Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
6 કલાક પહેલા
વાંચવાનો સમય: 4 મિનિટ
વર્લ્ડકપમાં કાયમ મોટા ઊલટફેર કરવા જાણીતી અફઘાનિસ્તાનની ટીમે જાણે આજે ફરી વખત તેની તાકાતનો પરચો વિશ્વ ક્રિકેટને આપ્યો હતો.
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે અમદાવાદમાં રમાયેલી વર્લ્ડકપની 13મી મૅચે બે ઘડી લોકોને તમામ કામ પડતું મૂકી મૅચ જોવા મજબૂર કરી દીધા હતા.
મૅચ ટાઈ થવી અને સુપર ઓવર એ હવે ટી-20 મૅચમાં સામાન્ય બની ગયું છે, પરંતુ આ મૅચ ટાઈ તો થઈ, સુપર ઓવર પણ થઈ અને એ પણ ટાઈ થઈ, તથા બીજી સુપર ઓવર રમાઈ અને તેના પણ છેક છેલ્લા બૉલ સુધી એ નક્કી થઈ શક્યું નહોતું કે કોણ જીતશે અને સૌના શ્વાસ થંભી ગયા હતા.
188 રનના પડકારનો પીછો કરવા ઊતરેલી અફઘાનિસ્તાનની ટીમે કેવી રીતે જોરદાર લડત આપી અને મૅચ રોમાંચક બની ગઈ?
19મી ઓવરના પહેલા બૉલે જ મૅચ પૂરી થઈ ગઈ હતી!
ઇમેજ સ્રોત, Getty Images
188 રનના પડકારનો પીછો કરી રહેલા અફઘાનિસ્તાનને જીત માટે છેલ્લી ઓવરમાં 13 રન કરવાના હતા.
સ્ટ્રાઇક પર નૂર અહમદ હતા અને કાગિસો રબાડા બૉલિંગ કરી રહ્યા હતા. પહેલા જ બૉલે કવર પર નૂર અહમદનો કૅચ ઝડપાઈ ગયો અને દક્ષિણ આફ્રિકાએ ઉજવણી ચાલુ કરી દીધી.
મૅચ ત્યાં જ પૂર્ણ થઈ જવાની હતી, પરંતુ રબાડાનો પગ લાઇનની બહાર હોવાથી અમ્પાયરે નો-બૉલ જાહેર કર્યો.
ત્યાર બાદ ફ્રી હિટમાં રન ન મળ્યો અને વાઇડ બાદ અફઘાનિસ્તાનને જીતવા માટે પાંચ બૉલમાં 11 રન કરવાના હતા.
નૂર અહમદે છગ્ગો ફટકાર્યો અને પછી ચાર બૉલમાં માત્ર પાંચ રન કરવાના હતા.
અફઘાનિસ્તાનને બે બૉલમાં ત્રણ રન કરવાના હતા. એ સમયે રન લેતી વખતે એક રન ઓછો પડ્યો અને ફઝલહક ફારૂકી નાટકીય રીતે રન-આઉટ થઈ ગયા.
મૅચ ટાઈ થઈ. અફઘાનિસ્તાન પણ 19.4 ઑવરમાં 187 રન જ બનાવી શક્યું અને ઑલઆઉટ થઈ ગયું.
સુપર ઓવર પણ ટાઈ થઈ
ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાન તરફથી અઝમત અને ગુરબાઝ બૅટ્સમૅન હતા અને દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડી બૉલિંગ કરી રહ્યા હતા.
- બૉલ 1 – અઝમતે ચોગ્ગો ફટકાર્યો
- બૉલ 2 – અઝમતે છગ્ગો ફટકાર્યો
- બૉલ 3- અઝમત એક જ રન લઈ શક્યા
- બૉલ 4- સ્ટ્રાઇક પર ગુરબાઝ આવ્યા અને એક જ રન લઈ શક્યા
- બૉલ 5- અઝમતે ચોગ્ગો ફટકાર્યો
- બૉલ 6- અઝમતે એક રન લીધો
અફઘાનિસ્તાને સુપર ઓવરમાં આ રીતે 17 રન કર્યા અને દક્ષિણ આફ્રિકાને 18 રન કરવાના હતા. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી બૉલિંગ કરી રહ્યા હતા અને દક્ષિણ આફ્રિકા તરફથી મિલર અને બ્રુઇસ બેટિંગ કરવા માટે ઊતર્યા હતા.
- બૉલ 1 – મિલર માત્ર એક જ રન લઈ શક્યા
- બૉલ 2 – બ્રુઇસે છગ્ગો ફટકાર્યો, સૌથી લાંબી બાઉન્ડરી વટાવી 97 મીટરની સિક્સ
- બૉલ 3- બ્રુઇસ કૅચઆઉટ થઈ ગયા
- બૉલ 4- સ્ટબ્સ બેટિંગ કરવા આવ્યા અને ચોગ્ગો ફટકાર્યો
- બૉલ 5- ડોટ બૉલ
- બૉલ 6- છગ્ગો ફટકાર્યો અને સુપર ઑવર પણ ટાઈ થઈ
બીજી સુપર ઓવર થઈ, તેમાં પણ છેલ્લા બૉલ સુધી રોમાંચ
ઇમેજ સ્રોત, Getty Images
એક જ સુપર ઑવરથી જાણે આ મૅચનો રોમાંચ પૂરો થવાનો નહોતો. અમદાવાદના સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો સહિત વિશ્વભરના ક્રિકેટચાહકોનો શ્વાસ થંભેલો હતો. આ વખતે દક્ષિણ આફ્રિકા બેટિંગ કરવાનું હતું.
અઝમતના હાથમાં બૉલ હતો અને મિલર અને સ્ટબ્સ બેટિંગ કરવા ઊતર્યા.
- બૉલ 1 – સ્ટબ્સે છગ્ગો ફટકાર્યો
- બૉલ 2 – માત્ર એક જ રન લઈ શક્યા
- બૉલ 3- સ્ટ્રાઇક પર મિલર, માંડ બે રન લઈ શકાયા
- બૉલ 4- મિલરે છગ્ગો ફટકાર્યો
- બૉલ 5- મિલરે ફરી છગ્ગો ફટકાર્યો
- બૉલ 6- બે રન આવ્યા
આ સુપર ઓવરમાં પહેલી સુપર ઓવર કરતાં પણ વધારે 23 રન થયા અને અફઘાનિસ્તાનને 24 રનનો પ્રમાણમાં કઠણ ટાર્ગેટ મળ્યો, પરંતુ અફઘાનિસ્તાનની ટીમ જાણે કે આ રમતને પોતાના હાથમાંથી જવા દેવા ઇચ્છતી નહોતી.
દક્ષિણ આફ્રિકાએ જુગાર ખેલ્યો અને સ્પિનર કેશવ મહારાજને બૉલિંગ આપી. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબી અને અઝમત ક્રીઝ પર હતા.
- બૉલ 1 – સ્ટ્રાઇક પર નબી, એક પણ રન નહીં
- બૉલ 2 – નબી કૅચઆઉટ
- બૉલ 3- ગુરબાઝે છગ્ગો ફટકાર્યો
- બૉલ 4- ગુરબાઝે છગ્ગો ફટકાર્યો
- બૉલ 5- ગુરબાઝે છગ્ગો ફટકાર્યો
- બૉલ 6- વાઇડ અને પછી કૅચઆઉટ
ચાર બૉલમાં 24 રન કરવાના બાકી હતા ત્યારે પણ અફઘાનિસ્તાનના ગુરબાઝે ત્રણ છગ્ગા ફટકાર્યા અને જાણે કે તેઓ ચોથો છગ્ગો ફટકારવાના જ હતા, પરંતુ એવું ન થઈ શક્યું અને અંતે દક્ષિણ આફ્રિકાએ બીજી સુપર ઓવરના છેલ્લા બૉલે મૅચ જીતી.
ગુરબાઝ રહ્યા મૅચના ‘હીરો’
ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાને ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી અને દક્ષિણ આફ્રિકાએ પહેલી બેટિંગ કરતી વખતે 187 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કૉકના 59 રન, રયાન રિકલ્ટનના 61 રનની મદદથી આ સ્કોર શક્ય બન્યો હતો.
અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ત્રણ વિકેટ ઝડપી હતી.
188 રનના પડકારનો પીછો કરતી વખતે અફઘાનિસ્તાનના ઓપનર રહમનુલ્લાહ ગુરબાઝે ઝંઝાવાતી શરૂઆત કરી હતી અને 42 બૉલમાં 84 રન ફટકાર્યા હતા. તેમણે સાત છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.
ગુરબાઝે ત્યાર બાદ બીજી સુપર ઓવરમાં પણ ધમાલ મચાવી હતી અને દક્ષિણ આફ્રિકાના ચાહકોના શ્વાસ ત્રણ છગ્ગા ફટકારીને અધ્ધર કરી દીધા હતા.
લુંગી એનગિડીએ ચાર ઑવરમાં 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હોવાથી તેમને પ્લૅયર ઑફ ધી મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



