Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Bhaskar Hande
- લેેખક, વિનાયક હોગાડે
- પદ, બીબીસી સંવાદદાતા
-
4 મે 2025, 20:15 IST
અપડેટેડ એક કલાક પહેલા
धांव घाली विठु आतां चालुं नको मंद ।
मज मारिती बडवे कांहीतरी अपराध ॥१॥
विठोबाचा हार तुझ्या कंठी कैसा आला ।
शिव्या देऊनी मारा म्हणती देव कां बाटला ॥२॥
(હે વિઠ્ઠલ, ધીમું ન ચાલો, હવે દોડીને આવો. ખરાબ લોકો મને મારે છે. છે મારો કોઈ અપરાધ? (1) વિઠોબાનો હાર તારા ગળામાં કેવી રીતે આવ્યો?, ગાળો દઈને કહે છે, દેવને કેમ અભડાવ્યા? (2)
વિઠ્ઠલને હાકલ કરતા ચોખોબાનું આ અભંગ (ભક્તિગીત) છે.
“વિઠ્ઠલ, ખરાબ લોકો મને માર મારી રહ્યા છે અને મારા પર તારો હાર ચોરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ મારી સાથે કૂતરા જેવો વ્યવહાર કરે છે. વિઠ્ઠલ, હવે તું દોડીને આવ. મને દર્શન આપ. એકવાર તો દર્શન આપ.”
આવી વિનંતી કરનારા ચોખોબા વિઠોબાના મન ભરીને દર્શન ક્યારેય કરી શક્યા ન હતા. તેઓ તેરમી સદીમાં તત્કાલીન અસ્પૃશ્ય મનાતા સમાજના વિઠ્ઠલ ભક્ત હતા.
ચોખોબા વિઠ્ઠલ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર કાયમ નિષ્ઠાપૂર્વક ઊભા રહેતા હતા. ન જાણે ક્યા દિવસે ભૂલચૂકથી પણ મને વિઠોબાના મુખના દર્શન થશે, પણ તેઓ મને મળશે જરૂર એવી મજબૂત આશા ધરાવતા આ સંતની સમાધિ મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ છે.
અઠ્યાવીસ યુગોથી રસ્તાની ધાર અને ઇંટ પર ઊભેલા વિઠોબા એ લોકદેવતા છે, જે છેલ્લાં 1,000 વર્ષોથી મહારાષ્ટ્રના લોકો માટે ભક્તિ તથા સામાજિક ક્રાંતિ બન્નેનો આધાર બની રહ્યા છે.

ઇમેજ સ્રોત, BBC/Puneet Barnala
આ જ વિઠોબા ઓછામાં ઓછાં 1,000 વર્ષ અને કદાચ તેનાથી વધુ સમય સુધી જ્ઞાતિભેદની પરંપરાગત માન્યતાના બંદી હતા.
આ વિઠ્ઠલ મંદિરમાં અસ્પૃશ્યોને પ્રવેશ મળતો ન હતો. પંઠરપુરનો પ્રદેશ વારકરી સંતો માટે વિઠોબાના ખભા અને વિઠોબાનો ખોળો હતો.
તેઓ નાચતા, રમતો રમતા અને કળા કરતા હતા. સંત નામદેવ આ નવા વારકરી ધર્મના પ્રણેતા હતા. જ્ઞાનદેવે તેમની ભક્તિને જ્ઞાનનો પાયો આપ્યો હતો. નામદેવે મહાર, કુંભાર, સુવર્ણકાર, વાળંદ, માળી, કસાઈ અને બ્રાહ્મણો જેવા તમામ જ્ઞાતિના લોકોને સંગઠિત કર્યા હતા અને તેમને આધાર આપ્યો હતો. અને ઊભા કર્યા હતા.
સમાનતાને કેન્દ્રમાં રાખીને ભેદભાવના ભ્રમને તોડવાનો પ્રયાસ કરતી, આ સક્રિય ચળવળ વિઠોબાને પરંપરાગત માન્યતામાંથી મુક્ત કરવા પ્રયત્નશીલ હતી. સમાનતાનું આ જ મૂલ્ય તમામ વારકરી સંતોનાં અભંગમાં અચૂક જોવા મળે છે.
એ સમયે અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિમાં જન્મેલા ચોખોબા પરંપરા અનુસાર સોંપવામાં આવેલા કામ કરતા હતા. “જોહાર માયબાપ, જોહાર” કહેતા અને મરેલાં ઢોરને ખેંચવાથી માંડીને જરૂરી તમામ કામ કરતા ચોખોબા એક એવા ભક્ત કવિ હતા, જે અસમાનતાથી પરેશાન હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ચોખોબા એવા અસ્પૃશ્યો પૈકીના એક હતા, જેમને મંગલવેઢ્યામાં ગામની દિવાલ બનાવવા માટે મજૂરી કરવાની ફરજ પાડવામાં આવી હતી. આંશિક રીતે બંધાયેલા દિવાલ અચાનક તૂટી પડી ત્યારે મૃત્યુ પામેલા એ કામદારો સાથે ચોખોબાને પણ દફનાવવામાં આવ્યા હતા.
આ માહિતી મળતાં જ નામદેવ ત્યાં ગયા હતા, ચોખોબાના અવશેષો એકઠા કર્યા હતા અને વિઠ્ઠલ મંદિરના મુખ્ય દરવાજા સામે દફનાવ્યા હતા. દંતકથા અનુસાર, ત્યાં ચોખોબાની સમાધિ બનાવવામાં આવી હતી.
મુખ્ય દરવાજા સામેની ચોખાબાની આ સમાધિ વારકરી સંપ્રદાયના સંતોની સમાનતા માટેની લડાઈનું એક મહત્ત્વપૂર્ણ પ્રતીક છે. આ સમાધિ ચોખોબાના અસ્તિત્વની નિશાની છે. તે સમયની કસોટીમાંથી પાર ઉતરેલા તેમના શબ્દો તેમના તથા તત્કાલીન દલિતોના અસ્તિત્વની કઠોર વાસ્તવિકતાને વઘુ ઘેરી રીતે ઉજાગર કરે છે.
ચોખોબા કહેતા કે શેરડીનો સાંઠો વાંકો હોવાથી તેમાંનો રસ પણ વાંકો હોય? નદી વાંકીચૂંકી વહેતી હોય એટલે તેનું પાણી પણ વાંકુચૂકું હોય? આ ચોખો એટલે તેનો ભક્તિભાવ પણ વાંકો છે એવું તમે શા માટે સમજો છો?
“તમે મૂળ રંગ કેમ ભૂલી ગયા?” એવો સવાલ ચોખોબા તેમનાં અભંગમાં કરે છે.
અહીં ચોખોબા સ્વીકારે છે કે તેઓ વાંકા છે અને સિસ્ટમ દ્વારા લાદવામાં આવેલી પોતાની સહજ હીનતાને સ્વીકારે છે.
ટૂંકમાં ચોખોબાએ તમામ પ્રકારના જુલમ સહન કર્યા હતા, પરંતુ ધાર્મિક વ્યવસ્થાના રૂઢ માળખાને તોડ્યું નહીં કે તોડી શક્યા નહીં. તેમણે અન્યાય અને અનિષ્ટ બાબતો વિશે આંસુ જરૂર સાર્યા હતાં, પરંતુ તેમની ભાષા આક્રમક ન હતી.

ઇમેજ સ્રોત, BBC/Nitin Nagarkar
જોકે, ચોખોબાના પુત્ર કર્મમેળા તેમના કરતાં વધારે બંડખોર લાગે છે. કર્મમેળાનાં માત્ર 27 અભંગ ઉપલબ્ધ છે. એ અભંગ આગ ઓકે છે. ક્યારેક તે વિઠ્ઠલને ઉશ્કેરે છે. એક અભંગમાં કર્મમેળા વિઠ્ઠલને પણ શરમાવે છે, કર્મમેળા કહે છે :
आमुची केली हीन याती ।
तुज कां न कळे श्रीपती ॥१॥
जन्म गेला उष्टे खातां ।
लाज न ये तुमचे चित्ता ॥२॥
आमचे घरीं भात दहीं ।
खावोनी कैसा म्हणसी नाहीं ॥३॥
म्हणे चोखियाचा कर्ममेळा ।
कासया जन्म दिला मला ॥४॥
(અમને ગણવામાં આવે છે હીન, એ તમે કેમ નથી જાણતા, શ્રીપતિ? (1) એઠું ખાઈને જન્મારો ગયો, તમને શરમ નથી આવતી પ્રિય (2) અમારા ઘરે પણ છે દહીં-ભાત, એ ખાવાની ના શું કામ પાડો છો? (3) ચોખિયાનો કર્મમેળો પૂછે છે, અમને જન્મ શા માટે આપ્યો? (4) )
લોકોનું એઠું ખાઈને અમારો જન્મારો ગયો તેની તને શરમ નથી આવતી? તમે કલ્પના કરી શકો છો કે એ સમયમાં આ પ્રશ્ન કેટલો ગહન હતો.
આધ્યાત્મિક દુનિયામાં ભલે સ્વીકાર કરવામાં આવ્યો હોય, પણ વ્યવહારિક દુનિયામાં અમારી સાથે કૂતરા જેવું વર્તન કરવામાં આવે છે. આવી વેદના પણ તેમના એક અભંગમાં જોવા મળે છે. તેઓ કહે છે:
तुझ्या संगतीचे काय सुख आम्हां | तुम्हा मेघयामा न कळे काही ॥
हीनत्व आम्हांसी हीनत्व आम्हांसी | हीनत्व आम्हांसी देवराया ॥
(તારી સંગતથી અમને શું સુખ મળે છે? સ્વર્ગનાં વાદળોમાં બેઠેલા તને કંઈ ખબર નથી. અમે હીન, અમે હીન, હે ભગવાન અમે હીન છીએ.)
ચોખોબાનો આખો પરિવાર ભક્ત કવિ હતો. ચોખોબાનાં પત્ની સોયરા અને ચોખોબાનાં બહેન નિર્મલા. નિર્મલાના પતિ બંકા અને બંકાની બહેન સોયરા. આ બધાં ભક્તકવિ હતાં.

ઇમેજ સ્રોત, DHANANJAY KEER
હાલ ચોખોબાનાં 358 અને સોયરાબાઈનાં 62 અભંગ ઉપલબ્ધ છે. એ પછી બાંકાનાં 41, કરમેલાનાં 27 અને નિર્મલાનાં 24 અભંગ ઉપલબ્ધ છે.
આ બધાના પ્રેરણાસ્રોત ચોખોબા હોવા છતાં તેમના અભંગમાં સમાનતા જરાય નથી કે તેમાં એકમેકના વિચારનું પુનરાવર્તન પણ થતું નથી.
તેરમી સદીમાં વંચિત, દલિત, હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયનો પોતાનો અવાજ ન હતો. હકીકતમાં એવું ક્યાંય જોવા મળતું નથી. જે સમયે દલિત મુક્તિનો ખ્યાલ પણ આકાર પામ્યો ન હતો, ત્યારે આ ભક્ત પરિવારે તેમની રચનાઓ દ્વારા તેમની પીડાને શબ્દરૂપ આપ્યું હતું.
આ પરિવાર તેના સમયથી કેટલો આગળ હતો તે એક ઉદાહરણ પરથી સમજી શકાય. માસિકધર્મ વિશે ખુલ્લેઆમ વાત કરવી એ આજે પણ નિષિદ્ધ માનવામાં આવે છે, ત્યારે ચોખોબાનાં પત્ની સોયરાબાઈ તેમના સમયમાં માસિકધર્મ વિશે ખૂબ જ આધુનિક દૃષ્ટિકોણ રજૂ કરતાં જોવાં મળે છે, સોયરાબાઈ કહે છે:
देहासी विटाळ म्हणती सकळ ।
आत्मा तो निर्मळ शुद्धबुद्ध ॥१॥
देहिंचा विटाळ देहीच जन्मला ।
सोवळा तो झाला कवण धर्म ॥२॥
विटाळावाअंचोनी उत्पत्तीचे स्थान ।
कोण देह निर्माण नाही जगीं ॥३॥
(બધા શરીરની ગંદકી કહે છે તેને, પણ આત્મા તો નિર્મળ અને શુદ્ધ. (1) એ ગંદકીમાંથી જન્મે છે શરીર, એવો તે ક્યો છે જન્મ શુદ્ધ, જે ગંદકી વિના થયો નથી. (2) જે સ્ત્રીના શરીરનો જે ધર્મ છે, તે ગંદકી ન હોઈ શકે. તેના વિના કોઈ પણ દેહનું નિર્માણ શક્ય નથી. (3) )
એ સાચું છે કે મહાર જાતિમાં જન્મેલા આ દેહને બધા ગંદકી કહે છે, પરંતુ એ પણ આ ગંદકીમાંથી જ પેદા થાય છે. જેવી રીતે તમે જન્મ્યા છો. કોઈ પણ શરીર ગંદકી વિના જન્મતું નથી, એવું એ સમયે કહેવું કેટલું સાહસભર્યું હશે. એ સાહસને ધ્યાનમાં લેતાં ચોખોબા અને તેમના પરિવારનું ઐતિહાસિક મહત્ત્વ નિર્વિવાદ રીતે રેખાંકિત થાય છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર પહેલાં અસ્પૃશ્ય સમાજ પાસે ચોખોબા સિવાયનો કોઈ આદર્શ ન હતો. જોકે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે તે આદર્શને નકારવાની ભૂમિકા લીધી હોય તેવું જોવા મળે છે. તેનું કારણ પણ એટલું જ મહત્ત્વનું છે.

ઇમેજ સ્રોત, Getty Images
સદાનંદ મોરેના ‘સંત સાહિત્ય અને સમાનતા’ વ્યાખ્યાનનો સમાવેશ સચિન પરબ અને શ્રીરંગ ગાયકવાડ સંપાદિત ‘જોહાર ચોખોબા’ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
તે વ્યાખ્યાનમાં સદાનંદ મોરેએ કહ્યું છે, “આંબેડકરે એક ઠેકાણે મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહેલું કે ચોખોબા સંત છે તે મને સ્વીકાર્ય છે. હું તેમનાં અભંગ ગાઉં છું. ભક્ત તરીકે મને તેઓ ખૂબ જ ઊંચા દરજ્જાના લાગે છે, પરંતુ મુદ્દો એ છે કે વ્યક્તિનો આદર કરવા માટે તે ભક્ત જ હોવું જરૂરી છે? એણે સંત જ હોવું જોઈએ? એ ભક્ત કે સંત ન હોય તો માનવી તરીકે તેનું કોઈ મૂલ્ય નથી?”
ડૉ. બાબાસાહેબનો આ સવાલ નિશ્ચિત રીતે જ મહત્ત્વપૂર્ણ છે. તેથી જ તેઓ ચોખોબાના ખભા પર ઊભા રહીને દલિતોમાં આત્મસન્માનની નવી ભાવના જગાડી શક્યા, એવું જ. વિ. પવાર કહે છે.

ઇમેજ સ્રોત, Sachin Parab
તેમણે ચોખોબા વિશેના ‘રિંગણ’ના વાર્ષિક અંકમાં એક લેખમાં લખ્યું છે, “આ આદર્શ સાથે (બાબાસાહેબ આંબેડકર) ચોખોબાના વિચારોથી આગળ વધ્યા અને સમાજ પરિવર્તનનો દૂરંદેશી કાર્યક્રમ આપ્યો. તે એક કાર્યક્રમ હોવાને કારણે તેણે જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું. તે આંદોલન માત્ર શબ્દો પૂરતું મર્યાદિત ન રહ્યું.”
“ખરા અર્થમાં આંદોલન બન્યું. ચોખોબાએ પ્રવર્તમાન જ્ઞાતિ વ્યવસ્થાનો અનુભવ કર્યો. તેના ચટકા સહન કર્યા. તેમાંથી બહાર આવવાના પ્રયાસ કર્યા, પરંતુ વિઠ્ઠલનું નામસ્મરણ તેમની કૂંપળ હતું. ચોખોબા માનતા હતા કે વિઠ્ઠલ બધાં દુઃખ દૂર કરશે. બાબાસાહેબે આ માળખાને તોડવાનો પ્રયાસ કર્યો હતો.”
અહીં મુદ્દો ચોખોબાના કાર્યનું મૂલ્ય ઓછું આંકવાનો નથી, પરંતુ “તેઓ આપણી મરજી અનુસાર જ સંત બને તો જ તેમને પ્રતિષ્ઠા આપીશું,” એવી શરતને બાજુ પર રાખવાનો મુદ્દો બાબાસાહેબ આંબેડકરનો છે.
ચોખોબા આંબેડકર પહેલાંના અસ્પૃશ્ય સમાજની વાસ્તવિકતાનું પ્રતીક છે.

ઇમેજ સ્રોત, Sane Guruji Memorial Samiti, Pandharpur
ચોખોબાના જન્મસ્થળ અને તેમનો જન્મ ક્યારે થયો હતો એ બાબતે મતમતાંતર છે. પ્રોફેસર દેવીદાસ ઇથાપેને મતે ચોખોબાનો જન્મ 1268ની 14 જાન્યુઆરીએ થયો હતો.
કેટલાકના મતે ચોખોબાનો જન્મ મહારાષ્ટ્રના બુલઢાણાના મેહુનપુરામાં થયો હતો, જ્યારે કેટલાક કહે છે કે તેમનો જન્મ પંઢરપુરમાં થયો હતો. કેટલાક અન્ય સંશોધકો કહે છે કે ચોખોબાનો જન્મ મંગલવેઢ્યામાં થયો હતો.
વારકરી પરંપરાનાં નિવૃત્તીનાથ, નામદેવ, જનાબાઈ, સોપાનદેવ, મુક્તાબાઈ, ચાંગદેવ, ગોરા કુંભાર, જગમિત્ર નાગા અને સાવતામાળી આ બધાં ચોખોબાનાં સમકાલીન તથા સાથીઓ હતાં.
આ ચોખોબા વિઠ્ઠલના દર્શન માટે મહાદ્વાર પર જીવનભર સ્થિર ઊભા રહ્યા હતા. તેઓ અસ્પૃશ્ય સમુદાયની તત્કાલીન અવસ્થાનું પ્રતીક છે. અસ્પૃશ્યોને 1948 સુધી વિઠ્ઠલના મંદિરમાં પ્રવેશવાની છૂટ ન હતી.
અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ અપાવવા માટે સાને ગુરુજીએ લડત ચલાવી હતી. સાને ગુરુજી મહાત્મા ગાંધીના અનુયાયી હતી. જ્ઞાતિ ભેદભાવના નિયંત્રણ હેઠળ રહેલા વિઠોબાને મુક્ત કરીને તેમના મંદિરના દરવાજા બધા માટે ખુલ્લા મૂકવામાં આવે એ માટે તેમણે પંઢરપુરના તાનપુરે મહારાજ મઠમાં 1947ની પહેલી મેથી દસ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા.
એ પહેલાં સાને ગુરુજીએ સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રવાસ કર્યો હતો અને આ બાબતે જાગૃતિ ફેલાવી હતી. વિઠ્ઠલની મુક્તિ માટેના તેમના આંદોલનનો વ્યાપક વિરોધ થયો હતો.

ઇમેજ સ્રોત, Film/Hi Vaat Pandhrichi
‘જાઓ સાને સીમાપાર, નહીં ખુલેગા મંદિરદ્વાર’ એવા સનાતનીઓના સુત્રોચ્ચારનો જવાબ સાને ગુરુજીએ ‘સાને ગુરુજી કરે પુકાર, ખોલો વિઠ્ઠલ મંદિરદ્વાર’ સૂત્ર વડે આપ્યો હતો.
1946-47માં ગામડાઓની મુલાકાત વખતે સાને ગુરુજીએ રાજ્યના લોકોના હૃદયને સ્પર્શી જાય તેવું ભાષણ આપ્યું હતું. સાને ગુરુજીએ કહ્યું હતું, “પંઢરપુરનું મંદિર હરિજનો માટે ખુલે એટલે હું અહીં મરવા તૈયાર છું. પંઢરપુર મહારાષ્ટ્રનું હૃદય છે. મહારાષ્ટ્રના જીવનની ચાવી છે.”
“પંઢરપુરની ચાવી ફેરવવામાં આવશે તો સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રકાશ ફેલાશે. મહારાષ્ટ્રમાંના તમામ લોકોના જીવનમાંથી અસ્પૃશ્યતાનો નાશ થવો જોઈએ. દુષ્ટ રિવાજોનાં તાળાં તૂટી જવા જોઈએ. હું મારા પ્રાણ ન્યોચ્છાવર કરવા તૈયાર છું.”
સાને ગુરુજીએ કહ્યું હતું, “સંતોએ વિઠ્ઠલના ચરણનું વર્ણન ‘સમચરણ’ તરીકે કર્યું છે. તે ચરણ ભેદભાવ કરતા નથી. તે બધા જીવો માટે સમાન છે, પરંતુ હરિજનો તે ચરણ પર માથું કેમ રાખી શકતા નથી?”
“હું પંઢરપુરના પાંડુરંગ મંદિરના સંચાલકોને પ્રાર્થના કરું છું કે તેઓ તમામ સંતાનોને ભગવાનની નજીક આવવા દે. તેમણે એવી જાહેરાત કરવી જોઈએ. ત્યાં સુધી હું ઉપવાસ ચાલુ રાખીશ.”
સાને ગુરુજીએ આ રીતે ઉપવાસ શરૂ કર્યા હતા. તેમના ઉપવાસ સફળ થયા હતા અને તેનાં પરિણામે મહાદ્વાર પર અડગ ઊભેલા ચોખોબાના મંદિરમાં પ્રવેશનો માર્ગ લગભગ 700 વર્ષ પછી મોકળો થયો હતો, એવું કહી શકાય.
ચોખોબા વિશે અત્યાર સુધીમાં બે ફિલ્મો અને કેટલાંક નાટકો બન્યાં છે. તેમાં ‘જોહાર માયબાપ’ ચોખોબા વિશેની સૌથી પ્રખ્યાત ફિલ્મ છે. વેંકટેશ માડગુલકરની કથા અને જી. ડી. માલગૂલકર લિખિત પટકથા, સંવાદ તથા ગીતો ધરાવતી આ ફિલ્મ 1950માં ‘જોહાર માયબાપ’ અને 1981માં ‘હી વાટ પંઢરીચી’ નામે પ્રદર્શિત થઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
એ ફિલ્મમાં પુ. લ. દેશપાંડેએ ચોખોબાની અને અભિનેત્રી સુલોચનાએ સોયરાબાઈની ભૂમિકા ભજવી હતી.
પુ. લ. દેશપાંડેની ભૂમિકાને કારણે આ ફિલ્મ નોંધપાત્ર બની હતી, પરંતુ તેમાં ચોખોબાને થયેલા અન્યાયનું ખાસ ચિત્રણ દર્શાવવામાં આવ્યું ન હતું.
જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખક ભાલચંદ્ર નેમાડે અફસોસ સાથે કહે છે કે ચોખોબા “મરાઠી સંસ્કૃતિના પાયામાંની તિરાડ” છે.
તેમણે લેખક સ. ભા. કદમના પુસ્તક અભંગગાથાની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં લખ્યું હતું, “મંગળવેઢ્યામાં કુસુ બનાવવા માટે જે મહારોને પકડીને લઈ જવામાં આવ્યા હતા તેમાં આ કવિનો પણ સમાવેશ થતો હતો. અંતે મને છેટો કરી નાખ્યો, એવું તેમણે કહ્યું હતું.”
“પોતાના મહાન નાયકો પૈકીના એકનો મૃતદેહ કુસુ હેઠળ દટાઈ ગયેલા ઘણા મહારો સાથે મળી આવ્યો હતો, એવી ખબર પડી પછી સંત નામદેવે જીવનભર અસ્વસ્થ રહેલી અખંડ ચળવળને પંઢરપુરના વિઠ્ઠલ મંદિરના મહાદ્વારનાં પગથિયાં પર આપેલું યોગ્ય સ્થાન સંભાળીને ચોખોબા 700 વર્ષ સુધી ત્યાં રહ્યા.”
“આ દંતકથા ઐતિહાસિક હોય કે ન હોય, પણ તે આપણી સામાજિક નૈતિકતાનું શાશ્વત પ્રતીક છે. આ મહાદ્વારના પગથિયે ચોખોબા કાયમ ઊભા રહે છે, એવું તેમણે પોતે નોંધ્યું છે. સ્થાપત્ય સ્મારકો અને દસ્તાવેજી પુરાવા બંને આપણી સંસ્કૃતિના પાયામાં પહોળી થતી જતી તિરાડ કાયમ દેખાડશે. તેથી ચોખોબાના જીવનકર્મનો અભ્યાસ મરાઠીમાં હંમેશ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS