Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ એક કલાક પહેલા
જમ્મુ-કાશ્મીરમાં પહલગામ હુમલા પછી ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાની હિંદુઓના લૉંગ ટર્મ વિઝા (એલટીવી) અંગે સ્પષ્ટતા જારી કરી છે.
મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન પ્રમાણે, “જે વિઝાને રદ કરવાની વાત કરાઈ છે, તે પાકિસ્તાનના હિંદુ નાગરિકોને પહેલેથી આપવામાં આવેલા એલટીવી પર લાગુ નહીં થાય. આ વિઝા હજુ પણ માન્યતાપ્રાપ્ત છે.”
આ અગાઉ વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બુધવારે જણાવ્યું હતું કે, “હવે પાકિસ્તાની નાગરિકો સાર્ક વિઝા મુક્તિ યોજના (એસવીઇએસ) હેઠળ જારી થયેલા વિઝાના આધારે ભારતની યાત્રા નહીં કરી શકે.”
તેમણે કહ્યું હતું કે “એસવીઇએસ હેઠળ પાકિસ્તાની નાગરિકોને અગાઉ જારી કરાયેલા વિઝા રદ ગણવામાં આવશે. એસવીઇએસ હેઠળ જે પાકિસ્તાની નાગરિકો ભારતમાં છે, તેમણે 48 કલાકમાં ભારત છોડવું પડશે.”
ગયા મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ચરમપંથી હુમલા પછી ભારત દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં અને કેટલાયને ઈજા થઈ હતી.
ગાઝામાં ઇઝરાયલી હુમલામાં ઓછામાં કમસે કમ 50 લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
ગાઝા પટ્ટીમાં ગુરુવારે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 50 પેલેસ્ટાઈનવાસીઓ માર્યા ગયા છે.
ગાઝાના આરોગ્ય અધિકારીઓ અને રાહત કર્મચારીઓએ આ માહિતી આપી હતી.
એક સ્થાનિક અદાલતે જણાવ્યું કે ઉત્તર ગાઝાના જબાલિયા શહેરમાં બજાર વિસ્તારમાં એક પોલીસ સ્ટેશન પર સવારે મિસાઇલ પડી હતી જેમાં નવ લોકોનાં મોત થયાં હતાં.
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ જણાવ્યું કે જબાલિયામાં હમાસ અને તેના સહયોગી પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદના કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો છે.
ઇઝરાયલનું કહેવું છે કે આ જગ્યાનો ઉપયોગ હુમલાની યોજના બનાવવા માટે થતો હતો.
ત્યાર પછી હમાસ દ્વારા સંચાલિત સિવિલ ડિફેન્સ એજન્સીએ જણાવ્યું કે જબાલિયાના અર્દ હલાવા વિસ્તારમાં એક પરિવાર પર બૉમ્બમારો થયો જેમાં 12 લોકો માર્યા ગયા હતા.
જોકે, આઇડીએફે કહ્યું કે તે આ રિપોર્ટની સમીક્ષા કરે છે. બીજા વિસ્તારોમાં પણ અલગ-અલગ જગ્યા પર 29 લોકો માર્યા ગયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS