Home તાજા સમાચાર gujrati ગુજરાત : હિન્દુ સ્ટડીઝનો કોર્સ ચાર વર્ષમાં જ કેમ ‘બંધ થવાને આરે’...

ગુજરાત : હિન્દુ સ્ટડીઝનો કોર્સ ચાર વર્ષમાં જ કેમ ‘બંધ થવાને આરે’ આવી ગયો?

24
0

Source : BBC NEWS

મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા, હિન્દુ ધર્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hardik

વડોદરાની પ્રખ્યાત એમએસ યુનિવર્સિટીમાં ચાર વર્ષ પહેલા શરૂ થયેલો હિન્દુ સ્ટડીઝનો કોર્સ વિવાદમાં સપડાયો છે. કોર્સ ચલાવવા માટેના ભંડોળને લઈને સવાલો ઊઠી રહ્યા છે અને એવા આરોપો છે કે છેલ્લા છ મહિનાઓથી પ્રોફેસરોને પગાર નથી મળ્યો.

જોકે, આ બાબતે એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીનાં ડીન કલ્પના ગવલીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, પ્રોફેસરોના પગાર જેવી સમસ્યાઓમાં હાલમાં જ ‘ઉકેલાઈ ગઈ’ છે.

ભારતમાં ધાર્મિક શિક્ષણને લઈને કોઈ પ્રયત્ન થવો કોઈ નવી વાત નથી, પણ અનેક પ્રચાર-પ્રયત્નો પછી પણ ધાર્મિક શિક્ષણ માટે શરૂ થયેલા કોર્સમાં વિદ્યાર્થીઓ ન મળવા એમએસ યુનિવર્સિટીના આર્ટસ વિભાગને વિવાદોમાં ઘેરે છે.

નવી શિક્ષણ નીતિ અંતર્ગત શરૂ 2022-23માં એમએસ યુનિવર્સિટીમાં હિન્દુ ધર્મના અભ્યાસ અર્થે હિન્દુ સ્ટડીઝનો કોર્સ શરૂ થયો હતો.

જોકે, આ કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને લઈને કોર્સના અસ્તિત્વ સામે પણ સવાલો થઈ રહ્યા છે.

આ કોર્સ વિવાદમાં કેમ છે?

મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા, હિન્દુ ધર્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hardik

તાજેતરમાં આ કોર્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વિરોધ વ્યક્ત કર્યો હતો કે આ કોર્સ બંધ થશે તો તેમનું ભણતર અધવચ્ચે અટકી જશે.

વિદ્યાર્થીઓ દ્વારા તેવી ફરિયાદો થઈ રહી છે કે, યુનિવર્સિટી ‘મૅનેજમૅન્ટની યોગ્ય દરકાર અને આયોજનના અભાવે’ આ કોર્સ માત્ર ચાર જ વર્ષમાં બંધ થવાના આરે આવી પહોંચ્યો છે.

હાલમાં કોર્સની સ્થિતિ એ છે કે કોર્સમાં કુલ મળીને ડઝન વિદ્યાર્થીઓ પણ નથી રહ્યા.

એમએસ યુનિવર્સિટીના હિન્દુ સ્ટડીઝના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થિની મુસ્કાનગીરી જણાવે છે, “પ્રથમ વર્ષમાં આઠ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો કે મારું માથું ફરી ગયું હતું કે, મેં સાયકૉલૉજી છોડીને આ હિન્દુ સ્ટડીઝના કોર્સમાં ઍડમિશન લીધું.”

આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ભારે ચિંતિત બન્યા છે.

વિદ્યાર્થીઓને ડર છે કે આ કોર્સ બંધ ન થઈ જાય. તેમના મતે હિન્દુ સ્ટડીઝના નામે કોર્સ તો શરૂ કરી દીધો છે, પરંતુ તેને ચલાવવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.

હિન્દુ સ્ટડીઝ સેન્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિની મહેક જણાવે છે, “અમે લોકોએ જ્યારે ઍડમિશન લીધું ત્યારે 25 વિદ્યાર્થીઓ હતા. તે આ કોર્સ શરૂ થયેની બીજી જ બેચ હતી. સમય જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી ગઈ તેનું કારણ મૅનેજમૅન્ટ છે.”

હિન્દુ સ્ટડીઝનાં 72 વર્ષીય વિદ્યાર્થિની કલા જોશીપુરા જણાવે છે, “આ કોર્સની ઍડમિશન પ્રક્રિયા સરળ નથી. વેબસાઇટ હેંગ થતી રહે છે.”

મુસ્કાનગીરી દુઃખ વ્યક્ત કરતાં જણાવે છે, આવા કોર્સ શરૂ કર્યા પછી તેના પર ધ્યાન આપવું પણ જરૂરી છે.

તેઓ કહે છે, “પહેલા વર્ષમાં હતી ત્યારે મને થતું હતું કે, આ કોર્સ થકી ખૂબ જાણવા મળશે.”

એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી વીરેન્દ્રસિંહ ચૌહાણ જણાવે છે, “હિન્દુ સંસ્કૃતિના કોર્સ બંધ થવા તરફ જઈ રહ્યા હોય તો તે સંસ્થા માટે શરમજનક બાબત છે.

વીરેન્દ્રસિંહ જણાવે છે, “ફ્રેંચ, જર્મન, રશિયન ભાષાના કોર્સ જો ખૂબ સારી રીતે ચાલતા હોય તો માત્ર હિન્દુ સ્ટડીઝનો જ કોર્સ ચલાવવામાં કેમ તકલીફ પડી રહી છે?”

તેમનું કહેવું છે તે એચપીપી (હાયર પેમેન્ટ પ્રોગ્રામ) અંતર્ગત આવે છે તે બદલીને રેગ્યુલર કોર્સમાં સામેલ કરાવવામાં આવે તેમજ તેની ફી પણ ઓછી કરવી જોઈએ.

હિન્દુ સ્ટડીઝ કોર્સ શું છે?

મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા, હિન્દુ ધર્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hardik

કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિના ભાગરૂપે વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ સ્ટડીઝનો બીએ ઑનર્સ કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો.

એમએસ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકાયેલી માહિતી અનુસાર, આ હાયર પેમેન્ટ પ્રોગ્રામ છે. તેમાં કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓ, જેમણે ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે, તેવા કોઈ પણ ઉમેદવાર અરજી કરી શકે છે.

પ્રવેશ સંપૂર્ણપણે મેરિટના આધારે આપવામાં આવે છે.

વેબસાઇટ અનુસાર, આ કોર્સમાં ફૉર્મ અને પ્રવેશ પરીક્ષાની ફી રૂ. 300 છે, જ્યારે પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષની વાર્ષિક ફી દરેક વર્ષ માટે રૂ. 14,000 છે.

આ ત્રણ વર્ષનો ગ્રૅજ્યુએશન પ્રોગ્રામ કુલ છ સેમેસ્ટરમાં વહેંચાયેલો છે. જેમાં હિન્દુ તત્ત્વ-વિમર્શ, હિન્દુ દર્શન, યોગશાસ્ત્ર, પ્રમાણ સિદ્ધાંત, ઉપનિષદ અને વેદોનો પરિચય જેવી બાબતોનો સમાવેશ થાય છે.

એમએસ યુનિવર્સિટીની વેબસાઇટ અનુસાર, તેના અભ્યાસક્રમમાં રામાયણ, મહાભારત, પુરાણો, ભગવદ ગીતા, ભક્તિ આંદોલન તેમજ શૈવ, વૈષ્ણવ અને શક્તિ સાથે આ કોર્સમાં હિન્દુ મનોવિજ્ઞાન, આયુર્વેદ, અર્થશાસ્ત્ર (રાજ્યવ્યવસ્થા), નાટ્યશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને સ્થાપત્ય જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે.

જોકે, આ અભ્યાસક્રમ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસી દ્વારા ભલામણ કરાયેલ અભ્યાસક્રમ પર આધારિત છે. તેમાં ઇન્ટર્નશિપ પ્રોગ્રામ જેવી બાબતોનો પણ ઉલ્લેખ છે.

‘વિદ્યાર્થીઓ માટે પાયાની સુવિધાઓનો પણ અભાવ’

મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા, હિન્દુ ધર્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hardik

વિદ્યાર્થીઓનો દાવો છે કે આ કોર્સના વિદ્યાર્થીઓને ભણવા માટે યુનિવર્સિટી દ્વારા કોઈ યોગ્ય ક્લાસરૂમ પણ ફાળવવામાં આવ્યો નથી, જેના કારણે વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે અન્ય ફેકલ્ટીઓમાં આમતેમ ભટકવું પડે છે.

મુસ્કાન જણાવે છે, “મૅનેજમૅન્ટે આ કોર્સને બચાવવા માટેની કોઈ દરકાર કરી નથી. અમારે લેક્ચરમાં હાજરી આપવા બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય આવવું પડે છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે ક્યારેક વિદ્યાર્થીઓને બહાર ખુલ્લી જગ્યામાં કે ઝાડ નીચે બેસીને ભણવા માટે મજબૂર થવું પડે છે. એટલું જ નહીં, વિનામૂલ્યે ભણાવતા અધ્યાપકોને બેસવા માટે કોઈ અલગ અધ્યાપક રૂમની પણ વ્યવસ્થા નથી.”

કલા જોશીપુરા કહે છે, “હિન્દુ સ્ટડીઝનો કોઈ સ્ટાફરૂમ જ નથી.”

તેઓ કહે છે કે ક્યારેક ક્લાસરૂમ ન હોવાથી જે ક્લાસ ખાલી હોય ત્યાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. ક્યારેક ક્યારેક તેઓ ઘાસમાં બેસીને પણ ભણે છે.

મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા, હિન્દુ ધર્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, hardik

આ મામલે અમે એમએસ યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીનાં ડીન કલ્પના ગવલીનો સંપર્ક કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, “હિન્દુ અધ્યયન કેન્દ્ર જેનો આરંભ એમએસ યુનિવર્સિટીમાં વર્ષ 2022-23માં થયો હતો. સમયાંતરે તેમાં ઍડમિશનની સંખ્યા ઓછી થઈ રહી છે અને તેમજ સંખ્યા જાળવવામાં મુશ્કેલી પડી હતી.”

વિદ્યાર્થીઓની સ્ટ્રેન્થ બાબતે ગવલીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, “હાયર પેમેન્ટ પ્રોગ્રામ હોવાથી આ કોર્સમાં સ્ટ્રેન્થ બાબતે થોડી તકલીફ રહેતી હોય છે. 2022માં જ્યારે આ પ્રોગ્રામ શરૂ થયો ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 30 હતી. જે ઘટીને હાલ 10 વિદ્યાર્થીઓ છે.”

આમ સમય જતાં ઍડમિશનની સંખ્યા ઘટી છે.

ગવલી કહે છે, “હું આ વર્ષે ફરી પ્રયત્ન કરીશ કે વધુને વધુ વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ મેળવે. આ કેન્દ્ર હાયર પેમેન્ટ સેન્ટર છે, જે ત્રણ વર્ષ ચલાવવાનું હોય છે, તેમાં સંખ્યા ન થાવા જેવી સમસ્યાઓ આવતી હોય છે. કોર્સનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરીશું, જેથી વિદ્યાર્થીઓની સંખ્યા વધે. અધ્યાપકોને સમયસર પગાર મળે તેવી વ્યવસ્થા ટૂંક સમયમાં કરવામાં આવશે.”

આ કોર્સમાં કોઈ પ્લેસમેન્ટ છે?

ડીન કલ્પના ગવલીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “આ કોર્સ થકી ટેમ્પલ મૅનેજમૅન્ટમાં જોબ મળી શકે છે, તેમજ વિદ્યાર્થીઓને સંસ્કૃત મહાવિદ્યાલયો તેમજ ગુરુકુળોમાં પણ કામ મળી શકે છે.”

તેઓએ કહ્યું હતું કે, “અમે ઇન્ટર્નશિપ માટે બરોડાની ગુરુકુળમાં વિદ્યાર્થીઓને મોકલ્યા છે.”

આ ઉપરાંત આ કોર્સના અધ્યાપકોના પગાર ન મળવો જેવાં કારણોને લઈને પણ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થિની મહેક જણાવે છે, “પ્રોફેસરને સરખો પગાર પણ નથી મળી રહ્યો.”

વિદ્યાર્થિની મુસ્કાનગીરી કહે છે, “આ કોર્સમાં ગયા વર્ષે બે પ્રોફેસરો સાત વિષયો ભણાવતા હતા. આ વર્ષે ચાર પ્રોફેસર છે, પણ તેમને છ મહિનાથી તેમને પગાર નથી મળી રહ્યો. જો પગાર ન મળે તો આ કોર્સ કેટલો ટકશે? આ ખરેખર શરમજનક બાબત છે.”

વિદ્યાર્થિની કલા જોશીપુરા જણાવે છે, “પગાર ન મળવાથી અધ્યાપકો તકલીફમાં છે. આ કોર્સ શરૂ બંધ થવાની અણિ પર છે ત્યારે, તેનાં કારણો વિશે તપાસ થવી જોઈએ.”

આ બાબતને લઈને બીબીસીએ ડીન કલ્પના ગવલીને પૂછ્યું તો તેમણે કહ્યું છે કે, “અધ્યાપકોના પગારની સમસ્યા અમારા દ્વારા હાલ પૂરતી નિવારી દેવામાં આવી છે.”

બીબીસીએ આ કોર્સ ભણાવતા અધ્યાપકો સાથે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે આ બાબતે વાત કરી ન હતી. જ્યારે તેઓ વાત કરશે તો આ અહેવાલમાં સામેલ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS