Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
32 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 2 મિનિટ
નેપાળ પોલીસના પ્રવક્તા અભિનારાયણ કાફલેએ જણાવ્યું છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન અને નેપાળ કૉમ્યુનિસ્ટ પાર્ટી (યુએમએલ)ના નેતા કેપી શર્મા ઓલી અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી છે.
કાફલેએ બીબીસી નેપાળીને જણાવ્યું કે ઓલી અને લેખક બંનેને કાઠમંડુ પોલીસ પરિસરમાં લઈ જવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, ‘તપાસપંચના અહેવાલને અમલમાં મૂકવાના મંત્રીપરિષદના નિર્ણય અનુસાર’ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે રૅપરમાંથી રાજકારણી બનેલા બાલેન શાહે શુક્રવારે નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. ગત વર્ષે જેન ઝીના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શન પછી દેશની પ્રથમ ચૂંટણીમાં તેમણે ઓલીને ભારે બહુમતીથી હરાવ્યા હતા.
કાફલેએ એમ પણ જણાવ્યું હતું કે, “તેમની સામે હવે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ધરપકડ એટલા માટે કરવામાં આવી છે, કારણ કે કાયદો સૌના પર સમાન રીતે લાગુ કરી શકાય.”
ઈરાનનાં પરમાણુ ઠેકાણાં પર ઇઝરાયલના હવાઈ હુમલા
ઇમેજ સ્રોત, X/mamlekate
ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકા અને ઇઝરાયલે નાગરિક માળખાં અને કેન્દ્રો પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે.
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે ઇઝરાયલે ઈરાનના બે સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ, એક પાવર પ્લાન્ટ અને નાગરિક પરમાણુ સ્થળો સહિત અન્ય માળખાં પર પણ હુમલો કર્યો હતો.
અબ્બાસ અરાગચીએ એક્સ પર લખ્યું હતું કે, “ઇઝરાયલનો દાવો છે કે તેણે અમેરિકા સાથે મળીને આ હુમલો કર્યો છે. આ હુમલો રાષ્ટ્રપતિ દ્વારા લંબાવવામાં આવેલી સમયમર્યાદાની વિરુદ્ધ છે.”
તેમણે આગળ લખ્યું હતું કે, “ઇઝરાયલને તેના અપરાધો માટે ભારે કિંમત ચૂકવવી પડશે.”
હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આગામી દસ દિવસ સુધી ઈરાનના ઊર્જા માળખા પર કોઈ હુમલો નહીં કરે.
પરંતુ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા નિવેદનના 24 કલાકની અંદર આ હુમલો થયો છે.
વધુમાં, ઇઝરાયલી દળોએ ઈરાનના અરાક હેવી વૉટર ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો કર્યો છે. બીબીસી વેરિફાઈએ માળખાની નજીક આગ અને ધુમાડાના ગોટા દેખાતા હોય તેવી તસવીરોની પુષ્ટિ કરી છે.
ઈરાનની પરમાણુ ઊર્જા એજન્સીએ પુષ્ટિ કરી છે કે આજે અરાક ફૅસિલિટી પર બે વાર હુમલો થયો હતો, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફે કહ્યું હતું કે, “અમેરિકા આશા રાખે છે કે આ અઠવાડિયે ઈરાન સાથે બેઠક થશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



