Home તાજા સમાચાર gujrati ‘તેને અમારી આંખમાં ડર જોઈને મજા પડતી હતી,’ ઍપ્સ્ટીનનાં સર્વાઇવરોએ બીબીસીને જણાવી...

‘તેને અમારી આંખમાં ડર જોઈને મજા પડતી હતી,’ ઍપ્સ્ટીનનાં સર્વાઇવરોએ બીબીસીને જણાવી આપવીતી

19
0

Source : BBC NEWS

બીબીસી, જેફ્રી ઍપ્સ્ટીન, બીબીસી ગુજરાતી, અમેરિકા, મહિલાઓનું શોષણ, ગુનાખોરી, ગુનો, ઍપ્સ્ટીન ફાઇલ્સ

ઇમેજ સ્રોત, Thierry Humeau

(ચેતવણીઃ આ સ્ટોરીમાં જાતીય વર્ણન છે)

જોઆના હૅરિસન તેમની સાથે, જાતીય ગુનાઓ બદલ દોષિત પૂરવાર થયેલા જેફ્રી ઍપસ્ટીને કરેલા દુર્વ્યવહાર વિશે ક્યારેય વાત કરવા માંગતાં ન હતાં.

ધણાં સર્વાઇવરોની માફક જોઆના હૅરિસન પણ કહે છે કે ઍપ્સટીને કરેલા જાતીય હુમલાઓને કારણે તેઓ ખૂબ જ શરમ અનુભવતાં હતાં, પરંતુ અમેરિકન સરકારે લાખો ફાઇલ્સ જાહેર કરી એટલે તેમનું નામ અજાણતાં જ જાહેર થઈ ગયું. તેથી તેમણે બીબીસી ન્યૂઝનાઇટનાં વિક્ટોરિયા ડર્બીશાયરને જણાવ્યું હતું કે તેમણે બોલવું જરૂરી છે.

જોઆના હૅરિસને કહ્યું હતું, “તે એક એવી સ્થિતિ છે, જ્યાં તમારો શ્વાસ રૂંધાય છે અને તમારે શ્વાસ લેવો જરૂરી હોય છે. મને લાગે છે કે શ્વાસ લેવાનો પ્રયાસ કરવાની આ મારી રીત છે.”

બીબીસી ન્યૂઝનાઇટે જોઆના હૅરિસન અને ઍપ્સ્ટીનનાં કૃત્યોનો ભોગ બનેલી ચાર અન્ય પીડિતાઓને પહેલીવાર એક ઓરડામાં એકઠા કર્યાં હતાં. એ પછી કલાકો સુધી ચાલેલી ચર્ચા દરમિયાન, એકબીજાંને સધિયારો આપતાં અને તેઓ પહેલીવાર ઍપ્સ્ટીનને મળ્યાં એ સમયના પોતાના ફોટોગ્રાફ્સ જોયાં ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

આ વ્યાપક ઇન્ટરવ્યૂમાં પીડિતાઓએ તેમની પીડા તથા ગુસ્સાની કહાણી સંભળાવી હતી. કેટલીક પીડિતાઓએ ઍપ્સ્ટીનના બદનામ પ્રાઇવેટ આઇલૅન્ડ લિટલ સેન્ટ જૅમ્સ પર પસાર કરેલા પોતાના સમયને યાદ કર્યો હતો, જ્યારે અન્ય કેટલીકે ઍપ્સ્ટીનની ન્યૂ મૅક્સિકો રૅન્ચ પર પસાર કરેલી “ડરામણી” પળોને યાદ કરી હતી.

તેમના કહેવા મુજબ, તેમને એવું લાગે છે કે ઍપ્સ્ટીન જે વગદાર લોકો સાથે જોડાયેલો હતો, કદાચ તેમને જ ખબર હશે કે શું થઈ રહ્યું હતું.

સર્વાઇવરોની ઓળખ જાહેર થઈ ગઈ

અમેરિકાના ન્યાય વિભાગે ઍપ્સ્ટીન સંબંધી અલગ-અલગ તપાસના લાખો દસ્તાવેજો જાહેર કર્યા, પરંતુ બધું ઍડિટ કર્યા વિનાની કેટલીક સામગ્રીને લીધે ઍપ્સ્ટીનની પીડિતાઓની ઓળખ છુપાવી શકાઈ ન હતી.

જોઆના હૅરિસન એ લોકો પૈકીનાં એક હતાં, જેમનું નામ જાહેર થઈ ગયું હતું.

તેમણે બીબીસી ન્યૂઝનાઇટને જણાવ્યું હતું કે ફાઇલ્સ જાહેર થાય એવું તેઓ ક્યારેય ઇચ્છતા ન હતાં. તેમને ડર હતો કે તેમની ઓળખ ખતમ થઈ જશે.

જોઆના હૅરિસને કહ્યું હતું, “તમારી સતામણી કરી હોય તે વ્યક્તિનો ચહેરો છ વર્ષ સુધી રોજ ટીવી પર જોવાનું નૉર્મલ નથી હોતું.”

તેમના જણાવ્યા અનુસાર, તેઓ 18 વર્ષનાં હતાં ત્યારે ઍપ્સ્ટીનને ફ્લૉરિડામાં મળ્યાં હતા અને બીજી પીડિતાઓની માફક તેમણે પણ કહ્યું હતું કે બધાની શરૂઆત એક મસાજથી થઈ હતી.

જોઆના હૅરિસને કહ્યું હતું, “બધું નૉર્મલ લાગતું હતું. તેણે હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું ત્યારે હું સંપૂર્ણપણે થીજી ગઈ હતી. ઘરે પરત જતી વખતે હું બે શબ્દ સુદ્ધાં બોલી હોઈશ એવું મને યાદ નથી.”

તેમણે જણાવ્યુ હતું કે તેમના જન્મદિવસે ઍપ્સ્ટીને તેમના પર બળાત્કાર કર્યો હતો.

જાહેરમાં પહેલીવાર વાત કરતાં જોઆના હૅરિસને જણાવ્યું હતું કે હવે ઍપ્સ્ટીન મરી ગયો છે ત્યારે તેમને અને બીજી પીડિતાઓના ક્યારેય ન્યાય મળશે, એ બાબતે તેમને શંકા છે. “મારા કેટલાક સવાલોના જવાબ મને ક્યારેય નહીં મળે.”

ક્લિન્ટન, સ્પેસી અને મૅક્સવેલ સાથે પાંચ દિવસમાં પાંચ દેશ

ચાઉટે ડેવિસે ઍપ્સ્ટીન સાથે પ્રાઇવેટ પ્લેનમાં આફ્રિકાના પ્રવાસ દરમિયાનના પહેલાં ક્યારેય જોવા ન મળેલા ફોટોગ્રાફ્સ બીબીસી ન્યૂઝનાઇટ સાથે શૅર કર્યા હતા.

એ ફોટોગ્રાફ્સમાં ઍપ્સ્ટીનની સહ-ષડયંત્રકાર ગિલીન મૅક્સવેલ સાથે અભિનેતા કૅવિન સ્પેસી અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન પણ હતાં. સ્પેસી અને ક્લિન્ટન એઇડ્સનો પ્રસાર રોકવાને પ્રોત્સાહિત કરવા માટે એક માનવતાવાદી પ્રવાસ પર જઈ રહ્યા હતા.

ચાઉટે ડેવિસે કહ્યું હતું, “મેં એ વખતે મારા જર્નલમાં આ લોકોનું સૌથી અલગ પ્રકારનું ગ્રૂપ બનાવ્યું હતું. કોઈ કૅમ્પમાં જતાં હોઈએ તેવી લાગણી અનુભવાતી હતી, કારણ કે પાંચ દિવસમાં પાંચ અલગ-અલગ દેશોનો પ્રવાસ કરવાનો હતો.” પ્લેનમાં તેમણે નાસ્તો કર્યો હતો, પત્તા રમ્યાં હતાં અને કથાઓ સંભળાવી હતી.

તેમણે કહ્યું હતું, “જીવનમાં એક જ વાર કરવા મળે તેવો એ પ્રવાસ હતો અને કમનસીબે બંધ દરવાજા પાછળ જે થઈ રહ્યું હતું તેનો કાળો ઓછાયો આના પર પડવાનો જ હતો.”

તેમણે જણાવ્યું હતું કે ઍપ્સ્ટીને તેમને મસાજ કરવા માટે કામે રાખ્યા પછી તેના પ્રાઇવેટ આઇલૅન્ડ પર તેમના પર બળાત્કાર કર્યો હતો.

બીબીસી, જેફ્રી ઍપ્સ્ટીન, બીબીસી ગુજરાતી, અમેરિકા, મહિલાઓનું શોષણ, ગુનાખોરી, ગુનો, ઍપ્સ્ટીન ફાઇલ્સ

ઇમેજ સ્રોત, Chauntae Davies

પોર્ટુગલના એક ઍરપૉર્ટ પર પ્લેનમાં ઈંધણ ભરવામાં આવી રહ્યું હતું ત્યારે પોતે ક્લિન્ટનની ગરદન તથા પીઠ પર મસાજ કર્યો હોવાની ઘટનાને તાલીમ પામેલા આ મસાજ થેરપિસ્ટે યાદ કરી હતી.

ભૂતપૂર્વ પ્રમુખ વિનમ્ર, દયાળુ અને કરિશ્માયુક્ત હોવાનું પોતાના જર્નલમાં લખ્યાનું ચાઉટે ડેવિસે જણાવ્યું હતું.

બીબીસી, જેફ્રી ઍપ્સ્ટીન, બીબીસી ગુજરાતી, અમેરિકા, મહિલાઓનું શોષણ, ગુનાખોરી, ગુનો, ઍપ્સ્ટીન ફાઇલ્સ

ઇમેજ સ્રોત, Chauntae Davies

અમેરિકન હાઉસ ઓવરસાઇટ કમિટી સમક્ષ ફેબ્રુઆરીમાં જુબાની આપવા બેઠેલા ક્લિન્ટનને ચાઉટે ડેવિસ સાથેની એ વાતચીત બાબતે સવાલ કરવામાં આવ્યા હતા.

તેમણે કમિટીને જણાવ્યું હતું કે ઍપ્સ્ટીનનાં ખોટાં કામો વિશે મેં ડેવિસને જણાવ્યું હોત તો સારું થાત.

જોકે, ચાઉટે ડેવિસે કહ્યું હતું કે તેઓ આ મામલા વિશે ક્લિન્ટને કહેવાનું ક્યારેય વિચારતાં નહોતાં, “હું આ વિશે કોઈને ક્યારેય વાત કરવાની નથી,” તેમણે કહ્યું.

“તેમણે ખરેખર શું કર્યું હોત? શું [ક્લિન્ટન] તેને રોકી શક્યા હોત?”

એપ્સ્ટીનનાં ખોટાં કામો વિશે ચાઉટે ડેવિસે વિચાર્યું હતું કે ” મને લાગે છે કે આપણે એ ક્યારેય નહીં જાણી શકીએ.”

તેઓ એક વખત ક્લિન્ટન સાથે પોર્ટુગલમાં હતાં ત્યારે ભૂતપૂર્વ પ્રમુખને તેમની દીકરી ચૅલ્સી માટે જ્વેલરી ખરીદવામાં મદદ કરી હોવાની ઘટનાને ડેવિસે યાદ કરી હતી.

ક્લિન્ટને વારંવાર કહ્યું છે કે તેમણે ઍપ્સ્ટીનનો ખોટો વ્યવહાર નિહાળ્યો નથી.ઍપ્સ્ટીન ફાઇલ્સમાં તેમનું નામ સેંકડો વખત આવે છે. ઍપ્સ્ટીન સંબંધી દસ્તાવેજોમાં નામ હોવાનો અર્થ એ નથી કે તેમણે કોઈ ખોટું કામ કર્યું છે.

સ્પેસીએ સૌની સામે ઍપ્સ્ટીનની તમામ ફાઇલ્સ જાહેર કરવાની માંગણી કરતાં કહ્યું, “આપણા પૈકીના જે લોકોએ ડરવાનું કોઈ કારણ નથી તેમના માટે સત્ય જલદીથી બહાર આવવાનું નથી.”

ન્યૂ મૅક્સિકો ખાતે ઍપ્સ્ટીનનું ‘બિહામણું’ ફાર્મ

ન્યાય વિભાગની ફાઇલ્સમાં ઍપ્સ્ટીન સામેના આરોપો આ વર્ષની શરૂઆતમાં બહાર આવ્યા બાદ અમેરિકાના ન્યૂ મૅક્સિકો રાજ્યમાંની તેમની ઝોરો રાન્ચની ક્રિમિનલ તપાસ ફરીથી શરૂ કરવામાં આવી હતી.

એ અગાઉ ન્યૂ યૉર્કના ફેડરલ પ્રોસિક્યૂટરની વિનંતીને પગલે રાજ્યએ 2019માં રાન્ચની પ્રારંભિક તપાસ અટકાવી દીધી હતી.

ચાઉટે ડેવિસે કહ્યું હતું, “મોટાભાગના (જાતીય) હુમલાઓ ત્યાં જ થયા હતા. ઝોરો રાન્ચ સાથે મારી સૌથી ખરાબ સ્મૃતિ જોડાયેલી છે.”

ત્યાં રહેવાનું કેવું લાગતું હતું, તેની વાત કરતાં તેમણે બીબીસી ન્યૂઝનાઇટને જણાવ્યું હતું કે તેમને “ફસાઈ ગયાનો” અનુભવ થતો હતો.

ચાઉટે ડેવિસે કહ્યું હતું, “તે ભયાનક, અંધારિયો, ડરામણો અહેસાસ હતો.”

બીબીસી ન્યૂઝનાઇટ સાથેની વાતચીતમાં એક અન્ય પીડિતા લિસા ફિલિપ્સે પણ આવી જ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, “આ જગ્યા ખરેખર બહુ ડરામણી છે, એવું લાગતું હોવાનું મને યાદ છે. એવી જ અનુભૂતિ થતી હતી.”

ચાઉટે ડેવિસના કહેવા મુજબ, ઝોરો રાન્ચમાં જે થયું હતું તેના વિશે ઘણું જાહેર થવાનું હજુ બાકી છે, એવું મને લાગે છે.

ઍપ્સ્ટીને સર્વાઇવરને કહ્યું, ‘મને લોકો વિશે વાતો કરવાનું ગમે છે’

ચાઉટે ડેવિસે જણાવ્યું હતું કે ઍપ્સ્ટીનને તેના વગદાર અને શ્રીમંત દોસ્તો વિશે બડાશ મારવાનું ગમતું હતું.

તેમના જણાવ્યા અનુસાર, ઍપ્સ્ટીન યૉર્કનાં ભૂતપૂર્વ ડચેસ સારા ફર્ગ્યુસનને પૈસા ઉધાર આપવા બાબતે બડાશ મારતો હતો. “એ કોઈ સિક્રેટ ન હતું,” એવું ચાઉટે ડેવિસે બીબીસી ન્યૂઝનાઇટને કહ્યું હતું.

તેમનાં જણાવ્યાં મુજબ, સારા ફર્ગ્યુસનના તેમના ભૂતપૂર્વ પતિ ઍન્ડ્ર્યુ માઉન્ટબેટન-વિન્ડસર તથા તેમની દીકરીઓ સાથેના ફ્રેમ કરેલા ફોટોગ્રાફ્સ ઍપ્સ્ટીનની પ્રોપર્ટી પર હતા.

લિસા ફિલિપ્સ એ સમયે ફૅશન મૉડેલ હતાં. તેમણે પણ ઍપ્સ્ટીનના માઉન્ટબેટન-વિન્ડસર સાથેના કનેક્શન વિશે વાત કરી હતી અને પોતાની એક સખીની કહાણી સંભળાવી હતી. એ સખીએ જાહેરમાં હજુ સુધી કશું કહ્યું નથી અને એ પોતાનું નામ જાહેર કરવા ઇચ્છતી નથી. તેને માઉન્ટબેટન-વિન્ડસર સાથે સેક્સ કરવા જણાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

લિસા ફિલિપ્સના જણાવ્યા મુજબ, તેમની સખી 2003માં ઍપ્સ્ટીન સાથે અપર ઇસ્ટ સાઇડ ન્યૂ યૉર્ક સિટી ઍપાર્ટમેન્ટમાં ગઈ હતી, જ્યાં તેને એક ઓરડામાં એક પુરુષ સાથે સેક્સ કરવાનું કહેવામાં આવ્યું હતું. એ પુરુષ માઉન્ટબેટન-વિન્ડસર હોવાનું તેને જણાવવામાં આવ્યું હતું.

માઉન્ટબેટન-વિન્ડસર તેમના પર લગાવેલા આરોપો વિશે હંમેશાં ઇન્કાર કરતા આવ્યા છે.

બીબીસી, જેફ્રી ઍપ્સ્ટીન, બીબીસી ગુજરાતી, અમેરિકા, મહિલાઓનું શોષણ, ગુનાખોરી, ગુનો, ઍપ્સ્ટીન ફાઇલ્સ

ઇમેજ સ્રોત, Thierry Humeau

લિસા ફિલિપ્સે બીબીસી ન્યૂઝનાઇટને જણાવ્યું હતું કે માઉન્ટબેટન-વિન્ડસર સાથે સેક્સ કરવાનું તમે મારી સખીને શા માટે કહ્યું હતું, એવો સવાલ પછી મેં ઍપ્સ્ટીનને પૂછ્યો હતો. તેમના કહેવા મુજબ, ઍપ્સ્ટીને સ્મિત કરતાં જવાબ આપ્યો હતોઃ “મને લોકોને વશમાં રાખવાનું ગમે છે.”

ઍપ્સ્ટીન દ્વારા કરવામાં આવેલી સતામણી બાબતે તેમણે કહ્યું હતું, “તેને અમારી આંખોમાં ડર ગમતો હતો. મને લાગે છે કે અમે ડરેલા રહીએ, ભયભીત રહીએ અને ગડમથલમાં રહીએ એ તેને ગમતું હતું. મને લાગે છે કે એમાં તેને મજા આવતી હતી.”

મારી સખી પરના કથિત હુમલા અને માઉન્ટબેટન-વિન્ડસરની સામેલગીરી વિશે મારી પાસે શું માહિતી છે, એ જાણવા માટે યુનાઇટેડ કિંગ્ડમ પોલીસે મારી સાથે વાત કરવી જોઈએ, એવું લિસા ફિલિપ્સે બીબીસી ન્યૂઝનાઇટ સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

સરકારી પદ પર ખોટાં કામ કરવા બદલ ફેબ્રુઆરીમાં માઉન્ટબેટન-વિન્ડસરની ધરપકડ કરવામાં આવી હતી. યુનાઇટેડ કિંગ્ડમના વ્યાપાર દૂત તરીકે કામ કરતી વખતે તેમણે ઍપ્સ્ટીન સાથે ગુપ્ત, સંવેદનશીલ માહિતી એકઠી કરી હોવાનો આરોપ છે અને આ સંદર્ભે તપાસ ચાલી રહી છે.

બીબીસી ન્યૂઝનાઇટ સાથે જે પીડિતાઓએ વાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે ઍપ્સ્ટીને ખુદની હત્યા કરી હોય એવું તેમને લાગતું નથી.

લિસા ફિલિપ્સે કહ્યું હતું, “અમે તેને ઓળખીએ છીએ. અમને ખબર છે કે એ કેવો માણસ છે.”

ઍપ્સ્ટીન 2019ની 10 ઑગસ્ટે જેલની કોટડીમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તેને ખટલા પહેલાં સેક્સ ટ્રાફિકિંગ અને ષડયંત્રના આરોપસર ન્યૂ યૉર્કના મૅટ્રોપોલિટન કરેક્શનલ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

ન્યૂ યૉર્કના મેડિકલ ઍક્ઝામિનરે તેને આપઘાત ગણાવ્યો હતો.

ઍપ્સ્ટીનની અસર, ‘હું હવે પહેલાં જેવું સ્મિત નથી કરતી’

બીબીસી, જેફ્રી ઍપ્સ્ટીન, બીબીસી ગુજરાતી, અમેરિકા, મહિલાઓનું શોષણ, ગુનાખોરી, ગુનો, ઍપ્સ્ટીન ફાઇલ્સ

ઇમેજ સ્રોત, BBC Newsnight

જેના-લિસા જૉન્સ અને વૅન્ડી પેસાંટે 14 વર્ષનાં હતાં ત્યારે ઍપ્સ્ટીનને મળ્યાં હતાં. એ વખતે તેઓ એકમેકનાં સખી બન્યાં હતાં અને વર્ષો સુધી ઍપ્સ્ટીનની થયેલી સતામણી બાદ આજે પણ તેઓ બહેનપણીઓ છે.

વૅન્ડી પેસાંટેએ કહ્યું હતું, “બહુ નાની વયે તમારી સાથે એવી કોઈ ઘટના બને તો તમારી વાસ્તવિકતા લાંબા સમય સુધી બગડી જાય છે. 14 વર્ષની વયે તમારી મનોવૃત્તિ સેક્સ વર્કર જેવી ન હોવી જોઈએ.”

પીડિતાઓ ઍપ્સ્ટીનને મળ્યાં ત્યારે તેમની જેટલી વય હતી એ વયના ફોટોગ્રાફ્સ તેમને ઇન્ટરવ્યૂ દરમિયાન એક સમયે આપવામાં આવ્યા હતા.

પોતાના 18 વર્ષની વયના ફોટોગ્રાફને નિહાળતાં હૅરિસને કહ્યું હતું, “હવે હું પહેલાંની જેમ સ્મિત કરતી નથી.”

આછા ગુલાબી રંગનો ડ્રેસ પહેરીને નૌકામાં બેઠેલાં હોય તેવો પોતાનો ફોટોગ્રાફ ફિલિપ્સે નિહાળ્યો હતો અને તેમને સમજાયું હતું કે બૅકગ્રાઉન્ટમાં ઍપ્સ્ટીનનો આઇલૅન્ડ હતો.

એ તસવીર વિશે તેમણે કહ્યું હતું, “હું મારી જિંદગીની મજા માણી રહી હતી અને મારી સાથે શું થવાનું છે તેનો મને કોઈ અંદાજ ન હતો. મેં આઇલૅન્ડ છોડ્યો ત્યારે હું આવી દેખાતી ન હતી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS