Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Pervaiz Haider
ફિલ્મસંગીતમાં માસ્ટર ગુલામ હૈદરનું એ જ સ્થાન છે જે ફિઝિક્સમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સર આઇઝૅક ન્યૂટનનું છે. તેમણે 90 વર્ષ પહેલાં ફિલ્મસંગીતના ડીએનએની શોધ કરી હતી.
લગભગ એક સદી પછી આજે પણ રચનાની બાબતમાં ફિલ્મનું પ્લેબૅક મ્યુઝિક એ જ શૈલીનું છે.
માસ્ટરજીને એ સન્માન પ્રાપ્ત છે કે તેમણે ઉપખંડના સંગીતને મલિકા-એ-તરન્નુમ નૂરજહાં અને લતા મંગેશકર જેવા સુરીલા અવાજોની ભેટ આપી. એટલું જ નહીં, માસ્ટર ગુલામ હૈદરે જ 12 વર્ષની ઉંમરે લોકોને શમશાદબેગમનો પરિચય કરાવ્યો, જે પછીથી અખંડ ભારતનાં પ્રથમ ફિલ્મગાયિકા બન્યાં.
શમશાદબેગમ આ ક્ષેત્રનાં પ્રથમ પ્લેબૅક સિંગર હતાં એટલે જ નૂરજહાં અને લતા મંગેશકર સહિત તેમના પછી આવનાર ગાયિકાઓએ શમશાદબેગમની શૈલીનો ઉપયોગ કરીને ગાયકીના પોતાના અનોખા અંદાજનો પાયો નાખ્યો.
માસ્ટર ગુલામ હૈદરે જ 74 વર્ષ પહેલાં લતા મંગેશકરની ક્ષમતાને ઓળખી હતી, જ્યારે તેઓ કૉમર્શિયલ બજારમાં એક ‘કોરસ ગર્લ’ હતાં. બીબીસી ઉર્દૂ સાથે વાત કરતાં લતા મંગેશકરને એ વાતો બિલકુલ એ રીતે યાદ હતી જાણે ગઈ કાલની જ વાત હોય.
તેમણે કહ્યું હતું, “આ એ દિવસોની વાત છે, જ્યારે મુંબઈમાં ફિલ્મ ‘શહીદ’ની તૈયારીઓ ચાલી રહી હતી. માસ્ટર ગુલામ હૈદર તેના મ્યુઝિક ડાયરેક્ટર હતા. આ ફિલ્મ તે સમયની જાણીતી ફિલ્મ કંપની ફિલ્મિસ્તાનના બૅનર હેઠળ બની રહી હતી. તેના માલિક શશિધર મુખરજી હતા, જેમણે મારા અવાજને એમ કહીને નકાર્યો હતો કે અવાજ ખૂબ તીણો અને ડંખે તેવો છે, જે દર્શકોને નહીં ગમે.”
શશિધર મુખરજી ફિલ્મ ઉદ્યોગમાં એક પ્રસિદ્ધ બંગાળી પરિવારના વડા હતા, તેમનાં પૌત્રી બોલીવૂડ અભિનેત્રી રાની મુખરજી છે.
લતા મંગેશકરે જણાવ્યું હતું કે તેઓ તે સમયે 18 વર્ષનાં હતાં અને ચાર-પાંચ વર્ષથી કોરસમાં ગાવાની સાથોસાથ મરાઠી ફિલ્મોમાં નાના-નાના રોલ પણ કરતાં હતાં.
ઇમેજ સ્રોત, HARAISH BHEMANI
તેમણે કહ્યું હતું, “મને ક્યારેક હીરોની નાની બહેનનો રોલ, તો ક્યારેક હીરોઇનની સહેલીનો રોલ મળી જતો, પરંતુ મને ઍક્ટિંગ કરવાનું ગમતું નહોતું. હું ગાવા માગતી હતી, પરંતુ કોઈ તક નહોતું આપતું. એ જ દિવસોમાં એવું થયું કે પઠાન નામના એક ભલા માણસ, જેઓ સ્ટુડિયોમાં જુનિયર આર્ટિસ્ટ સપ્લાય કરતા હતા, મને માસ્ટર ગુલામ હૈદરસાહેબની પાસે લઈ ગયા. તેમણે મારું ઑડિશન લીધું અને મને પાસ કરી દીધી.”
લતાએ જણાવ્યું હતું, “મારા ઑડિશનથી માસ્ટરસાહેબ ખૂબ ખુશ થયા. તેમણે મને કહ્યું હતું કે હું તમને પ્રમોટ કરીશ. પછી માસ્ટરસાહેબે મુખરજીને મનાવવાની ઘણી કોશિશ કરી અને એમ પણ કહ્યું કે મારી ગૅરંટી છે, પરંતુ તેમણે ઇનકાર કરી દીધો.”
તેમણે આગળ જણાવ્યું, “જ્યારે માસ્ટરસાહેબે શશિધરનો નિર્ણય સાંભળ્યો ત્યારે તેઓ પોતાને રોકી ન શક્યા, પરંતુ તેમણે એમ કહ્યું કે મુખરજીસાહેબ આમ તો તમને તમારો નિર્ણય કરવાનો પૂરો હક છે, પરંતુ મારા શબ્દો લખી લો, એક દિવસ એવો આવશે કે પ્રોડ્યૂસર લતાના દરવાજે લાઇન લગાવીને ઊભા હશે.”
લતા અનુસાર, “આટલું કહીને માસ્ટર ગુલામ હૈદરે ફિલ્મિસ્તાનના કાર્યાલયમાં શશિધરને પોતાનું રાજીનામું સોંપી દીધું અને એ જ સમયે મારી સાથે બૉમ્બે ટૉકીઝ સ્ટુડિયો તરફ ચાલી નીકળ્યા.”
ત્યાર પછી શશિધરને પણ પોતાની ભૂલ સમજાઈ અને ‘ફિલ્મિસ્તાન’ના બૅનર હેઠળ તેમણે ‘અનારકલી’ અને ‘નાગિન’ સહિત પોતાની બધી ફિલ્મોનાં ગીતો લતા મંગેશકરના અવાજમાં રેકૉર્ડ કર્યાં.
સિગારેટના પૅકેટ પર ગીતની ધૂન બનાવી દીધી
ઇમેજ સ્રોત, facebook/Bollywoodirect
લતા મંગેશકરે જણાવ્યું કે, “બૉમ્બે ટૉકીઝ સ્ટુડિયો શહેરની બહારના વિસ્તાર મલાડમાં હતો. હું માસ્ટરસાહેબની સાથે ગોરેગાંવ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી ઊભી હતી. ફિલ્મ ‘મજબૂર’ના ગીતની પહેલી ધૂન ત્યાં જ બની. ગીતના શબ્દો હતા ‘દિલ મેરા તોડા, મુઝે કહીં કા ના છોડા…'”
“માસ્ટરજી 555 બ્રાન્ડની સિગારેટ પીતા હતા, જેનું પૅકિંગ ટિનના ગોળ ડબ્બાનું હતું. તેમણે ત્યાં જ સિગારેટના ડબ્બા પર ધૂન બનાવી નાખી. તેઓ એક-એક લાઇન વાંચતા ગયા અને હું તેમની સાથે ગણગણતી રહી. માસ્ટરજીએ નક્કી કરી લીધું હતું કે તેઓ આ ગીત મારી પાસે જ ગવડાવશે. ‘મજબૂર’માં મારાં ચાર ગીત હતાં, તે બધાં ખૂબ પસંદ થયાં. આ ફિલ્મ પછી સંગીતકાર ખેમચંદ પ્રકાશે મારી પાસે તેમની ફિલ્મ ‘જિદ્દી’નાં ગીત ગવડાવ્યાં અને પછી હું તે સમયના બધા સંગીતકારોની પહેલી પસંદ બની ગઈ.”
લતાએ કહ્યું હતું, “ફિલ્મી સંગીતમાં મારા શિક્ષક માસ્ટર ગુલામ હૈદર છે. હું માસ્ટરજીને શિક્ષક અને એક રીતે પિતા પણ માનું છું. તેમને દુનિયામાંથી ગયાને આટલો સમય થઈ ગયો છે પરંતુ મારા જીવનમાં એવો કોઈ દિવસ નથી વીત્યો જ્યારે મેં તેમના માટે પ્રાર્થના ન કરી હોય.”
માસ્ટર ગુલામ હૈદરના પુત્ર પરવેઝ હૈદરે બીબીસીને જણાવ્યું કે તેઓ વર્ષ 1970માં લતા મંગેશકરના નિમંત્રણથી પોતાનાં માતા અને ભાઈની સાથે મુંબઈ ગયા હતા, જ્યાં લતાજી મારાં માતાને પોતાની માતાની સાથે બેસાડતાં અને પોતે તેમનાં ચરણોમાં બેસતાં હતાં.
‘જગતગુરુ અને ફિલ્મસંગીતના સંસ્થાપક’
ઇમેજ સ્રોત, Pervaiz Haider
પરવેઝ હૈદર અનુસાર મલિકા-એ-તરન્નુમ નૂરજહાંએ પણ હંમેશાં માસ્ટર ગુલામ હૈદરનો ઉલ્લેખ ખૂબ આદરપૂર્વક કર્યો. તેમના અનુસાર, તેઓ કહેતાં હતાં કે ઘણી નાની ઉંમરે તેઓ કલકત્તા જતાં રહ્યાં હતાં અને ત્યાંથી તેઓ જ્યારે લાહોર આવ્યાં ત્યારે માસ્ટર હૈદરે તેમને પંચોલી સ્ટુડિયો બોલાવ્યાં. તે સમયે સંગીતની દુનિયામાં તેઓ બેબી નૂરજહાંના નામથી જાણીતાં હતાં.
પરવેઝ હૈદરે કહ્યું, “માસ્ટરજીને જણાવાયું હતું કે એક નાની છોકરી છે, જે ક્લાસિકલ સારું ગાય છે. માસ્ટરજીએ પૂછ્યું, ‘બેટા, શું સંભળાવીશ?’ નૂરજહાંએ તેમને પીલુની ઠૂમરી સંભળાવી, જેના શબ્દો હતા – ‘પ્યારે રસિયા બિહારી, સુનો બિનતી હમારી’. બેબી નૂરજહાંને પ્રોત્સાહિત કરતાં માસ્ટરજીએ કહ્યું કે, ‘બેટા, તું તારી ઉંમર કરતાં મોટું ગીત ગાઈ રહી છે. હું તને ઇનામ આપું છું. તું મારી નવી પંજાબી ફિલ્મનું ગીત ગાઈશ. ગાવાની અસ્થાઈ એટલે કે મુખડું ક્લાસિકલ અંગનું છે, શું તું તેને ગાઈ શકીશ?’ નૂરજહાંએ માસ્ટરજીને કહ્યું, ‘આપ કહો તો ખરા!'”
“એ અસ્થાઈ ‘શાલા જવાનિયાં માને, આંખાં ન મોડે જી’ શરૂઆત જ તાનથી થાય છે. નૂરજહાં કહેતાં હતાં કે માસ્ટર ગુલામ હૈદરે આ ગીત પંજાબી ફિલ્મ ‘ગુલ બકાવલી’ માટે ગવડાવ્યું હતું. ત્યાર પછી નૂરજહાંએ તેમની બીજી પંજાબી ફિલ્મ ‘યમલા જટ’ સહિત ઘણી ફિલ્મો માટે ક્લાસિકલ અને સેમિ-ક્લાસિકલ ગીત ગાયાં.”
“એટલું જ નહીં, તે ઉપરાંત માસ્ટરજીએ નૂરજહાં પાસે એવી ધૂનો પણ ગવડાવી જે સરળ અને સાર્વજનિક ભાવની હતી. નૂરજહાં કહેતાં હતાં કે માસ્ટર ગુલામ હૈદર જગતગુરુ હતા અને ફિલ્મસંગીતમાં તેમની પ્રતિભા એક નાયક અને આવિષ્કારકની છે.”
તેમને ફિલ્મસંગીતના સંસ્થાપક શા માટે માનવામાં આવે છે?
ઇમેજ સ્રોત, Hina Durrani
માસ્ટરજીનું સૌથી મોટું કામ આ ક્ષેત્રના ફિલ્મસંગીતને સ્પષ્ટ કરવાનું છે.
લગભગ એક સદી પહેલાં, માસ્ટર ગુલામ હૈદરે ફિલ્મી ગીત માટે સાજ અને અવાજનો તાલમેળ બેસાડ્યો. દક્ષિણ એશિયાનું ફિલ્મી સંગીત આજે પણ એ જ માર્ગે ચાલી રહ્યું છે, જે માસ્ટરજી અને તેમના પછી તેમના કેટલાક સાથીઓએ શરૂ કર્યું.
આ માસ્ટર ગુલામ હૈદરની જ અદ્ભુત કામગીરી છે કે તેમણે એક ફિલ્મી ગીતને નિમ્નલિખિત વર્ગોમાં વિભાજિત કર્યાં. સામાન્ય રીતે એક ફિલ્મી ગીતની શરૂઆત મ્યુઝિક ઇન્ટ્રોડક્શનથી થશે, પછી ગીતની અસ્થાઈ એટલે કે મુખડું ગવાશે. ગીતના મુખડા દરમિયાન (બારપીસ) એ ગીતને સાજ-શણગાર કરશે અને તેના પછી અને અંતરાની પહેલાં ‘ઇન્ટરવલ પીસ’ આવશે.
ડૉક્ટર ગુલામ હૈદર સંગીતકાર કઈ રીતે બન્યા?
પરવેઝ હૈદરે જણાવ્યું કે ગુલામ હૈદરનો જન્મ 1906માં સિંધના હૈદરાબાદ શહેરમાં થયો હતો. તેમને બાળપણથી જ સંગીતમાં રસ હતો, પરંતુ તેમણે ડેન્ટિસ્ટનો અભ્યાસ કર્યો અને પોતાની ડેન્ટલ ક્લિનિક પણ શરૂ કરી. પછી એક દિવસ એવું થયું કે તેમના સમયના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને પંચોલી સ્ટુડિયોના માલિક શેઠ દિલસુખ પંચોલી તેમની પાસે દાંતની સારવાર માટે આવ્યા. વાતચીત દરમિયાન શેઠ પંચોલીએ કહ્યું કે તેમને તેમની ફિલ્મ માટે એક મ્યુઝિક ડાયરેક્ટરની જરૂર છે.
પરવેઝ હૈદરે જણાવ્યું કે ડૉક્ટર ગુલામ હૈદરે એ જ સમયે ક્લિનિકમાં જ હાર્મોનિયમ ખોલ્યું અને શેઠ પંચોલીને ઘણી ધૂનો સંભળાવી. ત્યાંથી પિતાજીની સંગીત કરિયર શરૂ થઈ અને તેમને પંચોલી સ્ટુડિયોમાં સંગીત વિભાગના પ્રમુખ બનાવી દેવાયા.
મહાન સંગીતકારની ઉપાધિ
ઇમેજ સ્રોત, Haraish Behamani
લાહોર પછી માસ્ટર ગુલામ હૈદરે કલકત્તા અને મુંબઈની મુખ્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લેબૅક સંગીતના ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તે માટે તેમને તેમના સમયના ‘મહાન સંગીતકાર’ તરીકે સ્વીકારાયા.
માસ્ટરજીની પહેલાં ઉસ્તાદ ઝંડેઅલીખાનને અખંડ ભારતમાં પ્લેબૅક સંગીતના પ્રથમ પ્રામાણિક અને પ્રસિદ્ધ સંગીતકાર માનવામાં આવે છે. ઉસ્તાદ ઝંડેઅલીખાન પ્રસિદ્ધ સંગીતકાર નૌશાદના ઉસ્તાદ હતા. આ એ જ નૌશાદ છે, જેમને માસ્ટર ગુલામ હૈદર પછી મહાન સંગીતકારનું સન્માન મળ્યું. જ્યારે પાકિસ્તાનમાં ખ્વાજા ખુર્શીદ અનવરને તેમના સમકક્ષ કહીને પાકિસ્તાનના મહાન સંગીતકારની ઉપાધિ આપવામાં આવી.
માસ્ટર ગુલામ હૈદર તેમના સમયના સૌથી વધુ ફી લેનાર સંગીતકાર પણ હતા. વર્ષ 1945માં ફિલ્મ નિર્માતા અને ડાયરેક્ટર મહબૂબની ફિલ્મ ‘હુમાયૂં’ માટે તેમને એ સમયે એક લાખ રૂપિયા મળ્યા, જે એક રેકૉર્ડ છે. આ એ સમય હતો જ્યારે એક મ્યુઝિક ડાયરેક્ટરની ફી 10 હજાર રૂપિયાથી વધુ નહોતી.
તેમની પહેલાં મ્યુઝિક ડાયરેક્ટર માટે સામાન્ય રીતે ‘પીટી માસ્ટર’ શબ્દનો પ્રયોગ થતો હતો. પરંતુ માસ્ટર ગુલામ હૈદરનું નામ અખંડ ભારતની ફિલ્મોનાં પોસ્ટર્સ પર મ્યુઝિક ડાયરેક્ટર તરીકે લખવામાં આવ્યું.
ઇમેજ સ્રોત, Tahir Sarwar Mir
તેમની પ્રસિદ્ધ ફિલ્મોમાં ‘સ્વર્ગ કી સીઢી’, ‘મજનૂં’, ‘ગુલ બકાવલી’, ‘યમલા જટ’, ‘ખજાંચી’, ‘ચૌધરી’, ‘ખાનદાન’, ‘હુમાયૂં’, ‘શમા’, ‘મહેંદી’, ‘મઝધાર’, ‘મજબૂર’, ‘શહીદ’, ‘ચલ ચલ રે નૌજવાન’, ‘કનીઝ’, ‘શાહિદા’, ‘બેકરાર’, ‘અકેલી’, ‘ભીગી પલકેં’ અને ‘ગુલનાર’નો સમાવેશ થાય છે. વર્ષ 1953માં ‘ગુલનાર’ પ્રકાશિત કરવામાં આવી અને એ જ વર્ષે માત્ર 45 વર્ષની ઉંમરે માસ્ટરસાહેબનું અવસાન થઈ ગયું.
લતા મંગેશકરે બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે એ દિવસોમાં જ્યારે માસ્ટર ગુલામ હૈદર બીમાર હતા, ત્યારે તેઓ દરરોજ નૂરજહાંને નિયમિત રીતે ફોન કરીને માસ્ટરજીના સ્વાસ્થ્યની માહિતી મેળવતાં હતાં.
“નૂરજહાં દ્વારા મને માસ્ટર ગુલામ હૈદરની તબિયતના સમાચાર મળતા હતા. આની પહેલાં હું અને નૂરજહાં ફોન પર જ ફરી ક્યારે વાત કરીશું તેનો દિવસ નક્કી કરી લેતાં હતાં. નૂરજહાં પાકિસ્તાનના મહાન સંગીતકારો અને ગાયકોને પણ પોતાના ઘરે લઈ આવતાં અને તેમની સાથે વાત થતી રહેતી હતી.”
“એ જ દિવસોમાં ખબર પડી કે માસ્ટર ગુલામ હૈદરને કૅન્સર થઈ ગયું છે. મેં નૂરજહાંને કહ્યું કે એક વાર માસ્ટરજી સાથે મારી વાત કરાવે. જ્યારે તેઓ નૂરજહાંના ઘરે આવ્યા ત્યારે મેં માસ્ટરજીને વિનંતી કરી કે એક વાર તમે ભારત આવી જાઓ, જેથી અમે તમારી બીમારી વિશે ‘સેકન્ડ ઓપિનિયન’ લઈ શકીએ, પરંતુ તેઓ ન આવ્યા. પછી એવા દુઃખદ સમાચાર મળ્યા કે 9 નવેમ્બર 1953એ માસ્ટર ગુલામ હૈદરનું નિધન થઈ ગયું છે.”
લતાજીએ કહ્યું કે, “માસ્ટર ગુલામ હૈદર એક મહાન કલાકાર હતા. મારી પહેલાં તેઓ નૂરજહાં જેવી ગાયિકાના પણ ઉસ્તાદ હતા અને તેઓ જ શમશાદબેગમને પણ લઈ આવ્યા હતા. દુઃખ એ વાતનું છે કે તેઓ આ દુનિયામાં થોડા સમય માટે આવ્યા; પરંતુ તેમનાં કામ અને નામ આજે પણ અમારાં દિલ અને દિમાગની સાથે ઇતિહાસના સેલ્યુલૉઇડ પર જીવતાં છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



