Home તાજા સમાચાર gujrati પાકિસ્તાન : ભારતનું રાષ્ટ્રગીત ગાનારા ચાર વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી, સ્ડુડન્ટે શું કહ્યું?

પાકિસ્તાન : ભારતનું રાષ્ટ્રગીત ગાનારા ચાર વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી, સ્ડુડન્ટે શું કહ્યું?

10
0

Source : BBC NEWS

પાકિસ્તાનમાં ભારતનું રાષ્ટ્રગાન, બાચા ખાન યુનિવર્સિટીમાં ચાર વિદ્યાર્થીઓની હકાલપટ્ટી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

‘મારા પિતાને ખબર નથી કે મને યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. માત્ર મારી અમ્મી આ વાત જાણે છે. મેં ઘરે આવીને એમને માત્ર એટલું જ કહ્યું છે કે આ વખતે હું રમજાનમાં ઘરે રહીશ.’

પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વા જિલ્લાના લોઅર દીરના મુરાદ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો. તેમની સાથે ત્રણ અન્ય વિદ્યાર્થી પણ હતા.

એ પછી તા. 13મી ફેબ્રુઆરીએ તેમને બાચા ખાન યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

એ વીડિયોમાં એક વિદ્યાર્થી ભારતનું રાષ્ટ્રગાન ગાઈ રહ્યો હતો, જ્યારે અન્ય કેટલાક વિદ્યાર્થી તેનો સાથ આપી રહ્યા હતા.

બીબીસીએ આના વિશે બાચા ખાન યુનિવર્સિટીના વહીવટી અધિકારીઓનો સંપર્ક સાધીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. વારંવાર પ્રયાસ કરવા છતાં આ અહેવાલ છપાયો, ત્યાર સુધી કોઈ જવાબ નહોતો મળ્યો.

વીડિયોમાં શું છે?

આ વીડિયો તા. 11મી ફેબ્રુઆરીના રોજ બાચા ખાન યુનિવર્સિટી ખાતે સાંજે ચારેક વાગ્યે ઊતારવામાં આવ્યો હતો. એક દિવસ પહેલાં જ યુનિવર્સિટીમાં યુવા મહોત્સવ સમાપ્ત થયો હતો.

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરી રહેલા જિબ્રાન રિયાજ ભારતનું રાષ્ટ્રગીત ગાઈ રહ્યા છે. ત્યારે તેમની સાથે ઊભેલા અન્ય કેટલાક વિદ્યાર્થી પણ તેમનો સાથ આપી રહ્યા છે.

વીડિયો વાઇરલ થયા બાદ તા. 13મી ફેબ્રુઆરીના રોજ બાચા ખાન યુનિવર્સિટીની શિસ્ત સમિતિની (ડિસિપ્લિનરી કમિટી) બેઠક મળી હતી. એ પછી નૉટિફિકેશન બહાર પાડીને ચાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી હઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નૉટિફિકેશનમાં જમાવ્યા પ્રમાણે, ‘જિબ્રાન રિયાઝ, સૈયદ કાતિબ શાહ, બશીર ખાન તથા મુરાદ ખાને અશાંતિ ફેલાવવા તથા રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડવાની દાનત સાથે ભારતના રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. તેમણે આ ઘટનાને રેકૉર્ડ કરીને તેને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર પણ કરી હતી.’

આ નૉટિફિકેશનમાં ચારેય વિદ્યાર્થીઓને હૉસ્ટેલના રૂમ ખાલી કરી દેવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા.

‘ખુલાસો કરવાની તક પણ ન આપી’

પાકિસ્તાનમાં ભારતનું રાષ્ટ્રગાન, બાચા ખાન યુનિવર્સિટીમાં ચાર વિદ્યાર્થીઓની હકાલપટ્ટી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Jibran Riaz/Social Media

વીડિયો વાઇરલ થયા બાદ જિબ્રાન રિયાઝ નામના વિદ્યાર્થીએ વધુ એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓ પોતાના કૃત્ય બદલ માફી માંગતા દેખાય છે.

તેમણે જણાવ્યું, “યૂથ ફેસ્ટિવલ માટે બધા વિદ્યાર્થી એકઠા થયા હતા. જે રીતે અમે મજાકમાં ભારતનાં ગીતો ગાતાં હોઈએ છીએ કે સાંભળીએ છીએ, એવી રીતે મેં રાષ્ટ્રગાન ગાયું. પછી મારા એક મિત્રે મને કહ્યું કે તારો વીડિયો વાઇરલ થઈ ગયો છે.”

જિબ્રાન રિયાઝના કહેવા પ્રમાણે, એ મજાક હતી.

જિબ્રાન રિયાઝના કહેવા પ્રમાણે, “પાકિસ્તાન અમારો પોતાનો દેશ છે. અમે તેની વિરુદ્ધ વિચારી પણ ન શકીએ ભારત અમારું દુશ્મન છે.”

બીજી બાજુ, યુનિવર્સિટીમાંથી હાંકી કઢાયેલા અન્ય એક વિદ્યાર્થી મુરાદ ખાનનું કહેવું છે કે, ‘એ ઘટના પછી અમને બોલાવવામાં આવ્યા હતા અને માત્ર એટલું કહેવામાં આવ્યું હતું કે અમે વીડિયોમાં દેખાઈ છીએ.’

મુરાદ ખાનના કહેવા પ્રમાણે, તેમને ખુલાસો કરવાની કે પોતાનો બચાવ કરવાની તક પણ નહોતી આપવામાં આવી. તેમને હાંકી કાઢવામાં આવ્યા હોવાની માહિતી તેમને નૉટિફિકેશન મારફત જ મળી હતી.

મુરાદ ખાને કહ્યું, “અમને સ્પષ્ટતા કરવાની તક પણ આપવામાં ન આવી. અમારી કારકિર્દી ખતમ કરી નાખવામાં આવી. અમે આગામી સેમેસ્ટર તથા હૉસ્ટેલની ફી પણ ઍડ્વાન્સમાં જમા કરાવી દીધી હતી.”

મુરાદ ખાને કહ્યું હતું, “મને અંદાજ પણ ન હતો કે આ પ્રકારની હરકતની આટલી મોટી સજા હોય શકે છે. જ્યારે રાષ્ટ્રગાન પૂરું થયું તો મેં માત્ર ‘જય હિંદ’ના નારાનો જવાબ આપ્યો હતો.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS