગ્રહખોરી થઈ રહી હોવાના અહેવાલ ફિલ્ડમાંથી મળી રહ્યા છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે કેટલાક લોકો “ઉચાટ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

તેમણે કહ્યું, “સપ્લાઇ ચેઇનમાં જે અડચણો ઊભી થઈ છે, તેને દૂર કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.”

બીબીસીએ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ ઍનાલિસિસ સેલના વિશ્લેષણ ઉપર નજર કરીએ તો, ગત એક દાયકા દરમિયાન ભારતમાં એલપીજીનો વપરાશ વધ્યો છે, છતાં ઘરેલુ ઉત્પાદન સ્થિર રહ્યું છે, એટલું જ નહીં, ભારતમાં એલપીજી સંગ્રહની ક્ષમતા પણ મર્યાદિત છે.

એલપીજી વપરાશમાં ઉછાળો

ભારત વિશ્વમાં ત્રીજા ક્રમાંકનું એલપીજી વપરાશકર્તા છે. ગત એક દાયકામાં એલપીજી વપરાશમાં 60 ટકા જેટલો ઉછાળો જોવાયો છે.

નાણાકીય વર્ષ 2016માં 19.6 એમએમટીનો (મિલિયન મૅટ્રિક ટન) વપરાશ થતો, જે નાણાકીય વર્ષ 2025 દરમિયાન વધીને 31.3 એમએમટી સુધી પહોંચી ગયો હતો.

તાજેતરના આંકડા મુજબ 33 કરોડ સક્રિય ઘરેલુ એલપીજી વપરાશકર્તા છે, વર્ષ 2015-16 દરમિયાન આ આંકડો 16 કરોડ 60 લાખનો હતો.

આનું એક કારણ ‘પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના’ (પીએમયુવાય) પણ છે. જેનો હેતુ ઘરેલુ વપરાશમાં એલપીજી વપરાશ વધારવાનો હતો. નાણાકીય વર્ષ 2024- ’25 દરમિયાન 10.33 કરોડ પીએમયુવાય કનૅક્શન હતાં.

એલપીજી ઉત્પાદન સ્થિર

વપરાશમાં વધારો થવા છતાં ઘર આંગણે ઉત્પાદનમાં વૃદ્ધિ નથી થઈ. ભારત દ્વારા જેટલો એલપીજીનો વપરાશ કરવામાં આવે છે, તેમાંથી માત્ર 41 % ઘરઆંગણે ઉત્પાદિત થાય છે.

નાણાકીય વર્ષ 2018 થી 2025નાં આઠ વર્ષના ગાળા દરમિયાન ભારતમાં એલપીજી ઉત્પાદન 12 એમએમટી ઉપર સ્થિર છે.

વર્ષ 2016 દરમિયાન ભારત તેની કુલ જરૂરિયાતના 54 ટકા જેટલો એલપીજી ગૅસ ઉત્પાદિત કરતું હતું. આ ટકાવારી ઘટીને નાણાકીય વર્ષ 2025 દરમિયાન 41 % આસપાસ આવી ગઈ હતી.

આયાત ઉપર વધતો જતો આધાર

જેના કારણે ભારતે પોતાની એલપીજી જરૂરિયાતને પૂર્ણ કરવા આયાત કરવી પડે છે. પીપીએસીના આંકડા પ્રમાણે, ભારત દ્વારા જેટલો ગૅસ વાપરવામાં આવે છે, તેમાંથી લગભગ 60 ટકા જેટલો આયાત થયેલો હોય છે.

એલપીજી આયાતની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ભારતની કુલ જરૂરિયાતનો લગભગ 85 ટકા ગૅસ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. જે ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ચર્ચામાં છે.

હોર્મુઝની સામુદ્રધુનીએ સાંકળો જળમાર્ગ છે, જેને ઈરાન દ્વારા લગભગ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે લાખો બૅરલ ક્રૂડઑઇલ અટવાઈ ગયું છે.

નાણાકીય વર્ષ 2025ના ભારતની કુલ જરૂરિયાતના પેટ્રોલિયમ ગૅસ, જેમ કે પ્રૉપેન, બ્યુટેન, એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગૅસ) અને એલપીજી કતાર (33%), સંયુક્ત આરબ અમીરાતથી (27%) આયાત થયો હતો. જ્યારે યુએસમાંથી થયેલી આયાત ટકાવારીની દૃષ્ટિએ 8.6 હતી.

આ નાણાકીય વર્ષ દરમિયાન ભારતના પેટ્રોલિયમ ગૅસોની કુલ જરૂરિયાતના લગભગ 80 % હિસ્સો કતાર, યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત તથા ઓમાને મળીને પૂરો કર્યો હતો.

ઇન્ટરનૅશનલ ઍનર્જી એજન્સી દ્વારા વર્ષ 2030માં ભારતનું ઑઇલ બજાર કેવું રહેશે, તેની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ, સરકારે ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છ ઈંધણ તરીકે એલપીજીને જે પ્રોત્સાહન આપ્યું, તેના કારણે ગત એક દાયકા દરમિયાન તેની આયાતમાં લગભગ ત્રણ ગણી વૃદ્ધિ થઈ છે.

ભારત એ વિશ્વનો અગ્રણી એલપીજી વપરાશકર્તા દેશ છે, એમ છતાં તે એલપીજીનો સંગ્રહ કરવા માટે પૂરતી વ્યવસ્થા નથી ધરાવતો.

ઑક્ટોબર-2025ની પરિસ્થિતિ પ્રમાણે ભારતની કુલ એલપીજી સંગ્રહક્ષમતા 1,555.6 હજાર મેટ્રિક ટન (ટીએમટી) હતી. જો નવો પુરવઠો ન આવે, તો આ સંગ્રહિત ગૅસ માત્ર 18 દિવસની ગૅસની જરૂરિયાત પૂર્ણ કરી શકે.

આ સંગ્રહક્ષમતા દેશના અલગ-અલગ ભૂભાગમાં ભિન્ન-ભિન્ન છે. પશ્ચિમ અને દક્ષિણમાં 26થી લઈને 23 દિવસ સુધી પુરવઠો ચાલી શકે એમ છે. જ્યારે ઉત્તર ભારત પાસે માત્ર આઠ દિવસ સુધી ચાલે એટલો એલપીજી સંગ્રહ કરવાની ક્ષમતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS