Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 2 કલાક પહેલા
મંગળવારે બંદૂકધારીઓએ જમ્મુ-કાશ્મીરના પર્યટનસ્થળ પહલગામ ખાતે 26 લોકોની હત્યા કરી હતી, જેના પગલે ફરી એક વખત આ વિસ્તાર ઉપર ધ્યાન કેન્દ્રિત થયું છે.
પહલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતની કાર્યવાહીના જવાબમાં હવે પાકિસ્તાને પણ કેટલાંક પગલાં લેવાની જાહેરાત કરી છે.
વડા પ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં ગુરુવારે ઇસ્લામાબાદમાં નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે.
આમાં ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને મોકૂફ કરવા, હવાઈક્ષેત્ર તથા વાઘા સરહદને તાત્કાલિક અસરથી બંધ કરવી તથા વેપારને મોકૂફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
તેમજ પાકિસ્તાને 1972ના શિમલા કરારને સ્થગિત કરવાની પણ જાહેરાત કરી છે. અગાઉ ભારતે સિંધુ જળ સંધિને રોકવાની જાહેરાત કરી હતી.
ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રદેશને લઈને તણાવ રહ્યો છે. બંને દેશ આ મુસ્લિમબહુલ વિસ્તાર પર પોતાનો દાવો કરે છે, પરંતુ આંશિક વિસ્તાર ઉપર જ પ્રભુત્વ ધરાવે છે.
આ પ્રદેશનો અમુક ભાગ ચીનના પ્રભુત્વ હેઠળ પણ છે. તે વિશ્વના ટોચના ‘મિલિટ્રાઇઝ્ડ ઝોન’માંથી એક છે.

વર્ષ 2019માં ભારતીય સંસદે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણીય જોગવાઈને નાબૂદ કરી દીધી હતી અને આ વિસ્તારને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગમાં વિભાજિત કરી દીધો હતો.
એ પછીથી ભારત સરકારે સતત દાવો કર્યો છે કે આ પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ સુધરી છે અને ભારત સામે બળવાખોરી ઘટી છે.
જોકે, મંગળવારના હિંસક હુમલા બાદ ટીકાકારો ભારત સરકારના દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

વર્ષ 1947માં ભારત અને પાકિસ્તાનને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી. એ સમયે તત્કાલીન રાજવીઓને વિકલ્પ આપવામાં આવ્યો હતો કે તેઓ ઇચ્છે તો બંનેમાંથી કોઈ દેશ સાથે જોડાઈ શકે છે.
એ સમયે મુસ્લિમબહુલ કાશ્મીરના મહારાજા હરિસિંહ હતા, જેઓ પોતે હિંદુ હતા. ભૌગોલિક રીતે કાશ્મીર બંને દેશોની વચ્ચે આવેલો વિસ્તાર છે. આ સ્થિતિમાં હરિસિંહ કોઈ નિર્ણય લઈ ન શક્યા.
તેમણે પાકિસ્તાન સાથે પરિવહન તથા અન્ય સેવાઓ મુદ્દે ‘યથાસ્થિતિ’ જાળવી રાખવાના વચગાળાના કરાર કર્યા.
મહારાજા હરિસિંહની ઢીલ કરવાની નીતિ તથા કાશ્મીરમાં મુસ્લિમો પર હુમલાના અહેવાલોને પગલે ઑક્ટોબર-1947માં પાકિસ્તાનના કબીલાઈઓએ કાશ્મીર પર ચઢાઈ કરી. એ સમયે મહારાજાએ ભારતીય સેના પાસે સહાય માગી.
ભારતના ગવર્નર-જનરલ લૉર્ડ માઉન્ટબેટનને લાગતું હતું કે જો કાશ્મીર હંગામી ધોરણે ભારત સાથે જોડાઈ જાય, તો ત્યાં શાંતિ સ્થપાઈ જશે અને જનમત સંગ્રહથી કાયમી સ્થિતિ નક્કી થાય.
એ જ મહિનામાં હરિસિંહે ભારત સાથે જોડાણના દસ્તાવેજ પર સહી કરી અને વિદેશ-સૈન્ય બાબતોમાં નિર્ણય લેવાની સત્તા ભારતને સોંપી.
ભારતીય સેનાએ લગભગ બે-તૃતીયાંશ ભાગ પર કબજો કરી લીધો અને પાકિસ્તાને ઉત્તરના બાકીના ભાગ પર કબજો મેળવ્યો. 1950ના દાયકા દરમિયાન ચીને આ પ્રદેશના પૂર્વીય ભાગ ઉપર આધિપત્ય મેળવ્યું. જે અક્સાઈ ચીન તરીકે ઓળખાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા અનેક દાયકાથી આ સ્થિતિમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નથી થયો. વધુમાં, અમુક કાશ્મીરીઓ ત્રીજો વિકલ્પ ઇચ્છે છે, સ્વતંત્રતા. જેના માટે ભારત કે પાકિસ્તાન તૈયાર નથી.
કાશ્મીર મુદ્દે બંને દેશો વચ્ચે વર્ષ 1947-48 તથા 1965માં યુદ્ધ થયાં છે. શિમલા કરારને પગલે બંને દેશો વચ્ચે લાઇન ઑફ કંટ્રોલનું નિર્ધારણ થયું, પરંતુ તેના કારણે ભવિષ્યમાં થનાર સંઘર્ષ અટક્યા નહીં. સિયાચીન અને વર્ષ 1999માં સંઘર્ષ થયા. વર્ષ 2002માં ફરી એક વખત ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર પહોંચી ગયા હતા.
1989માં કાશ્મીરમાં ઇસ્લામિકોના નેતૃત્વમાં સત્તાવિરોધી સંઘર્ષ શરૂ થયો, જેના કારણે સ્થિતિ વધુ જટિલ બની ગઈ. બળવાખોરી પ્રવૃત્તિને ડામવા માટે ભારતીય સેનાને વિવાદાસ્પદ આર્મ્ડ ફૉર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ (આફસ્પા) હેઠળ વધારાની સત્તાઓ આપવામાં આવી.
કાશ્મીરમાંથી આ કાયદાને હઠાવી લેવા માટે અનેક વખત સમીક્ષા થઈ છે, છતાં હજુ તે જમ્મુ-કાશ્મીરમાં લાગુ છે.

1846 – રજવાડા તરીકે જમ્મુ-કાશ્મીર અસ્તિત્વમાં આવ્યું
1947- ’48 – પાકિસ્તાની કબીલાઈઓના હુમલા બાદ કાશ્મીરના મહારાજાએ ભારત સાથે જોડાણની સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા. જમ્મુ-કાશ્મીર ઉપર પ્રભુત્વ મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું.
1949 – ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનું વિભાજન થયું અને સંઘર્ષવિરામ માટેની નિયંત્રણ રેખા નક્કી થઈ
1962 – અક્સાઈ ચીન પર પ્રભુત્વ મુદ્દે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું, જેમાં ભારતનો પરાજય થયો
1965 – જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બાદ સંઘર્ષવિરામ
કાશ્મીરમાં રાષ્ટ્રવાદ – જમ્મુ-કાશ્મીર લિબ્રૅશન ફ્રન્ટની સ્થાપના થઈ. જેનો હેતુ ભારતપ્રશાસિત કાશ્મીર તથા પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરને એક કરીને નવા સ્વતંત્ર દેશની સ્થાપના કરવાનો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
1972 – શિમલા કરાર– વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, જેના પગલે પાકિસ્તાનનું વિભાજન થયું અને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. બંને દેશો વચ્ચે શિમલા કરાર થયા, જેમાં લાઇન ઑફ કંટ્રોલનું નિર્ધારણ થયું. આ સિવાય બંને દેશો વચ્ચેના મતભેદો પરસ્પર વાટાઘાટ દ્વારા ઉકેલવાનું નક્કી થયું.
1980 – ’90 દાયકો – કાશ્મીરમાં સત્તાવિરોધી જુવાળ : ભારત સરકાર સામે અસંતોષને પગલે સશસ્ત્ર ચળવળ શરૂ થઈ. સામૂહિક દેખાવો થયા અને પાકિસ્તાનસમર્થિત ઉગ્રવાદી જૂથો અસ્તિત્વમાં આવ્યા. હજારો લોકો મૃત્યુ પામ્યા.
1999 – ઉગ્રવાદીઓએ લાઇન ઑફ કંટ્રોલને પાર કરીને જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લાના અમુક વિસ્તારો ઉપર કબજો કરી લીધો. એ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયો.
2008 – લગભગ છ દાયકામાં પહેલી વખત ભારત-પાકિસ્તાન વચ્ચે વેપારમાર્ગ શરૂ થયો.
2010 – કાશ્મીરમાં ભારતવિરોધી પ્રદર્શનો શરૂ થયાં, જેમાં 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા.
2015 – રાજકીય પરિવર્તન – જમ્મુ કાશ્મીરના રાજકીય ફલક પર ભાજપ મોટા રાજકીય પક્ષ તરીકે ઊભરી આવ્યો. તેણે મુસ્લિમતરફી વલણ ધરાવતા પ્રાદેશિક પક્ષ પીડીપી સાથે ગઠબંધન કર્યું અને યુતિ સરકાર અસ્તિત્વમાં આવી.
2019 – ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતો અનુચ્છેદને નાબૂદ કર્યો. જમ્મુ કાશ્મીરમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS