Home તાજા સમાચાર gujrati પાકિસ્તાન ભારતની સરહદે આવેલી મદરેસાઓને કેમ બંધ કરાવી રહ્યું છે?

પાકિસ્તાન ભારતની સરહદે આવેલી મદરેસાઓને કેમ બંધ કરાવી રહ્યું છે?

4
0

Source : BBC NEWS

પહલગામ હુમલો, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મદ્રેસાઓ બંધ કરાવાઈ , પર્યટકોના આગમન પર પ્રતિબંધ, નાગરિકોને પ્રાથમિક ઉપચાર તથા સિવિલ ડિફેન્સની તાલીમ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Yahya

પહલગામના હુમલામાં 26 લોકોનાં મૃત્યુ બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે, જેની સીધી અસર સરહદી વિસ્તારો પર જોવા મળી રહી છે.

ભારતની લાઇન ઑફ કંટ્રોલ પર આવેલી મદરેસાઓને બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર તથા પોલીસે આ આદેશનો અમલ કરાવ્યો હતો.

આ વિસ્તારમાં ઓછામાં ઓછી એક હજાર મદરેસા આવેલી છે, જેને 10 દિવસ માટે બંધ કરાવી દેવાઈ છે. જોકે, આ વિસ્તારમાં આવેલી સ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટી રાબેતા મુજબ ચાલુ છે.

સ્થાનિક વહીવટીતંત્ર એલઓસી પાસે આવેલી મદરેસાઓ બંધ જ રહે તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

આ સિવાય સરકારી આદેશમાં આ વિસ્તારમાં પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરમાં નિયંત્રણરેખા પાસે આવેલા વિસ્તારોમાં લોકોને હથિયાર ચલાવવાની, આત્મરક્ષાની તથા પ્રાથમિક ઉપચારની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.

પહલગામ હુમલો, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મદ્રેસાઓ બંધ કરાવાઈ , પર્યટકોના આગમન પર પ્રતિબંધ, નાગરિકોને પ્રાથમિક ઉપચાર તથા સિવિલ ડિફેન્સની તાલીમ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Yahya

અધિકારીઓના કહેવા પ્રમાણે, મુઝફ્ફરાબાદમાં ઇમર્જન્સી ફંડ ઊભું કરવામાં આવ્યું છે અને નિયંત્રણરેખા પાસેનાં ગામોમાં બે મહિના માટેનાં ભોજન-પાણી અને દવા સામગ્રી મોકલવામાં આવ્યાં છે.

મુઝફ્ફરાબાદમાં રેડ ક્રિસેન્ટનાં વડાં ગુલઝાર ફાતિમાએ ન્યૂઝ એજન્સી રૉઇટર્સને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પ્રવર્તમાન તણાવને જોતા, પ્રાથમિક આરોગ્યસેવા સાથે જોડાયેલા લોકો તથા અન્ય કર્મચારીઓને આ વિસ્તારમાં તહેનાત કરી દેવાયા હતા.

ગુલઝાર ફાતિમાના કહેવા પ્રમાણે, ભારત સૈન્યકાર્યવાહી કરે તો નિયંત્રણરેખા તથા તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો મોટા પાયે પલાયન કરે તેવી આશંકા છે, એટલે અમારું સંગઠન ઓછામાં ઓછા 500 લોકોને આશરો આપી શકાય એવી રાહત છાવણી ઊભી કરી રહ્યું છે.

શા માટે મદરેસાઓ બંધ કરાવાઈ રહી છે?

પહલગામ હુમલો, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મદ્રેસાઓ બંધ કરાવાઈ , પર્યટકોના આગમન પર પ્રતિબંધ, નાગરિકોને પ્રાથમિક ઉપચાર તથા સિવિલ ડિફેન્સની તાલીમ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Reuters

પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરના પૂંછ જિલ્લાના હજીરા વિસ્તારમાં આવેલી જામિયા મદીના અરબિયા મદરેસાને સ્થાનિક વહીવટીતંત્રના આદેશ બાદ 10 દિવસ માટે બંધ કરી દેવાઈ છે. આ મદરેસા એલઓસીથી નવ કિલોમીટરના અંતરે આવેલી છે.

આ મદરેસામાં 200થી વધુ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓને ગુરુવારે તાત્કાલિક અસરથી તેમના ઘરે મોકલી દેવાયા હતા.

ઉપરોક્ત મદરેસાના વડા મૌલવી ગુલામ શાકિરના કહેવા પ્રમાણે, અસામાન્ય સ્થિતિને જોતા સ્થાનિક સરકારે મદરેસાને બંધ કરી દેવા કહ્યું હતું.

જ્યારે મૌલવી ગુલામ સ્થાનિક વહીવટીતંત્રને પૂછ્યું કે શું સ્કૂલ-કૉલેજ પણ બંધ કરાવાઈ છે? ત્યારે તેમને જવાબ મળ્યો હતો કે ભારતની સંભવિત કાર્યવાહીમાં મદરેસાઓને સહેલાઈથી નિશાન બનાવી શકાય એમ હોવાથી તેમને બંધ કરાવાઈ છે.

મૌલવી ગુલામ શાકિરે સરકારી એજન્સીઓને ટાંકતા કહ્યું હતું કે સ્કૂલ-કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ મોટા ભાગે ત્યાં નથી રહેતા, પરંતુ મદરેસાના વિદ્યાર્થીઓ ત્યાં જ નિવાસ કરતા હોવાથી તેમના પર જોખમ વધુ છે.

તેઓ કહે છે, “અમારી મદરેસા નિયંત્રણરેખા પાસે છે. આ પહેલાં વર્ષ 2019માં અથડામણો દરમિયાન અમારી મદરેસા પાસે ગોળા પડ્યા હતા, પરંતુ એ સમયે અમને કોઈ નુકસાન નહોતું થયું.”

મૌલવી ગુલામ શાકિરે જણાવ્યું, “જો ભારત દ્વારા સરહદ પર ભારે હથિયારોથી ગોળીબાર કરવામાં આવે, તો અમારી મદરેસાને તેની અસર થાય એમ હતી, એટલે અમે મદરેસાઓને બંધ કરવાના આદેશનું પાલન કર્યું.”

વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોને લઈ જતી બસ પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 40થી વધુ જવાન મૃત્યુ પામ્યાં હતાં. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

એ પછી ભારતીય વાયુદળના ફાઇટર જેટે પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો.

ભારત સરકારે કહ્યું હતું કે તેણે જૈશ-એ-મોહમ્મદનાં તાલીમ કેન્દ્રનો નાશ કર્યો હતો તથા અનેક ‘આતંકવાદી’ માર્યા ગયા હતા.

‘અમે બંકરોમાં આશરો લઈએ છીએ’

પહલગામ હુમલો, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મદ્રેસાઓ બંધ કરાવાઈ , પર્યટકોના આગમન પર પ્રતિબંધ, નાગરિકોને પ્રાથમિક ઉપચાર તથા સિવિલ ડિફેન્સની તાલીમ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

એલઓસીની બીજી બાજુ ચકોઠી સેક્ટરમાં લોકોએ ભારત-પાકિસ્તાન તણાવને જોતા પોતાનાં ઘરોમાં જ બંકર બનાવી લીધાં છે. આ સેક્ટર શ્રીનગરથી માત્ર 100 કિલોમીટરના અંતરે આવેલું છે.

22 વર્ષીય ફૈઝાન ઇનાયતે રૉઇટર્સને જણાવ્યું, “ગોળીબાર શરૂ થાય છે કે અમે બંકરોમાં જતા રહીએ છીએ.”

બંને દેશો વચ્ચેના તાજેતરના તણાવ બાદ એલઓસી પર તણાવ પ્રવર્તી રહ્યો છે અને બંને દેશો વચ્ચે ગોળીબાર ચાલુ છે.

બીજી બાજુ, લીપા ઘાટીના તાલુકા વહીવટીતંત્રે સંભવિત પરિસ્થતિને પહોંચી વળવા માટે સ્વયંસેવકોને પ્રાથમિક ચિકિત્સાની તાલીમ આપી હતી.

આવા જ એક સ્વયંસેવક ઉમર મોહમ્મદે કહ્યું, “અમને ખબર છે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમદિવસે, ભારત સાથે યુદ્ધ થશે. આ યુદ્ધ સંભવતઃ નિયંત્રણરેખા પાસે થશે અને અમારા વિસ્તારને અસર થશે. એટલે મેં તથા મારા મિત્રોએ આ તાલીમ લેવાનું નક્કી કર્યું.”

નીલમ ઘાટીમાંથી પર્યટકોનું પલાયન

પહલગામ હુમલો, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મદ્રેસાઓ બંધ કરાવાઈ , પર્યટકોના આગમન પર પ્રતિબંધ, નાગરિકોને પ્રાથમિક ઉપચાર તથા સિવિલ ડિફેન્સની તાલીમ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Yahya

માનવામાં આવે છે કે આ ક્ષેત્રના અન્ય વિસ્તારોની સરખામણીમાં નીલમ ઘાટીમાં સૌથી વધુ પર્યટક આવે છે. ગત વર્ષના એપ્રિલ મહિનાના અંત ભાગથી મે મહિનાની શરૂઆત દરમિયાન નિયંત્રણરેખા પાસે આવેલી નીલમ ઘાટીના છેવાડાના ગામ તૌબાતમાં મોટી સંખ્યામાં પર્યટકો ઊમટી પડ્યા હતા.

આ વર્ષે પણ એપ્રિલ મહિનાના અંત ભાગમાં પર્યટકો તૌબાત આવ્યા હતા, પરંતુ ભારત દ્વારા હુમલાની શક્યતાને જોતા પ્રવાસીઓને પરત જવા કહેવાયું હતું.

નિસાર અહમદ તેમનાં પત્ની નસરીન અને બાળકો બ્રિટનથી પાકિસ્તાન આવ્યાં હતાં. નિસારે તેમનાં બાળકોને નીલમ ઘાટી અને આજુબાજુના વિસ્તારોમાં ફેરવવાનો વાયદો કર્યો હતો, પરંતુ હવે તેઓ નિરાશ છે.

નિસાર અહમદ કહે છે કે પહેલી મેના રોજ અમને નીલમ ઘાટીમાં કહેવામાં આવ્યું કે જો અમે તાત્કાલિક પરત ફરી જઈએ, તો સારું રહેશે.

નિસાર અહમદ કહે છે, “અમે નિરાશ થઈને પરત ફર્યાં છીએ. મને અને મારાં બાળકોને ફરીથી નીલમ ઘાટી જોવા મળશે કે નહીં, તેની ખબર નથી.”

મોહમ્મદ યાહ્યા શાહ તૌબાત હોટલ ઍન્ડ ગેસ્ટહાઉસ ઍસોસિયેશનના વડા છે. તેમનું કહેવું છે કે તૌબાત તથા નીલમ ઘાટીના લોકો માટે પર્યટન જ આજીવિકાનો મુખ્ય સ્રોત છે.

તેઓ કહે છે કે હજુ બે દિવસ પહેલાં સુધી અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા હતા, પરંતુ હવે તૌબાત અને નીલમ ઘાટીમાંથી પર્યટકો પલાયન કરી ગયા છે.

મોહમ્મદ શાહના કહેવા પ્રમાણે, પર્યટકો નથી આવતા અને આ પ્રતિબંધ હંગામી છે. પરિસ્થિતિ સુધરશે એટલે તેમને ફરીથી આવવાની મંજૂરી આપવામાં આવશે.

તેઓ જણાવે છે કે મે મહિના માટે લગભગ તમામ ગેસ્ટહાઉસ અને હોટલ અડધોઅડધ બુક થઈ ગયાં હતાં. હવે જ્યારે પર્યટકોના આગમન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, ત્યારે તેનું શું થાય છે તે જોવું રહ્યું.

વહીવટીતંત્રનું શું કહેવું છે?

પહલગામ હુમલો, પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મદ્રેસાઓ બંધ કરાવાઈ , પર્યટકોના આગમન પર પ્રતિબંધ, નાગરિકોને પ્રાથમિક ઉપચાર તથા સિવિલ ડિફેન્સની તાલીમ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Yahya

સ્થાનિક તંત્રના પ્રવક્તા પીર મઝહર સઇદ શાહે બીબીસીને જણાવ્યું કે ભારતના સંભવિત આક્રમણથી કોઈ ડરેલું નથી, પરંતુ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે લોકો તૈયાર છે.

શાહે કહ્યું કે સ્કૂલ-કૉલેજ ચાલુ છે, પરંતુ ભારતના સંભવિત હુમલાને જોતા કેટલીક મદરેસા બંધ કરાવી દેવાઈ છે તથા અન્યોને બંધ કરાવવા અંગે વિચારણા ચાલી રહી છે. આ અંગે વેળાસર નિર્ણય લઈ લેવાશે.

પીર મઝહર સઇદ શાહનું કહેવું છે કે આ ડરને કારણે જ પર્યટકોને કેટલાક દિવસ માટે અહીં આવતા અટકાવવામાં આવ્યા છે. તેમના કહેવા પ્રમાણે, 27 અને 28 એપ્રિલના લગભગ એક હજાર 250 પર્યટક નીલમ ઘાટી જોવા આવ્યા હતા.

તેઓ કહે છે, “આ આંકડો ખૂબ મોટો છે. તે દર્શાવે છે કે લોકો ભયભીત નથી. જોકે, ભારતની ધમકીઓને પગલે સાવચેતીના પગલારૂપે લોકોને આવતા અટકાવવામાં આવ્યા છે. જે લોકો પહેલાંથી જ આ પર્યટકસ્થળોએ આવી ગયા હતા, તેમને નીકળવા માટે નથી કહેવાયું.”

શાહે દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ પ્રવર્તે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS