Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Bimal Saini/BBC
ઘણા-ખરા યુવાનો વિદેશ જઈ વસવાનાં સપનાં સાથે ઘર છોડતા હોય છે, પણ એક અપવાદરૂપ યુવાન એવો પણ છે, જેણે પોતાની ધરતીને જ પોતાનું સ્વપ્ન બનાવી દીધું છે.
પંજાબના રોપડ જિલ્લાના સાઈજોવાલ ગામમાં રહેતા રાજીવ ભાસ્કર એવો દાવો કરે છે કે તેમણે ઉત્તર ભારતની પ્રથમ ગ્રાફ્ટિંગ નર્સરી ‘અરૂજ નર્સરી’ સ્થાપી છે. તેઓ ભાગીદારીના મોડલથી આ નર્સરી ચલાવી રહ્યા છે. રાજીવ કહે છે કે, તેની સાથે તેઓ 25 એકરમાં જામફળ અને 7 એકરમાં શાકભાજી પણ ઉગાડી રહ્યા છે.
આ ઉપરાંત, તેઓ ડૉક્ટર બી.કે. શર્માના 25 એકરના ગાર્ડનમાં સલાહકાર તરીકે પણ કામ કરે છે અને ડૉક્ટર બી.કે. શર્મા તેમના ભાગીદાર પણ છે.
રાજીવ ભાસ્કર મૂળ જલંધરના છે, પણ તેમનો જન્મ ઉત્તરાખંડમાં થયો હતો, જ્યાં તેમના પિતા સરકારી નોકરી કરતા હતા. તેમણે ઉત્તરાખંડથી B.Sc. ઍગ્રીકલ્ચર (બાગાયત)નો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે રાયપુર (છત્તીસગઢ)ની બી.એન.આર. નર્સરીમાં સાડાં ચાર વર્ષ સુધી કામ કર્યું હતું.
હવે જ્યારે તેમણે તેમનું પોતાનું કામ શરૂ કર્યું છે, ત્યારે તેઓ રોજ સવારે 6 વાગ્યે ખેતરમાં પહોંચી જાય છે. બપોરે તેમને ત્રણેક કલાક નવરાશનો સમય મળે છે, બાકી તેમનો આખો દિવસ ખેતરમાં જ પસાર થાય છે.
રાજીવ કહે છે, “ત્યાં મને ખેડૂતોને મળવાની અને તેમની પાસેથી શીખવાની તક સાંપડી. તે ઉપરાંત, મને જુદી-જુદી માટી અને જુદાં-જુદાં વાતાવરણ અનુસાર ખેતી શીખવાનો અવસર પણ મળ્યો. 2017માં મેં તે નોકરી છોડી દીધી અને હું ખેતી તરફ વળ્યો.”
ગ્રાફ્ટિંગ એટલે શું અને તેની નર્સરીનો વિચાર શી રીતે સ્ફૂર્યો?
ઇમેજ સ્રોત, Bimal Saini/BBC
ગ્રાફ્ટિંગ વિશે વાત કરતાં રાજીવે જણાવ્યું હતું કે, આ એવી પદ્ધતિ છે, જેના થકી બે છોડને ભેગા કરીને એક નવો છોડ બનાવવામાં આવે છે; જેમકે, રીંગણના મૂળને ટામેટા પર ગ્રાફ્ટ કરવું.
તેમના શબ્દોમાં, “ગ્રાફ્ટ કરેલો છોડ બનાવવા માટે, અમે એક રૂટસ્ટોક (જેમાં મૂળની જરૂર હોય છે) અને સાયન (અર્થાત્ છોડનો ઉપરનો ભાગ) રોપીએ છીએ. આ બંનેને એક જ સમયે રોપવામાં આવે છે અને જ્યારે બંને પેનની અણી જેટલા જાડા થઈ જાય, ત્યારે અમે સિલિકોનની ક્લિપનો ઉપયોગ કરીને તેમને જોડી દઈએ છીએ.”
“ગ્રાફ્ટિંગ પછી અમે તે છોડને સાત દિવસ સુધી હીલિંગ ચૅમ્બર (પ્લાન્ટ ICU)માં રાખીએ છીએ. તે પછી અમે તેને સાત દિવસ સુધી હાર્ડનિંગમાં રાખીએ છીએ, જ્યાં કેટલાક સારી રીતે ગ્રાફ્ટ થયેલા છોડ પણ ટકી શકતા નથી. જે છોડ સારી રીતે વિકસે, તે અમે ખેડૂતોને આપીએ છીએ.”
રાજીવ ભાસ્કર કહે છે, “આ તકનીક વાપરવાથી છોડને બીમારી થવાનું જોખમ ઓછું થઈ જાય છે, તેનાં મૂળ વધુ મજબૂત બને છે અને ઉપજ ત્રણગણી વધી જાય છે. પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવાં વિસ્તારો, જ્યાં માટીજન્ય બીમારીઓ સામાન્ય હોય, ત્યાં આ પદ્ધતિ ઘણી ઉપયોગી પુરવાર થઈ રહી છે.”
ઇમેજ સ્રોત, Bimal Saini/BBC
તેઓ કહે છે કે, ભવિષ્યમાં તેનું માર્કેટિંગ વધશે અને આથી જ તેમણે 2022માં આ નર્સરી શરૂ કરી હતી; જોકે, આમ તો તેઓ 2018થી આ તકનીક પર કાર્ય કરી રહ્યા છે. પ્રથમ તેમણે છત્તીસગઢમાંથી ગ્રાફ્ટેડ (કલમ કરેલા) રોપા મંગાવીને તેમના ખેતરમાં તેનું પરીક્ષણ કર્યું હતું.
રાજીવ જણાવે છે, “અત્યાર સુધી અમે શાકભાજીની નર્સરીમાં કામ કરી રહ્યા છીએ અને ગ્રાફ્ટ કરેલા (કલમી) રોપા ખેડૂતોને આપીએ છીએ. ભવિષ્યમાં ફળોના ગ્રાફ્ટેડ છોડ તૈયાર કરવાની અમારી યોજના છે.”
રાજીવનો દાવો છે કે, તેમના છોડ માટેની માગમાં દર વર્ષે ચારગણો વધારો થઈ રહ્યો છે. તેઓ કહે છે કે, તેઓ સોશિયલ મીડિયા પર વેચાણ કરે છે અને ખેડૂતો એકબીજા પાસેથી સાંભળીને તેમની પાસે આવે છે.
પ્રથમ વર્ષે તેમણે 50,000 છોડ સાથે શરૂઆત કરી હતી, તેની સામે હવે 10 લાખ કરતાં વધુ છોડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેઓ આ આંકડો 40થી 50 લાખ સુધી પહોંચાડવા માગે છે. હાલમાં તેઓ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને જમ્મુમાં સપ્લાય કરે છે.
કઈ નવી તકનીકોનો ઉપયોગ થઈ રહ્યો છે?
ઇમેજ સ્રોત, Bimal Saini/BBC
રાજીવ તેમના ખેતરમાં ટપક સિંચાઈ, મલ્ચિંગ અને સ્ટેકિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.
તેઓ કહે છે, “ટપક સિંચાઈને કારણે પાણી અને ખાતર નિયંત્રિત રીતે મળે છે. મલ્ચિંગ શીટ્સ છોડની આસપાસ ઘાસ ઊગતું અટકાવે છે, જેના કારણે શ્રમ બચી જાય છે. સ્ટેકિંગ ફળોને માટીના સંપર્કમાં આવતાં અટકાવે છે, જેના કારણે ઉપજ અને ગુણવત્તા – બંનેમાં વધારો થાય છે.”
આવક અને ભાવિ આયોજન
ઇમેજ સ્રોત, Bimal Saini/BBC
રાજીવ ભાસ્કર કહે છે, “આ કામની શરૂઆત એક વિકસેલું ગાર્ડન ભાડાપેટે લેવા સાથે થઈ હતી. પહેલી સિઝનમાં જ અમને 24થી 25 લાખ રૂપિયાની આવક થઈ હતી. જો પ્રથમ પ્રયોગ નિષ્ફળ ગયો હોત, તો હું કદાચ મારી નોકરીમાં પરત ફર્યો હોત.”
રાજીવ જણાવે છે કે, શ઼રૂઆતમાં નાણાકીય વ્યવસ્થાપન પડકારરૂપ રહ્યું હતું. “ત્યારે મારી તમામ આવક ખર્ચાઈ જતી હતી. પછી મને સમજાયું કે, આવકનો એક મોટો હિસ્સો પુનઃ રોકાણ માટે બચાવીને રાખવો જોઈએ.”
હવે રાજીવ કહે છે, “મને લાગે છે કે, મેં લીધેલો અત્યાર સુધીનો તે શ્રેષ્ઠ નિર્ણય હતો. મેં ચડતી-પડતી, બંને જોયાં છે અને મારું માનવું છે કે, આ કામમાં વધુ સ્વતંત્રતા અને શાંતિ છે.”
તેઓ ઉત્તર ભારતમાં એક એવી નર્સરી ઊભી કરવા માગે છે, જ્યાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોપાં ઉપલબ્ધ બનાવી શકાય. તેઓ કહે છે કે, અહીં ખેડૂતોની નિષ્ફળતા માટેનું સૌથી મોટું કારણ સારાં રોપાંનો અભાવ છે.
ઇમેજ સ્રોત, Bimal Saini/BBC
રાજીવના ખેતરમાં થાઈ જામફળ વિશાળ સ્તર પર ઉગાડવામાં આવે છે. એક એકર જમીન ઉપર વર્ષે 9 લાખ રૂપિયાની આવક થાય છે, જે કુલ ખર્ચના લગભગ અડધો-અડધ છે. તે સિવાય, રાજીવ કહે છે કે, ત્રણ લોકો ત્યાં હંમેશાં હાજર રહે છે અને બાકીના લોકોને જરૂર પડ્યે બહારથી બોલાવવામાં આવે છે.
રાજીવના જણાવ્યા અનુસાર, તેનો વિસ્તાર વધારીને ભવિષ્યમાં 50 એકર કરવાના પ્રયાસો ચાલુ છે. તેઓ કહે છે કે, ગ્રાફ્ટ કરેલા છોડનો ખર્ચ 70,000-72,000 રૂપિયાની આસપાસ થતો હોય છે, જ્યારે સામાન્ય છોડનો ખર્ચ એક લાખ કરતાં વધારે થતો હોય છે.
ગ્રાફ્ટિંગને કારણે ઉત્પાદનમાં 10થી 15 ટકા સુધીનો વધારો થતો હોય છે, જેના કારણે ખેડૂતને એક લાખ રૂપિયા કરતાં વધુ નફો મળી રહે છે.
સરકાર તરફથી માગ અને યુવાનો માટે સંદેશ
ઇમેજ સ્રોત, Bimal Saini/BBC
રાજીવના મતે, નાના ખેડૂતો માટે દિલ્હી કે મોટાં બજારો સુધી પહોંચવું મુશ્કેલ છે. તેઓ કહે છે, “સરકારે ગ્રામીણ સ્તર પર થોડાં કલેક્શન સેન્ટર્સ સ્થાપવાં જોઈએ. નાના ખેડૂતો સ્થાનિક બજારો ઉપર નિર્ભર રહે છે અને ત્યાં તેઓ અસુરક્ષિત પણ હોય છે. આથી, સરકારે તેમની મદદ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ.”
યુવાનોને સંદેશ આપતાં રાજીવ કહે છે, “વિદેશમાં કઠિન પરિશ્રમ કરવા કરતાં તમારી પોતાની ધરતી ઉપર કામ કરો. જો હું બહારથી આવીને અહીં ખેતી કરી શકતો હોઉં, તો જેઓ તેમની પોતાની જમીન ધરાવે છે, તેઓ આમ શા માટે ન કરી શકે?”
તેઓ યુવાનોને ખેતી કરતાં પહેલાં અનુભવ મેળવવાની સલાહ આપે છે, “તે માટે જુદાં-જુદાં રાજ્યોમાં જાઓ, અન્ય દેશોનો પણ પ્રવાસ કરો અને ખેતી કેવી રીતે થાય છે, તેની સમજ કેળવો. તેનાથી તમારી વિચારસરણીમાં પરિવર્તન આવશે.”
નિષ્ણાતો શું કહે છે?
ઇમેજ સ્રોત, Bimal Saini/BBC
બાગાયત વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર વિજય પ્રતાપ જણાવે છે કે, ડૉક્ટર બી.કે. શર્મા રૂપનગરમાં એક નવી રજિસ્ટર્ડ ખાનગી નર્સરી સ્થાપી રહ્યા છે. આ પદ્ધતિથી ઉગાડવામાં આવેલા રોપાને ઘણા ઓછા રોગ થાય છે. વળી, તેનાથી પાણીની પણ ભારે બચત થશે.
તેમણે કહ્યું હતું, “બી.કે. શર્માએ વિભાગને એક અરજી સુપરત કરી છે, જેની અમે તપાસ કરીશું અને મંજૂરી મળ્યા બાદ તે પંજાબ રાજ્યની પ્રથમ રજિસ્ટર્ડ નર્સરી બનશે. તેનાથી ખેડૂતોને ઘણો લાભ થશે.”
વિજય પ્રતાપે જણાવ્યા પ્રમાણે, આ નર્સરી માટી વગરના માધ્યમ ઉપર આધારિત હશે, જેના થકી ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને રોગમુક્ત રોપા તૈયાર કરવામાં આવશે.
“ડૉક્ટર શર્મા તેમના ખેતરમાં પોલિહાઉસમાં ડ્રૅગન ફ્રૂટ, જામફળ, બિયાં વિનાની કાકડી, વગેરે ઉગાડી રહ્યા છે. ત્યાં ટપક સિંચાઈ પદ્ધતિથી પાણીની પણ બચત કરવામાં આવે છે.”
વિજય પ્રતાપે અંતમાં ખેડૂતોને બાગાયત તરફ વળવાની અને ભૂગર્ભજળનું સંરક્ષણ કરવાની અપીલ કરી હતી. ખેડૂતો સરકારી યોજનાઓનો લાભ લઈને તેમની આવક વધારી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



