Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Sarfuddin/BBC
(નોંધ: આ કહાણીના કેટલોક ભાગ તમને વિચલિત કરી શકે છે.)
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એક પૉશ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીથી ગુમ થયેલા એક ઉદ્યોગપતિનું ધડ તેના જ ઘરના ડ્રમમાંથી મળી આવ્યું હતું. મૃતદેહના ઘણા ટુકડા કરી દેવામાં આવ્યા હતા, તેમજ કેટલાક ટુકડા શહેરના એક ભાગમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
માનવેન્દ્ર પ્રતાપસિંહ 49 વર્ષની વયના હતા. તેઓ મૂળ જાલૌનના રહેવાસી હતા અને લખનઉમાં વ્યવસાય કરતા હતા.
પોલીસે હત્યાના સંબંધમાં તેમના પુત્ર, 21 વર્ષીય અક્ષત પ્રતાપસિંહની ધરપકડ કરી છે.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ વિક્રાંત વીરે જણાવ્યું હતું કે, “અક્ષત પ્રતાપસિંહે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરીએ તેનો તેના પિતા સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ તેણે તેના પિતાને ગોળી મારી દીધી.”
પોલીસે આ કેસમાં નોંધાયેલી એફઆઇઆરની વિગતો શૅર કરી નથી પરંતુ એક નિવેદનમાં જણાવ્યું છે કે “આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે તેમજ જરૂરી તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.”
‘ગોળી મારી, શરીરના ટુકડા કરી નાખ્યા’
ઇમેજ સ્રોત, Sarfuddin/BBC
લખનઉ ઍરપૉર્ટ નજીક રહેણાક વિસ્તારમાં 49 વર્ષીય માનવેન્દ્ર પ્રતાપસિંહની તેમના ત્રણ માળના ઘરમાં હત્યા કરવામાં આવી.
આશિયાના પોલીસ સ્ટેશનના એસએચઓ છત્રપાલસિંહે જણાવ્યું હતું કે, “આરોપીએ તેના પિતાની લાઇસન્સવાળી રાઇફલથી ગોળી મારી હતી, જે જપ્ત કરવામાં આવી છે.”
પોલીસના જણાવ્યા અનુસાર, માનવેન્દ્ર પ્રતાપસિંહ અને તેમનો પુત્ર, અક્ષત, જે બી.કોમ.નો વિદ્યાર્થી છે, તેમના વચ્ચે અભ્યાસને લઈને ઝઘડો ચાલતો હતો.
ડીસીપી સેન્ટ્રલ વિક્રાંત વીરે જણાવ્યું હતું કે, “આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે માનવેન્દ્રસિંહ તેમના પુત્ર પર નીટ (NEET એટલે કે મેડિકલ પ્રવેશ માટેની પરીક્ષા)ની તૈયારી કરવા અને તબીબી ક્ષેત્રમાં કૅરિયર બનાવવા માટે દબાણ કરી રહ્યા હતા. આ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે સતત તણાવ રહેતો હતો અને તેમની વચ્ચે ઘણીવાર સંઘર્ષ થતો હતો.”
આશિયાના પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 4:30 વાગ્યાની આસપાસ બંને વચ્ચે ફરી એક ઝઘડો થયો હતો.
વિક્રાંત વીરે જણાવ્યું, “ઝઘડા દરમિયાન, અક્ષતે કથિત રીતે તેના પિતા પર રાઇફલથી ગોળી મારી હતી. ત્યારબાદ તેણે મૃતદેહને ત્રીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લૉર પર લાવ્યો, તેને ખાલી રૂમમાં મૂક્યો અને તેના ટુકડા કરી નાખ્યા.”
પોલીસના જણાવ્યા અનુસાર, “આરોપીએ શરીરના ટુકડાઓ પ્લાસ્ટિકની થેલીઓમાં પૅક કર્યા હતા. તેના કેટલાક ભાગો લખનઉના સદરૌણા વિસ્તાર નજીક ફેંકવામાં આવ્યા હતા, જ્યારે બાકીના અવશેષો ઘરની અંદર વાદળી ડ્રમમાં રાખવામાં આવ્યા હતા.”
એસએચઓ છત્રપાલસિંહે બીબીસી હિન્દીને જણાવ્યું, “અમે શરીરના બધા ટુકડા મેળવી લીધા છે.”
તેમણે કહ્યું, “તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીને તેના પિતા સાથે અભ્યાસને લઈને ઘણીવાર વિવાદ થતો હતો.”
આરોપીએ 12માં ધોરણ સુધીનો અભ્યાસ લખનઉની એક જાણીતી શાળામાં કર્યો હતો અને હાલમાં તે બી.કોમ.નો અભ્યાસ કરી રહ્યો હતો.
ગુમ થવાથી હત્યા સુધી
ઇમેજ સ્રોત, Sarfuddin/BBC
લખનઉ સેન્ટ્રલ ડીસીપી વિક્રાંત વીરના જણાવ્યા અનુસાર, અક્ષતે 20 ફેબ્રુઆરીએ આશિયાના પોલીસ સ્ટેશનમાં તેના પિતા માનવેન્દ્ર પ્રતાપસિંહના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારથી, પોલીસ માનવેન્દ્રને શોધી રહી હતી. ત્યારબાદ, સ્થાનિક રહેવાસીઓએ તેના ઘરમાંથી તીવ્ર ગંધ આવતી હોવાની ફરિયાદ કરી.
માહિતી મળતાં, 23 ફેબ્રુઆરીના રોજ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘરની તપાસ કરી. શોધખોળ દરમિયાન, ગ્રાઉન્ડ ફ્લૉર પર એક રૂમમાં રાખેલા ડ્રમમાંથી લાશ મળી આવી હતી.
મૃતક માનવેન્દ્રસિંહને બે બાળકો છે: એક પુત્ર અક્ષત અને એક પુત્રી જે સ્થાનિક શાળામાં અભ્યાસ કરે છે.
માનવેન્દ્ર પ્રતાપસિંહના સંબંધીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અક્ષત પહેલા નીટ માટે કોચિંગ લેતો હતો પરંતુ બે વાર પરીક્ષા આપ્યા પછી પણ તે પાસ થઈ શક્યો ન હતો.
લખનઉની યુનિટી કૉલેજમાં મનોવિજ્ઞાનના સહાયક પ્રોફેસર શમસી અકબર કહે છે, “ઘરે સતત ઝઘડા, કૌટુંબિક દબાણ, ગુસ્સો કે લાંબા સમય સુધી ચાલતો તણાવ ક્યારેક હિંસા તરફ દોરી જતો હોય છે.”
તેઓ કહે છે, “અભ્યાસનું દબાણ કે બળજબરી પણ એક ટ્રિગરનું કારણ બની શકે છે, પરંતુ તે પોતે કોઈ ગંભીર માનસિક બીમારીની નિશાની નથી.”
તેમનું કહેવું છે, મનોવિજ્ઞાનમાં, આવા કિસ્સાઓને ઘણા સંભવિત કારણોના આધારે સમજવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, આવા કિસ્સાઓમાં કોઈ નક્કર નિષ્કર્ષ ફક્ત ડૉકટરો કે ક્લિનિકલ મનોવૈજ્ઞાનિકો દ્વારા વિગતવાર મૂલ્યાંકન પછી જ પહોંચી શકાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



