Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
રાજકોટ શહેર (પૂર્વ) મામલતદારની કચેરી દ્વારા રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારના 1358 મકાનધારકોને 17 ડિસેમ્બર 2025ના રોજ આપવામાં આવેલી ડિમોલિશનની નોટિસને ગુજરાત હાઇકોર્ટે રદબાતલ કરી હતી. ત્યાર બાદ આ લોકોમાં ઉત્સવનો માહોલ હતો.
ગુજરાત હાઇકોર્ટે બીજી ફેબ્રુઆરી, 2026ના રોજ રદબાતલ ઠેરવતા તે દિવસની સાંજે જંગલેશ્વરમાં દિવાળી અને ઈદ સાથે આવ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.
આ વિસ્તારમાં કથિત રીતે રાજ્ય સરકારની માલિકીની જમીન પર ઊભેલાં મકાનોમાં રહેતા હિંદુ અને મુસ્લિમોએ સાથે મળીને કોર્ટના હુકમની વધામણી અને ઉજાણી કરી હતી.
હાઇકોર્ટે આપેલી તે રાહતનાં બે જ અઠવાડિયાં બાદ જંગલેશ્વરમાં ફરી એક વાર ડિમોલિશનના ભણકારા વાગી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાએ આ વિસ્તારના અંદાજે 1400 મકાનધારકોને મૌખિક રીતે જણાવી દીધું છે કે તેમનાં મકાન 23 ફેબ્રુઆરીએ તોડી પાડવામાં આવશે.
મહાનગરપાલિકાએ આ લોકોને જણાવ્યું છે કે તેમના મકાન જંગલેશ્વર અને તેની આજુબાજુના વિસ્તારોના વિકાસ માટે 1996માં બનાવવામાં આવેલી રાજકોટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-6 (ટૂંકમાં ટીપી-6) સૂચવેલા રસ્તાઓ અને આજી નદીના કાંઠે આવેલ મહાનગરપાલિકીની માલિકીની જમીન પર દબાણો છે.
રાજકોટ મહાનગરપાલિકાની નિર્ધારિત ડિમોલિશન ડ્રાઇવથી જંગલેશ્વરના જે લોકોને અસર થવાની છે તેમાંના 515 લોકોએ ઇરફાન કુરેશી નામના શિક્ષકની આગેવાનીમાં સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી.
તેમણે કોર્ટને વિનંતી કરી કે તેમની સામે કોઈ બળજબરીપૂર્ણ કાર્યવાહી કરવામાં ન આવે અને તેમને વૈકલ્પિક રહેઠાણો આપવામાં આવે તેવો આદેશ મહાનગરપાલિકાને આપવામાં આવે.
પરંતુ શુક્રવારે આ અરજીની સુનાવણી બાદ હાઇકોર્ટે જંગલેશ્વરના લોકોને કોઈ તાત્કાલિક રાહત ન આપી અને અરજીની વધારે સુનાવણી માટે 27 ફેબ્રુઆરીની તારીખની મુદત આપી.
જંગલેશ્વરના લોકોના વકીલ રવિશંકર ગોગિયા કહે છે કે ‘હવે કાનૂની લડાઈ જેમનાં મકાન પડી જવાની ભીતિ છે તેમના પુનઃવસન માટે અને સમયના અભાવે રાજકોટ મહાનગરપાલિકાની નિર્ધારિત ડિમોલિશન ડ્રાઇવને રોકવાના વિકલ્પ બહુ સીમિત થઈ ગયા છે.’
2 ફેબ્રુઆરીએ કોનાં મકાન બચી ગયાં હતાં?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ટીપી-6 ફાઇનલ થઈ ત્યારે તેમાંના ફાઇનલ પ્લૉટ નંબર.133 , 136 ,137 અને 156ને રિઝર્વ જાહેર કરવામાં આવ્યા હતા અને તેની માલિકી રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાની ઠરાવવામાં આવી હતી.
આ પ્લૉટ્સમાં આવેલી રાજ્ય સરકારની માલિકીની જમીન પર કથિત રીતે ચણવામાં આવેલાં મકાનોમાં રહેતા કે વેપાર-ધંધા કરતા 1358 મકાનધારકોને રાજ્ય સરકાર વતી રાજકોટ શહેર (પૂર્વ) મામલતદારે 17 ડિસેમ્બર, 2025ના રોજ ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ-61 હેઠળ નોટિસો ફટકારી હતી.
નોટિસોમાં જણાવ્યું હતું કે તેમનાં મકાનો સરકારી જમીનો પર દબાણ છે અને તેને દૂર કરવામાં આવશે.
લોકોએ નોટિસના જવાબમાં તે જમીન પર તેમનો લાંબા સમયથી કબ્જો સાબિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ચૂકવેલા વેરાની પહોંચો, વીજળીનાં બિલો તેમ જ જમીન ખરીદીના કાચા દસ્તાવેજો વગેરે રજૂ કર્યા.
પરંતુ મામલતદારે 23 જાન્યુઆરીના રોજ એવા ચુકાદા આપ્યા કે તે દસ્તાવેજો એવું સાબિત નથી કરી શકતા કે તેઓ તે જમીનના માલિક છે.
ત્યાર બાદ 27 જાન્યુઆરી 2026 ના રોજ મામલતદારે ગુજરાત લૅન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ બીજી નોટિસ ફટકારી સાત દિવસની અંદર મકાનો ખાલી કરી દેવા જંગલેશ્વરના લોકોને આદેશ કર્યો હતો.
કલમ 202ની નોટિસ સામે જંગલેશ્વરના લોકોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી તેને રદ કરવાની અને સાથે જ વૈકલ્પિક રહેઠાણો આપવાની વિનંતી કરી હતી.
નોટિસોની સાત દિવસની મુદત પૂરી થવાની હતી તે જ દિવસે ગુજરાત હાઇકોર્ટે જંગલેશ્વરના લોકોની અરજી આંશિક રીતે માન્ય રાખી.
હાઇકોર્ટે કલમ 202 હેઠળની ડિમોલિશનની નોટિસ રદબાતલ ઠેરવી હતી અને સાથે જ રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો કે 2013માં ઘડાયેલી પુનઃવસન યોજનાનો લાભ આપવાની માંગણી વિશે પણ વિચાર કરવામાં આવે.
સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યો કે મામલતદારના ચુકાદાને પડકારતી અરજીઓનો ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ 90 દિવસની અંદર નિકાલ કરે.
હાઇકોર્ટે તાત્કાલિક રાહત આપતા જંગલેશ્વરમાં કથિત રીતે રાજ્ય સરકારની જમીન પર ઊભેલાં મકાનોનું ડિમોલિશન ચાલુ થાય તે પહેલાં જ અટકી ગયું હતું.
હવે મહાનગરપાલિકા જંગલેશ્વરમાં ક્યાં ડિમોલિશન કરવા માંગે છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
આજી અને ખોખડદડી નદીઓના કાંઠે એકતા કૉલોની, જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાળોદાનગર, સિદ્ધાર્થનગર વગેરે સોસાયટીઓ આવેલી છે.
પરંતુ બહારના લોકો સામાન્ય રીતે આ આખા વિસ્તારને જંગલેશ્વર તરીકે ઓળખે છે. જંગલેશ્વરમાં મુસ્લિમ ધર્મના લોકોની બહુમતી છે જયારે અન્ય સોસાયટીઓમાં હિંદુ ધર્મના લોકોની બહુમતી છે.
ટીપી-6માં રાજકોટ શહેરના 80-ફૂટ રોડ પર બાપુનગર સ્મશાન પાસેથી શરૂ થઈને દક્ષિણ તરફ નદીના કાંઠે કાંઠે રાજકોટ બાયપાસ એટલે કે નૅશનલ હાઇવે-27 તરફ જતો રસ્તો જંગલેશ્વર મેઈન રોડ તરીકે ઓળખાય છે.
આ રસ્તો ટીપી-6ના નકશામાં હોવાથી મહાનગરપાલિકાના અધિકારીઓ તેને ટીપી રોડ તરીકે પણ ઓળખાવે છે. ટીપી-6ના નકશામાં આ રોડની પહોળાઈ 15 મીટર દર્શાવવામાં આવી છે.
આ ઉપરાંત કેટલાક 12 મીટરના ટીપી રોડ પણ આ નગરરચના આયોજનના નકશામાં છે.
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ એકાદ મહિના પહેલાં જંગલેશ્વર મેઈન રોડ પર કથિત રીતે દબાણ કરીને ચણવામાં આવેલાં રહેણાક મકાનો અને દુકાનો-ઑફિસો પર નિશાનીઓ કરી હતી.
આ ઉપરાંત આજી નદીના કાંઠે કે તટમાં આવેલાં મકાનો પર પણ નિશાનીઓ કરવામાં આવી હતી.
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ગુરુવારે પત્રકારો સાથે વાત કરતા રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આરએમસી હવે આ દબાણોને દૂર કરવા માંગે છે.
મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું, “આજી કાંઠા વિસ્તારમાં આવેલાં જે નદીના પટનાં દબાણો છે. ઉપરાંત જે અમારા ટીપીનો રોડ છે ત્યાં એ રોડ પરનાં દબાણોએ 23 તારીખથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવશે.”
“તેની માટે આજથી જ અમારી ટીમો ત્યાં નાગરિકોને સમજાવીને દબાણો હટાવે એ પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે… આપને જણાવીએ કે લગભગ 1400થી વધારે મકાનો અંદાજીત આ ફર્સ્ટ ફેઇઝ ઑફ ડિમોલિશનમાં આવશે.
“અમારો ધ્યેય છે કે જે ટાઉન પ્લાનિંગનો અમારો સ્કીમનો રોડ છે, ટીપી સ્કીમનો રોડ, એ ખુલ્લો થાય એટલે જંગલેશ્વર માટે એક મોટું રોડ નેટવર્કની અંદર એ કનેક્શન આવે તો એ વિસ્તારમાં ઘણું અમારું જે પ્લાન્ડ રોડ નેટવર્ક હતું એ પણ ખૂલે.”
“ઍટ ધ સેમ ટાઇમ, જે પટમાં થયેલાં દબાણો છે જેના કારણે આપ જાણો છો કે બે-ત્રણ વર્ષ પહેલાંના ચોમાસા સમયમાં પાણી ભરાઈ જવાથી અમારા ત્યાં લોકો જે રેસ્ક્યુ કરવા ઑફિસર્સ ગયા હતા તેમને પણ રેસ્ક્યુ કરવા પડે એ પ્રકારની સ્થિતિ થવા પામી હતી.”
“એટલે પટના વિસ્તારોમાં કોઈ ભવિષ્યમાં પણ પૂર ને તેના પ્રશ્નો ન થાય તેના માટે પ્રિવેન્ટિવલી જોઈને ડિમોલિશન થઈ રહ્યું છે.”
આરએમસી સામે કાનૂની લડતનું શું પરિણામ આવ્યું છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઇરફાન કુરેશીએ તેની અરજીમાં જણાવ્યું છે કે જંગલેશ્વર અને નાળોદાનગરને 2017માં ઝુપડપટ્ટી જાહેર કરવામાં આવ્યા હતા અને સરકારની 2013ની પોલિસી અનુસાર આરએમસી તેનું પુનઃવસન કરવાની હતી.
પરંતુ 2022માં મહાનગરપાલિકાએ નદી કાંઠાના લોકોને હટાવવાની કામગીરી આદરતા બશીર જીસાણી નામના વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરી માંગણી કરી કે આજી નદીના કાંઠે આવેલાં મકાનોમાંથી લોકોને હાંકી કાઢતા પહેલાં આરએમસી તેમને વૈકલ્પિક રહેઠાણો આપે.
આ કેસમાં હાઇકોર્ટે 14 જૂન, 2022ના રોજ આરએમસીને નિર્દેશ આપ્યો કે લોકોએ કરેલી વૈકલ્પિક રહેઠાણોની માંગણી પર બે મહિનાની અંદર કાયદાકીય કાર્યવાહી કરી યોગ્ય હુકમો કરવામાં આવે.
ત્યાર બાદ 2024માં આરએમસીએ જંગલેશ્વરના લોકોને ડિમોલિશન નોટિસો ફટકારી.
તેની સામે જંગલેશ્વરના લોકોએ હાઇકોર્ટમાં અન્ય અરજીઓ કરી.
તે અરજીઓના સંદર્ભે હાઇકોર્ટે મહાનગરપાલિકાને સૂચના આપી કે અરજદારોની વૈકલ્પિક રહેઠાણોની માંગણી પર કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે.
ઇરફાન કુરેશીએ તેની અરજીમાં જણાવ્યું છે કે આ બે કાનૂની લડત બાદ મહાનગરપાલિકાએ કેટલાક અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક રહેઠાણો પૂરાં પાડ્યાં છે.
ત્યાર બાદ જુલાઈ 2025માં પણ મહાનગરપાલિકાએ જંગલેશ્વરના કેટલાય લોકોને ડિમોલિશન નોટિસો આપી.
ઍડવોકેટ રવિશંકર ગોગિયા કહે છે કે સોમવારે 1400 જેટલાં મકાનો તોડી પાડવાની જાહેરાત કરીને મહાનગરપાલિકા 2025માં અપાયેલી નોટિસોનું હવે અમલીકરણ કરવાની તૈયારી કરી રહ્યું છે.
તો શું સોમવારે ખરેખર ડિમોલિશન થશે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા કહે છે કે સોમવારે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરાશે અને તેના માટેની તૈયારીઓ પણ મહાનગરપાલિકાએ કરી લીધી છે.
અધિકારીએ પત્રકારોને ગુરુવારે જણાવ્યું, “આપને જણાવી કે તેને માટે અન્ય ખાતાઓ સાથે જે ટાઈ અપ સરકારના વિભાગો સાથે કરવું પડે, જેમ કે પીજીવીસીએલ છે. પીજીવીસીએલથી તેમના લાઇટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાનું થાય.”
“તે પણ અમારાથી ટાઈ અપ થઈ ગયું છે. અન્ય અમારા મશીનરી પણ તે રીતે અમે મોબિલાઇઝ કરવાનું શરૂ કરી દીધું છે.”
“આખી કામગીરીને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવી છે અને સાતેય ઉપર ક્લાસ-1 કક્ષાના અધિકારીઓ ઝોનવાઇઝ એમાં મૉનિટર કરશે અને એમની પણ વ્યવસ્થાઓ થશે અને એક કંટ્રોલરૂમ પણ બાજુમાં રહેશે. “
અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક રહેઠાણો મહાનગરપાલિકાએ પૂરાંં પાડી દીધાં છે કે કેમ તેવા સવાલના જવાબમાં તુષાર સુમેરાએ કહ્યું, “આ પહેલાં તમામ ચર્ચાઓ થઈ છે…. અમારા લેવલે નોટિસો પણ અપાયેલી.”
“પછી એના પ્રોસિડિંગ્ઝ પણ થયેલા અને અંતે એ થયું હતું કે સરકારની સ્કીમ પ્રમાણે જેમને પણ અકોમોડેટ કરી શકાતા હોય તેને અકોમોડેટ કરવામાં આવે અને જે-તે સમયે આ પ્રોસેસ થઈ હતી.”
અસરગ્રસ્તો પાસે હવે શું વિકલ્પ છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઇરફાન કુરેશી અને 514 અન્ય લોકોએ સોમવારે કરેલી અરજીમાં ગુજરાત હાઇકોર્ટને અરજ કરી છે કે આરએમસીને એવો હુકમ કરવામાં આવે કે જંગલેશ્વરના લોકોને 2013ની ઝૂંપડપટ્ટી પુનઃવસન પૉલિસી અનુસાર વૈકલ્પિક રહેઠાણો આપવામાં આવે અને આવા વૈકલ્પિક આવાસો આપ્યાં પહેલાં તેમને તેમનાં મકાનોમાંથી હટાવવામાં ન આવે.
બીબીસી સાથે વાત કરતાં ઇરફાન કુરેશીએ, “ટીપી રોડનું છે એટલે તે ડિમોલિશન થશે જ તેમ લાગે છે. પરંતુ સરકારે કોર્ટને જણાવ્યું છે કે તે સરકારી જમીન પર રહેતા લોકોના ઘરોને અડશે નહીં.”
“ટીપીનો રસ્તો ખુલ્લો થતો હોય તો અમને કોઈ વાંધો નથી. પણ અમારી અરજ એટલી જ છે કે બાકીનાને વૈકલ્પિક મકાનો આપવામાં આવે.”
અરજદારોના વકીલ રવિશંકર ગોગિયાએ બીબીસીને જણાવ્યું, “હાઇકોર્ટે ન તો અમને તાત્કાલિક રાહત આપતો કોઈ હુકમ કર્યો છે કે ન તો અમારી અરજી રદ કરી છે.”
“કોર્ટે અમારી અરજીની આગળની સુનાવણી માટે 27 ફેબ્રુઆરી નક્કી કરી છે. ડિમોલિશનની તારીખ પહેલાં હવે સમય બહુ ઓછો રહ્યો છે અને ટીપી રોડ માટેનું ડિમોલિશન હોવાથી તેને રોકવાના વિકલ્પો બહુ ઓછા બચ્યા છે.”
“આવા સંજોગોમાં હવે અમારી કાનૂની લડત જો લોકો અસરગ્રસ્ત થાય તો તેમના પુનઃવસન પર કેન્દ્રિત છે.”
એડવોકેટે ઉમેર્યું, “પરંતુ સારી વાત એ છે કે જે લોકો ટીપીના ફાઇનલ પ્લૉટ્સમાં રહે છે તેમને આ ડિમોલિશન ડ્રાઇવની સીધી અસર નહીં થાય. તેથી, એમ કહી શકાય કે 60થી 70 ટકા વિસ્તારોમાં લોકોના ઘરોને ડિમોલિશન ડ્રાઇવથી બચાવી શકાશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



