Home તાજા સમાચાર gujrati ગુજરાત સહિત આખા દેશમાં વકફ પાસે ક્યાં અને કેટલી સંપત્તિ છે?

ગુજરાત સહિત આખા દેશમાં વકફ પાસે ક્યાં અને કેટલી સંપત્તિ છે?

5
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, વકફ બોર્ડ, સુપ્રીમ કોર્ટ, ન્યાયતંત્ર, ભાજપ સરકાર, ભારતની સંસદ, લોકસભા, રાજ્યસભા, મુસ્લિમ ધર્મ

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
  • પદ, બીબીસી, સંવાદદાતા, લખનૌ
  • 4 એપ્રિલ 2025, 21:02 IST

    અપડેટેડ એક કલાક પહેલા

લોકસભા પછી હવે રાજ્યસભામાં પણ વકફ સુધારા બિલ પાસ થઈ ગયું છે. આ બિલનું નામ છે, યુનાઇટેડ વકફ મૅનેજમૅન્ટ ઍમ્પાવરમેન્ટ એફિશિયન્સી ઍન્ડ ડેવલપમૅન્ટ ઍક્ટ 1995.

નવું બિલ 1995ના વકફ ઍક્ટમાં સુધારા કરવા માટે લાવવામાં આવ્યું છે.

નવા બિલની જોગવાઈઓ અનુસાર એવી વ્યક્તિ જ દાન કરી શકે છે જેણે સતત પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કર્યું હોય અને દાન કરવામાં આવતી સંપત્તિનો માલિકી હક ધરાવતા હોય. નવા બિલમાં સર્વેનો અધિકાર વકફ કમિશનરની જગ્યાએ કલેક્ટરને આપવામાં આવ્યો છે.

સરકારના કબજા હેઠળની વકફ સંપત્તિના વિવાદમાં કલેક્ટરનો નિર્ણય અસરકારક ગણવામાં આવશે. આ બિલ અનુસાર વકફ ટ્રિબ્યૂનલના નિર્ણયને અંતિમ માનવામાં નહીં આવે.

વકફ મામલે પ્રતિભાવ કેવા છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, વકફ બોર્ડ, સુપ્રીમ કોર્ટ, ન્યાયતંત્ર, ભાજપ સરકાર, ભારતની સંસદ, લોકસભા, રાજ્યસભા, મુસ્લિમ ધર્મ

ઇમેજ સ્રોત, Getty Images

આ બિલમાંની બધી જોગવાઈ પર મુસ્લિમ સંગઠનો અને વિપક્ષનો વાંધો હોવા છતાં આ સુધારા બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. વિપક્ષે આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “આ બંધારણ પર હુમલો છે. આજે મુસલમાન નિશાન પર છે, કાલે બીજો કોઈ સમાજ નિશાન પર આવી શકે.”

જોકે, ઘણાં મુસ્લિમ સંગઠનો આ નવા સુધારા કાયદાને પડકારવાની રણનીતિ બનાવી રહ્યા છે.

વકફ સુધારા બિલ પર સુપ્રીમ કોર્ટના વકીલ ફુઝૈલ અહમદ અય્યુબીનું કહેવું છે કે, “વકફની જમીન સરકારની નથી. બલકે, તે દાન કરાયેલી જમીન છે. જે લોકોએ પોતાની ખુદની સંપત્તિમાંથી કરી હતી. પરંતુ સરકાર એવું દેખાડી રહી છે, જાણે વકફે સરકારી જમીન પર કબજો કરી લીધો છે.”

લોકસભામાં આ બિલ પરની ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આરોપ કરતાં કહેલું કે, “મને લાગે છે કે, કાં તો નિર્દોષભાવે અથવા તો રાજકીય કારણોથી સભ્યોના મનમાં ખૂબ બધી ગેરસમજો પણ છે અને તેને ફેલાવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે.”

“કેટલાક લોકો એવી આફવા ફેલાવી રહ્યા છે કે, આ ઍક્ટથી મુસ્લિમ સમુદાયના ધાર્મિક અધિકારો અને તેમની સંપત્તિઓમાં દખલ કરવામાં આવશે. તે સદંતર ખોટું છે અને માત્ર અલ્પસંખ્યકોને ડરાવવાની એક ચાલ છે, જેથી તેમનો વોટ બૅંક તરીકે ઉપયોગ કરી શકાય.”

વકફની પાસે કેટલી જમીન છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, વકફ બોર્ડ, સુપ્રીમ કોર્ટ, ન્યાયતંત્ર, ભાજપ સરકાર, ભારતની સંસદ, લોકસભા, રાજ્યસભા, મુસ્લિમ ધર્મ

સરકારી આંકડા અનુસાર વકફની પાસે લગભગ 9.4 લાખ એકર જમીન છે.

જો તેની સરખામણી સુરક્ષા મંત્રાલય અને રેલવે સાથે કરવામાં આવે, તો જમીનની બાબતમાં વકફ ભારતમાં ત્રીજા નંબરે છે.

સુરક્ષા મંત્રાલય પાસે 17.94 લાખ એકર જમીન છે, જ્યારે રેલવેની પાસે લગભગ 12 લાખ એકર જમીન છે.

યુપીએ સરકારે 2009માં વામસી પોર્ટલ બનાવ્યું હતું. આ પોર્ટલ વકફની સંપત્તિના ડેટાબેઝનું કામ કરે છે. સરકાર અનુસાર વકફની પાસે 9.4 લાખ એકર જમીન છે.

આટલી જમીનનું ક્ષેત્રફળ કેટલાંક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતાં પણ વધારે છે. ગોવાનું કુલ ક્ષેત્રફળ 9.14 લાખ એકર (3,702 વર્ગ કિમી) છે.

પાટનગર દિલ્હીનો કુલ વિસ્તાર 3.66 લાખ એકર (1,484 વર્ગ કિમી) છે.

જ્યારે કેન્દ્રશાસિત દાદરા-નગરહવેલી 1.21 લાખ એકરમાં વિસ્તરેલું છે, તો ચંડીગઢનો વિસ્તાર લગભગ 28,000 એકર છે.

શિયા ધર્મગુરુ કલ્બે જવ્વાદ અનુસાર, વકફની સંપત્તિ કોઈની વ્યક્તિગત સંપત્તિ નથી.

તેઓ સવાલ કરે છે કે, આ વાત બીજી કોઈ જગ્યાએ લાગુ કેમ નથી થતી?

તેઓ કહે છે, “ઘણાં મંદિરોમાં સોનાના ભંડાર છે. જો આ સોનું રિઝર્વ બૅન્કમાં જાય તો ડૉલરની કિંમત રૂપિયા જેટલી થઈ જશે. શું સરકાર આ પ્રકારનું કામ કરી શકે છે?”

કયા રાજ્યમાં વકફની કેટલી સંપત્તિ છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, વકફ બોર્ડ, સુપ્રીમ કોર્ટ, ન્યાયતંત્ર, ભાજપ સરકાર, ભારતની સંસદ, લોકસભા, રાજ્યસભા, મુસ્લિમ ધર્મ

વામસી પોર્ટલ અનુસાર, વકફની 8,72,324 અચલ સંપત્તિઓની ઓળખ કરવામાં આવી હતી અને ચલ સંપત્તિ 16,713 હતી. તેમાંની 97 ટકા સંપત્તિઓ ફક્ત 15 રાજ્યોમાં છે.

વામસી પોર્ટલ અનુસાર, 58,890 પર દબાણ છે, જ્યારે 4,36,179 વિશે સાઇટ પર કશી માહિતી ઉપલબ્ધ નથી. જ્યારે 13,000 સંપત્તિઓ મુદ્દે કેસ ચાલી રહ્યા છે.

આ પોર્ટલ અનુસાર, વકફની કુલ સંપત્તિઓમાં ફક્ત 39 ટકા સંપત્તિઓ જ વિવાદ વગરની છે.

દિલ્હીમાં લગભગ 123 વકફ સંપત્તિને કેન્દ્ર સરકારે પોતાના હસ્તક લઈ લીધી હતી, જે યુપીએ સરકારે વકફને પાછી સોંપી હતી. તેની માલિકી બાબતનો વિવાદ ચાલુ છે.

9 ફેબ્રુઆરી 2022માં અલ્પસંખ્યક મંત્રાલયના આંકડા અનુસાર, ઉત્તર પ્રદેશમાં વકફની લગભગ 2,15,000 સંપત્તિઓ હતી. જ્યારે પશ્ચિમ બંગાળમાં લગભગ 80,480, આંધ્ર પ્રદેશમાં 10,708, ગુજરાતમાં 30,881 સંપત્તિઓ વકફની છે. બિહારમાં તેની લગભગ 8,600 સંપત્તિઓ છે.

જોકે, 2025માં આ આંકડા વધી ગયા છે. એકલા ઉત્તર પ્રદેશમાં હવે વકફની 2,32,000 સંપત્તિઓ છે.

ઉપલબ્ધ આંકડા અનુસાર, વકફની સૌથી વધુ સંપત્તિ કબ્રસ્તાનના નામે નોંધાયેલી છે, જે અંદાજે 1.5 લાખ છે. જ્યારે 1.19 લાખ મસ્જિદના નામે છે.

ઇમામવાડા કે આશૂરખાનાના નામે 17,000 અને મદરેસાના નામે 14,000 સંપત્તિઓ છે. અંદાજે 34,000 મજાર અને દરગાહ છે.

વ્યાવસાયિક મહત્ત્વ ધરાવતી લગભગ 1,13,000 સંપત્તિ અને 92,000 મકાન છે; જ્યારે લગભગ 1,40,000 સંપત્તિઓ ખેતીલાયક જમીન છે.

વકફની જમીનો બાબતે ગૃહમંત્રી અમિત શાહે કહેલું, “1913થી 2013 સુધીમાં વકફ બોર્ડની કુલ જમીન 18 લાખ એકર હતી, જેમાં 2013થી 2025 દરમિયાન 21 લાખ એકર જમીનનો ઉમેરો થયો.”

“આ 39 લાખ એકર જમીનમાંની 21 લાખ એકર જમીન 2013 પછીની છે. ભાડે આપેલી સંપત્તિઓ 20 હજાર હતી, પરંતુ, રેકૉર્ડ પ્રમાણે 2025માં આ સંપત્તિઓ શૂન્ય થઈ ગઈ છે. એ સંપત્તિઓ વેચી નાખવામાં આવી.”

વકફ શું છે?

વકફ એક્ટમાં બે પ્રકારની સંપત્તિનો ઉલ્લેખ છે. પહેલો વકફ અલ્લાહના નામે થાય છે, એટલે કે એવી મિલકતો (સંપત્તિ) જેને અલ્લાહને સમર્પિત કરી દેવામાં આવી છે અને જેનો કશો વારસાઈ હક બાકી ન રહ્યો હોય.

બીજો વકફ અલલ ઔલાદ છે; એટલે કે, એવી વકફ સંપત્તિ જેની દેખરેખ વારસો કરશે.

આ બીજા પ્રકારના વકફ વિષયમાં નવા બિલમાં જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં મહિલાઓનો વારસાઈ અધિકાર સમાપ્ત ન થવો જોઈએ.

એવી દાન કરેલી સંપત્તિ જો એક વાર વકફના ખાતામાં આવી ગઈ, તો જિલ્લાના કલેક્ટર વિધવા મહિલાઓ અથવા અનાથ બાળકોના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરી શકશે.

વકફ કોઈ પણ ચલ કે અચલ સંપત્તિ હોય છે, જેને કોઈ પણ વ્યક્તિ—જે ઇસ્લામમાં માને છે—અલ્લાહના નામથી કે ધાર્મિક હેતુસર કે પરોપકારના ઉદ્દેશથી દાન કરે છે.

આ સંપત્તિ ભલાઈના હેતુથી સમાજની થઈ જાય છે અને અલ્લાહ સિવાય કોઈ તેના માલિક નથી હોતા અને ન થઈ શકે.

વકફ વેલ્ફેર ફોરમના ચૅરમૅન જાવેદ અહમદ કહે છે કે, “વકફ એક અરબી શબ્દ છે, જેનો અર્થ રોકાવું થાય છે. જ્યારે કોઈ સંપત્તિ અલ્લાહના નામે વકફ કરી દેવાય છે, ત્યારે તે હંમેશ માટે અલ્લાહના નામે થઈ જાય છે. પછી તેમાં કશો ફેરફાર નથી થઈ શકતો.”

ભારતની સુપ્રીમ કોર્ટે પણ જાન્યુઆરી 1998માં આપેલા પોતાના એક ચુકાદામાં કહેલું કે, ‘જે સંપત્તિ એક વાર વકફ થઈ જાય છે, તે હંમેશાં વકફ જ રહે છે’.

વકફ સંપત્તિનું ખરીદ-વેચાણ નથી કરી શકાતું અને તે કોઈને હસ્તાંતરિત પણ નથી કરી શકાતી.

આ બિલના સમર્થનમાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું, “આ સુધારાના માધ્યમથી કેન્દ્ર સરકાર વકફ બોર્ડની સંપત્તિની બાબતમાં થતા મનસ્વીપણાને અટકાવશે. તેનાથી જમીન માફિયાઓ સાથે મળીને વકફની સંપત્તિને વેચવાના કે લીઝ પર આપવાના બિઝનેસ પર અંકુશ આવશે.”

જોકે, બુધવારે લોકસભામાં આ બિલ પરની ચર્ચા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ.

કૉંગ્રેસ, એસપી, ટીએમસી સહિત ઇન્ડિયા ગઠબંધનનાં દળોએ આ બિલનો વિરોધ કર્યો; જ્યારે ભાજપનાં સહયોગી દળો જેડીયુ અને ટીડીપીએ આ બિલનું સમર્થન કર્યું.

વકફ સુધારા બિલ લોકસભામાં રજૂ કરતાં કિરેન રિજિજુએ કહેલું કે, સરકાર મસ્જિદોના વ્યવસ્થાપન કે ધાર્મિક પ્રવૃત્તિમાં કશી દખલ નહીં કરે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS