Home તાજા સમાચાર gujrati દેશમાં આજે કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની હડતાળમાં કરોડો કામદારો સામેલ થશે, કોણે આપ્યું...

દેશમાં આજે કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની હડતાળમાં કરોડો કામદારો સામેલ થશે, કોણે આપ્યું સમર્થન?

17
0

Source : BBC NEWS

હડતાળ, કામદારો, વીમા, બૅન્કિંગ, ટ્રેડ યુનિયનો, બીબીસી ગુજરાતી સ્ટ્રાઇક આંદોલન ગુજરાત બીબીસી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

12 ફેબ્રુઆરી 2026, 07:09 IST

અપડેટેડ એક કલાક પહેલા

વાંચવાનો સમય: 4 મિનિટ

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો, સ્વતંત્ર સેક્ટરલ ફેડરેશનો અને સંગઠનોના સંયુક્ત મંચે આજે 12 ફેબ્રુઆરીના રોજ દેશવ્યાપી સામાન્ય હડતાળનું આહ્વાન કર્યું છે.

આ હડતાળને સંયુક્ત કિસાન મોરચાએ પણ સમર્થન આપ્યું છે અને હડતાળમાં સામેલ થવાનું આહ્વાન કર્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે આ હડતાળ સરકારની ‘કામદારો વિરુદ્ધની નીતિઓ’ સામે છે જેના કારણે બૅન્કિંગ, વીમા અને ટ્રાન્સપૉર્ટ સુવિધાઓને અસર થઈ શકે છે.

ટ્રેડ યુનિયનોનો દાવો છે કે તેમની હડતાળમાં ’30 કરોડ કામદારો જોડાય’ તેવી શક્યતા છે.

સંગઠનોના આ સંયુક્ત મંચે 9 જાન્યુઆરીનો રોજ સરકારની ‘કામદારો વિરુદ્ધની, ખેડૂતો વિરુદ્ધની અને કૉર્પોરેટ સમર્થનવાળી નીતિઓ’ના વિરોધમાં હડતાળનું ઍલાન કર્યું હતું.

આ હડતાળ કેમ થઈ રહી છે અને તેમાં કોણ કોણ સામેલ થવાનું છે. તેની મુખ્ય માગ શું છે?

હડતાળ પર જનારા સંગઠનોનું શું કહેવું છે?

હડતાળ, કામદારો, વીમા, બૅન્કિંગ, ટ્રેડ યુનિયનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (AITUC)ના મહાસચિવ અમરજીતકોરે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ” દેશભરમાં ઔપચારિક / અનૌપચારિક, સરકારી, જાહેર ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્રો, ગ્રામીણ અને શહેરી ભારત સહિત તમામ ક્ષેત્રોમાં રાષ્ટ્રવ્યાપી સામાન્ય હડતાળનું ઍલાન કરવામાં આવ્યું છે .”

તેમણે કહ્યું હતું કે, “સંયુક્ત કિસાન મોરચાએ તેમની પોતાની માગ અને ટ્રેડ યુનિયનોની માગણીઓને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે. આ હડતાળને કારણે વીજળી, બૅન્કિંગ, વીમા, ટ્રાન્સપૉર્ટ, સ્વાસ્થ્ય, શિક્ષણ તથા પાણી અને ગૅસ જેવી સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. કારણ કે આ હડતાળમાં રેલવે રોકો, રસ્તા રોકો મારફતે પણ વિરોધ કરવામાં આવશે.”

અમરજીતકોરે કહ્યું હતું કે, “લેબર કોડને કારણે યુનિયનો બંધ થઈ જશે, યુનિયનો બનાવવાં જ અઘરા થઈ જશે. સામાજિક સુરક્ષા રોકાઈ જશે. તેના કારણે કામદારોની ખરાબ હાલત થશે. એટલે અમારો મુખ્ય વિરોધ લેબર કોડ સામે છે.”

“ઇલેક્ટ્રિસિટી બિલને કારણે સામાન્ય લોકોને વીજળી મોંઘી પડશે, વીજળીનું ખાનગીકરણ થશે. સીડ બિલથી ખેડૂતોને બહુ ભોગવવું પડશે. એટલે સંયુક્ત કિસાન મોરચાએ પણ અમને સમર્થન આપ્યું છે.”

CITUના નૅશનલ જનરલ સેક્રેટરી એલામરમ કરીમે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કહ્યું હતું કે, “આ હડતાળની મુખ્ય માગ લેબર કોડને રદ કરવાની છે. આ સાથે જ અમે ઇલેક્ટ્રિસિટી ઍમેન્ડમેન્ટ બિલનો પણ વિરોધ કરી રહ્યા છે તથા ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો પણ વિરોધ છે. આ બધાંને કારણે દેશના લોકોને ગંભીર અસર થઈ રહી છે.”

સંયુક્ત કિસાન મોરચાના કન્વીનર હન્નાન મોલાએ કહ્યું હતું કે, “સરકારે અમેરિકા, યુરોપિયન યુનિયન સાથે કરેલા કરારો એ ખેડૂતો સાથે કરવામાં આવેલો વિશ્વાસઘાત છે. તેનાથી ખેડૂતોને નુકસાન થશે.”

સંયુક્ત કિસાન મોરચાએ પિયુષ ગોયલના રાજીનામાની માગ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “ખેડૂતોની વિરુદ્ધમાં કરવામાં આવેલા નિર્ણયોને કારણે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. અમે 12 તારીખે ભારત બંધનું ઍલાન પણ આપ્યું છે અને અમારું આ હડતાળને સમર્થન છે.”

હડતાળમાં કોણ કોણ સામેલ થશે અને શું બંધ રહેશે?

હડતાળ, કામદારો, વીમા, બૅન્કિંગ, ટ્રેડ યુનિયનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

AITUCના મહાસચિવ અમરજીતકોરે જણાવ્યું હતું કે, “આ હડતાળમાં બૅન્ક યુનિયનો ભાગ નહીં લે કારણ કે તેમના સંયુક્ત મોરચાએ તાજેતરમાં 27 જાન્યુઆરીના રોજ જ હડતાળ પાડી હતી. બૅન્ક વર્કર્સ યુનિયનો જેવા કે એઆઈબીઈએ, એઆઈબીઓએ અને બીઇએફઆઈ આ હડતાળમાં સામેલ થશે.”

તેમણે કહ્યું હતું કે, “આ હડતાળમાં વીમા ક્ષેત્રના લોકો નવા લેબર કોડની વિરુદ્ધમાં તથા 100 ટકા એફડીઆઈના વિરોધમાં સામેલ થશે. એ સિવાય પ્રાઇવેટ તથા સરકારી ટ્રાન્સપૉર્ટના લોકો પણ આ હડતાળમાં જોડાશે.”

તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે વિવિધ ક્ષેત્રના 30 કરોડથી વધુ કામદારો આ હડતાળમાં સામેલ થશે અને 600 જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે.

ઑલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન(AIPEF)ના શૈલેન્દ્ર દુબેએ પીટીઆઈ સાથેની જણાવ્યું છે કે અંદાજે 27 લાખ પાવર ક્ષેત્રના કર્મચારીઓ અને એન્જિનિયર્સ એક દિવસની હડતાળ પાડશે.

અહીં ઉલ્લેખનીય છે કે આ ક્ષેત્રના કર્મચારીઓ ઇલેક્ટ્રિસિટી ઍમેન્ડમેન્ટ બિલ 2025, પ્રસ્તાવિત નૅશનલ ઇલેક્ટ્રિસિટી પૉલિસી 2026ના વિરોધમાં તથા ખાનગીકરણના વિરોધમાં હડતાળ પાડશે. તેમની જૂની પેન્શન યોજનાને બહાલ કરવાની માગ પણ છે.

જે-તે રાજ્યમાં સરકાર તરફથી કોઈ સેવાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વિવિધ મીડિયા અહેવાલોને આધારે કેરળ, તામિલનાડુ, કર્ણાટક, ઓડિશા જેવાં રાજ્યોમાં સ્થાનિક સંગઠનો હડતાળમાં સામેલ થાય તેવી શક્યતા છે. તેને કારણે ટ્રાન્સપૉર્ટ અને શાળાઓ બંધ રહી શકે છે.

હૉસ્પિટલ જેવી ઇમરજન્સી સેવાઓ યથાવત રહેશે. પ્રદર્શનોને પગલે કેટલીક જગ્યાએ રેલવે સેવાઓ પણ ખોરવાય તેવી ભીતિ છે.

યુનિયનોની મુખ્ય માગ શું છે?

હડતાળ, કામદારો, વીમા, બૅન્કિંગ, ટ્રેડ યુનિયનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

યુનિયનોએ જાહેર કરેલી પ્રેસનોટમાં નીચેની માગણીઓ કરવામાં આવી છે.

  • ચાર લેબર કોડ અને નિયમો નાબૂદ કરવા જોઈએ
  • ડ્રાફ્ટ સીડ બિલ અને વીજળી સુધારા બિલને પાછું ખેંચવામાં આવે
  • સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ ઍડવાન્સમેન્ટ ઑફ ન્યુક્લિયર ઍનર્જી ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા (શાંતિ) ઍક્ટ પાછો ખેંચવામાં આવે
  • મનરેગા પુનઃસ્થાપિત કરવામાં આવે અને વીબી-જી રામ જી યોજનાને ખતમ કરવામાં આવે
  • વીમા કંપનીઓમાં 100 ટકા એફડીઆઈનો નિર્ણય પાછો ખેંચવામાં આવે
  • સરકારી અને જાહેર ક્ષેત્રની ખાલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવે, આંગણવાડી, આશાવર્કરો, એમડીએમ કર્મચારીઓને નિયમિત કરવામાં આવે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS