Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
-
22 એપ્રિલ 2025, 12:00 IST
અપડેટેડ 7 કલાક પહેલા
સરદાર પટેલનું નિધન થયાના થોડાક મહિના પહેલાં કૅબિનેટમાંથી રાજીનામું આપી ચૂકેલા શ્યામાપ્રસાદ મુખરજી નાગપુર પહોંચ્યા. ત્યાં તેઓ પ્લાસ્ટર વગરના ઘરમાં ગયા, જ્યાં ગોળવલકર તેમની રાહ જોતા હતા.
ભારતની પહેલી સામાન્ય ચૂંટણીને હજુ એક વર્ષની વાર હતી. મુખરજીએ ગોળવલકરને એક નવી પાર્ટી શરૂ કરવામાં મદદ કરવાની વિનંતી કરી. ગોળવલકરે એમ કહીને તેમની વિનંતીનો અસ્વીકાર કર્યો કે, આરએસએસ કોઈ રાજકીય પાર્ટીની પાછળ ન ચાલી શકે.
તેના થોડાક મહિના પછી ગોળવલકરે પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કર્યો અને તેમણે મુખરજીને વાયદો કર્યો કે આ કામ માટે તેઓ પોતાના પાંચ વિશ્વાસુ કાર્યકર આપશે.
આ પાંચ વ્યક્તિ હતી – દીનદયાળ ઉપાધ્યાય, સુંદરસિંહ ભંડારી, નાનાજી દેશમુખ, બાપુસાહેબ સોહની અને બલરાજ મધોક.
ત્યાં સુધી અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી એટલા અનુભવી નહોતા કે આ લિસ્ટમાં તેમનો સમાવેશ કરી શકાય.
થોડાક મહિના પછી 21 ઑક્ટોબર 1951એ આ જ પાંચ લોકોના નેતૃત્વમાં ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી, જેનું ચૂંટણીચિહ્ન દીવો હતું.
માધવ સદાશિવ ગોળવલકર કોણ હતા?

ઇમેજ સ્રોત, Getty Images
માધવ સદાશિવ ગોળવલકરનો જન્મ સન 1906માં નાગપુરની નજીક રામટેકમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ એક દૂબળા-પાતળા વ્યક્તિ હતા, જેમણે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો.
ગયા વર્ષે ઑક્ટોબરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘ગોળવલકર ધ મિથ બિહાઇન્ડ ધ મૅન, ધ મૅન બિહાઇન્ડ ધ મશીન’ના લેખક ધીરેન્દ્ર કે ઝા લખે છે, “ગોળવલકર હંમેશાં આર કરેલી સફેદ ધોતી અને કુર્તો પહેરતા હતા. તેમની આંખો મોટી, ઊંડી, ચમકદાર અને બોલકી હતી, પરંતુ તેઓ એક સંકોચશીલ વ્યક્તિ હતા.”
“ઓછામાં ઓછી પાંચ ભાષાઓ – અંગ્રેજી, હિન્દી, મરાઠી, બંગાળી અને સંસ્કૃત પર તેમનું પ્રભુત્વ હતું.”
તેમના બીજા એક જીવનચરિત્રકાર ગંગાધર ઇન્દુરકર પોતાના પુસ્તક ‘ગુરુજી માધવ સદાશિવ ગોળવલકર’માં લખે છે, “ગોળવલકર ખૂબ અભ્યાસુ હતા. તેમણે બીએચયુ લાઇબ્રેરીમાંથી હિંદુ ધર્મ અને અધ્યાત્મ સાથે સંકળાયેલાં દરેક અગત્યનાં પુસ્તકો વાંચ્યાં હતાં.”
હેડગેવારે પોતાના ઉત્તરાધિકારી નીમ્યા

ઇમેજ સ્રોત, rss.org
બનારસમાં અભ્યાસકાળ દરમિયાન તેઓ પહેલી વાર આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારને મળ્યા હતા, પરંતુ તેમને આરએસએસમાં લાવવાનું શ્રેય તે સમયે બીએચયુમાં ભણી રહેલા ભૈયાજી દાનીને આપવામાં આવે છે.
સન 1939માં તેમને આરએસએસના સહ-કાર્યવાહ નીમવામાં આવ્યા.
તે દરમિયાન તેમણે બાબારાવ સાવરકરે મરાઠીમાં લખેલા પુસ્તક ‘રાષ્ટ્ર મીમાંસા’થી પ્રેરાઈને ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ નામનું પુસ્તક લખ્યું હતું, જે માર્ચ 1939માં છપાયું.
પોતાના મૃત્યુના એક દિવસ પહેલાં આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારે ગોળવલકરને એક કાગળ આપ્યો, જેના પર લખ્યું હતું, “હું તમને જણાવવા માગું છું કે હવેથી તમે સંગઠનની બધી જવાબદારી સંભાળશો.” (ગોળવલકર, મિથ બિહાઇન્ડ ધ મૅન, મૅન બિહાઇન્ડ ધ મશીન)
ગોળવલકરના નામની જાહેરાતથી આરએસએસના ઘણા નેતા ચોંકી ગયા. તેમને એવી આશા હતી કે હેડગેવાર આ પદ માટે કોઈ વરિષ્ઠ અને વધુ અનુભવી વ્યક્તિને પસંદ કરશે.
વરિષ્ઠ પત્રકાર અને લેખક ધીરેન્દ્ર ઝા જણાવે છે કે, “શરૂઆતમાં હેડગેવાર બાલાજી હુદ્દારને પોતાના ઉત્તરાધિકારી તરીકે જોતા હતા. તેમણે તેમને આરએસએસના સહકાર્યવાહ નિયુક્ત કર્યા હતા. તેઓ સંઘના સંસ્થાપકોમાં સામેલ હતા. વર્ષ 1936માં તેઓ અભ્યાસ માટે લંડન જતા રહ્યા હતા. ત્યાં તેઓ કોમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યા. લંડનથી તેઓ સ્પેન ગયા હતા, જ્યાં તેમણે સ્પેનના ગૃહયુદ્ધમાં ભાગ લીધો હતો.”
ઝા જણાવે છે કે, “1938માં જ્યારે તેઓ સ્પેનથી ભારત પાછા ફર્યા, ત્યારે તેમની વિચારસરણી સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. હેડગેવાર બ્રિટનના સમર્થક હતા, જ્યારે હુદ્દાર સંપૂર્ણપણે બ્રિટિશ સામ્રાજ્યવાદના વિરોધી બની ગયા હતા. અહીંથી હેડગેવાર અને હુદ્દાર વચ્ચે અંતર વધવાનું શરૂ થયું અને તેમણે ગોળવલકરને માત્ર આરએસએસના સહકાર્યવાહ જ ન બનાવ્યા, બલકે, તેઓ તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે જોવા લાગ્યા.”
ભારત છોડો આંદોલન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

ઇમેજ સ્રોત, Getty Images
જે રીતે હેડગેવારે પોતાની કૅડરને સવિનય કાનૂન ભંગ આંદોલન (1930)થી દૂર રાખી, એ જ રીતે ગોળવલકરે પણ પોતાના લોકોને એવા દરેક કામથી દૂર રાખ્યા જેનાથી બ્રિટિશ સરકાર આરએસએસથી નારાજ થઈ શકે તેમ હતી.
ભારત છોડો આંદોલન (1942)માં પણ આરએસએસના કાર્યકર્તાઓએ દૂર રહેવાનું પસંદ કર્યું.
સાવરકરે કૉંગ્રેસના નેતૃત્વવાળા આંદોલનને ‘જેલ જવાનો હાસ્યાસ્પદ કાર્યક્રમ’ ઠરાવ્યું અને હિંદુઓને તેનો બહિષ્કાર કરવાની અપીલ કરી.
(ઑલ ઇન્ડિયા હિંદુ મહાસભા, એન્ડ ઑફ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, પેજ 55)
ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તક ‘ગાંધી: ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’માં લખ્યું, “એ જોવાનું રસપ્રદ હતું કે, એક તરફ ઝીણા મુસલમાનોને કૉંગ્રેસના આંદોલનમાં ન જોડાવાની અપીલ કરતા હતા, તો બીજી તરફ સાવરકર પણ હિંદુઓને આ આંદોલનમાં ભાગ ન લેવાની અપીલ કરતા હતા.”
ધીરેન્દ્ર ઝા કહે છે, “આરએસએસની સ્થાપના બ્રિટિશ સરકારની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિને અનુરૂપ હતી, જેનો ઉદ્દેશ હિંદુ અને મુસલમાનોને વહેંચી દેવાનો હતો. હિંદુઓને જણાવાતું હતું કે તમારા મુખ્ય દુશ્મન બ્રિટિશ સરકાર નહીં, મુસલમાન છે.”
આ ખ્યાલના આધારે જ્યારે સંગઠન બન્યું, તેણે બ્રિટિશ વિરોધી વલણ ન અપનાવ્યું. તેમનું માનવું હતું કે જો અંગ્રેજોને કોઈ કારણે નારાજ કરવામાં આવે, તો તેનાથી તેમના હિંદુ એકજૂથના લક્ષ્યને આંચ આવશે.”
પરંતુ આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર અને ઇન્દિરા ગાંધી સેન્ટર ઑફ આર્ટ્સના પ્રમુખ રામબહાદુર અલગ મત ધરાવે છે.
તેઓ કહે છે, “ગોળવલકરે ભલે આરએસએસના લોકોને ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા પ્રેરિત ન કર્યા હોય, પરંતુ, તેમણે કોઈને અટકાવ્યા પણ નહીં. એવાં ઉદાહરણ છે, જ્યારે સંઘ સાથે જોડાયેલા લોકોએ મુઝફ્ફરપુર, સતારા અને પુણેમાં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો.”
“હું પોતે માનું છું કે ‘ગુરુજી’ સંગઠનને બચાવી રાખવા માગતા હતા, તેથી તેમણે આ મુદ્દે પહેલ ન કરી. બીજી વાત એ કે, તેઓ જાહેર થયેલા રાજકીય વ્યક્તિ નહોતા.”
ગોળવલકર અને ગાંધીની મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
ભાગલા પહેલાં ગોળવલકર આરએસએસને દેશના ઘણા ભાગો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. તેમને ઉત્તર ભારતનાં અનેક રજવાડાં, જેવાં કે, અલવર અને ભરતપુરમાંથી મદદ મળી રહી હતી.
આરએસએસએ અલવરમાં ઘણી તાલીમ શિબિર યોજી હતી, જેમાંની એકને ગોળવલકરે જાતે સંબોધી હતી.
આઝાદીના 15 દિવસ પછી દિલ્હી શાંત હતું, પરંતુ ફરીથી ત્યાં સાંપ્રદાયિક હિંસા ફેલાવા લાગી હતી.
આઠ સપ્ટેમ્બર 1947એ દિલ્હીને અશાંત ક્ષેત્ર જાહેર કરી દેવાયું હતું. 9 સપ્ટેમ્બરે ગાંધી દિલ્હી પહોંચ્યા હતા. 12 સપ્ટેમ્બરે ગાંધીની ગોળવલકર સાથે મુલાકાત થઈ હતી.
આ મુલાકાતમાં ગાંધીએ ગોળવલકરને સ્પષ્ટ કહ્યું, ‘આરએસએસના હાથ લોહીથી રંગાયેલા છે.’
ગોળવલકરે કહ્યું કે, “આરએસએસ કોઈનો દુશ્મન નથી. તે મુસલમાનોને મારવાનો હિમાયતી નથી. તેનો ઉદ્દેશ જ્યાં સુધી થઈ શકે હિંદુઓની રક્ષા કરવાનો છે.”
(કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી, પેજ 177)
ગાંધી અને ગોળવલકર વચ્ચે મતભેદ

ઇમેજ સ્રોત, Getty Images
મહાત્મા ગાંધીના સચિવ રહેલા પ્યારેલાલ પોતાના પુસ્તક ‘મહાત્મા ગાંધી, ધ લાસ્ટ ફેઝ’માં લખે છે, “ગાંધીએ ગોળવલકરને કહ્યું કે તેઓ એક નિવેદન બહાર પાડીને પોતાના ઉપર લાગેલા આરોપોનું ખંડન કરે અને દિલ્હીમાં થતી મુસલમાનોની હત્યાઓની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરે. ગોળવલકરને આ પ્રસ્તાવ મંજૂર નહોતો.”
“તેમણે કહ્યું કે, અમારું નિવેદન જાહેર કરવાની જગ્યાએ ગાંધી સ્વયં આ પ્રકારનું નિવેદન જાહેર કરે. ગાંધીએ કહ્યું કે તેઓ એવું જરૂર કરશે, પરંતુ જો તેઓ (ગોળવલકર) ખરેખર આ બાબતમાં ઈમાનદાર હોય તો તેમણે આ વાત પોતાના મોઢે કહેવી જોઈએ.”
ચાર દિવસ પછી 16 સપ્ટેમ્બરે ગાંધીએ દિલ્હીના વાલ્મીકિ મંદિરમાં આરએસએસના કાર્યકરોને સંબોધતાં કહેલું, “જો હિંદુ સમજે છે કે ભારતમાં મુસલમાનો માટે સમાનતાવાળી કોઈ જગ્યા નથી અને જો મુસલમાન એમ સમજે છે કે પાકિસ્તાનમાં હિંદુ ફક્ત શાસિત લોકોની જેમ જ રહી શકે છે, તો આ હિંદુ અને ઇસ્લામ, બંનેના પતનનું કારણ બનશે.”
ઉત્તર પ્રદેશમાં સાંપ્રદાયિક હિંસા અને ગોળવલકર

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સાંપ્રદાયિક હિંસા વધી રહી હતી.
તે સમયના ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ રાજેશ્વર દયાળે પોતાની આત્મકથા ‘અ લાઇફ ઑફ અવર ટાઇમ’માં લખ્યું, “પશ્ચિમી રેન્જના ડીઆઇજી જેટલી તાળું મારેલા બે મોટા ટ્રંક લઈને મારી પાસે આવ્યા. જ્યારે ટ્રંકને ખોલવામાં આવ્યા તો તેમાં ઉત્તર પ્રદેશના પશ્ચિમી ક્ષેત્રમાં થયેલાં કોમી રમખાણો કરાવવાની આખી બ્લૂ પ્રિન્ટ હતી. હું આ બધા પુરાવા લઈને તરત પ્રીમિયર ગોવિંદવલ્લભ પંતના ઘરે ગયો.”
“મેં અને જેટલી બંનેએ આ બધાની પાછળ કામ કરી રહેલા ગોળવલકરની ધરપકડ માટે દબાણ કર્યું, જેઓ હજુ પણ એ વિસ્તારમાં હાજર હતા, પરંતુ પંતે ગોળવલકરનની તરત ધરપકડ કરવાના બદલે આખો મામલો મંત્રીમંડળની આગામી બેઠકમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો.”
દયાળ લખે છે, “ગોળવલકરને તેની જાણ થઈ ગઈ અને તેઓ એ વિસ્તારમાંથી તરત જતા રહ્યા હતા.”
વર્ષો પછી ગાંધી હત્યાના ષડ્યંત્રની તપાસ કરી રહેલા કપૂર પંચની સમક્ષ જેટલીએ રાજેશ્વર દયાળના દાવાની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ અને દયાળ જીબી પંતને મળ્યા હતા. (કપૂર પંચનો રિપોર્ટ, પેજ 62)
ગાંધીની હત્યા અંગે ગોળવલકરની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
30 જાન્યુઆરી, 1948એ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી દીધી.
તે સમયે ગોળવલકર મદ્રાસમાં હતા. તેમણે પોતાના બધા કાર્યક્રમ રદ કરીને નહેરુ, પટેલ અને ગાંધીના પુત્રને શોકનો તાર મોકલ્યો.
ત્યાર પછી તેમણે આરએસએસની બધી શાખાઓને આંતરિક સૂચના મોકલી, ‘આદરણીય મહાત્માજીના દુઃખદ અવસાનના લીધે બધી શાખાઓ 13 દિવસનો શોક મનાવશે અને બધા દૈનિક કાર્યક્રમ બંધ રહેશે.’
(શ્રી ગુરુજી સમગ્ર, ખંડ 10, પેજ 5)
બીજા દિવસે તેઓ નાગપુર જવા રવાના થયા. મુંબઈમાં લગભગ 1,000 લોકોએ સાવરકરના ઘરે હુમલો કર્યો.
આખા દેશમાં આરએસએસ અને હિંદુ મહાસભાનાં કાર્યાલયો પર ટોળાં હુમલા કરવા લાગ્યાં.
તપાસ પછી વિનાયક દામોદર સાવરકરને ગાંધી હત્યાકાંડમાં આરોપી બનાવવામાં આવ્યા હતા, તેમને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા.
પહેલી ફેબ્રુઆરીએ ગોળવલકરે નિવેદન બહાર પાડ્યું, “હું આશા રાખું છું કે લોકો આ દુર્ઘટનામાંથી પાઠ શીખશે અને પ્રેમ અને સેવાભાવથી કામ કરશે. હું મારા બધા સ્વયંસેવક ભાઈઓને સૂચના આપું છું કે ગેરસમજથી ઊભી થયેલી કોઈ પણ ઉશ્કેરણીજનક કાર્યવાહીમાં પણ તેઓ લોકોની સાથે પ્રેમભાવ જાળવી રાખે. હું દિવંગત આત્માને પ્રણામ કરું છું.”
(ધ જનસંઘ, ધ બાયોગ્રાફી ઑફ એન ઇન્ડિયન પૉલિટિકલ પાર્ટી, પેજ 43)
આરએસએસ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images
તેના થોડા સમય પછી ગોળવલકરની ધરપકડ કરવામાં આવી. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવતી હતી, ત્યારે આરએસએસના મુખ્ય કાર્યાલય ખાતે લગભગ 1,000 લોકો એકઠા થઈ ગયા હતા.
સરદાર પટેલે ચોથી ફેબ્રુઆરી 1948એ આરએસએસ પર પ્રતિબંધ લગાવી દીધો.
છઠ્ઠી ઑગસ્ટ, 1948 સુધી ગોળવલકર જેલમાં રહ્યા. જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા, તેમને નાગપુરની હદમાં રહેવા માટે કહેવામાં આવ્યું.
તેમણે સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુને સંઘ પરનો પ્રતિબંધ હટાવવા માટે અનેક પત્ર લખ્યા.
સરદાર પટેલે ગોળવલકરને 11 સપ્ટેમ્બર, 1948એ મોકલેલા પોતાના જવાબમાં લખ્યું, “સંઘે હિંદુ સમાજની સેવા કરી છે, પરંતુ મુશ્કેલી એ વાતની છે કે, આરએસએસ બદલાની ભાવનાથી મુસલમાનો પર હુમલા કરે છે. તમારા દરેક ભાષણમાં સાંપ્રદાયિક ઝેર ભરેલું હોય છે.”
“આનું પરિણામ એ આવ્યું કે દેશે ગાંધીનું બલિદાન આપવું પડ્યું. ગાંધીની હત્યા પછી આરએસએસના લોકોએ ખુશી મનાવી અને મીઠાઈ વહેંચી. આવી સ્થિતિમાં સરકાર માટે આરએસએસ પર પ્રતિબંધ મૂકવો જરૂરી થઈ ગયું હતું.”
દરમિયાનમાં, ગોળવલકરની ફરી એક વાર ધરપકડ કરીને પહેલાં નાગપુર અને પછી સિવની જેલમાં લઈ જવાયા.
અંતે, 12 જુલાઈ, 1949એ આરએસએસ પરનો પ્રતિબંધ હટાવી દેવાયો અને તેમને છોડી મૂકવામાં આવ્યા.
15 ડિસેમ્બર, 1950એ જ્યારે સરદાર પટેલનું મૃત્યુ થયું, ત્યારે ગોળવલકર નાગપુરમાં હતા.
સેન્ટ્રલ પ્રૉવિન્સના મુખ્યમંત્રી રવિશંકર શુક્લ પટેલની અંતિમયાત્રામાં ભાગ લેવા માટે પોતાના વિમાનમાં મુંબઈ જઈ રહ્યા છે, એવી જાણ થતાં ગોળવલકરે તેમને વિમાનમાં એક સીટ આપવાની વિનંતી કરી.
શુક્લ એ માટે રાજી થઈ ગયા. મુંબઈમાં ગોળવલકરે સરદાર પટેલને અંતિમ શ્રદ્ધાંજલિ આપી.
(ધ નહેરુ એપૉક, ફ્રૉમ ડેમોક્રસી ટૂ મોનોક્રસી, પેજ 194)
1963ની પ્રજાસત્તાક દિવસ પરેડ

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે ચીને સન 1962માં ભારત પર હુમલો કર્યો, ત્યારે તેમણે નહેરુને ચીની આક્રમણખોરોને હાંકી કાઢવામાં સરકારને સમર્થન આપવાની રજૂઆત કરી.
ગોળવલકરની આ ઝુંબેશમાં તેમના નિશાન પર ભારતીય કૉમ્યુનિસ્ટ પણ હતા, જેમને તેઓ ચીનના કૉમ્યુનિસ્ટ શાસનના ‘એજન્ટ’ કહેતા હતા.
ચીન દ્વારા મળેલી હારને જોતાં સુરક્ષા મંત્રાલય 1963ની પ્રજાસત્તાક દિવસ પરેડ રદ કરવાનું વિચારતું હતું, પરંતુ નહેરુએ તેનો વિરોધ કરીને સૈનિક પરેડની જગ્યાએ ‘નાગરિક પરેડ’ કરવાનું સૂચન કર્યું.
આ પરેડ માટે દિલ્હીના મેયર નૂરુદ્દીન અહમદને ઇનચાર્જ બનાવવામાં આવ્યા. તેમણે સમાજના દરેક વર્ગના લોકોને પરેડમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું.
અન્ય મજૂર સંઘોની જેમ આરએસએસ સાથે સંકળાયેલા ભારતીય મજદૂર સંઘને પણ પરેડમાં સામેલ થવાનું નિમંત્રણ આપવામાં આવ્યું. (સિલેક્ટેડ વર્ક્સ ઑફ જવાહરલાલ નહેરુ, પેજ 396)
ધીરેન્દ્ર ઝા લખે છે, “આ પરેડ એ રીતે અલગ હતી કે તેમાં સાંસદોએ પણ ભાગ લીધો હતો, જેનું નેતૃત્વ નહેરુ અને તેમની કૅબિનેટના સહયોગી કરતા હતા. આ પરેડમાં આરએસએસના 2,000 સ્વયંસેવકોએ પોતાના સંપૂર્ણ પોશાકમાં દિલ્હીના બીજા નાગરિકોની સાથે માર્ચ કરી હતી. તેમના હાથમાં કોઈ બૅનર કે ઝંડો નહોતાં.”
શાસ્ત્રીએ ગોળવલકરને દિલ્હી બોલાવ્યા
સન 1965માં જ્યારે ભારત–પાકિસ્તાન યુદ્ધ થયું, ત્યારે શાસ્ત્રીએ સર્વપક્ષીય બેઠકમાં અન્ય વિરોધી દળોની સાથે ગોળવલકરને પણ આમંત્રિત કર્યા.
તેઓ મહારાષ્ટ્રના સાંગલીથી ખાસ આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા.
બીજા દિવસે તેમણે સ્વયંસેવકોને એક અપીલ જાહેર કરતાં કહ્યું કે, તેઓ સરકારને શક્ય તેટલી રીતે સહયોગ કરે.
તેમણે પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં પ્રવાસ કર્યો અને ત્યાં અપાયેલાં તેમનાં ભાષણોને આકાશવાણીના વડોદરા કેન્દ્રએ પ્રસારિત કર્યાં.
ત્યાર પછી તેઓ પંજાબ ગયા અને તેમણે અંબાલા છાવણીમાં ભારતીય સૈનિકોને સંબોધ્યા.
(ધ ઇનકૉમ્પરેબલ ગુરુ ગોળવલકર, પેજ 274)
‘મુસલમાન હિંદુઓથી અલગ છે’

ઇમેજ સ્રોત, Getty Images
જેએ કરેને પોતાના પુસ્તક ‘મિલિટન્ટ હિંદુઇઝમ ઇન ઇન્ડિયન પૉલિટિક્સ’માં લખ્યું છે કે ગોળવલકરના પુસ્તક ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ તેમના વિચારોને સમજવા માટે ખૂબ ઉપયોગી સંકલન છે.
તેઓ લખે છે, “આ પુસ્તકને આરએસએસનું બાઇબલ કહી શકાય.”
આ પુસ્તકમાં સંઘના રાષ્ટ્રવાદના સિદ્ધાંત અને રાષ્ટ્રમાં અલ્પસંખ્યકોનું સ્થાન કેવું હોય, તેની ઝલક મળે છે.
ગોળવલકર લખે છે કે, ‘મુસલમાન આપણા કરતાં જુદા છે. ઇસ્લામનો જન્મ હિંદુસ્તાનમાં નથી થયો. સાવરકરનો ‘પુણ્યભૂમિ’વાળો જે સિદ્ધાંત છે, ગોળવલકર તેને માનતા હતા.’
સાવરકરે લખ્યું છે, “ભારત મુસલમાનોની પુણ્યભૂમિ નથી, કેમ કે, તેમની આસ્થાનું કેન્દ્ર મક્કા-મદીના છે, તેથી ભારત પ્રત્યેની તેમની નિષ્ઠા સંદિગ્ધ છે.”
ધીરેન્દ્ર ઝા કહે છે, “ગોળવલકરની આઇડિઑલોજિકલ બ્લૂ પ્રિન્ટ ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડ’માંથી લેવામાં આવી છે. તે એવી રાજકીય સ્પેસ ઊભી કરવાની વાત કરે છે, જેમાં મુસલમાનોને બીજા દરજ્જાના નાગરિક બનાવવાનો વિચાર છે.”
તેઓ કહે છે, “ગોળવલકરે પણ પછીથી પોતાને (વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડથી) દૂર કરવાની કોશિશ કરી. હું અહીં એ વાત પર ભાર મૂકવા માગું છું કે, જ્યાં સુધી આરએસએસ સમર્થક લેખક એ જુઠ્ઠાણું ફેલાવે છે કે ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ અમારી બ્લૂ પ્રિન્ટ નથી, ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ, જ્યારે સંશોધકો અને લેખક પણ આ વાતનું પુનરાવર્તન કરવા લાગે છે ત્યારે તેને સ્વીકૃતિ મળી જાય છે.”
ગોળવલકરના વિચારોના સંકલન ‘બંચ ઑફ થૉટ્સ’માં સૌથી વિવાદાસ્પદ વાત એ હતી કે, જેમાં તેમણે ખ્રિસ્તીઓ, મુસલમાનો અને કોમ્યુનિસ્ટોને ‘રાષ્ટ્રના આંતરિક શત્રુ’ ગણાવ્યા હતા.
સપ્ટેમ્બર 2018માં ‘બંચ ઑફ થૉટ્સ’માંથી એ ભાગ હટાવી દેવાયા, જેમાં આ વાત કહેવામાં આવી હતી.
આ ભાગો હટાવવા બાબતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું, “તે પરિસ્થિતિવશ બોલાયેલી વાત હતી, જે શાશ્વત સત્ય નથી રહેતી, આરએસએસ એક બંધ સંગઠન નથી, જેમ જેમ સમય બદલાય છે, અમારા વિચાર બદલાય છે.”
જોકે, ગોળવલકરના વિચારો પર ઘણા વાદવિવાદ થાય છે, પરંતુ એ સત્ય છે કે ગોળવલકરે આરએસએસને આખા દેશમાં પહોંચાડ્યો. તેઓ સૌથી લાંબા સમય 33 વર્ષ, સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક રહ્યા.
ક્રિસ્ટોફર જેફ્રેલૉટે પોતાના પુસ્તક ‘હિંદુ નૅશનલિસ્ટ મૂવમેન્ટ ઍન્ડ ઇન્ડિયન પૉલિટિક્સ’માં લખ્યું, “ગોળવલકરને રાજા બનવા કરતાં રાજા બનાવવામાં વધુ રસ હતો.”
રામબહાદુર રાયનું માનવું છે કે ગોળવલકરે આરએસએસને તૂટતો બચાવ્યો અને ગાંધીની હત્યા પછી સર્જાયેલા વાતાવરણમાં પણ તેને દેશના રાજકારણમાં પ્રાસંગિક બનાવી રાખ્યો.
ધીરેન્દ્ર ઝા લખે છે, “તેમના મૃત્યુ પછી તેમણે હિંદુત્વના રાજકારણમાં લગભગ દેવતુલ્ય સ્થાન પ્રાપ્ત કરી લીધું છે, તેમના શિષ્ય ઘણા પ્રદેશોમાં મંત્રી અને મુખ્ય મંત્રી બન્યા, તેમાંથી બે વ્યક્તિ અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS