Home તાજા સમાચાર gujrati ‘પડદા પર નામ આવ્યુ અને હૉલ તાળીઓથી ગુંજી ઊઠ્યો’, આદિત્ય ધરની સફળતાથી...

‘પડદા પર નામ આવ્યુ અને હૉલ તાળીઓથી ગુંજી ઊઠ્યો’, આદિત્ય ધરની સફળતાથી પ્રૉપેગન્ડાના આરોપ સુધીની કહાણી

11
0

Source : BBC NEWS

ફિલ્મ ‘ધુરંધર’ની એક પ્રમોશનલ ઇવેન્ટમાં દિગ્દર્શક આદિત્ય ધર

ઇમેજ સ્રોત, Getty Images

આજની કહાની એ સફરની છે જ્યાં ક્રિકેટની પિચ પર બૉલ ભલે સ્પિન ન થયો હોય, પરંતુ સત્યઘટનાઓના ‘ફિલ્મી સ્પિન’એ પડદા પર ઇતિહાસ રચી દીધો. વાત થઈ રહી છે આદિત્ય ધરની, જેમની ‘ધુરંધર: ધ રિવેન્જ’ બૉક્સ ઑફિસ પર નવાં કીર્તિમાન સ્થાપી રહી છે.

મેં આ હિન્દી ફિલ્મ લંડનના એક સિનેમાઘરમાં જોઈ, જે હાઉસફુલ હતું. હિન્દી ફિલ્મો માટે આ પ્રકારનો ક્રેઝ કે હાઉસફુલ થવું ત્યાં આજે પણ સામાન્ય વાત નથી. પરંતુ તેનાથી જુદી, બીજી પણ એક વાત હતી, જે સામાન્ય નથી – જ્યારે ફિલ્મના ક્રૅડિટ રોલમાં લેખક–દિગ્દર્શક આદિત્ય ધરનું નામ પડદા પર આવ્યું, ત્યારે આખા હૉલમાં તાળીઓ ગુંજવા લાગી.

આ ક્ષણ એટલા માટે પણ ખાસ હતી, કેમ કે સામાન્ય રીતે ભારતીય કૉમર્શિયલ સિનેમામાં તાળીઓ માત્ર સ્ટાર્સ માટે જ પડે છે, દિગ્દર્શક કે લેખક માટે નહીં. આ પરિવર્તનના કેન્દ્રમાં આદિત્ય ધર છે, એ વ્યક્તિ જેમણે ‘ધુરંધર’ની દુનિયા સ્ક્રીન પર જીવંત કરી.

આદિત્ય ધરને તેમની પ્રથમ ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ માટે સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

‘ધુરંધર’ની કહાની તમે જાણો છો, પરંતુ તેને રચનાર આદિત્ય ધરની કહાની શું છે? આ કહાની છે એ છોકરાની, જેનું સપનું ક્રિકેટની પિચ પર પોતાના સ્પિનથી બૅટ્સમૅનને ભ્રમિત કરવાનું હતું. 1983માં દિલ્હીમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં જન્મેલા આદિત્ય ધરનાં માતા દિલ્હી યુનિવર્સિટીમાં કામ કરતાં હતાં. આ જ શહેરમાં આદિત્યનો અભ્યાસ થયો અને અહીં જ તેમને ક્રિકેટનું જનૂન ચડ્યું. એક સ્પિનર તરીકે તેમનું સપનું હતું, ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરવાનું. વર્ષો સુધી તેઓ આ સપનામાં જીવ્યા, પરંતુ જ્યારે અંડર-19 વર્લ્ડ કપની ટીમમાં સામેલ ન થઈ શક્યા, ત્યારે તેમણે ક્રિકેટના આ સપનાને અલવિદા કહેવું પડ્યું.

પડકારો માત્ર મેદાન સુધી સીમિત નહોતા. ડિસ્લેક્સિયાના કારણે અભ્યાસ હંમેશાં ખૂબ જ અઘરો રહ્યો. લખવાની વાત તો જવા દો, દોઢસો પાનાંની સ્ક્રિપ્ટ વાંચવી પણ મુશ્કેલ હતી. પરંતુ સ્ક્રીન પર કહાની રચવાનું સપનું લઈને, બરાબર 20 વર્ષ પહેલાં, એટલે કે 2006માં આદિત્ય ધર મુંબઈ પહોંચ્યા. શરૂઆતનાં 10-12 વર્ષ સંઘર્ષ અને ગુમનામીમાં વીત્યાં.

ગીતકાર તરીકે પહેલી સફળતા

આદિત્ય ધર અને યામી ગૌતમ, ફિલ્મ ‘આર્ટિકલ 370’ના ટ્રેલર લૉન્ચના પ્રસંગે

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images

આદિત્ય ધરનું પહેલું કામ એક ગીતકાર તરીકે જોવા મળ્યું. બૉલીવુડના પ્રસિદ્ધ યશરાજ ફિલ્મ્સ બૅનરની ફિલ્મ ‘કાબુલ એક્સ્પ્રેસ’ માટે લખેલું તેમનું ગીત ‘કાબુલ ફિઝા’ તે સમયે ઘણું હિટ રહ્યું. તે જ સમયમાં આદિત્યએ શૉર્ટ ફિલ્મ ‘બૂંદ’ની સ્ક્રિપ્ટ અને ડાયલૉગ લખ્યાં, જે ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી. તે સિવાય પણ આદિત્યએ ઘણી સ્ક્રિપ્ટ અને સ્ટોરી આઇડિયાઝ પર કામ કર્યું, જેના પર સફળ ફિલ્મો પણ બની, પરંતુ તેમને ક્રૅડિટ ન મળી. આ અનુભવોએ તેમને ખૂબ નિરાશ કર્યા.

2010માં આદિત્યએ સહાયક દિગ્દર્શક તરીકે પ્રિયદર્શન સાથે કામ શરૂ કર્યું અને કૉમર્શિયલ ફિલ્મ મૅકિંગ તથા સ્ક્રીન રાઇટિંગની સૂક્ષ્મ બાબતો શીખ્યા. તેમણે પ્રિયદર્શન દિગ્દર્શિત અજય દેવગન – અક્ષય ખન્નાની ફિલ્મ ‘આક્રોશ’ (2010)ના ડાયલૉગ પણ લખ્યા, જેના માટે તેમને ક્રૅડિટ મળી. પ્રિયદર્શન કહે છે, “ભાષા પર આદિત્યની જોરદાર પકડ હતી અને એ જ તેમની સૌથી મોટી શક્તિ હતી.”

લગભગ ત્રણ વર્ષ પ્રિયદર્શનની સાથે કામ કર્યા પછી આદિત્ય હવે પોતે ફિલ્મ દિગ્દર્શિત કરવા માગતા હતા. ફરી ઘણાં વર્ષનો સંઘર્ષ થયો. ઘણા પ્રોજેક્ટ શરૂ થયા, પરંતુ કોઈ ફિલ્મ ન બની. પછી 2016માં સારા સમાચાર આવ્યા. કરણ જૌહરની કંપની ધર્મા પ્રોડક્શનમાં આદિત્યને એક ફિલ્મ ડિરેક્ટ કરવાની તક મળી. ફિલ્મનું નામ હતું, ‘રાત બાકી’. તેમાં કેટરીના કૈફ અને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની જોડી હતી. શૂટિંગનો પ્લાન બની ગયો હતો, આદિત્ય તૈયારી કરવા લાગ્યા હતા, પરંતુ ત્યારે જ નસીબે પલટી મારી.

18 સપ્ટેમ્બર 2016એ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ચરમપંથી હુમલો થયો, જેમાં 17 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં. રાજકીય વાતાવરણ ગરમાયું અને બૉલીવુડમાં પણ તેની અસર જોવા મળી. નક્કી કરવામાં આવ્યું કે પાકિસ્તાની કલાકારોને ભારતીય ફિલ્મ માટે સાઇન કરવામાં નહીં આવે. આદિત્ય ધર અને કરણ જૌહરની ફિલ્મ ‘રાત બાકી’માંથી ફવાદ ખાનને હટાવી દેવામાં આવ્યા. સમાચાર આવ્યા કે તેમની જગ્યાએ કોઈ બીજા હીરોને લેવામાં આવશે, પરંતુ થોડા મહિના પછી આખરે એ ફિલ્મ બંધ થઈ ગઈ. આદિત્યની ઘણાં વર્ષોની મહેનત અધૂરી રહી ગઈ.

ફિલ્મ બંધ થવાનું કારણ જ બીજી કહાનીની પ્રેરણા બન્યું

આદિત્ય ધરે માત્ર 12 દિવસમાં ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની આખી સ્ક્રિપ્ટ લખી હતી

ઇમેજ સ્રોત, @AdityaDharFilms

પરંતુ વિચિત્ર વાત એ થઈ કે જે ઉરી હુમલાના કારણે તેમની પહેલી ફિલ્મ અટકી હતી, એ જ ઘટના અને ભારતની સર્જિકલ સ્ટ્રાઇકે આદિત્ય ધરને નવી કહાની બનાવવાની પ્રેરણા આપી.

આદિત્ય ધરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, “‘રાત બાકી’ માળિયે ચડી ગયા પછી, ઉરી હુમલા અને તેના પછી થયેલી સર્જિકલ સ્ટ્રાઇકે મારા મનમાં એક નવી કહાનીને જન્મ આપ્યો. મને લાગ્યું કે તેના પર ફિલ્મ બનાવવી જરૂરી છે. મેં મારી બધી બચત રોકીને રિસર્ચ શરૂ કર્યું. પત્રકારો, સેનાના અધિકારીઓ અને સુરક્ષા નિષ્ણાતો સાથે મુલાકાત કરી. નિષ્ફળતાનો ડર હતો, પરંતુ પોતાને સાબિત કરવાનું જનૂન તેનાથી ઘણું વધારે હતું.”

લગભગ છ મહિનાની તૈયારી પછી આદિત્ય ધરે માત્ર 12 દિવસમાં ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની આખી સ્ક્રિપ્ટ લખી નાખી. 2019માં રિલીઝ થયેલી આ ફિલ્મ વર્ષની સરપ્રાઇઝ બ્લૉકબસ્ટર ફિલ્મ બની અને આદિત્ય મોટા દિગ્દર્શકોની હરોળમાં આવી ગયા. ફિલ્મના ડાયલૉગ ‘હાઉઝ ધ જોશ?’નો અવાજ માત્ર દર્શકો સુધી સીમિત ન રહ્યો, પરંતુ ચૂંટણીસભાઓમાં પણ સંભળાવા લાગ્યો. ફિલ્મના દિગ્દર્શકનાં વખાણ થયાં, પરંતુ કેટલાક સમીક્ષકોએ તેને સરકારના પક્ષમાં પ્રૉપગૅન્ડા પણ કહી. ફિલ્મને ચાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા, જેમાં સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો એવૉર્ડ પણ સામેલ હતો.

‘ધુરંધર’ને બે ભાગમાં રિલીઝ કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, @AdityaDharFilms

ફિલ્મ ટ્રેડ ઍનાલિસ્ટ તરણ આદર્શ કહે છે, “આદિત્ય ધરે વાસ્તવિક જીવનમાંથી પ્રેરણા લેવા અને એક સંપૂર્ણ મનોરંજક ફિલ્મ બનાવવાની વચ્ચે શાનદાર સંતુલન જાળવ્યું છે. આ સંતુલન જાળવવું ખૂબ મોટી ઉપલબ્ધિ છે. કેમ કે મુખ્ય ધારાના સિનેમામાં જો બધું બિલકુલ વાસ્તવિક કે ડાર્ક હોય, તો બૉક્સ ઑફિસ પર સફળ થવું મુશ્કેલ હોય છે.”

“જો તમે ઉરી અને ખાસ રીતે ધુરંધર 1 અને 2નાં પ્રદર્શન જોશો, તો તે માત્ર ભારતમાં નહીં પરંતુ અમેરિકા, કૅનેડા અને યુકેમાં પણ દર્શકોની સાથે કનેક્ટ કરી રહી છે અને બૉક્સ ઑફિસ પર ઇતિહાસ રચી રહી છે.”

આ જ ફિલ્મની સાથે આદિત્ય ધરને પોતાની અલગ પ્રકારની સિનેમા બનાવવાની સફળ ફૉર્મુલા મળી ગઈ – સત્યઘટનાઓથી પ્રેરિત પૉલિટિકલ થ્રિલર્સ. તેમણે પોતાની પ્રોડક્શન કંપની બી–62 સ્ટુડિયોઝની શરૂઆત કરી. એક લેખક તરીકે તેમની પછીની બે ફિલ્મો ‘આર્ટિકલ 370’ અને ‘બારામુલ્લા’માં પણ ભારતની બે મહત્ત્વની સત્યઘટનાઓની ઝાંખી હતી. આ બંને ફિલ્મો પર પણ પ્રૉપગૅન્ડા હોવાનો આરોપ થયો, પરંતુ દર્શકોએ ભાવનાત્મક પક્ષ અને ફિલ્મ મૅકિંગના ક્રાફ્ટની ખૂબ જ પ્રશંસા કરી.

પરંતુ દિગ્દર્શક તરીકે પોતાના પુનઃ પ્રવેશ માટે આદિત્ય ધરે જે વિષય પસંદ કર્યો, તે અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો – પાકિસ્તાનનાં ગૅંગવોર, રાજકારણ, આતંકવાદ અને તેની વચ્ચે ભારતનો એક જાસૂસ. ‘ધુરંધર’ના હીરો તરીકે તેમણે રણવીર સિંહને સાઇન કર્યા, જે તે સમયે કરિયરના ખૂબ જ મુશ્કેલ સમયમાં હતા. ’83’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’ જેવી તેમની ફિલ્મો ફ્લૉપ રહી હતી. ફિલ્મના બજેટ અને ઘણા પડકારો છતાં આદિત્ય અને રણવીર સિંહ એક જનૂન સાથે ‘ધુરંધર’ને બનાવતા રહ્યા.

‘ધુરંધર’ એક જ ફિલ્મની જેમ શૂટ થઈ, પરંતુ રિસર્ચ અને કહાની એટલાં મોટાં હતાં કે લાગ્યું, આ તો બે ફિલ્મ છે. તેથી નિર્ણય લેવામાં આવ્યો કે બંને પાર્ટ્સ અલગ રિલીઝ થશે. મોટું રિસ્ક હતું, પરંતુ આદિત્ય ધરનો વિશ્વાસ કામ કરી ગયો અને સફળતાનો નવો ઇતિહાસ લખાયો. ધુરંધર–2 હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાના માર્ગ પર છે.

ફિલ્મ સમીક્ષક મયંક શેખર કહે છે, “એવું લાગી રહ્યું છે કે જાણે આદિત્ય ધરની પાસે સરકારી એજન્સીઓ સુધી કોઈ સુપર એક્સેસ છે, જેના વિશે ઘણી વાર નેતાઓ, અધિકારીઓ, થિંક ટૅંક કે પત્રકાર પણ સંપૂર્ણ નથી જાણતા. આ જ પડો વચ્ચેથી તેઓ ભારતનાં મોટાં ગુપ્ત અભિયાનો પાછળની કહાનીઓને ઘડતા રહ્યા છે. ઉરી હોય, આર્ટિકલ 370 કે હવે ધુરંધરના બંને ભાગ – દરેક વખતે આ જ પૅટર્ન જોવા મળે છે.”

“પરંતુ, ફિક્શનની અસલી શક્તિ પણ એ જ હોય છે કે તે પહેલાં ભરોસાપાત્ર લાગવું જોઈએ. અને આ બાબતમાં ધર શરૂઆત જ મજબૂત કરે છે – કરાચીના લ્યારી જેવા અંડરવર્લ્ડ વિસ્તારથી લઈને દાઉદ ઇબ્રાહીમ, નવાઝ શરીફ કે ‘મિસ્ટર 10 પરસેન્ટ’ જેવા સંદર્ભો સુધી. આ જાણીતાં નામ અને જગ્યાઓ કહાનીને વાસ્તવિકતાની નજીક લાવે છે. આ જ મેળ, જ્યાં કલ્પના અને વાસ્તવિકતાની સીમા ધૂંધળી થઈ જાય છે, ફિલ્મને મજબૂત બનાવે છે.”

શું આદિત્ય ધરની ફિલ્મો પ્રૉપગૅન્ડા હોય છે?

આદિત્ય ધરે ‘આર્ટિકલ 370’ની પટકથા લખી

ઇમેજ સ્રોત, @AdityaDharFilms

મોટી સફળતા છતાં ‘ધુરંધર-2’ પણ પ્રૉપગૅન્ડા ફિલ્મ હોવાના આરોપથી ઘેરાયેલી છે. આખા દેશના ફિલ્મ વિશ્લેષકો, સંસ્કૃતિ અને રાજકારણ પર નજર રાખનારા લોકોમાં મતમતાંતર જોવા મળે છે. દાયકાઓથી જેમ્સ બૉન્ડ કે મિશન ઇમ્પૉસિબલ જેવી ફિલ્મો દ્વારા અમેરિકા કે બ્રિટિશ જાસૂસ ધુરંધરની જેમ જ ઍક્શન પૅક્ડ જાસૂસી કરતા આવ્યા છે, પરંતુ તેમના માટે આવી ચર્ચાઓ નથી થઈ. હકીકતમાં, મુખ્ય ધારાની સ્પાય થ્રિલર્સ હંમેશાં સમકાલીન મોટા મુદ્દા, જેવા કે રાષ્ટ્રવાદ, સુરક્ષા અને સીમા પારના તણાવને રજૂ કરે છે.

ફિલ્મો માત્ર મનોરંજન નહીં, પરંતુ સમકાલીન સમયની કહાની અને જનતાના વિચારોનો આયનો પણ હોય છે. તેથી ‘ભારતીય દર્શક શું ઇચ્છે છે’ તેની વિરુદ્ધ ‘પ્રૉપગૅન્ડા’ની ચર્ચા પણ સતત ચાલી રહી છે. આ ચર્ચાઓ અને ડિબેટ્સ જરૂરી છે; એ જ દર્શાવે છે કે દેશના લોકોએ વિચારવાનું, સવાલ કરવાનું અને પોતાનો મત પ્રગટ કરવાનું બંધ નથી કર્યું.

ફિલ્મ સમીક્ષક મયંક શેખર કહે છે, “સાચું કહું તો, ફિલ્મોના સંદર્ભમાં ‘પ્રૉપગૅન્ડા’ કોઈ નકારાત્મક કે અપમાનજનક શબ્દ નથી ગણાતો, જ્યાં સુધી તે સ્પષ્ટપણે વાંધાજનક ન હોય; જેવું ‘ધ કેરલા સ્ટોરી’ની બાબતમાં જોવા મળ્યું. આ ફિલ્મમાં 2016ની નોટબંધી પછીના રાજકારણ સાથે સંકળાયેલા કેટલાક એવા સંદર્ભ ચોક્કસ છે, જે વર્તમાન સત્તાના દૃષ્ટિકોણની નજીકના લાગે છે.”

મોટી સફળતા છતાં 'ધુરંધર-2' પણ પ્રૉપગૅન્ડા ફિલ્મ હોવાના આરોપથી ઘેરાયેલી છે

ઇમેજ સ્રોત, B62 Studios/X

“રસપ્રદ એ પણ છે કે આ ફિલ્મમાં ભારતમાં ISIનો પ્રભાવ ખૂબ વ્યાપક રીતે બતાવાયો છે. પરંતુ, આખરે, કહાની પૂરી રીતે નફરત પર નથી ટકી. હમઝા પોતાના અંગત જીવનમાં સ્પષ્ટ કહે છે કે તેને પાકિસ્તાનીઓથી નહીં, પરંતુ આતંકવાદીઓથી સમસ્યા છે અને કદાચ આ જ લાઇન આ આખી કહાનીને એક માનવીય સંતુલન પણ આપે છે.”

આદિત્ય ધરે પોતે એક પ્રેસ કૉન્ફરન્સમાં જવાબ આપતાં કહેલું, “જે લોકો આને પ્રૉપગૅન્ડા કહે છે, તેમની મને કશી પરવા નથી. સાચું કહું તો મને હકીકતમાં તેમની ચિંતા નથી. કેમ કે, ખરી વાત તો એ છે કે હું જાણું છું કે તે ક્યાંથી આવી રહ્યું છે, અને ભારતીય દર્શક ખૂબ જ સમજદાર છે. જ્યારે તેઓ ફિલ્મ જુએ છે, તેમને આસાનીથી સમજાય છે કે કઈ ફિલ્મ પ્રૉપગૅન્ડા છે અને કઈ ફિલ્મનો ઇરાદો સારો છે.”

“અને મારી ફિલ્મમાં, જ્યાં સુધી હું નિર્માતા કે દિગ્દર્શક રહીશ, તેનો ઇરાદો હંમેશાં યોગ્ય રહેશે. જે દિવસે મારી નીયત સારી નહીં હોય, હું ફિલ્મો બનાવવાનું બંધ કરી દઈશ.”

આદિત્ય ધરે દેશના વાતાવરણ અનુસાર એક સફળ ફૉર્મુલા રચીને તકનીકી ભવ્યતાની સાથે પોતાની પ્રતિભાનું વર્ચસ્ ઊભું કર્યું છે. પરંતુ, એ પણ સાચું છે કે ‘ધુરંધર’માં તેમણે ઘણા સીનમાં તથ્યો બદલી નાખ્યાં અને સિનેમાઈ લિબર્ટીના નામે એક નવું સત્ય રચવાની કોશિશ કરી. ત

સફળતા પોતાની જવાબદારીઓ પણ લઈને આવે છે અને તેમના પર એ જવાબદારી રહેશે કે તેમનો કૅમેરા તથ્યો અને કલ્પના વચ્ચેની એ પાતળી ભેદરેખાનું પણ સન્માન કરશે, જેને પાર કરવી ઘણી વાર એક ફિલ્મકારને ઇતિહાસવિરોધી આરોપીના પાંજરામાં ઊભા કરી દે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS