Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Daxesh Shah/Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
-
20 મે 2025, 07:37 IST
અપડેટેડ 6 મિનિટ પહેલા
ગુજરાત સરકારમાં મંત્રી બચુ ખાબડના પુત્રો બળવંત ખાબડ તથા કિરણ ખાબડને દાહોદ પોલીસે દેવગઢ બારિયા અને ધનપુર તાલુકામાં કથિત રીતે 71 કરોડ રૂપિયાના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી અધિનિયમ (મનરેગા) ગોટાળાના આરોપમાં ધરપકડ કરી છે. બચુ ખાબડ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી છે.
બચુ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધકપકડ તેમણે કરેલી આગોતરા જામીનની અરજી પરત ખેંચ્યા બાદ કરવામાં આવી.
આ સમગ્ર મામલામાં પોલીસ તપાસને ‘સરકારી ઢોંગ’ ગણાવીને કૉંગ્રેસે આ મામલે એસઆઈટી તપાસની માગ કરી છે. તો સામે પક્ષે બચુ ખાબડે પોતાના પુત્રોને બદનામ કરવાનો કારસો હોવાનું કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે દાહોદનાં ગામડાંમાં છેલ્લાં ત્રણ વર્ષથી રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવયાની જાહેરાત થઈ ત્યાર પછી ગામમાં રસ્તા બનાવવા માટે ગામના મજૂરોને કાગળ પર કરોડો રૂપિયા ચૂકવાય છે તેવા આરોપો થયા હતા.
આરોપ એ પણ લાગ્યો હતો કે એકેય મજૂરને પાંચ પૈસા મળવા તો દૂર ગામમાં રસ્તા પણ બન્યા નથી. અહીંના કેટલાક નાગરિકોએ આ મામલે તપાસ માટે લડત ચલાવવામાં આવી. અનેક પ્રયત્નો બાદ પછી જિલ્લા ગ્રામ વિકાસ નિયામકે તપાસ આરંભી હતી. તેમની તપાસના આધારે તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને તેના આધારે પોલીસે બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરી છે.
દાહોદના ડીવાયએસપી બળવંત ભંડારી આ કેસમાં તપાસનીશ અધિકારી છે અને તેમણે આ ધરપકડની પુષ્ટિ કરી હતી.
શું હતો સમગ્ર મામલો ?

ઇમેજ સ્રોત, Daxesh Shah
દાહોદના કુવા ગામના પ્રતાપ બારીયા જ્યારે ગ્રામ પંચાયતમાં પોતાના ઘર પાસેથી રોડ બનવવાની કામગીરી ક્યારે શરૂ થશે એની તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે સરકારી ચોપડે એમના ઘર પાસેથી રસ્તો બની ગયો હતો અને એના પૈસા પણ ચૂકવાઈ ગયા હતા.
વાસ્તવમાં એમના ઘર પાસે કોઈ રસ્તો બન્યો જ નહતો. એમણે બીજા રસ્તાઓની તપાસ કરી તો તેમને લાગ્યું કે સંખ્યાબંધ જગ્યાએ રસ્તા બન્યાનું માત્ર કાગળ પર છે. પ્રતાપ બારીયાએ ગામના ભણેલા નાગરિક પરબત નાયકને વાત કરી હતી.
પરબત નાયકે પણ તપાસ કરી તો તેમને લાગ્યું કે તેમના ઘર પાસેનો રસ્તો પણ કાગળ પર બની ગયો હતો અને તેના બદલામાં પોણા પાંચ લાખ રૂપિયા ચૂકવાઈ ગયા હતા.
પરબત નાયકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે “ગામના લોકોએ તપાસ કરી તો ખબર પડી કે આસપાસનાં ત્રણ ગામોમાં કાગળ પર રસ્તા બન્યા હતા. તેના પૈસા પણ ચૂકવાઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ મનરેગા હેઠળ કુલ કામની મજૂરીના 40 ટકા પૈસા પણ મજૂરોને ચૂકવાઈ ગયા હોવાનું ચોપડે નોંધાયું હતું.”
તેમણે આ મામલે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કોઈ રસ્તો બન્યો નહોતો. તેમણે આ મામલે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.
તેમણે આ વિશે વાતચીત કરતાં કહ્યું, “આ મામલે અમને બહુ ધક્કા ખવડાવ્યા. પછી ગામના લોકોએ સોગંધ ખાધા અને તપાસની માગ કરી ત્યારે તેમને લાગ્યું કે મનરેગા હેઠળ કરોડો રૂપિયા આદિવાસીઓનાં ગામોમાં રસ્તા બનાવવા માટે ફાળવાયા છે પરંતુ રોડ બન્યા નથી.”
“જાન્યુઆરી મહિનામાં અમે લોકોએ રજૂઆત કરી અને જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીએ છેક એપ્રિલ મહિનામાં પોલીસ ફરિયાદ કરી હતી.”
શું છે પોલીસ ફરિયાદ?

ઇમેજ સ્રોત, Daxesh Shah
પોલીસ ફરિયાદ નોંધાવનાર દાહોદના જિલ્લા વિકાસ નિયામક બી.એમ. પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે “અમારી પાસે જયારે ગેરરીતિની તપાસ કરવાના આદેશ આવ્યા ત્યારે અમને કોઈને ખબર નહતી કે એમાં કોઈ રાજકીય આગેવાન કે એમના કોઈ સંબંધી છે, અમે નિયમ પ્રમાણે તપાસ કરી છે. જેમાં 35 એજન્સીઓ એવી છે કે જેમણે કાગળ ઉપર કામ બતાવી ખોટી રીતે પૈસા લીધા છે.”
“જેમાં 25,066 મીટર રોડ બનાવવાનો હતો એમાંથી 15,176 મીટર રોડ બનાવાયો છે અને 9890 મીટર રોડ બનાવ્યા વગર કાગળ ઉપર રોડ બન્યાનું બતાવી પૈસા ખોટી રીતે અપાયા છે.”
બીજા કિસ્સાની વાત કરતાં તેમણે કહ્યું કે “અન્ય જગ્યાએ 16,832 મીટર રોડ બનાવવાનો હતો તેમાંથી માત્ર 10,091 મીટર રોડ બન્યો છે જ્યારે કે 6,741 મીટર રોડ બન્યો નથી અને તેના પૈસા પણ ચૂકવાઈ ગયા છે.”
તેમણે આપેલી માહિતી પ્રમાણે ધનપુરમાં પણ આ જ પ્રકારે રસ્તા ન બન્યા હોવા છતાં ચૂકવણું કરવામાં આવ્યું છે.
તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે તે વિશે વિગતો આપતા જણાવ્યું, “71 કરોડ રૂપિયા જેમને ટેન્ડર ન મળ્યું હોય તેવી કંપનીઓને ચૂકવાયા છે તેની અમે પોલીસમાં ફરિયાદ કરી છે.”
પોલીસે શું કાર્યવાહી કરી અને અત્યાર સુધી શું થયું ?

ઇમેજ સ્રોત, X/bachubhaikhabad
24મી એપ્રિલે આ મામલે પોલીસ ફરિયાદ દાહોદના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જેમણે ફરિયાદ કરી તે અધિકારી બી. એમ. પટેલની દાહોદથી ગાંધીનગર બદલી થઈ ગઈ.
ફરિયાદના આધારે પોલીસે પહેલા આ મામલે ટૅક્નિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ, મનરેગા શાખાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી તથા મહિપાલસિંહ ચૌહાણ તથા બે ગ્રામ રોજગાર સેવક- કુલસિંહ બારીયા તથા મંગલસિંહ પટેલિયાની ધરપકડ કરી હતી.
જે 35 કંપનીઓ સામે આરોપ હતો કે તેમણે કામ કર્યા વગર પૈસા લીધા છે તે પૈકીની બે કંપની રાજ ટ્રેડર્સ અને રાજ બિલ્ડર્સના માલિકો અનુક્રમે કિરણ ખાબડ અને બળવંત ખાબડે દાહોદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.
આ મામલે 13મી મેના રોજ તેના પર સુનાવણી હતી પંરતુ તે પહેલાં જ 12મી મેના રોજ બંને મંત્રીપુત્રોએ તેમની અરજી પરત ખેંચી હતી.
રાજ્યકક્ષાના પંચાયત મંત્રી બચુ ખાબડ પણ ગાંધીનગર સચિવાલયમાં જોવા મળતા નહોતા. તે દિવસની કૅબિનેટની બેઠકમાં પણ તેઓ હાજર રહ્યા નહોતા.
17મી મેના રોજ પોલીસે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલ અને બચુ ખાબડના દીકરા બળવંત ખાબડની ધરપકડ કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા.
ત્યાર બાદ બે દિવસ પછી હાલોલથી બચુ ખાબડના બીજા દીકરા કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી આર. એન. રાઠવા તથા અન્ય એક એજન્સીના માલિક પાર્થ બારીયા, આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઑફિસર દિલીપ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કોણ છે બચુ ખાબડ અને તેઓ આ અંગે શું કહે છે?

બચુ ખાબડે દાહોદ ભાજપના એક નેતાના મારફતે આ મનરેગા કાંડ મામલે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.
તેમણે ફોન પર બીબીસી ગુજરાતીને જણાવ્યું કે “અમારી કિતાબ ખુલ્લી છે. આ અમને બદનામ કરવાનો પ્રયાસ છે. હાલ તપાસ ચાલી રહી છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હાલ આ વિશે મારે કશું કહેવું નથી.”
બચુ ખાબડનો જન્મ 1955માં દાહોદના ધાનપુર પાસે આવેલા પીપોરા ગામમાં થયો હતો. તેમણે ઓલ્ડ એસએસસીનો અભ્યાસ કર્યો છે. તેઓ સમાજસેવામાં જોડાયા હતા. 15 વર્ષ સુધી ગામમાં સરપંચ રહ્યા.
જ્યારે શંકરસિંહ વાધેલાએ ભાજપ સાથે છેડો ફાડ્યો ત્યારે તેમને ભાજપમાં આગળ પડતું સ્થાન મળ્યું હતું. કેશુભાઈ પટેલની સરકાર વખતે તેઓ દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ બન્યા હતા.
2002થી તેઓ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના સાથી બની ગયાહતા.
દાહોદના સ્થાનિક પત્રકાર શેતલ કોઠારી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “2002માં તેમને પહેલી વખત વિધાનસભા માટેની ટિકિટ આપવામાં આવી હતી. તેમણે દાહોદ જિલ્લાની તમામ બેઠકો ભાજપને જીતાડી આપી હતી. તેઓ 2002, 2012, 2017 અને 2022માં દેવગઢ બારિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.”
શેતલ કોઠારી જણાવે છે, “આનંદીબહેન પટેલ તથા વિજય રૂપાણીની સરકારમાં તેઓ મંત્રીપદે રહ્યા હતા. જ્યારે રૂપાણીની સરકાર ગઈ ત્યારે તેમણે પણ મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ ફરી મંત્રી બન્યા.”
બચુ ખાબડના પુત્રો વિશે વાત કરતાં શેતલ કોઠારી કહે છે, “તેમના બંને પુત્રોએ છેલ્લા દાયકામાં કન્સ્ટ્રક્શન તથા લેબર કોન્ટ્રાક્ટર તરીકેના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. તેઓ સરકારી કોન્ટ્રાક્ટ લેતા હતા.”
કૉંગ્રેસ અને આપનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે આ મામલે ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડનું રાજીનામું માગ્યું છે.
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા એ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “અમે વિધાનસભામાં આ મુદ્દે દબાણ લાવ્યા એટલે આ કાર્યવાહી થઇ છે, સૌથી પહેલા આ બચુભાઈ ખાબડને મંત્રીપદેથી દૂર કરવા જોઈએ. આ મામલાની તપાસ માટે એક એસઆઈટી બનાવવી જોઈએ. અમે આવનારા દિવસોમાં દાહોદનાં અન્ય ગામોમાં જઈને મનરેગામાં થયેલી ગેરરીતિને ઉજાગર કરીશું.”
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે બચુ ખાબડે નર્મદા જિલ્લામાં પણ મનરેગાનાં કામોમાં ચંચૂપાત કર્યો હતો.
ચૈતર વસાવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “આ કૌભાંડમાં 19 તાલુકાઓમાં તપાસ માટે દબાણ કર્યું ત્યારે આ બધું બહાર આવ્યું છે. જ્યારે બચુ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે તેમણે પોતાના અંગત વ્યક્તિની એક એજન્સીને 400 કરોડ રૂપિયાનું ચૂકવણું કરાવડાવ્યું છે. આ મામલે પણ તપાસ થવી જોઈેએ.”
અમે આ બધા ગંભીર આરોપો મામલે ભાજપનો સંપર્ક સાધવાની કોશિશ કરી પરંતુ ભાજપના પ્રવક્તાએ આ મામલે કંઈ જ કહેવાનો ઇન્કાર કરી દીધો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS