Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Bhagyashree Raut
અમેરિકા-ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધને કારણે એલપીજી સિલિન્ડરોની અછત વર્તાઈ રહી છે. સિલિન્ડર ખરીદવા માટે ઠેકઠેકાણે લોકોની લાંબી લાઇનો લાગેલી જોવા મળે છે.
આ સ્થિતિમાં મહારાષ્ટ્રના અકોલા ખાતે આવેલી ‘પ્રભાત સ્કૂલ’ દ્વારા ચલાવાઈ રહેલું આગ વિનાનું રસોડું ચર્ચાસ્પદ બન્યું છે, કારણ કે, ગૅસ સિલિન્ડરની અછતથી આ શાળાને લેશમાત્ર ફરક પડ્યો નથી.
આગ વિનાનું આ રસોડું, કહો કે, ‘ફ્લેમલૅસ કિચન’ પ્રભાત ડે બોર્ડિંગ સ્કૂલમાં માત્ર બે કલાકમાં જ લગભગ 1,500 વિદ્યાર્થીઓ માટે રસોઈ બનાવી શકે છે.
આ રસોડાની ખાસિયત એ છે કે, તેમાં ખેતરમાં ઉત્પન્ન થતા કચરાનો ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
અત્યારે ગૅસ સિલિન્ડરોની તંગી અને વધી રહેલા ભાવોને કારણે લોકો અન્ય વિકલ્પો તરફ નજર દોડાવી રહ્યા છે, ત્યારે આ રસોડું કેવી રીતે ચાલે છે, તે જાણવા માટે બીબીસીએ તેની મુલાકાત લીધી હતી.
‘ફ્લેમલેસ રસોડું’ દસ વર્ષથી ચાલી રહ્યું છે
ઇમેજ સ્રોત, Bhagyashree Raut
આ એક ખાનગી બોર્ડિંગ સ્કૂલ છે. અહીં એકથી દસ ધોરણ સુધીનાં બાળકો ભણે છે. આ ખાનગી શાળા છે અને અહીં વિદ્યાર્થીઓ પાસેથી ઍડમિશન ફી વસૂલવામાં આવે છે.
આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સવારે 10.20 વાગ્યે બપોરનું જમવાનું અને એ પછી બપોરે નાસ્તો પીરસાય છે.
બાળકોને દાળ, ભાત, શાક, રોટલી અને સલાડ જેવું વૈવિધ્યસભર ભોજન પીરસાય છે.
શાળાના સ્થાપક ડિરેક્ટર ડૉક્ટર ગજાનન નારેએ જણાવ્યું કે, તેમણે જે પણ રસોઈ બની હોય, તે ખાવાની આદત બાળકમાં કેળવાય, તે હેતુસર શાળામાં જ જમવાનું પીરસવાનું શરૂ કર્યું હતું.
“મારા શિક્ષણના દિવસો દરમિયાન મેં એવાં બાળકો જોયાં, જેઓ આઠમા ધોરણ સુધી માત્ર એવોકાડો અને રોટલી જ ખાતાં હતાં. પણ, બાળકોને તમામ પ્રકારનો ખોરાક ખાવાની ટેવ પાડવી જોઈએ.”
ગજાનને જણાવ્યું હતું કે, “અમે એ હેતુ સાથે અમારી શાળામાં જમવાની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો કે, તેઓ શાળાકીય શિક્ષણ પૂરું કરી લીધા બાદ અન્ય સ્થળે જાય, તો પણ તેઓ ત્યાં મળતો ખોરાક આરોગી શકે.”
શાળાની સ્થાપના થઈ, ત્યારથી જ અહીં વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે.
શરૂઆતમાં, રસોઈ બનાવવા માટે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. રોજ ચાર સિલિન્ડરની જરૂર પડતી, જે મોંઘું પણ પડતું હતું.
જોકે, છેલ્લાં દસ વર્ષથી ‘ફ્લેમલેસ કિચન’ શરૂ થયું, ત્યારથી ગૅસ સિલિન્ડર પાછળ થતો ખર્ચ બચી ગયો છે.
આગ વિનાનું આ રસોડું કેવી રીતે ચાલે છે…
ઇમેજ સ્રોત, Bhagyashree Raut
આ રસોડું રસોઈ બનાવવા માટે ગૅસને બદલે ખેતરમાંથી ઉત્પન્ન થતા કચરાનો ઉપયોગ કરે છે, જે ‘થર્મિક ફ્લૂઇડ હિટર સિસ્ટમ’ને લીધે શક્ય બન્યું છે.
આ ‘થર્મિક ફ્લૂઇડ હિટર સિસ્ટમ’નો અર્થ છે…
ખાદ્ય શ્રેણીના તેલનો રસોડાની બહાર એક ઑઇલ કન્ટેનરમાં સંગ્રહ કરવામાં આવે છે. કૉમ્પ્રેસર વડે ઑઇલને બૉઇલરમાં પમ્પ કરવામાં આવે છે.
ત્યાં, તે ગરમ થાય છે અને પછી પાઇપવાટે રસોઈ બનાવવાનાં પાત્રો સુધી પહોંચાડવામાં આવે છે. આ બૉઇલર રસોડાની બહાર ગોઠવવામાં આવેલું છે.
લાકડાં અને પાકના અન્ય અવશેષો જેવા ખેતરમાંથી પેદા થતા કચરાને સળગાવવાને બદલે મશીનની મદદથી તેમને નાના ‘ગોળા’માં રૂપાંતરિત કરવામાં આવે છે.
આ ગોળાઓ બૉઇલરમાં ઑઇલ ગરમ કરવા માટેના ઇંધણ તરીકે વપરાય છે. ગરમ થયેલું ખાદ્ય શ્રેણીનું તેલ કૉમ્પ્રેસર મારફત રસોડામાં ચૂલા ઉપરની કડાઈમાં જાય છે.
રસોડામાં મૂકેલું દરેક વાસણ બહાર રાખેલી પાઇપલાઇન સાથે જોડાયેલું હોય છે.
તે પાઇપોમાં ગરમ તેલ પ્રવાહિત થાય છે. તેના કારણે વાસણ ગરમ થાય છે અને તેમાં રસોઈ બનાવી શકાય છે.
ઘણી જગ્યાએ રોટલી કે પાપડ શેકવા માટે આગનો ઉપયોગ થતો હોય છે, પણ અહીં કોઈ આગ વિના જ તમામ રસોઈ બનાવવામાં આવે છે.
રસોઈ રંધાઈ ગયા પછી તે ઑઇલ અન્ય એક કૉમ્પ્રેસર મારફત સિસ્ટમમાં પાછું પમ્પ કરી દેવાય છે. વર્ષ દરમિયાન જો કોઈક જગ્યાએ લીકેજ થતું હોય, તો માત્ર તેટલા તેલનો જ બગાડ થાય છે. ત્યારે જ તેલને ફરી ભરવામાં આવે છે.
આથી, આ આગ વિનાનું રસોડું ચલાવવાનો ખર્ચ ઘણો જ ઓછો આવે છે.
ખેતરની પેદાશોમાંથી તૈયાર કરવામાં આવેલા નાના ગોળાની કિંમત માત્ર 1,500થી 2,000 રૂપિયા જેટલી હોય છે, તેમ સ્કૂલના કિચન ઇન-ચાર્જ નીરજ અવંદેકર જણાવે છે.
જોકે, તેલ કન્ટેનર્સની નીચે નીચે ફરી રહ્યું હોય, ત્યારે તે ભોજનમાં ભળી જવાનું જોખમ છે કે કેમ, તેવો સવાલ પૂછાતાં નીરજે જવાબ આપ્યો હતો કે, આ સિસ્ટમમાં વપરાતું તેલ ‘ખાદ્ય ગ્રેડ’ ધરાવે છે.
તેમણે કહ્યું હતું, “તે બંધ પાઇપલાઇન વાટે પ્રવાહિત થાય છે ને વાસણોને નીચેથી ગરમ કરે છે. આમ, તેલ ખોરાક સાથે ભળવાનો સવાલ જ નથી. જો પાઇપલાઇનમાં કાર્બન જમા થાય, તો અમે સમયાંતરે તેની સફાઈ કરતાં હોઈએ છીએ.”
ફ્લેમલેસ કિચન કેવી રીતે બનાવવામાં આવ્યું?
ઇમેજ સ્રોત, Bhagyashree Raut
આ શાળામાં આગ વિનાનું રસોડું નીરજ અવંદેકરની પહેલથી શરૂ થયું હતું. એક હોટેલમાં આ પ્રકારનું રસોડું જોયા પછી તેમને તે પ્રયોગ પસંદ પડ્યો હતો.
નીરજને લાગ્યું કે, સ્કૂલમાં એલપીજી સિલિન્ડર કરતાં આવું આગ વિનાનું રસોડું રાખવું ઘણું વધુ સલામત છે. આથી તેમણે આ સ્કૂલમાં પણ આ પ્રકારનું રસોડું તૈયાર કરવાનો નિર્ણય લીધો.
આ હેતુ માટે, આ વ્યવસ્થાની ડિઝાઇન ઔદ્યોગિક બૉઇલર સિસ્ટમ્સનું ઉત્પાદન કરતા એક એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
રસોડું બનાવવા પાછળ 35 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તે પછી ગૅસ કે અન્ય ઇંધણ પાછળ અલગથી કોઈ ખર્ચ કરવાની જરૂર રહેતી નથી.
અવંદેકરે કહ્યું હતું કે, અગાઉ રોજ ઓછામાં ઓછા ચાર સિલિન્ડર વપરાતા હતા, પણ હવે તે ખર્ચ સાવ જ ઘટી ગયો છે.
અવંદેકર કહે છે કે, આ સિસ્ટમની જાળવણીનો કોઈ ખર્ચ થતો નથી.
“મેં અકોલામાં એક એન્જિનિયરનો સંપર્ક સાધ્યો અને રસોડું કેટલું સુરક્ષિત હોવું જોઈએ, તે વિશે તેમને સમજ આપી.”
“તેઓ અગાઉ સ્ટીમ બૉઇલર્સ પર કામ કરી ચૂક્યા હતા. પણ, થર્મિક ફ્લૂઇડ હીટર સાથેનો તેમનો આ પ્રથમ અનુભવ હતો.”
“જોકે, તેમણે સફળતાપૂર્વક ડિઝાઇન તૈયાર કરી. છેલ્લાં 10 વર્ષમાં તેમાં કોઈ તકનીકી ખામી સર્જાઈ નથી.”
રસોડું કેવી રીતે કામ કરે છે?
ઇમેજ સ્રોત, Bhagyashree Raut
આગ વિનાનું આ રસોડું કેવી રીતે કામ કરે છે, તે જોવા માટે હું રસોઈ રંધાઈ ગઈ, ત્યાં સુધી ત્યાં રોકાયો હતો.
રસોડામાં સામાન્યપણે ગરમી વર્તાતી હોય છે, પણ અહીં એવું કશું નહોતું અને તાપમાન સામાન્ય હતું.
અહીં રોટલી બનાવતાં શાલુ કદમ કહે છે, “અમે અહીં બે કલાક સુધી રોટલી બનાવીએ છીએ. સામાન્યપણે, જ્યારે આપણે ગૅસ સ્ટવ ઉપર રોટલી બનાવતાં હોઈએ, ત્યારે ઘણો જ પરસેવો થતો હોય છે અને ગરમી પણ ખૂબ લાગતી હોય છે. પણ, અહીં એવું કશું થતું નથી.”
તેમણે કહ્યું હતું કે, ઉનાળા દરમિયાન પણ રોટલી બનાવવામાંં તેમને કોઈ મુશ્કેલી પડતી નથી.
આ રસોડામાં લગાવવામાં આવેલું બૉઇલર ગરમ કરવા માટે ખેતીના કચરામાંથી બનેલા 400 કિલો નાના ગોળાઓ વપરાય છે. તેના કારણે ઉત્પન્ન થતો ધુમાડો પાઇપવાટે ઘણે ઉપર છોડવામાં આવે છે.
અવંદેકર કહે છે કે, અહીં ઉત્પન્ન થતા ધુમાડાનું પ્રમાણ ખેતરમાં સળગાવવામાં આવતા કચરા જેટલું જ હોય છે. આથી, ભારે ઔદ્યોગિક પ્રદૂષણ સાથે તેની તુલના થઈ શકે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



