Home તાજા સમાચાર gujrati નમાજ માટે જગ્યા ઓછી પડી તો હિંદુ પરિવારના પાંચ ભાઈઓએ તેમની જમીન...

નમાજ માટે જગ્યા ઓછી પડી તો હિંદુ પરિવારના પાંચ ભાઈઓએ તેમની જમીન મુસ્લિમોને દાનમાં આપી દીધી

11
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈદ, ઈદગાહ, ધર્મ, મુસ્લિમ-હિંદુ એકતા

ઇમેજ સ્રોત, Mohar Singh Meena/BBC

રાજસ્થાનના સીકર જિલ્લાના નીમકાથાના વિસ્તારનું ગુહાલા ગામ આજકાલ ચર્ચામાં છે.

લગભગ સાત હજારની વસતી ધરાવતાં આ ગામમાં હાલમાં જ એક હિંદુ પરિવારના પાંચ ભાઈઓએ પોતાની જમીનનો એક ભાગ ઈદગાહ માટે દાન કરી દીધો છે.

ઉદયપુરવાટી તરફ જતા મુખ્ય રોડ ગુહાલા ગામ આવેલું છે. ગામના મુખ્ય બજારની બંને બાજુ આવેલી હવેલી ગામના ઇતિહાસની સાક્ષી પૂરે છે.

આ રસ્તો ગામની અંદરથી એક ગોશાલા સામેથી થઈને સાંવાલી ઢાણી સુધી પહોંચે છે. આ જ જગ્યાએ ભોપાલરામ સૈની અને તેમના ભાઈઓ રહે છે.

ઘરની બહાર જૂનું ટ્રૅક્ટર ઊભું છે, સાદું એવું ઘર છે, અને ત્યાં પોતાના પૌત્ર સાથે બેઠા છે ભોપાલરામ સૈની.

તેમના ઘરની બંને આવેલાં સામાન્ય એવાં દેખાતાં ઘર તેમના ભાઈઓનાં છે અને તેની ઠીક સામે હવામાં લહેરાઈ રહેલો ઘઉંનો પાક પણ તેમના ખેતરમાં જ લાગેલો છે. ખેતરોના અંતિમ છેડે એક ઈદગાહ દેખાય છે.

ખેતરોની નિકટ આવેલી આ જ ઈદગાહ માટે તેમણે પોતાની જમીનનો અમુક ભાગ દાન કરી દીધો છે.

ઈદગાહની જગ્યા નાની પડવા લાગી હતી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈદ, ઈદગાહ, ધર્મ, મુસ્લિમ-હિંદુ એકતા

ઇમેજ સ્રોત, Mohar Singh Meena/BBC

ગુહાલ સહિત આસપાસનાં ઘણાં ગામોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ઈદના પ્રસંગે અહીં નમાજ અદા કરવા આવે છે. ગામના કેટલાક વડીલો જણાવે છે કે ઈદગાહનો પાયો ખૂબ પુરાણો છે.

પરંતુ સમય સાથે નમાજીઓની સંખ્યા વધતી ગઈ અને જગ્યા ઓછી પડવા લાગી.

65 વર્ષના હાજી મોહમ્મદ તૌફીક જણાવે છે કે, “ઈદના દિવસે અહીં એટલી ભીડ થઈ જતી કે લોકોને ઊભા રહેવાની જગ્યાય નહોતી મળતી. આસપાસનાં ઘણાં ગામોમાં ઈદગાહની સુવિધા નથી, તેથી બધા અહીં જ આવે છે.”

તેઓ કહે છે કે આ સમસ્યા અંગે અમે આ ભાઈઓ સાથે વાત કરી. આ ભાઈઓએ ઈદગાહ માટે કોઈ પણ કિંમત વસૂલ્યા વગર જમીન આપવાની ઇચ્છા પ્રગટ કરી.

ઈદ નિમિત્તે ઈદગાહમાં નમાજ માટે પહોંચેલા સેંકડો નમાજીઓની હાજરીમાં આ ભાઈઓનું સ્વાગત સન્માન પણ કરાયું. જેનો વીડિયો સામે આવ્યા બાદ આ પહેલની ખૂબ પ્રશંસા થઈ.

પૈસા લેવાનો ઇન્કાર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈદ, ઈદગાહ, ધર્મ, મુસ્લિમ-હિંદુ એકતા

ઈદગાહની બાજુમાં જે ખેતરોની વાત થઈ રહી છે, એ ગામના પાંચ સૈની ભાઈઓનાં છે. આ ભાઈઓ પૈકી એક 45 વર્ષીય પૂરણમલ સૈની જણાવે છે કે જ્યારે ઈદગાહ માટે તેમને થોડી જમીન આપવાની વાત કરાઈ, તો તેમણે કોઈ પણ જાતના ખચકાટ વિના હા પાડી દીધી.

તેઓ કહે છે કે, “અમારો મુસ્લિમ ભાઈઓ સાથે પહેલાંથી જ પ્રેમ છે. તેમણે જમીન માગી તો અમે કહી દીધું લઈ લો. મુસ્લિમ ભાઈઓએ પૈસા આપવાની પેશકશ કરી, પરંતુ અમે એકમેક પ્રત્યેના પ્રેમને લીધે પૈસા લેવાનો ઇન્કાર કરી દીધો.”

પૂરણમલ પ્રમાણે, તેમણે ન માત્ર આ જમીન આપી, બલકે ઈદગાહની બાઉન્ડ્રી બનાવડાવવામાં પણ જાતે ભાગ લીધો.

તેમના ભાઈ ભોપાલરામ સૈની પણ આ નિર્ણયથી ખુશ છે.

તેઓ કહે છે, “અહીં 1000-1200 લોકો નમાજ પઢવા આવે છે. જગ્યા ઓછી પડતી તેથી અમે આપી દીધી. તેમાં વિચારવા જેવું કંઈ નહોતું અને જરૂર પડશે તો હજુ વધુ જમીન આપશું.”

હિંદુ દ્વારા મુસ્લિમોને જમીન દાનમાં આપવાનો વિરોધ પણ થયો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈદ, ઈદગાહ, ધર્મ, મુસ્લિમ-હિંદુ એકતા

મોટા ભાગના લોકો આ નિર્ણયને એક સંદેશની જેમ જુએ છે, પરંતુ આ નિર્ણય બધાને એકસરખો ન લાગ્યો.

પૂરણમલ જણાવે છે કે, “કેટલાક સંબંધીઓ અને પરિચિતોના ફોન આવ્યા અને તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયને જમીન કેમ આપી. અન્ય કેટલાક લોકોએ પણ ફોન કરીને કહ્યું કે મુસ્લિમોને જમીન કેમ આપી, હિંદુ મંદિર માટે જમીન માગી હોત તો?”

“અમે કહ્યું કે કોઈ હિંદુ પણ માગશે તો તેને પણ આપીશું. અમારા માટે બધા બરોબર છે.”

તેઓ એ વાત પર ભાર મૂકે છે કે તેમણે આ પગલું કોઈ દેખાડા માટે નહીં, બલકે પોતાના વિશ્વાસ અને એકમેક પ્રત્યેના પ્રેમના આધારે લીધું છે.

તેમણે કહ્યું, “અમે ખેતી અને મજૂરી કરીએ છીએ. અમે અહીં વર્ષોથી એકમેક પ્રત્યે પ્રેમ જાળવીને રહેતા આવ્યા છીએ. અમે અને અમારાં બાળકો, બધા ભાઈચારા સાથે રહે છે.”

ગામનો તાણોવાણો

ગુહાલા ગામનું સામાજિક માળખું ફણ આ કહાણીને સમજવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગત વસતિગણતરી પ્રમાણે ગુહાલા ગામની વસતિ લગભગ સાત હજારની છે.

અબ્દુલ રશીદ કહે છે કે, “અહીં છત્રીસ કોમ રહે છે. તેમાં લગભગ 25 ટકા મુસ્લિમ, એટલા જ અનુસૂચિત જાતિના લોકો અને 25 ટકા સૈની સમુદાયના લોકો છે. બાકી અન્ય સમુદાયના લોકો પણ અહીં રહે છે.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈદ, ઈદગાહ, ધર્મ, મુસ્લિમ-હિંદુ એકતા

ગુહાલા ગામનો ઇતિહાસ પણ રસપ્રદ રહ્યો છે, ત્યાં સદીઓ પુરાણી હવેલીઓ અહીંની સંપન્નતાની કહાણી જણાવે છે.

અબ્દુલ રશીદ અને ગ્રામીણો પ્રમાણે વર્ષ 1990 પહેલાં ગુહાલા ગામ સીકર જિલ્લાની એક મોટી પંચાયત હતી અને પરિસીમન બાદ આસપાસનાં ઘણાં ગામ તેનાથી અલગ થઈને પંચાયત બન્યાં છે.

એક સમયે આ ગામ ગોળની મોટી માર્કેટ તરીકે પણ ઓળખાતું. હરિયાણાના નારનૌલ બાદ મોટું ગોળનું બજાર આ જ સ્થળે હતું.

જોકે, પાણીની અછતને કારણે અહીંથી લોકોનું પલાયન થયું અને ગામની આર્થિક સ્થિતિ પર અસર થઈ. તેમ છતાં ગામના સામાજિક સંબંધોમાં કોઈ તિરાડ ન પડી.

ગામના એક વડીલ ભીમારામ લગભગ 60 વર્ષના છે. ખેતરોમાંથી કામ કરીને તેઓ પરત ફરી રહ્યા હતા. તેમણે બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું, “અહીંનો માહોલ હંમેશાંથી આવો જ રહ્યો છે. અમે બાળપણથી બધાને સાથે રહેતા જોતા આવ્યા છીએ. કોઈ ભેદભાવ નથી. અમારા અહીં તો આ જ રીત છે અને અમારા વડીલો પણ આ જ ભાઈચારા સાથે રહેતા આવ્યા છે.”

તેઓ એક પુરાણો કિસ્સો યાદ કરે છે. સ્મિત કરતા તેઓ કહે છે, “એક મુસ્લિમ ભાઈ નિઝામુદ્દીન હતા. તેઓ ધંધા માટે બીજા ગામ જતા. જ્યારે પાછા ફરતી વખતે રાત પડી જતી તો અમારા ઘરે આવીને રોકાઈ જતા. અમારી વચ્ચે એટલો વિશ્વાસ અને પ્રેમ રહ્યો છે.”

‘ખોળો પાથરીને જમીન માગી, ભાઈ બનીને આપી’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈદ, ઈદગાહ, ધર્મ, મુસ્લિમ-હિંદુ એકતા

ઇમેજ સ્રોત, Mohar Singh Meena/BBC

ભોપાલરામ સૈનીના ઘરની ઠીક સામે તેમનાં ખેતરોની બાજુમાં બનેલી ઈદગાહ પર હાજર હાજી મોહમ્મદ તૌફીક આ સમગ્ર ઘટનાક્રમને યાદ કરતાં ભાવુક થઈ જાય છે.

તેમણે બીબીસીને ઈદગાહ વિશે વાત કરતાં કહ્યું, “અમે તેમની સામે ખોળો પાથરીને જમીન માગી હતી, તેમણે દિલ ખોલીને આપી દીધી, અમારા ભાઈઓએ ખૂબ દરિયાદિલી દેખાડી.”

તૌફીક કહે છે, “જ્યારે તેમણે જમીન આપવાની વાત કરી તો અમે તેની કિંમત ચૂકવવાની પેશકશ કરી હતી. અમે કહ્યું હતું કે પૈસા લઈ લો, પરંતુ તેમણે ના પાડી દીધી.”

તેઓ કહે છે કે જમીન મળ્યા બાદ ઈદગાહની બાઉન્ડ્રી બનાવવાનું કામ પણ ભાઈઓની દેખરેખમાં થયું. પાયો ખોદવાથી માંડીને પથ્થર લગાડવા સુધી એ લોકો અમારી સાથે ઊભા રહ્યા.

અબ્દુલ રશીદ કહે છે કે, “અમુક દિવસમાં જ ઈદગાહના નામે રજિસ્ટ્રી કરાવવાની પ્રક્રિયા પણ પૂરી થઈ જશે.”

ગામના નિવાસી અબ્દુલ રશીદ આ પહેલને એક મોટા સંદેશ તરીકે જુએ છે. તેઓ કહે છે કે, “આજકાલ જેવો માહોલ છે, તેમાં આ ખૂબ મોટી વાત છે. તેમણે બતાવ્યું છે કે ભાઈચારો શું હોય છે.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઈદ, ઈદગાહ, ધર્મ, મુસ્લિમ-હિંદુ એકતા

ઇમેજ સ્રોત, Mohar Singh Meena/BBC

મોહમ્મદ ઈશાક કાંવટ બીબીસીને કહે છે કે, “આ નિર્ણયની અસર આસપાસનાં ગામો પર પણ થઈ છે. લોકો અહીં આવીને જોઈ રહ્યા છે અને વાત કરી રહ્યા છે. એક સારો સંદેશો ગયો છે.”

“અમારી શેખાવાટી ધરતીનો હંમેશાંથી ઇતિહાસ રહ્યો છે કે રાજસ્થાની સંસ્કૃતિમાં અમે એકમેકના ધાર્મિક વિવાહ સમારોહમાં રિવાજોમાં સામેલ થતા હોઈએ છીએ.”

આગળ તેઓ કહે છે કે, દેશની હાલની સ્થિતિમાં એવી છે જ્યાં અવારનવાર ધાર્મિક ઓળખને આધારે રેખાઓ વધુ ઊંડી થતી દેખાઈ રહી છે. ગુહાલાની આ કહાણી એક અલગ તસવીર રજૂ કરે છે. આ કહાણી માત્ર જમની દાન કરવા પૂરતી નથી, બલકે એ વિશ્વાસની છે, જે વર્ષોમાં બને છે.

ગુહાલાના લોકો આને કોઈ મોટી ઉપલબ્ધિ નથી માનતા. તેમના માટે આ રોજિંદા જીવનનો એક ભાગ છે. પરંતુ આ જ વાત તેની સૌથી મોટી ખાસિયત પણ છે, જ્યાં માનવતા કોઈ ચર્ચાનો વિષય નથી બલકે એક સામાન્ય વ્યવહાર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS