Home તાજા સમાચાર gujrati જો બાઇડનને પ્રોસ્ટેટ કૅન્સર થયું: પ્રોસ્ટેટ કૅન્સર શું છે અને દુનિયામાં તેના...

જો બાઇડનને પ્રોસ્ટેટ કૅન્સર થયું: પ્રોસ્ટેટ કૅન્સર શું છે અને દુનિયામાં તેના કેસ શા માટે વધી રહ્યા છે?

6
0

Source : BBC NEWS

જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર કેવી રીતે થાય તેના લક્ષ્ણ, નિદાન અને સારવાર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કૅન્સર હોવાનું નિદાન થયું છે, જે તેમનાં હાડકાં સુધી ફેલાઈ ગયું છે.

બાઇડન ગયા અઠવાડિયે યૂરિન સાથે સંકળાયેલી સમસ્યા માટે ડૉક્ટર પાસે ગયા હતા. શુક્રવારે તેમને કૅન્સર હોવાની જાણ થઈ.

ડૉક્ટરોએ તેમની બીમારીને ‘હાઈ ગ્રેડ’ કૅન્સર તરીકે વર્ગીકૃત કરી છે.

કૅન્સર રિસર્ચ યૂકે અનુસાર, આનો અર્થ એ છે કે કૅન્સર કોશિકાઓ ઝડપથી પ્રસરી રહી છે. વાંચો, 24 એપ્રિલ 2024એ પ્રસિદ્ધ પ્રોસ્ટેટ કૅન્સર વિશેનો બીબીસી સંવાદદાતા સુશીલા સિંહનો આ વિસ્તૃત રિપોર્ટ.

મેડિકલ જર્નલ લૅન્સેટના તાજા રિપોર્ટ અનુસાર, આખી દુનિયામાં પ્રોસ્ટેટ કૅન્સરના કેસમાં વધારો થયો થશે.

લૅન્સેટે આ રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2020માં પ્રોસ્ટેટ કૅન્સરના નવા કેસ 14 લાખ હતા, જે વધીને 2040માં 29 લાખ થઈ જશે.

તેમાં એમ પણ કહેવાયું છે કે 112 દેશોમાં પુરુષોમાં થતું આ એક સામાન્ય કૅન્સર છે અને બધા પ્રકારનાં કૅન્સરના કુલ કેસમાંથી 15 ટકા કેસ પ્રોસ્ટેટ કૅન્સરના હોય છે.

2020માં આખી દુનિયામાં 3,75,000 પુરુષોનાં મૃત્યુ પ્રોસ્ટેટ કૅન્સરના કારણે થયાં હતાં. એવું અનુમાન કરાઈ રહ્યું છે કે 2040 સુધીમાં આવા મૃત્યુમાં 85 ટકાની વૃદ્ધિ થશે. પુરુષોમાં કૅન્સરથી થતા મૃત્યુમાં આ પાંચમું કારણ છે.

જો ભારતની વાત કરીએ તો, કૅન્સરના કુલ કેસમાં પ્રોસ્ટેટ કૅન્સર ત્રણ ટકા છે અને દર વર્ષે કૅન્સરના 33,000થી 42,000 જેટલા નવા કેસ જોવા મળી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, દર વર્ષે 1,00,000ની વસ્તીમાં 4થી 8 કેસ જોવા મળે છે. રાષ્ટ્રીય સ્તરે કૅન્સરના કેસમાં 30 ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લાં 25 વરસોમાં શહેરી વસ્તીમાં પ્રોસ્ટેટ કૅન્સર 75થી 85 ટકા વધ્યું છે.

દિલ્હીમાં રહેતા રાજેશકુમારને 2022ના ઑક્ટોબરમાં ખબર પડી કે તેમને પ્રોસ્ટેટ કૅન્સર છે.

તેમનાં પત્ની રિતુ મારવાહે બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું, “મારા પતિને રોકાઈને પેશાબ થવાની સમસ્યા હતી. તેઓ સમય લગાડતા હતા. અમે દર વર્ષે મેડિકલ ચેકઅપ કરાવતાં હતાં. આ સમસ્યા પછી અમારા ફૅમિલી ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કરાવવા કહ્યું.”

આ તપાસમાં ખબર પડી કે રાજેશકુમારનું પ્રોસ્ટેટ વધેલું છે અને ડૉક્ટરે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન કે પીએસએ ટેસ્ટ કરાવવા કહ્યું.

ત્યાર પછી એમઆરઆઇ, બાયોપ્સી થયાં અને તપાસમાં ખબર પડી કે રાજેશકુમારને બીજા સ્ટેજનું પ્રોસ્ટેટ કૅન્સર છે.

પ્રોસ્ટેટ શું હોય છે?

જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર કેવી રીતે થાય તેના લક્ષ્ણ, નિદાન અને સારવાર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોસ્ટેટ પુરુષોના પ્રજનનતંત્રનો ભાગ હોય છે અને બ્લૅડર (મૂત્રાશય)ની નીચે હોય છે. તે અખરોટના આકારનું હોય છે, પરંતુ, ઉંમરની સાથે તે વધવા લાગે છે.

ડૉક્ટરોનું કહેવું છે કે, 45-50ની ઉંમર પછી પુરુષોમાં પ્રોસ્ટેટસંબંધી સમસ્યા આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે કૅન્સર જ હોય. સાથે જ દરેક વ્યક્તિને આ સમસ્યા થાય એવું પણ નથી.

જ્યારે તે વધવા લાગે છે ત્યારે ડૉક્ટર પીએસએ ટેસ્ટની સલાહ આપે છે. તપાસ પછી જ, જો કૅન્સરની શંકા થાય તો, બીજી વધારે તપાસ કરાવવામાં આવે છે અને પરિણામ અનુસાર સારવાર શરૂ કરવામાં આવે છે.

68 વર્ષીય રાજેશકુમારની પણ સારવાર શરૂ થઈ અને 2023ના માર્ચ મહિનામાં તેમની સર્જરી થઈ.

પ્રોસ્ટેટ કૅન્સર ધીમે વધે છે

જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર કેવી રીતે થાય તેના લક્ષ્ણ, નિદાન અને સારવાર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GettyImages/Kateryna/Science photo library

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ) દિલ્હીમાં સર્જિકલ ઑન્કૉલોજી વિભાગમાં પ્રોફેસર રહેલા ડૉક્ટર એસવીએસ દેવ કહે છે કે ઉંમર વધ્યા પછી આ બીમારી જોવા મળે છે અને તે સ્લો ગોઇંગ એટલે કે આ કૅન્સર ધીરે ધીરે શરીરમાં વધે છે.

આ ઉપરાંત, થાઇરૉઇડ કૅન્સર અને કેટલાક પ્રકારનાં બ્રેસ્ટ કૅન્સર હોય છે, જે શરીરમાં ધીમે ધીમે વધે છે.

તેઓ કહે છે કે, ભારતમાં પહેલાં આવા કેસ ઓછા જોવા મળતા હતા, કેમ કે, સરેરાશ આયુ ઓછું એટલે કે 60 વર્ષ સુધીનું હતું, પરંતુ હવે તે વધ્યું છે.

ડૉક્ટર વિક્રમ બરુઆ કૌશિક આર્ટિમસ હૉસ્પિટલમાં ચીફ ઑફ યૂરૉલોજી છે.

તેઓ કહે છે, “લોકોનું સરેરાશ આયુ વધ્યા પછી પ્રોસ્ટેટ કૅન્સરના કેસ પણ જોવા મળવા લાગ્યા, પરંતુ, જેટલા આંકડા પ્રાપ્ત થયા છે, તેના કરતાં કેસ વધારે હોઈ શકે છે.”

ડૉક્ટર એસવીએસ દેવ કહે છે કે, ભારતમાં કૅન્સર રજિસ્ટ્રી અનુસાર, છેલ્લા એક દાયકામાં પ્રોસ્ટેટ કૅન્સરના કેસ વધ્યા છે, પરંતુ, પશ્ચિમી દેશોની સરખામણીએ બેથી ત્રણ ગણા ઓછા છે.

તેમનું કહેવું છે કે, કૅન્સરનો આ ડેટા કૅન્સર રજિસ્ટ્રીમાંથી મળે છે અને દરેક હૉસ્પિટલ પાસેથી નથી મેળવાતો. એ દૃષ્ટિએ પ્રોસ્ટેટ કૅન્સરના વર્તમાન કેસિસ ઘણા વધારે હોઈ શકે છે.

તેઓ જણાવે છે કે, પ્રોસ્ટેટ કૅન્સરના કેસ એટલા માટે પણ ઓછા જોવા મળે છે, કેમ કે, સ્ક્રીનિંગ પ્રોગ્રામ નથી, તેથી ખબર જ નથી પડતી; પરંતુ, પશ્ચિમી દેશોમાં વધુ સ્ક્રીનિંગ થાય છે.

જોકે, તેનાથી કેટલાં મૃત્યુ થયાં છે તેનું અનુમાન કરવું પડકારજનક છે, કેમ કે, તેનાથી થતાં મૃત્યુનું રિપોર્ટિંગ ઓછું થાય છે.

શું આ લાઇફસ્ટાઇલ બીમારી છે?

જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર કેવી રીતે થાય તેના લક્ષ્ણ, નિદાન અને સારવાર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GettyImages/Peter Dazeley

જોકે, ડૉક્ટર પ્રદીપ બંસલનું કહેવું છે કે જેમ જેમ પુરુષોની ઉંમર વધે છે, પ્રોસ્ટેટ કૅન્સરના કેસ જોવા મળે છે. તેનું કારણ જિનેટિક પણ હોય છે. જ્યારે વીગન અથવા શાકાહારીની તુલનાએ માંસાહારી લોકોમાં આ કૅન્સર થવાની સંભાવના વધુ હોઈ શકે છે.

ફોર્ટિસ હૉસ્પિટલમાં યુરૉલોજી, રોબૉટિક ઍન્ડ રિનલ ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં ડાયરેક્ટર ડૉક્ટર પ્રદીપ બંસલ ભારપૂર્વક સમજાવે છે કે, તેનો મતલબ એ નથી કે વીગન કે શાકાહારીને તે નહીં થાય; કેમ કે, એક ધૂમ્રપાન કરનાર વ્યક્તિને હાર્ટની બીમારી થવાનું જોખમ વધુ હોય છે, તો જેઓ નથી પીતા તેમને પણ હૃદયસંબંધી બીમારી થઈ શકે છે.

આ વાતને આગળ વધારતાં ડૉક્ટર એસવીએસ કહે છે કે, આ કૅન્સર પશ્ચિમના દેશોમાં વધુ જોવા મળ્યું છે; કેમ કે, તે લાઇફસ્ટાઇલ સાથે સંબંધ ધરાવે છે, જેમાં ખાનપાન, જેવાં કે, જંક ફૂડ, ધૂમ્રપાન, દારૂનું સેવન, વગેરે સામેલ છે, તેમાં કૅન્સર થવાનું જોખમ વધારે છે.

લૅન્સેટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રોસ્ટેટ કૅન્સરની મોડી ખબર પડે છે અને દુનિયાભરમાં એવું જોવા મળ્યું છે કે ઓછી કે મધ્યમ આવકવાળા દેશોમાં તપાસ કરાવવામાં વિલંબ પણ એક કારણ છે.

બીમારીનાં લક્ષણ

જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર કેવી રીતે થાય તેના લક્ષ્ણ, નિદાન અને સારવાર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GettyImages/Kateryna/Science photo library

જો કોઈ પરિવારમાં કૅન્સરની બીમારીનો ઇતિહાસ હોય તો તેમને ડૉક્ટર તપાસ કરાવવાની સલાહ આપે છે.

ડૉક્ટરોનું કહેવું છે કે પ્રોસ્ટેટ કૅન્સરનાં કોઈ લક્ષણ નથી હોતાં.

ડૉક્ટરો અનુસાર, પીએસએ લેવલ વ્યક્તિની ઉંમર પર પણ આધારિત હોય છે. અમેરિકા સરકારની સત્તાવાર વેબસાઇટ નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર પીએસએ લેવલ સામાન્ય કે અસામાન્ય નથી હોતું. પહેલાં 4.ong/ml અથવા તેનાથી નીચે સામાન્ય ગણાતું હતું, પરંતુ, જોવા મળ્યું કે જે લોકોમાં તેનું લેવલ તેના કરતાં પણ ઓછું હતું, તેમનામાં પ્રોસ્ટેટ કૅન્સર જોવા મળ્યું અને જેમનું તેનાથી વધુ એટલે કે 10ng/mL સુધી હતું, તેમનામાં તે જોવા ન મળ્યું.

ડૉક્ટરો અનુસાર, શરૂઆતમાં તેનાં લક્ષણો જોવા નથી મળતાં, પરંતુ જો એવી મુશ્કેલીઓ આવે, જેવી કે–

  • વારંવાર પેશાબ લાગવો
  • રાતમાં સ્લો ફ્લો થવો
  • પેશાબ નીકળી જવો
  • પેશાબમાં લોહી આવવું

જો લોકોમાં આવી મુશ્કેલીઓ જોવા મળે, તો ત્યાર પછી પીએસએ ટેસ્ટ કરાવવામાં આવે છે. જો કૅન્સરની જાણ થાય અને તે ફેલાઈ ચૂક્યું હોય, તો કૅન્સર હાડકાંમાં જતું રહે છે, ત્યાર પછી આ મુશ્કેલી આવી શકે છે–

  • કમરમાં દર્દ
  • હાડકાનું ભાંગવું
  • હાડકાંમાં દર્દ વગેરે મુશ્કેલીઓ થાય છે.

આ વિશે ડૉક્ટર પ્રદીપ બંસલ કહે છે, “વયસ્ક દર્દીઓ (60-75 ઉંમર)માં કૅન્સરની જાણ થાય અને જો તે પ્રોસ્ટેટ સુધી જ મર્યાદિત હોય, તો અમે રોબૉટિક સર્જરીની સલાહ આપીએ છીએ. તેનાથી 10-15 વર્ષ સુધી જીવન ચાલી જાય છે. પરંતુ, જો તે હાડકાંમાં ફેલાઈ ગયું હોય, તો મુશ્કેલ હોય છે અને તેની સારવાર અલગ હોય છે.”

દવાઓની ઉપલબ્ધતા

જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર કેવી રીતે થાય તેના લક્ષ્ણ, નિદાન અને સારવાર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટરોનું કહેવું છે કે, બ્લડ ટેસ્ટ દ્વારા પ્રોસ્ટેટ કૅન્સરની જાણ થાય છે અને તે સુવિધા મોટા ભાગની લૅબમાં ઉપલબ્ધ હોય છે. તપાસમાં જો પ્રોસ્ટેટ વધેલું હોય તો ઇમેજિંગ, અલ્ટ્રાસાઉન્ડ અને એમઆરઆઇ પણ થાય છે.

ડૉક્ટર એસવીએસ જણાવે છે કે, શરૂઆતના સ્ટેજમાં દર્દીની રોબૉટિક સર્જરી થાય છે અને તે ભાગને કાઢી નાખવામાં આવે છે; પરંતુ, સ્ટેજ વધી ગયું હોય તો હૉર્મોન થેરપી આપવામાં આવે છે અને પછી દર્દીની સ્થિતિ જોઈને સારવાર કરવામાં આવે છે.

તેઓ કહે છે કે પ્રોસ્ટેટ કૅન્સરના દર્દી 5થી 15 વર્ષ સુધી જીવન જીવી શકે છે; કેમ કે, આ એક એવું કૅન્સર છે જેની સારવાર થઈ શકે છે.

રાજેશકુમારની સર્જરી થઈ ચૂકી છે અને તેઓ સામાન્ય જીવન જીવી રહ્યા છે.

જિનેટિક બીમારી

જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર કેવી રીતે થાય તેના લક્ષ્ણ, નિદાન અને સારવાર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટરોનું કહેવું છે કે, કૅન્સર એક એવી બીમારી છે જે જિનેટિક પણ હોય છે. એટલે કે, જો તમારા પરિવારમાંથી કોઈને કૅન્સર હોય તો શક્યતા રહે છે કે બીજા સભ્યોને કૅન્સર થઈ શકે છે.

એ સ્થિતિમાં ડૉક્ટર એવી સલાહ આપે છે કે જો કોઈ પરિવારમાં પ્રોસ્ટેટ કૅન્સર અથવા કોઈ અન્ય કૅન્સર હોય, તો તપાસ કરાવી લેવી જોઈએ.

જો પરિવારમાં અગાઉ કોઈને પણ પ્રોસ્ટેટ કૅન્સર થયું હોય, તો પરિવારના પુરુષ સભ્યોએ 45 વર્ષની ઉંમર પછી દર બે વર્ષે પીએસએની તપાસ કરાવી લેવી જોઈએ. જ્યારે મહિલાઓએ બ્રેસ્ટ કૅન્સરની તપાસ કરાવી લેવી જોઈએ.

વિદેશોમાં શું સ્થિતિ છે?

જો બાઇડન પ્રોસ્ટેટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર કેવી રીતે થાય તેના લક્ષ્ણ, નિદાન અને સારવાર, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

લૅન્સેટના રિપોર્ટ અનુસાર, 2020 પછી પૂર્વી એશિયા, દક્ષિણ અમેરિકા, પૂર્વી યૂરોપ, ઉત્તરી અમેરિકા જેવા દેશોમાં પ્રોસ્ટેટ કૅન્સરના કેસમાં વધારો થશે અને મૃત્યુ પણ થશે.

ડૉક્ટર એસવીએસ દેવનું કહેવું છે કે અમેરિકા અને યૂરોપમાં ધનવાન લોકો હવે પોતાની તંદુરસ્તી પર ધ્યાન આપવા લાગ્યા છે અને તેની સકારાત્મક અસર થવામાં દાયકા જેટલો સમય લાગશે. જ્યારે, 80-90ના દાયકામાં જોઈએ તો, લોકો સસ્તા જંક ફૂડનું સેવન વધારે કરતા હતા, જેની અસર અત્યારે જોવા મળી રહી છે.

ડૉક્ટર વિક્રમ બરુઆ કૌશિક કહે છે કે, અમેરિકામાં તેનું સ્ક્રીનિંગ વધુ થાય છે, તેથી વધુ કેસ જોવા મળે છે અને એવું પણ જોવા મળ્યું છે કે તે વિકસિત દેશોમાં પણ છે.

પરંતુ, આ બધા ડૉક્ટરોનું કહેવું છે કે આ કૅન્સરની સારવાર થઈ શકે છે અને, કેમ કે તેની ઝડપ ધીમી હોય છે તેથી, દર્દી લાંબું જીવન પણ જીવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS