Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 25 મિનિટ પહેલા
વાંચવાનો સમય: 7 મિનિટ
2011માં, એડલિનને એક સપનું આવ્યું, જેને તેમનું આખું જીવન બદલી નાખ્યું.
તેઓ હતાશા અનુભવી રહ્યાં હતાં, અને ત્રણ વર્ષ પહેલાં અવસાન પામી ચૂકેલાં પોતાનાં માતાને યાદ કરી રહ્યાં હતાં.
“એક રાતે, તે સપનામાં દેખાયાં,” હૉંગકૉંગનાં એડલિને કહ્યું. અહીં નામ બદલવામાં આવ્યું છે.
“મને યાદ છે કે મેં કહ્યું હતું, ‘ઓહ મમ્મી, હું આખરે તમને મળી ખરી, તમે કેમ છો?’ અને તેમણે કહ્યું, ‘હું મજામાં છું, પણ હું તને કંઈક કહેવા માંગું છું. મહેરબાની કરીને શક્ય હોય તેટલી વહેલી તકે ચેક-અપ કરાવવા જા.'”
એડલિને કહ્યું કે તેમણે આ “ખૂબ જ મજબૂત સંદેશા”ને ગંભીરતાથી લીધો અને ડૉક્ટરની ઍપોઇન્ટમેન્ટ લીધી. તેમને પ્રથમ સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું, જેની સારવાર થઈ શકે તેમ હતી, કારણ કે તે વહેલા પકડાઈ ગયું હતું.
“હું ખૂબ આભારી છું,” એડલિને કહ્યું, “નહીંતર મેં ક્યારેય ચેક-અપ કરાવવાનો આગ્રહ ન રાખ્યો હોત.”
વિવિધ સંસ્કૃતિના લોકો હજારો વર્ષોથી પોતાનાં સપનામનું વિશ્લેષણ કરતા આવ્યા છે. પ્રાચીન ઇજિપ્શિયન, ગ્રીક અને બેબીલોનીયન સમાજો બધા જ એવું માનતા હતા કે સપનાં ભવિષ્યવાણી હોઈ શકે છે.
અબ્રાહમિક ધર્મોમાં ભગવાન દ્વારા મોકલવામાં આવેલાં સપનાંને ‘દિવ્ય દૃષ્ટિ’ માનવામાં આવે છે. અને કેટલાંક આદિવાસી જૂથોમાં સપનાઓને આત્માના સહાયકો તરીકે જોવામાં આવે છે.
એડલિન કહે છે કે તે પરંપરાગત ચીની માન્યતાથી વાકેફ હતી કે પૂર્વજો સપનાં દ્વારા સંદેશો આપી શકે છે, પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું કે તેની સાથે પણ આવું થઈ શકે.
સપના પ્રત્યેનું આકર્ષણ હવે ઑનલાઇન થઈ ગયું છે. હૉંગકૉંગ સ્થિત ફોરમ DISCUSSના વપરાશકર્તાઓ તેમની અર્થઘટનની પદ્ધતિઓ શેર કરવા માટે તેનો ઉપયોગ કરે છે, જ્યારે Reddit પર સેંકડો લોકોએ જણાવ્યું હતું કે તેઓ પોતાનાં સપનાંનું વિશ્લેષણ કરવા માટે ChatGPTનો ઉપયોગ કરે છે.
પરંતુ એડલિન જેવાં સપનાં આપણને શું કહી શકે? વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોના મત મુજબ આપણે તેના પર કેટલું ધ્યાન આપવું જોઈએ?
આપણે સપનાં કેમ જોઈએ છીએ?
આપણા મગજને સપનાં જોવાં ગમે છે. યુકેની ઇમ્પિરિયલ કૉલેજ, લંડનના ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. એબિડેમી ઑટાઇકુ કહે છે કે, જ્યારે આપણે આંખની ઝડપી ગતિવિધિ અથવા REM ઊંઘમાં હોઈએ ત્યારે આપણે “લગભગ નિશ્ચિતપણે સપનું” જોતા હોઈએ છીએ.
આનો અર્થ એ છે કે આપણે ઊંઘમાં હોઈએ તેના ત્રીજા ભાગ સુધી સપનાં જોઈ શકીએ છીએ.
હકીકતમાં જો ગાઢ ઊંઘના અભાવે આપણે સપના જોવાનું ચૂકી જઈએ તો આપણું મગજ આગલી વખતે વધારે સ્પષ્ટ સપનાં બતાવે છે. આ પ્રક્રિયા REM રીબાઉન્ડ તરીકે ઓળખાય છે.
ઑટાઇકુ કહે છે કે, “શરીર ખરેખર આ સપનાં જોવા માંગે છે અને જ્યારે તક મળે ત્યારે તેને પૂરાં પણ કરે છે.”
આપણે શા માટે ઊંઘીએ છીએ તે હજુ પણ એક વૈજ્ઞાનિક રહસ્ય છે.
સામાન્ય રીતે, સંશોધકો માને છે કે ઊંઘ મગજને સ્વસ્થ થવામાં મદદ કરે છે, અને તેને દિવસભરની સ્મૃતિઓને વ્યવસ્થિત કરવાનો સમય આપે છે.
સ્કેન દ્વારા જાણવા મળે છે કે ઊંઘ દરમિયાન આપણા મગજની કાર્યપ્રણાલીઓ બદલાઈ જાય છે. આના લીધે તે સમયે આપણાં સપનાં જોવાની રીત પણ બદલાઈ જાય છે.
જ્યારે આપણે સપનું જોઈએ છીએ ત્યારે આપણા આગળના લોબ્સ – આપણને તર્કસંગત બનવામાં મદદરૂપ થતા મગજના ભાગો – સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જાય છે. જ્યારે લિમ્બિક સિસ્ટમ, જે ભાવનાઓ સાથે જોડાયેલી હોય છે, તે અત્યંત સક્રિય થઈ જાય છે.
ઑટાઇકુ કહે છે, “આ એક કારણને લીધે જ આપણાં સપનાં આટલાં વિચિત્ર હોય છે અને તે બહુ અર્થપૂર્ણ લાગતાં નથી.”
શું સપનાં આપણને નિર્ણય લેવામાં મદદરૂપ થઈ શકે?
સંશોધનો સૂચવે છે કે આપણાં સપનાંની સામગ્રી આપણને જાગૃતાવસ્થામાં વધુ સારા નિર્ણયો લેવામાં મદદરૂપ થઈ શકે છે.
એક અભ્યાસમાં જોવા મળ્યું કે ધૂમ્રપાન છોડી દેનારા જે માણસોએ ધૂમ્રપાનનું સપનું જોયું હતું, તેમની ફરી ધૂમ્રપાનની આદત તરફ પાછા ફરવાની સંભાવના ઓછી હતી.
છૂટાછેડા લીધેલા લોકોમાં પણ આવી જ અસર જોવા મળી. સંશોધકોએ શોધી કાઢ્યું કે જેમને તેમના ભૂતપૂર્વ જીવનસાથી વિશે સપનાં આવતાં હતાં, તેઓ એક વર્ષ પછી માનસિક રીતે વધારે સ્વસ્થ હતા.
અમેરિકામાં સપના પર સંશોધન કરી રહેલા મનોવૈજ્ઞાનિક ડૉ. ડાયલન સેલ્ટરમૅન જણાવ્યું કે, “તેઓ કોઈ એવી બાબતનો સામનો કરી રહ્યા હોય છે, જે ભાવનાત્મક રીતે ખૂબ મુશ્કેલ હોય.”
“સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેનાથી કોઈ જ ફર્ક નથી પડતો કે સપનાની સામગ્રી સકારાત્મક છે કે નકારાત્મક.”
હકીકતમાં બંને અભ્યાસો દર્શાવે છે કે લોકોની સમસ્યાઓનો સામનો કરવામાં ક્યારેક નકારાત્મક સપનાંઓ કરતાં હકારાત્મક સપનાઓ વધારે અસરકારક રીતે મદદ કરી શકતાં હોય છે.
સેલ્ટરમૅન સમજાવે છે, “તમે તેના પર કામ કરી રહ્યા હોવ છો અને રચનાત્મક રીતે તેનો ઉકેલ લાવી રહ્યા હોવ છો.”
સપનાં આપણને સમસ્યા ઉકેલવામાં પણ મદદ કરી શકે છે.
હાર્વર્ડના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે લોકોને ભુલભુલામણી ઉકેલવાનું કહેવામાં આવ્યું ત્યારે જેમણે પણ તેના વિશે સપનું જોયું હતું તેમણે વધુ સારું પ્રદર્શન કર્યું હતું.
સેલ્ટરમેન કહે છે કે, “આનું કારણ એ છે કે મગજને સમસ્યા ઉકેલવા માટે વધારાનો સમય મળી જાય છે અને સપનાં આપણને તે સમસ્યાને વધારે સર્જનાત્મક રીતે જોવાની તક પૂરી પાડે છે, આ એક શક્તિશાળી કોમ્બિનેશન છે.
આપણા દૈનિક જીવનમાં, તે એવી કોઈ વસ્તુ માટે અચાનક પ્રેરણા તરીકે પ્રગટી શકે, જેના વિશે આપણે જાગૃતાવસ્થામાં વિચારી રહ્યા હોઈએ.
સેલ્ટરમેન કહે છે, “સપનાં ફક્ત તે દિશામાં આગળ વધવા માટે થોડો પ્રારંભિક ધક્કો આપે છે.”
શું સપનાં તમારી સાચી લાગણીઓને પ્રગટ કરી શકે?

આનો અર્થ એ નથી કે સપનાં છુપાયેલી અથવા સાચી ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે, માત્ર એટલું જ કે તમારું સુષુપ્ત મન હજુ પણ એવા વિષયોમાં રસ ધરાવે છે જેની તમારા જાગૃત મનને ચિંતા છે.
સેલ્ટરમૅન કહે છે કે તેમણે સપનાના અધ્યયનમાં ભાગ લેનારાઓમાં સપનાને કારણે પોતાના સાથીઓ સાથે સંબંધ તોડી નાખતા જોયા છે, પરંતુ તેઓ પહેલેથી જ તેમના સંબંધોમાં રહેલી સમસ્યાઓ વિશે જણાવી ચૂક્યા હતા.
સેલ્ટરમૅને આગળ જણાવ્યું કે, “તેનાથી તેમને વધારાની થોડી મદદ મળી જેની તેમને જરૂર હતી. તેમને લાગ્યું કે તેઓ પોતાના વિશે થોડી વધારે સમજ કેળવી રહ્યા છે, પરંતુ આ બધું તેઓ પહેલેથી જે માનતા હતા તેની સાથે સુસંગત હતું.”
તો શું આપણે કોઈ અજાણી વ્યક્તિ વિશે સપનું જોવામાં ચિંતા કરવી જોઈએ?
સેલ્ટરમૅને જણાવ્યું, “જો તમે એક ખુશ, પ્રેમાળ અને સફળ સંબંધમાં હોવ અને કોઈ રાત્રે તમને એવું સપનું આવે કે તમે કોઈ બીજા સાથે જોડાઈ રહ્યા છો, તો તે ઠીક છે, સામાન્ય છે.”
“તમારે તેના વિશે અપરાધભાવ અનુભવવાની જરૂર નથી. તે કોઈ ખાસ વસ્તુનો સંકેત હોય તે જરૂરી નથી,” તેમણે આગળ ઉમેર્યું.
શું આપણાં સપનાં ભવિષ્યની આગાહી કરી શકે?
આપણું મગજ એ વાત પર ખાસ ધ્યાન આપે છે કે આપણાં સપનાં ક્યારે ભવિષ્યનો સંકેત આપે છે. અને જ્યારે તે વાસ્તવિક જીવન સાથે મેળ ખાતાં હોય ત્યારે તેને વધારે સારી રીતે યાદ રાખે છે.
ન્યુરોસાયન્ટિ ઑટાઇકુ કહે છે કે, “જ્યારે તમે સપનાં જુઓ અને તે વાસ્તવિક દુનિયા સાથે મેળ ખાતાં ન હોય ત્યારે તમે તેને ભૂલી જાવ છો.”
પરંતુ સપનાં ભવિષ્યની જાણકારી આપનારાં લાગે તો તે માટે બીજું એક કારણ જવાબદાર હોઈ શકે, એક સિદ્ધાંત તેને મગજની “ઇન્ટરોસેપ્શન” ક્ષમતાઓ સાથે જોડે છે.
ઑટાઇકુએ જણાવ્યું કે, “કેટલાક લોકો તેને છઠ્ઠી ઇંદ્રિય કહે છે. મૂળભૂત રીતે તે શરીરની આંતરિક સ્થિતિને સમજવાની મગજની ક્ષમતા છે.”
આંતરસેપ્શનમાં સામેલ મગજના ભાગો ઘણીવાર સપનાંમાં સામેલ ભાગોને ઓવરલૅપ કરે છે, અને કેટલાક સંશોધકોએ સૂચવ્યું છે કે તેના પરથી સમજી શકાય છે કે આપણાં સપનાં બીમારીઓનો સંકેત કેમ કરે છે.
ઑટાઇકુ આગળ ઉમેરે છે કે, “તે કંઈક અંશે આ અંગે વ્યાખ્યા કરી શકે તેવી તર્કસંગત પદ્ધતિ લાગે છે.”
આપણે આપણાં દુઃસ્વપ્નો પર કેટલું ધ્યાન આપવું જોઈએ?
ઇમેજ સ્રોત, Dr Abidemi Otaiku
ઑટાઇકુ જેવા ન્યુરોસાયન્ટિસ્ટનાં વધતાં સંશોધનો સૂચવે છે કે આપણાં સપનાં કોઈ ચોક્કસ મગજની બીમારીના જોખમનો સંકેત હોઈ શકે.
તેઓ કહે છે કે, “તમને જેટલાં વધારે ખરાબ સપનાં આવે તેટલા જ વધારે ડિમેન્શિયા અને પાર્કિન્સન થવાનું જોખમ હોઈ શકે.”
તેમની પાસે ત્રણ સિદ્ધાંતો છે. દુઃસ્વપ્નો આ રોગોના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે.
દુઃસ્વપ્નોને લીધે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે. અથવા દુઃસ્વપ્નો અને રોગો બંનેના કારણમાં આનુવંશિકતા પણ હોઈ શકે. આમાંથી કયો સિદ્ધાંત સાચો છે તે જાણવા માટે વધુ સંશોધનની જરૂર છે.
ઑટાઇકુ કહે છે કે તેનાં પરિણામો આપણને હતાશ ન કરવાં જોઈએ. તે આપણા સ્વાસ્થ્યને સુધારવાની એક સારી તક છે.
તણાવ ઓછો કરવો, ગુણવત્તાવાળી ઊંઘ લેવી અને સૂતા પહેલા ડરામણી ફિલ્મો ટાળવી – આ બધું મદદરૂપ બની શકે છે.
સૌથી ગંભીર સ્થિતિમાં અન્ય વિકલ્પો પણ છે. ‘ઇમેજ રિહર્સલ થેરાપી’ દર્દીઓને વારંવાર આવતાં દુઃસ્વપ્નનો અંત બદલવામાં મદદ કરે છે, અને બ્લડ પ્રેશરની દવા ‘પ્રાઝાસિન’ સામાન્ય સપનાઓને ચાલુ રાખીને દુઃસ્વપ્નોને રોકવામાં મદદ કરી શકે છે.
ઑટાઇકુ ઉમેરે છે કે, “એવી પણ ઘણી શક્યતા છે કે દુઃસ્વપ્નોની સારવાર કરવાથી આપણા સ્વાસ્થ્યને તાત્કાલિક અને કદાચ લાંબા ગાળાનો ફાયદો થાય.”
શું આપણે આપણાં સપનાઓનું વિશ્લેષણ કરવું જોઈએ?
સેલ્ટરમૅન ચેતવણી આપે છે કે સપનામાં અમુક નિશ્ચિત પ્રતીકાત્મક અર્થ શોધવાથી મુશ્કેલી ઊભી થઈ શકે, કારણ કે તે વ્યક્તિગત સંદર્ભને અવગણે છે.
આગળ સમજાવતા તેઓ કહે છે, “દંત ચિકિત્સકની તુલનામાં દરિયાઈ જીવવિજ્ઞાની માટે શાર્કનો અર્થ કદાચ અલગ હોઈ શકે.”
પરંતુ તેઓ કહે છે કે સપનાના વિષયો પર ધ્યાન આપવાથી આપણી પોતાની જાતને વધારે સારી રીતે સમજવામાં મદદ મળી શકે છે.
તેઓ કહે છે, “શક્ય છે કે તમે કોઈ એવા પ્રિયજનનું સપનું વધારે જોતા હોવ, જેમનું અવસાન થઈ ગયું હોય. અથવા તો કદાચ તમે કોઈ એવી નોકરી વિશે સપનું જોઈ રહ્યા હોવ જે ભવિષ્યમાં મેળવવા માગતા હોવ. અથવા તો તમારા મિત્રો કે જીવનસાથી વિશે…”
તેઓ આગળ જણાવે છે કે આ વિષયો પર નજર રાખવાથી આપણને પોતાના વિશે અને આપણા સંબંધો વિશે વધુ સારી સમજ મળી શકે છે. આ એવા વિષયો છે જેના વિશે આપણે વધારે સપનાં જોઈએ છીએ.
“જો સપનાનું કોઈ મહત્ત્વ હોય, તો તે કદાચ આપણા સામાજિક જીવન સાથે સંકળાયેલું હોય છે,” સેલ્ટરમૅન કહે છે.
એડલિન કહે છે કે તેઓ હવે તેમનાં સપનાં પર વધુ ધ્યાન આપે છે અને તેમની ભાવનાઓને તપાસવા માટે તેનો ઉપયોગ સંકેત તરીકે કરે છે.
એડલિને આગળ કહ્યું કે, “આપણે ફક્ત આપણા અંતરાત્મા પર ભરોસો કરવો જોઈએ કે તે સંદેશ શું હોઈ શકે. તમારી અંદર ઊંડાણપૂર્વક જુઓ, જવાબ મળી જશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



