Home તાજા સમાચાર gujrati બાંગ્લાદેશમાં મતદાન શરૂ, અવામી લીગ પર પ્રતિબંધ પછી હવે આ પક્ષો વચ્ચે...

બાંગ્લાદેશમાં મતદાન શરૂ, અવામી લીગ પર પ્રતિબંધ પછી હવે આ પક્ષો વચ્ચે મુકાબલો – ન્યૂઝ અપડેટ

38
0

Source : BBC NEWS

બાંગ્લાદેશમાં મતદાન શરૂ, અવામી લીગ પર પ્રતિબંધ પછી હવે આ પક્ષો વચ્ચે મુકાબલો – ન્યૂઝ અપડેટ
12 ફેબ્રુઆરી 2026, 07:40 IST

અપડેટેડ 24 મિનિટ પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

બાંગ્લાદેશમાં આજે (ગુરુવાર) 12 કરોડથી વધુ લોકો નવી સરકાર પસંદ કરવા માટે મતદાન કરી રહ્યા છે. દેશભરમાં મતદાન શરૂ થઈ ગયું છે અને તે સ્થાનિક સમય અનુસાર સાંજે 04:30 વાગ્યા સુધી ચાલશે.

આ વર્ષ 2024માં થયેલાં આંદોલનો બાદની પ્રથમ ચૂંટણી છે. આ યુવા નેતૃત્વવાળાં આંદોલનોએ ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને સત્તાથી હઠાવી દીધાં હતાં.

નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક અંતરિમ સરકાર, હસીનાના દેશ છોડીને ગયાં બાદથી બાંગ્લાદેશનું સંચાલન કરી રહી છે.

આ આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 1,400 પ્રદર્શનકારીઓનાં મોત થયાં હતાં. શેખ હસીના પર પ્રદર્શનકારીઓ સામે ‘કાર્યવાહીના સીધા આદેશ આપવાનો આરોપ’ છે — જેને તેઓ નકારી ચૂક્યાં છે.

ગયા વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશની એક અદાલતે ‘માનવતા વિરુદ્ધ અપરાધો’ના કેસમાં શેખ હસીનાને મોતની સજા સંભળાવી હતી.

તેમની પાર્ટી અવામી લીગને આ ચૂંટણીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ચૂંટણીમાં હવે બાંગ્લાદેશ નૅશનાલિસ્ટ પાર્ટી (BNP) અને જમાત એ ઇસ્લામી, એક ઇસ્લામિક રાજકીય પાર્ટી, વચ્ચે મુકાબલો છે. જમાત એ ઇસ્લામીએ વિદ્યાર્થી આંદોલનમાંથી ઉભરી આવેલી એક પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.

લોકો નવી સરકાર માટે મતદાન કરી રહ્યા છે અને સાથે જ બંધારણમાં ફેરફાર માટેના જનમતમાં પણ ભાગ લઈ રહ્યા છે.

રાજુ કરપડા : આપ છોડ્યા બાદ આ ખેડૂત નેતા આજે કેમ કરી રહ્યા છે પ્રેસ કૉન્ફરન્સ?

બીબીસી ગુજરાતી આમ આદમી પાર્ટી રાજુ કરપડા

ઇમેજ સ્રોત, Raju Karpada/FB

ખેડૂત આગેવાન રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી આશ્ચર્યજનક રીતે રાજીનામું આપી દીધા પછી આજે તેઓ રાજકોટમાં એક પત્રકાર પરિષદ કરવાના છે જેમાં અટકળો છે કે તેઓ આપ છોડવાનાં કારણો જણાવશે.

બીબીસીના સહયોગી સચીન પીઠવાના અહેવાલ પ્રમાણે રાજુ કરપડા પોતાના રાજીનામા પાછળનાં કારણો વિશે મીડિયાને જણાવશે.

સચીન પીઠવાના અહેવાલ મુજબ રાજુ કરપડાના સ્વજનોએ મીડિયાને જણાવ્યું હતું કે તાજેતરમાં બોટાદના ખેડૂત આંદોલન પછી રાજુ કરપડાએ જેલ જવું પડ્યું હતું, તે દરમિયાન તેમને આપમાંથી યોગ્ય સમર્થન મળ્યું ન હોવાથી તેમણે રાજીનામાનો નિર્ણય લીધો હતો.

બુધવારે રાજુ કરપડાના સમર્થનમાં આપના કેટલાક આગેવાનોએ ચોટીલા નજીક એક ફાર્મ હાઉસમાં બેઠકો કરી હોવાના અહેવાલ છે.

સચીન પીઠવનાના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં આપના બીજા કાર્યકરો કે જે રાજુ કરપડાના સમર્થકો છે, તેઓ પણ તેમના સમર્થનમાં આપમાંથી રાજીનામા આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે કરપડાએ રાજીનામું આપ્યું ત્યાર પછી લગભગ આપના તમામ વરિષ્ઠ નેતાઓએ તેમના રાજીનામા પાછળ ભાજપ હોવાના આરોપ લગાવ્યા હતા. જોકે, ભાજપે આ આરોપો નકારી કાઢ્યા હતા. ત્યારે આજની રાજુ કરપડાની પ્રેસ કૉન્ફરન્સમાં આ મામલે પણ ખુલાસો થાય તેવી સંભાવના સચીન પીઠવાએ વ્યક્ત કરી હતી.

ટી20 વર્લ્ડકપ : નામિબિયાના કૅપ્ટને કહ્યું કે દિલ્હીમાં રાતે પ્રૅક્ટિસ કરવાની તક ન મળી

બીબીસી ગુજરાતી ભારત ટી-20 વર્લ્ડ કપ નામિબિયા

ઇમેજ સ્રોત, Getty Images

નામિબિયાના કૅપ્ટન જેરહાર્ડ ઇરાસ્મસે ભારત સાથે રમાનારી મૅચ અગાઉ પહેલી પ્રિ-મૅચ કૉન્ફરન્સમાં આરોપ લગાવ્યો છે કે ભારતીય ટીમને ‘કથિત અનુચિત લાભ’ અપાયો છે.

ઇરાસ્મસે મૅચના કાર્યક્રમ વિશે સવાલ કરતા કહ્યું કે, “દિલ્હીમાં ભારતને બે વખત રાતે પ્રૅક્ટિસ કરવાની તક મળી, જ્યારે નામિબિયાને એક પણ સત્ર ન મળ્યું.”

તેમણે જણાવ્યું કે “આ મૅચ અગાઉ અમને એક પણ રાતનું સેશન નથી મળ્યું. મને ખબર નથી કે શા માટે. મારું માનવું છે કે ભારતને બે રાતનાં સેશન મળ્યાં છે. તમે તેમાંથી જે નિષ્કર્ષ કાઢવો હોય તે કાઢી શકો છો.”

નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગ્રૂપ સ્ટેજમાં ટુર્નામેન્ટના સહ-મેજબાન અને હાલના ચૅમ્પિયન ભારત અને નામિબિયા વચ્ચે મૅચ છે.

કૅનેડાની શાળામાં ગોળીબારઃ 18 વર્ષીય કથિત હુમલાખોરની ઓળખ થઈ

બીબીસી ગુજરાતી કૅનેડા શાળા પોલીસ ગોળીબાર

ઇમેજ સ્રોત, Getty Images

કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક શાળામાં થયેલી ગોળીબારની ઘટનામાં આઠ લોકોનાં મોત થયાં છે અને કેટલાકને ઈજા થઈ છે. આ અંગે પોલીસે 18 વર્ષીય એક વ્યક્તિની શંકમંદ તરીકે ઓળખ કરી છે.

પોલીસે કહ્યું છે જેસી વેન રુટસેલર ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના શરીર પર પોતાને ગોળી મારવાના નિશાન હતા. હુમલા પાછળનો હેતુ હજુ જાણી શકાયો નથી.

ટમ્બલર રિઝ સેકન્ડરી સ્કૂલમાં છ લોકોનાં મોત થયાં અને ઓછામાં ઓછા બીજા 25ને ઈજા થઈ હતી. બીજા બે લોકો નજીકના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમાં શકમંદ હુમલાખોરનાંં 39 વર્ષીય માતા અને 11 વર્ષીય સાવકો ભાઈ પણ સામેલ છે.

અધિકારીઓએ કહ્યું કે “વેન રુટસેલર જન્મથી પુરુષ હતા, પરંતુ પોતાની ઓળખ મહિલા તરીકે આપતાં હતાં.”

રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસના ડેપ્યુટી કમિશનર ડ્વેન મૅકડૉનાલ્ડે જણાવ્યું કે “હું કહી શકું કે તેઓ પુરુષ તરીકે પેદા થયા હતા, જેમણે લગભગ છ વર્ષ અગાઉ મહિલા તરીકે બદલાવની પ્રક્રિયા શરૂ કરી હતી.”

અધિકારીઓના માનવા પ્રમાણે આ ઘટનામાં બીજા કોઈ શકમંદનો હાથ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS