Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Travel With Jo/Instagram
2 કલાક પહેલા
પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર હરિયાણા અને પંજાબ પોલીસે આ અઠવાડિયે જે લોકોની ધરપકડ કરી તેમાં હરિયાણા ટ્રાવેલ વ્લૉગર અને યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે.
હરિયાણા પોલીસના જણાવ્યા અનુસાર જ્યોતિ મલ્હોત્રાનાં મોબાઇલ અને લૅપટૉપમાંથી કેટલીક શંકાસ્પદ સામગ્રી મળી આવી છે.
તેમની સામે ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ અને ભારતીય દંડ સંહિતા (બીએનએસ)ની કલમ 152 (ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતાં કૃત્યો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ધરપકડ પછી જ્યોતિની પાકિસ્તાન મુલાકાત અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત, તેમનો બીજો એક વીડિયો ચર્ચામાં છે, જે ગયા વર્ષે ભારતમાં પાકિસ્તાની દૂતાવાસની ડિનર પાર્ટીનો છે.
તેમણે પાકિસ્તાન અને ચીનનો પણ પ્રવાસ કર્યો હતો. તેમના આ પ્રવાસનાં ઘણાં વીડિયો અને રીલ્સ તેમની ચૅનલ પર અપલૉડ કરવામાં આવ્યાં છે. આ વીડિયો અને રિલ્સને લઈને પણ તેમની ચર્ચાઓ થઈ રહી છે.
જ્યોતિ મલ્હોત્રા સોશિયલ મીડિયા પર કેટલાં લોકપ્રિય છે?

ઇમેજ સ્રોત, Youtube
જ્યોતિ મલ્હોત્રાની યુટ્યૂબ ચૅનલ અને ઇન્સ્ટાગ્રામ પેજનું નામ ‘ટ્રાવેલ વિથ જો’ છે.
તેમની યુટ્યૂબ ચૅનલ પર 3.79 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર 1.40 લાખ ફૉલોઅર્સ છે. ફેસબૂક પર તેમના 3.22 લાખ ફૉલોઅર્સ છે.
જ્યોતિ મલ્હોત્રા પોતાની ચૅનલ પર દેશ-વિદેશના પ્રવાસના વીડિયો અપલૉડ કરે છે. અત્યાર સુધીમાં તેમની ચૅનલ પર 400થી વધુ વીડિયો અપલૉડ કરવામાં આવ્યા છે.
તેમણે પોતાની ચૅનલ પર દેશનાં વિવિધ રાજ્યોની યાત્રાઓથી લઈને વિદેશ યાત્રાઓ સુધીના ઘણા વીડિયો પોસ્ટ કર્યાં છે.
જ્યોતિ પોતાના વીડિયોમાં કોઈ સ્થળને અલગ અલગ રીતે ઍક્સપ્લૉર કરે છે અને વ્યૂઅર્સને તે સ્થળ વિશે માહિતી આપે છે.
તેઓ પોતાના વીડિયોમાં મુસાફરી ખર્ચ, સ્થળની વિશેષતા, સ્થાનિક બજાર, વિવિધ વસ્તુઓની કિંમત વગેરે વિશે વાત કરે છે.
તેમણે અત્યાર સુધીમાં ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, થાઇલૅન્ડ, ભૂતાન, નેપાળ અને ચીનનો પ્રવાસ કર્યો છે, જેના વીડિયો તેમની ચૅનલ પર ઉપલબ્ધ છે.
તેમની ચૅનલ પર અપલૉડ કરાયેલાં સૌથી તાજેતરના વીડિયો તેમના ઇન્ડોનેશિયા પ્રવાસના છે.
માર્ચ અને એપ્રિલમાં જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. આ સમયગાળાના ઘણાં વીડિયો અને રીલ્સ તેમની ચૅનલ પર અપલૉડ કરવામાં આવ્યાં છે.
પાકિસ્તાન દૂતાવાસની ડિનર પાર્ટીના વીડિયોની ચર્ચા

ઇમેજ સ્રોત, @TravelwithJo/Youtube
આ વીડિયોની શરૂઆતમાં જ્યોતિ મલ્હોત્રા કહે છે કે તેમને પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ઇફ્તાર ડિનર પાર્ટીમાં ખાસ આમંત્રણ મળ્યું છે.
આ વીડિયોમાં જ્યોતિ એક વ્યક્તિને મળે છે, જેને તેઓ ‘દાનિશ જી’ કહીને બોલાવે છે, જે યુટ્યૂબર તરીકે તેમનો પરિચય અન્ય લોકો સાથે કરાવે છે.
આ વીડિયોમાં જ્યોતિ પાકિસ્તાની દૂતાવાસની અધિકારીઓ અને કાર્યક્રમમાં હાજર અન્ય યુટ્યૂબર્સ તથા મહેમાનોને મળે છે. આ ઉપરાંત, તેઓ પોતાના ફૉલોઅર્સને પણ તેમના વિશે કહે છે.
જ્યોતિ મલ્હોત્રાને રિમાન્ડ પર લેવામાં આવ્યા બાદ તેમનો ગયા વર્ષનો વીડિયો ચર્ચામાં આવ્યો છે.
પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Travel With Jo/Facebook
બીબીસી સંવાદદાતા કમલ સૈનીના જણાવ્યા અનુસાર, હિસારના ડીએસપી કમલજીતે જણાવ્યું હતું કે, “ઇનપુટના આધારે અમે હિસારના વતની જ્યોતિ મલ્હોત્રાની ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ અને બીએનએસ 152 હેઠળ ધરપકડ કરી છે.”
પોલીસનું કહેવું છે કે જ્યોતિ સતત એક પાકિસ્તાની નાગરિકના સંપર્કમાં હતાં અને પૂછપરછ દરમિયાન તેની પાસેથી વધુ માહિતી મેળવવામાં આવશે.
હિસારના એસપી શશાંક કુમારે રવિવારે મીડિયાને જણાવ્યું હતું કે, “આધુનિક યુદ્ધો ફક્ત સરહદ પર જ લડવામાં આવતા નથી. અમને એક નવી મોડસ ઑપરેન્ડી જાણવા મળી છે જે મુજબ પીઆઈઓ કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સની ભરતી કરવા પ્રયાસ કરે છે. તેમાં તેઓ સૉફ્ટ પાવરનો ઉપયોગ કરીને પોતાના નૅરેટિવને આગળ વધારવા માટે કામ કરે છે.”
તેમણે કહ્યું કે, “અમને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી ઇનપુટ મળ્યું અને અમે જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરી. તેઓ પીઆઈઓ સાથે સંપર્કમાં હતાં. તેઓ ઘણી વખત પાકિસ્તાન ગયાં છે અને એક વખત ચીન પણ ગયાં છે. અમે તેમને પાંચ દિવસની પોલીસ રિમાન્ડ પર લીધાં છે. અમે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને તેની નાણાકીય માહિતી અને પ્રવાસ વિશે વિસ્તૃત તપાસ કરી રહ્યા છીએ.”
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ હિસારના એસપીએ કહ્યું કે, “પીઆઈઓ સાથે સંપર્કમાં હતાં.”
ધ હિંદુના અહેવાલ પ્રમાણે 7 મેએ પંજાબ પોલીસને મળેલા ઇનપુટ પછી જ્યોતિને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં.
શુક્રવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે તેમને કોર્ટમાં રજૂ કરાયાં હતાં, જ્યાંથી તેમને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યાં છે.

ઇમેજ સ્રોત, Travel With Jo/Facebook
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે જ્યોતિ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો અને પોતાના કોન્ટેન્ટ માટે પાકિસ્તાનની સકારાત્મક છબી રજૂ કરવા માટે ત્યાંના હેન્ડલર સાથે સીધા સંપર્કમાં રહેવાનો આરોપ છે.
રિપોર્ટ અનુસાર જ્યોતિ ગુરુગ્રામમાં એક કંપનીમાં કામ કરતાં હતાં. કોવિડ-19 વખતે તેમણે પોતાની નોકરી છોડી દીધી અને લગભગ ત્રણ વર્ષ અગાઉ ટ્રાવેલ વ્લૉગર બની ગયાં હતાં.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલમાં પોલીસને ટાંકીને જણાવાયું હતું કે શરૂઆતની પૂછપરછમાં જ્યોતિએ કહ્યું છે કે “તે વર્ષ 2023માં વિઝિટર વિઝા માટે પાકિસ્તાન દૂતાવાસ ગઈ હતી.”
‘ધ હિંદુ’એ એફઆઈઆરનો હવાલો આપીને લખ્યું છે કે લગભગ બે વર્ષ અગાઉ પાકિસ્તાની દૂતાવાસના અધિકારી અહસાન-ઉર-રહીમ ઉર્ફ દાનિશ સાથે તે સંપર્કમાં આવ્યાં હતાં. તે વખતે તેઓ વિઝા માટે પાકિસ્તાન હાઈ કમિશન ગયાં હતાં.
તેઓ દાનિશ સાથે સંપર્કમાં રહ્યાં અને બે વખત પાકિસ્તાનના પ્રવાસે ગયાં. ત્યાં તેમની મુલાકાત દાનિશની પરિચિત વ્યક્તિ અલી અહવાન સાથે થઈ જેમણે કથિત રીતે તેમના માટે પાકિસ્તાનમાં રહેવાની વ્યવસ્થા કરી હતી.
ઇન્ડિયન ઍક્સપ્રેસ લખે છે કે જ્યોતિએ કથિત રીતે પોલીસને દાનિશનો નંબર આપ્યો છે અને કહ્યું છે કે તે તેમની સાથે સંપર્કમાં હતાં.
ધ ઇકોનૉમિક ટાઇમ્સના અહેવાલ મુજબ આ મહિને 13 મેના રોજ પાકિસ્તાન ઉચ્ચાયુક્તની એક વ્યક્તિ અહસાન-ઉર-રહીમ ઉર્ફ દાનિશને પર્સોના નૉન ગ્રાટા (અનિચ્છનિય) જાહેર કરવામાં આવ્યાં અને તેમને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ અપાયો હતો.
જ્યોતિના પિતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Kamal Saini/BBC
ધ હિંદુના અહેવાલ પ્રમાણે જ્યોતિના પિતાએ પોતાની દીકરી પર લાગેલા આરોપોનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે મારી દીકરીને ફસાવવામાં આવી રહી છે.
જ્યોતિના પિતા હરીશ કુમારે બીબીસીને જણાવ્યું કે પોલીસ અધિકારી સવારે સાડા નવ વાગ્યે ઘેર આવ્યા અને જ્યોતિને પોતાની સાથે લઈ ગયા.
તેમણે કહ્યું કે, “પાંચ-છ લોકો આવ્યા. તેમણે લગભગ અડધા કલાક સુધી ઘરમાં તલાશી લીધી. ત્યાર પછી પોલીસે લૅપટૉપ અને ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યા.”
તેમણે કહ્યું કે, “મારી દીકરી સરકારની મંજૂરીથી પાકિસ્તાન ગઈ હતી. તેની તપાસ પણ કરવામાં આવી અને પછી વિઝા અપાયા હતા. ત્યાર બાદ તે પાકિસ્તાન ગઈ હતી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS